માનવતા
માનવતા


રાહુલ સવારે 8 કલાકની આસપાસ પોતાની કાર લઈને ઓફિસે જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં લોકોનું ટોળું વળેલ હતું, આથી રાહુલે પોતાની કાર રસ્તાની એકતરફ ઉભી રાખી, અને પેલાં ટોળાને ચીરતાં- ચીરતાં આગળ વધ્યો, તેને જોયું તો એક વૃદ્ધ વ્યક્તિ તરફડીયા મારી રહ્યો હતો, જેનો થોડા સમય પહેલાં અકસ્માત થયો હોય તેવું લાગી રહ્યું હતું. આથી રાહુલ થોડું આગળ વધીને એ વૃદ્ધ વ્યક્તિ વધારે નજીક ગયો, જેને જોઈને રાહુલ મનમાં કંઈક વિચારવા લાગ્યો. રાહુલે એક નજર ઉંચી કરીને જોયું તો આ સમાજનાં શિક્ષિત અને હોશિયાર લોકો આ વૃદ્ધ વ્યકિતનાં ફોટા પાડવામાં અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતાં.
આથી રાહુલે સમય બગડ્યા વગર પોતાની કાર લઈને આવ્યો, અને એ વૃદ્ધને કારની પાછળની સીટ પર સુવડાવીને ઝડપથી નજીકની હોસ્પિટલે લઈ ગયો, ત્યાં તેને સારી એવી તાત્કાલિક સારવાર મળવાથી તેનો જીવ બચી ગયો.
ત્યારબાદ રાહુલને હોસ્પિટલનાં કાઉન્ટર પાસે અમુક ફોર્મ ભરાવવા માટે બોલાવ્યો, ત્યાં બેસેલ લેડી રીસેપ્શન
િસ્ટએ પૂછ્યું.
"સર ! એ વૃદ્ધ વ્યક્તિ સાથે તમારે શું સંબધ છે...? એટલે કે એ તમારા શું સગા થાય...?"
"મારે એ વૃદ્ધ વ્યક્તિ સાથે માનવતાનાં સંબધ છે. એ વૃદ્ધ એવાં વ્યક્તિનો ઘણાં વર્ષોથી મારા પર એક ઉપકાર રહેલ હતો. જે મેં આજે ચૂકવી દીધો છે. અને હું ઋણ મુક્ત બની ગયો છું...!" - આટલું બોલી રાહુલ હોસ્પિટલનું બિલ ચૂકવી હોસ્પિટલની બહાર જવાં આગળ વધ્યો.
"સાહેબ ! પણ તેમ એ વૃદ્ધ વ્યક્તિને એકવાર મળીને તો જાવ...!" - તે રાહુલની સામે જોઇને બોલી.
"ના ! એ વૃદ્ધ વ્યક્તિને હું ઘણાં સમયથી ઓળખું છું. એ કોઈનો ઉપકાર પોતાની માથે રાખતાં નથી. આથી એ પૂછે તો તેને જણાવજો કે તમારી માનવતા અને તમે સાચવેલા કે બનાવેલા સંબધોને લીધે તમે આજે હેમખેમ બચી ગયાં છો...અને મેં તેનાં પરિવારને આ ઘટનાની જાણ કરી દીધેલ છે અને થોડીવારમાં એનાં પોતાનાં સગા - સબંધીઓ આવી જશે...!" - રાહુલ પોતાની આંખોમાં રહેલાં આંસુઓ લૂછતાં - લૂછતાં હોસ્પિટલની બહાર નીકળી ગયો.