મા
મા
અસહ્ય પ્રસૂતિની પીડા ભોગવ્યા બાદ પોતાના શરીરમાથી સર્જન થયેલો પોતાનો જ અંશ હાથમા લેતી વખતે અનુરાધાને જે પ્રકારની અનુભૂતિ થઈ હતી એ એના અત્યાર સુધીના એના જીવનની સૌથી શ્રેષ્ઠ અને યાદગાર અનુભૂતિ હતી. એક મા બન્યાની અનુભૂતિ ! એને લાગ્યું જાણે જીવનમા હવે એને બધું જ મળી ગયું હતું. એને પોતાનું જીવન સાર્થક થઈ ગયું હોય એવો અનુભવ થતો.
પોતાની રૂડીરૂપાળી પરી જેવી પુત્રીને હાથમા લઈને એ હંમેશા મનમા ગીત ગાતી રહેતી, 'મેરે ઘર આઈ એક નહની પરી......!" અને એ પરી જેવી પોતાની પુત્રીનુંનામ પણ એને પરી જ રાખ્યું. પરીના જન્મ પછી એક સમયની પોતાની સ્વતંત્ર ઓળખ ધરાવતી ખૂબ જ મહત્વાકાંક્ષી સ્ત્રી અનુરાધાએ પોતાની જોબ છોડી દીધી અને એનું સંપૂર્ણ ધ્યાન પરીના ઉછેરમા કેન્દ્રિત કરી દીધું. એ હંમેશા પરીની જરૂરતો પૂરી કરવામા રચેલી રહેતી. ધીરે-ધીરે પરી મોટી થવા લાગી. અનુરાધા એને ઢીંગલીની જેમ તૈયાર કરતી, એને સ્કૂલ મોકલતી, ભણવામા મદદ કરતી, એને અનુકૂળ આવે એવું જાતજાતનું ભોજન બનાવીને ખવડાવતી, એના જન્મદિવસ ધામધૂમથી ઉજવતી, એના સ્કૂલના પ્રોજેક્ટ માટે એને મદદ કરતી તમે બહાર ફરવા લઈ જતી અને એના બધા જ શોખ પૂરા કરતી. બસ પરીની ખુશી, એ જ એના જીવનનું એક માત્ર લક્ષ્ય બની ગયો હતો.
પરીની દેખરેખ કરવામા વ્યસ્ત થઈ ગયેલા જીવનમાં વચ્ચે ક્યારેક ક્યારેક અનુરાધાની અંદર રહેલી એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી મહત્વકાંક્ષી સ્ત્રી બહાર ડોકિયાં કરતી અને એનું વજૂદ શોધવા માટે એને ફરી ફરીને બોલાવતી. અને એવા સમયે એની અંદર રહેલી મહત્વકાંક્ષી સ્ત્રી અને એક મા વચ્ચે ઘર્ષણ થતું અને એમા આખરે એમા એક માની જીત થતી..પરીને એની જરૂર છે, એ એક વિચાર માત્ર જ એની અંદર રહેલી એ મહત્વકાંક્ષી સ્ત્રી સામે દલીલ કરવા માટે પૂરતો હતો. અને ઉબરો ઓળંગીને ઘરની બહાર જતાં પહેલાં જ એના પગ બંધાઈ જતા.
ધીરે-ધીરે પરી મોટી થઈ અને કોલેજમા આવી ગઈ. પરંતુ અનુરાધા માટે તો એ હજીનાનકડી ઢીંગલી જ હતી. એ ઢીંગલી જે અરીસા સામે ઉભી રહીને જાત જાતના નખરા કરતી. ક્યાંક બહાર જવું હોય તો અનુરાધા પોતાના શોખ બાજુ પર મૂકીને પરીના શોખ પુરા કરવામા પરોવાઈ જતી.
આજે સવારથી જ અનુરાધા એક લગ્નપ્રસંગમા પરી સાથે બહાર જવાની હતી, માટે બધી તૈયારીઓમાં ખૂબ જ વ્યસ્ત હતી. પોતાની ઢીંગલીને સરસ રીતે તૈયાર કરવાની હોશમા એ પોતે ફટાફટ તૈયાર થવા માડી. એણે કબાટમાથી થોડા સમય પહેલા ખરીદેલી સાડી કાઢી અને ફટાફટ પહેરી લીધી અને માથામા અંબોલી વાળી અને એમા જૂની ચાંદીની ક્લિપ લગાવીને તૈયાર થઈ ગઈ. એણે પોતાના કબાટમાથી ફટાફટ એના લગ્ન સમયનો એકનાનો સેટ કાઢીને પહેરી લીધો અને પછી થોડો મેકઅપ કરીને અરીસામા જોયું. અરીસામા જોતા જોતા એ પરીની પ્રતીક્ષા કરવા માડી. એને થયું કે હમેશ મુજબ પરી આવીને એના અને અરીસા વચ્ચે ઉભી રહી જશે અને કહેશે કે પહેલા મને તૈયાર કર. એ વિચાર સાથે અનુરાધાના ચહેરા પર સ્મિત આવી ગયું.
અને ત્યાં જ તો પાછળથી એક ચહેરો દેખાયો, પરીનો ચહેરો. આજે એ ચહેરો, અનુરાધા અને અરીસા મા દેખાતા એના પ્રતિબિંબની વચ્ચેના આવ્યો પણ એણે માત્ર પાછળથી ડોકિયું કર્યું.અનુરાધાને અરીસામા પોતાની પાછળ ઉભેલી પરીનો ચહેરો દેખાયો અને એ દંગ રહી ગઈ. એ તરત જ પાછળ ફરી ગઈ અને જોયું તો પરી એકદમ ટીપટોપ તૈયાર થઈને એની સામે ઉભી હતી. એકદમ લેટેસ્ટ ઢબના કપડા, હેર સ્ટાઈલ અને પ્રસંગ પ્રમાણે શોભે એવી જ્વેલરી અને મેકઅપમાં તૈયાર થયેલી પરીને જોઈને દંગ રહી ગયેલો અનુરાધાનો ચહેરો સામે ઉભેલી વ્યક્તિ મા પોતાની ઢીંગલી પરીને શોધી રહ્યો હતો. એ કંઈ વધુ વિચારે કે બોલે એ પહેલા તો પરી બોલી ઉઠી,"અરે મોમ, આ શું જુના જમાનાની હિરોઈન જેવી તૈયાર થઈને ઉભી છે. મને ખબર જ હતી કે તારો જીવ મને મદદ કરવામા હશે એટલે તું આમ જે હાથમા આવે એ પહેરીને ફટાફટ તૈયાર થઈ જઈશ. મારી વહાલી મમ્મીને હું એના કરતાં પણ વધુ ઓળખું છું." કહીને હસતા હસતા એણે પોતાના હાથમા રહેલા લેટેસ્ટ ફેશનના કપડા અનુરાધાના હાથમા આપ્યા અને બોલી,"ચાલ હવે આજે હું કહું તેમ તારે તૈયાર થવાનું છે માટે ફટાફટ સાડી બદલીને આ ડ્રેસ પહેરી લે."
પરીના આગ્રહને માન આપીને અનુરાધાએ પોતે પહેરેલી સાડી બદલીને લેટેસ્ટ ફેશનનો ડ્રેસ પહેરી લીધો. પછી પરી એ કહ્યું કે "મોમ જેવી રીતે નાનપણમા તું મને આંખ બંધ કરાવીને તૈયાર કરતી હતી અને પછી હું તૈયાર થઈ જાઉં પછી મને અરીસા સામે ઉભી રાખીને' સરપ્રાઈઝ' બોલતી હતી એ જ રીતે આજે હું તને તૈયાર કરીશ. એટલે એક પણ શબ્દ બોલ્યા વગર તું તારી આંખો બંધ કરીને બેસી જા. અનુરાધા કંઈ બોલે એ પહેલાં તો પરી એ એને બેસાડી દીધી અને એની આંખો બંધ કરી દીધી. એના માથામાથી ચાંદીની ક્લિપ કાઢીને વાળમા બાંધેલો અંબોડો છોડીનાખ્યો અને પછી પોતાની પાસે રહેલા હેર સ્ટ્રેટ મશીનથી અનુરાધાના વાળ સેટ કરી આપ્યા. એકદમ ઝડપભેર અને છતાં પણ ચીવટપૂર્વક અનુરાધા પર કામ કરી રહેલી પરી એ અનુરાધા એ પહેરેલી જ્વેલરી કાઢી અને પોતે એના માટે પસંદ કરેલી લેટેસ્ટ ફેશન જ્વેલરી પહેરાવી દીધી અને પછી અનુરાધા એ કરેલા મેકઅપ પર પોતાની રીતે થોડો ફેરફાર કરી દીધો. અને પછી એના પગમા ઊંચી એડીના સેન્ડલ પહેરાવીને એને અરીસા સામે ઊભી કરી દીધી.
એણે અનુરાધાની પોતાની આંખો ખોલવા માટે કહ્યું. પોતાને અરીસામા જોવા માટે તલપાપડ થઈ ગયેલી અનુરાધાએ જેવી પોતાની આંખો ખોલી અને અરીસામા જોયું , એ પોતાને જોતી જ રહી ગઈ. તેને થયું કે એ પોતાની સામે અરીસામા કોના પ્રતિબિંબને જોઈ રહી હતી. એકદમ મોડર્ન લુક ધરાવતી સ્ત્રીના ચહેરામાં વર્ષો પહેલાની એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી મહત્વકાંક્ષી સ્ત્રી દેખાતી જે હંમેશા બહાર આવવા માટે વલખા મારતી રહી. અનુરાધા એની સામે જોતી જ રહી. આજે એને ખયાલ આવ્યો કે એની પુત્રી પરી હવે મોટી થઈ ગઈ હતી અને પોતાની માની અંદર રહેલી એ બીજી સ્ત્રી વિશે એ જાણતી હતી અને એને ફરી એકવાર બહાર કાઢવામા કદાચ એ સફળ થઇ ગઇ હતી.
અને બસ ત્યારથી બંને મા-દીકરીના સુંદર સંબંધ એ એક નવો વળાંક લીધો. વર્ષો સુધી અનુરાધા એ કરેલી પરીની માવજત અને સંસ્કારોનું સિંચન આજે રંગ લાવી હતી. . એક પુત્રીના રૂપમા એને એની કાળજી રાખતી એની મા પાછી મળી ગઈ હતી અને જેની સાથે એ બધી જ સુખ દુખની વાતો કરી શકે એવી બહેનપણી મળી ગઈ હતી. એની દીકરી હવે મોટી થઈ ગઈ હતી એ વિચારી થી અનુરાધાની આંખો નમ થઈ ગઈ અને એની આંખોના આંસુ જોઇને પરી બોલી ઉઠી," મોમ, હવે રડીશ તો તારો મેકઅપ ખરાબ થઈ જશે." અને બંને ખડખડાટ હસી પડ્યા.
