માના આશિષ
માના આશિષ
આજે તમે રાજ્યના પોલીસ વડા તરીકે પદભાર સંભાળ્યો છે. અખબારોમાં તમારા નામે અનેક લેખ લખાયા છે. તમને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં છે એની નોંધ પણ અખબારોમાં છે. ચોતરફ તમારા પર પ્રશંસાના પુષ્પો વરસી રહ્યાં છે, વિશ્વનાથ દેસાઈ. તમે પણ કારકિર્દીના આ મુકામ પર પહોંચીને ખુશ છો. કોણ ખુશ ન હોય, જીવનમમાં જે જોઈએ એ તમને મળ્યું છે, સર.
આજે એક ટી. વી. ચેનલ પર તમારી મુલાકાત પણ પ્રસિદ્ધ થવાની છે. એ બાબતે તમારી દીકરીની ઉંમરની ટી. વી. ચેનલની પત્રકાર મોહિની તમારી રૂબરૂ મુલાકાત લઈ રહી છે. બીજા સામાન્ય પ્રશ્નોની ચર્ચા બાદ પત્રકાર મોહિનીનો પ્રશ્ન છે:
'સર, તમારા જીવનની સૌથી યાદગાર ક્ષણ કઈ ?'
તમે થોડીવાર રહીને કહ્યું: 'મારી મમ્મીએ મને એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરવા બદલ કહ્યું હતું દીકરા મને તારા પર ગર્વ છે, તું એક દિવસ મોટો માણસ બનીશ એ મારા જીવનની યાદગાર ક્ષણ.'
હા,વિશ્વનાથ દેસાઈ, આજ શબ્દો છે તમારા જીવનની યાદગાર ક્ષણ. એક ધર્મનિષ્ઠ મધ્યમ વર્ગીય જીવન જીવતાં પરિવારમાં તમારો જન્મ. તમારા પિતાજી રેલ્વેમાં કારકૂનની નોકરી કરતાં. કર્મનિષ્ઠ પિતાજીની કર્મઠતા અને પ્રમાણિકતાના કારણે એમની વારંવાર બદલી થતી. એના કારણે સતત વાતાવરણના બદલાવની તમારા પર અસર પડેલી.
તમે ભણવામાં પહેલેથી જ પાછળ હતાં. ગણિતને અને તમારે છત્રીસનો આંકડો હતો. દરેક ધોરણમાં તમે શિક્ષકને મુકવાના થતાં કૃપાગુણને લીધે જ પાસ થતાં. તમારા પિતાજી એ બાબતે તમને ખૂબ ઠપકો આપતાં. શિક્ષકોને પણ તેઓ તમને શિખવાડવા ભલામણ કરતાં, પણ ગણિતને અને તમારે ન બનતું. ગણિત વગરની તમારી ગાડી નવમા ધોરણ સુધી તો ચાલી પરંતુ દસમામાં આવીને અટકી. એસ.એસ. સી.ની પરીક્ષામાં ગણિતમાં છ ગુણ. તમારા પપ્પાએ કહેલું 'મારા જેમ રેલ્વે પણ તને નોકરી નહી આપે, ટી.ટી. પણ નહી બની શકે. વાત પણ સાચી બીજી વખત પરીક્ષા આપી, દસ ગુણ. ત્રીજી આપી,સત્તર ગુણ. તમારા પિતાજીએ નકકી કરી નાંખેલું કે મજૂરી સિવાય આ છોકરો કંઈ નહી કરી શકે. મજૂરી કરી શકે તો પણ ઘણું.
તમે ચોથી વખત પરીક્ષામાં બેઠાં,ચમત્કાર ગણો તો ચમત્કાર,તમે પાસ થઈ ગયાં. હાશ ! તમે પરિણામ લઈને ઘરે ગયાં, પપ્પા તો તૈયાર હતાંજ, તમે પરિણામ પત્રક એમને આપ્યું. એમણે કહ્યું 'એમાં જોવાનું કંઈ ન હોય, નાપાસજ હોઈશ. હવે ભણવાના બદલે મજૂરીએ જવા માંડ. 'તમે કહ્યું 'પાસ થઈ ગયો આ વખતે' ત્યાં તો રસોડામાંથી દોડતાં આવીને તમારા મમ્મીએ તમને ચૂમી લીધેલાં,સર.
કામ કરી કરીને થાકી ગયેલાં એમના બરછટ હાથ તમારા માથા પર ફેરવતાં બોલ્યાં 'મને મારા દીકરાં પર ગર્વ છે, એ એક દિવસ જરૂર મોટો માણસ બનશે.' ચાર ચાર પ્રયત્ને પાસ થનારને કોઈ માજ આવા આશીષ આપી શકે, બીજા પાસે આવા હકારાત્મક અભિગમની અપેક્ષાજ ન રાખી શકાય. તમારા પપ્પાએ કહેલું 'રેલ્વેમાં ચપરાસી બને તોય સારું' પરંતુ તમારી મમ્મીના એ શબ્દોએ તમારા પર જાદુઈ અસર કરેલી. તમે એ જ ક્ષણે મમ્મીના શબ્દોને સાચા પાડવાનો નિર્ધાર કરી લીધો.
તમે આર્ટસ સાથે ભણવાનુ શરૂ કર્યુ. અગિયારમા અને બારમા ધોરણમાં સખત મહેનત કરી તમે ૭૫ ટકા સાથે બારમું ધોરણ પાસ કર્યુ. અંગ્રેજી વિષય સાથે કોલેજમાં પણ પ્રવેશ મેળવી લીધો. કોલેજની સાથે સાથે તમે ટી.ટી.ની પરીક્ષા માટે તૈયારી કરી. બીજા પ્રયત્ને તમે ટી. ટી. બની ગયાં. ટી. ટી.નોઓર્ડર લઈને તમે સીધા ઘરે ગયેલાં અને તમારા પપ્પાને જણાવેલું કે 'તમારી રેલવેએ મને ટી. ટી.ની નોકરી આપી દીધી.' મધ્યમવર્ગીય જીવન જીવવા ટેવાયેલા તમારાં પિતા માટે એટલુંય કાફી હતું. એ રાજી થયેલાં અને સંતોષ વ્યકત કરેલો. પણ તમને સંતોષ ન હતો તમારે તમારી મમ્મીના શબ્દો સાચા સાબિત કરવાના હતાં. ટી.ટી.ની નોકરીની સાથે સાથે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. રેલવેમાં તમારી ટી. ટી.ની ફરજ સાથે સાથે સમય મળે ત્યારે તમે વાંચવાનું શરૂ કર્યું. રાત-દિવસ જોયા વગર તમે મહેનત ચાલુ રાખી. તમારો દિવસ સવારે સાડા ચારે ઉગતો અને રાતે સાડા અગિયારે આથમતો.
રેલવેમાં અપ-ડાઉન કરતાં અનેયુપીએસસીની તૈયારી કરતાં એક મેડમ સાથે તમારો પરિચય થયેલો. એ તમને પુસ્તકો આપતાં,માર્ગદર્શન કરતાં. એમનો પરિચય તમારાં માટે આશીર્વાદ રૂપ નીવડ્યો. તમે અને તમને મદદરુપ થયેલાં મેડમ યુપીએસસીની પરીક્ષામાં ત્રીજા પ્રયત્ને પાસ થયાં અને તમને બંનેને તમારાજ રાજ્યની કેડર મળી ગઈ. એક અસાધારણ ધટના તમારા જેવા સાધારણ માણસ સાથે બની. તમે તમારી મમ્મીના શબ્દોને સાર્થક કર્યા. હવે તમે આઈ. પી. એસ. વિશ્વનાથ દેસાઈ બની ગયાં. તમને મદદ કરનાર મહિલા પણ આઇ.પી.એસ.જ થયેલાં.
યુપીએસસીની પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ રહેલા તમને બંનેને જિદંગી વિશે વિચારવાનો હવે સમય મળ્યો. તમે બંનેએ જિદંગી સાથે વિતાવાનું નકકી કર્યું. તમે હવે મી. એન્ડ મીસીસ આઇ. પી. એસ. બન્યાં. ત્યારથી કરીને આજદિન સુધી તમે પાછું વળીને કયારેય જોયું નથી. જીવનમાં ઘણી એવી ક્ષણો આવી છે જે તમને યાદ છે. એ પછી અંગત જીવનની હોય કે જાહેર જીવનની. પરંતુ તમારી મમ્મીએ જે ક્ષણે એ શબ્દો કહેલાં
'મને મારા દીકરાં પર ગર્વ છે,એ એક દિવસ જરૂર મોટો માણસ બનશે. ' એ ક્ષણ જેવી કોઈ યાદગાર ક્ષણ નથી આવી. એ ક્ષણે જ તમને બીજી અનેક યાદગાર ક્ષણો આપી છે.
ઑલ ધ બેસ્ટ સર ફોર યોર ન્યુ એસાઈનમેન્ટ.