Kantilal Hemani

Inspirational

4.0  

Kantilal Hemani

Inspirational

લક્ષ્મી

લક્ષ્મી

3 mins
156


ગામના લોકો એને અલગ અલગ નામથી ઓળખતા, એનું સાચું નામ તો રાઘવભાઈ હતું. મોટા ભાગના લોકો જ્યારે એ નજર સામે ન હોય ત્યારે :'રાઘલો' કહીને બોલાવતા. 

લગભગ ત્રણ કરતાં વધારે લોકો ભેગા થયા અને કોઈ ગામની વાત નીકળે ત્યારે રઘલાનું નામ તો લોકો અચૂક લે જ. આ રઘલાના ખેતરની વાડેથી કોઈ સૂકું નાનું લાકડું પણ ક્યારેય ન લે. પગદંડી રસ્તામાં જો રાઘલો ક્યારેય સામે મળી જાય તો લોકો નીચી નજર કરીને રસ્તાની ધાર ઉપર ઉભા રહીને રાઘલને જગ્યા આપી દે.

રઘલો દૂધ ભરાવવા ડેરીએ આવ્યો હોય તો ગમે તેટલી લાંબી લાઇન હોય એને ક્યારેય લાઈનમાં ઉભા નહિ રહેવાનું તરત જ દૂધ ભરાવીને એના ખેતર ભણી ચાલી નીકળવાનું. અત્યાર સુધીમાં ગામના કોઈએ એને ઝઘડો કરતાં જોયો ન હતો પણ એનો દેખાવ અને ચાલ એવી હતી કોઈ એની સામે માથાકૂટ કરવાનો પ્રયાસ ન કરતું. ના છૂટકે કોઈ વાત કરવી પડે તો જેમ બને એમ ટૂંકી વાતમાં લોકો પતાવતા.

એકવાર રાઘલો નિશાળ આગળથી પસાર થયો હતો, કેટલાક નજરે જોનારા લોકોને એમ લાગ્યું કે રાઘલો એક કડવી નજર નિશાળ તરફ ફેંકીને ચાલ્યો હતો. કોઈને કારણ સમજાયું ન હતું પણ લોકોએ અને નિશાળના ગુરુજીઓએ સતત બે-ત્રણ દિવસ રઘલા વિશેની વાતો અને ચિંતા કરી હતી.જોકે અઠવાડિયું થઈ ગયા સુધીમાં રઘલાએ નિશાળનું નામ ન લીધું એટલે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

એક વખત ગામના પાદરે બે આખલા  ભયંકર લડાઈ કરી રહ્યા હતા, એ સમયે રઘલાએ એની લાકડી વગર ફક્ત એક હાકલો કર્યો તો પણ બન્ને લડાઈ પડતી મૂકીને વિરોધ દિશામાં દોડી ગયા હતા.

એક સવારે રઘલો દૂધ ભરાવવા ડેરીએ આવ્યો. જેવો દૂધ ભરાવીને બહાર આવ્યો કે સામેના ભાગની દીવાલ પર બે હસતાં બાળકોનો ફોટો હતો અને એક પેન્સિલનું ચિત્ર હતું. રઘલાએ આ પોસ્ટરને ધ્યાનથી જોયું પણ એને આમાં લાંબી ખબર પડી. 

રઘલાની જોરદાર હાક સાંભળીને દૂધ ભરનાર છોકરો  લિટરીયાને કેન ઉપર પછાડીને દોડતો બહાર આવ્યો. : 'બોલો બાપુ કેમ બોલાવ્યો ?'

'હેં અલ્યા આ ફોટો શેનો છે ?'

છોકરાએ ધીરજથી જવાબ આપ્યો કે બાપુ એતો આવતા અઠવાડિયામાં આપણાં ગામનાં છોકરાંઓને નિશાળે ભણવા માટે બેસડવાનાં છે ને એટલે સાહેબ અહીં ચોંટાડી ગયા છે. મનમાં ગાંઠ વાળી ને રાઘલો ઉતાવળો- ઉતાવળો એના ઘેર જતો રહ્યો.

એક અઠવાડિયા પછી ગામના લોકોએ એક અલગ જ દ્રશ્ય જોયું કે રઘલો અને એની પત્ની સાથે શાળા તરફ જઈ રહ્યો છે. એના હાથમાં મોટી સ્ટીલની થાળી છે. જેમાં નાળિયેર, કંકુ, ચોખા અને ચોકલેટની એક થેલી છે. રઘલો પોતે અળવાણા પગે અને ધીરી ચાલે ચાલી રહ્યો છે. એની પાછળ એની પત્ની પાંચ વર્ષની લાડકી દીકરીની આંગળી પકડીને ચાલે છે.

આવું ક્યારેય ન જોયેલું ઝુલુસ પહોંચ્યું શાળામાં. રઘલો શાળામાં આવ્યો છે એ સમાચાર જેણે જેણે સાંભળ્યા એ લોકો અવાચક બની ગયા. આચાર્ય સહિત બધા શિક્ષકો ભેગા થઈ ગયા.

રઘલો થાળી ટેબલ પર મૂકીને હાથ જોડીને ઉભો હતો. "સાહેબ આ મારી દીકરી લક્ષ્મી એને મારે ભણવા માટે બેસાડવી છે, ગયા અઠવાડિયે હું થરાદ ગયો હતો, એસટીના બોડ પૂછી - પૂછીને થાકી ગયો.આપણી એસટીજ ન મળે. એ દિવસે મને ખબર પડી સાહેબ કે"આંધળું અને અભણ બેય એક જેવાં"

એમાં સાહેબ તમે દૂધ ડેરી આગળ તમે હસતી દીકરીનો ફોટો ચોંટાડયો એ જોઈને તો મેં નક્કી કર્યું કે હું મારી 'લક્ષ્મી' ને ભણાવીશ.

રઘલાનું આ પરિવર્તન જોઈને આચાર્ય ફૂલ જેવી નાની દીકરી ને જોઈને બોલી ઉઠ્યા:તું સાચે જ લક્ષ્મી.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational