લે ચિયાં ખા
લે ચિયાં ખા


" લે ચિયાં ખા "
" લે ચિયાં ખા. લે ચિયાં ખા ને!
નાની મીનુ આંગણામાં તડકે નાખેલી જુવારની ચકલાંને મિજબાની આપતી હતી. ચકલીઓનું ચીં ચીં સાંભળી તાળી પાડતી મીનુનો અવાજ સાંભળી દાદી બહાર દોડીને આવ્યાં.
“હાય હાય! અરે ,આ છોકરી તો ઘર લુંટાવી દેશે ! અરે ગંગા આને લઈ જા તો! દીકરીની જાતને વળી આટલી ફટવાય જ નહીં. જેમ ફાવે એમ રમે છે તે જરા દાબમાં રાખતી જા.”
સાસુનો બરાડો સાંભળીને ગંગા દોડીને બહાર આવી. મીનુને કાંખમાં દબાવીને અંદર રુમમાં લઈ ગઈ. મીનુ કકળાટ કરતી રહી. સસરાજી પરસાળમાંથી આ દ્રશ્ય નિહાળે. હવે સસરા પ્રયાગરાજ પ્રગો બની ભુતકાળમાં અટવાયા.
તેમની નજર સમક્ષ બાળપણ તરવરી ઉઠ્યું ને એ બાળક બની ગયા. આમ જ નિર્દોષ તોફાન-મસ્તી કરતાં ભાઈ-બહેન નજર સમક્ષ તરવર્યાં. સાંજે સસરાજીને સાસુમાને કહેતા સાંભળ્યા,
"આજ તો મીનુમાં મારું બાળપણ માણ્યું. મારી મા કહેતી, આ પ્રગો ચકલાંને રોજ મિજબાનીએ તેડે છે. ભેળો બે બેનકીઓનેય મુઠ્ઠીમાં ચણ આપીને ઉડાડાવે છે. શું દીકરી ને દીકરો હેં! બાળપણ એટલે બાળપણ."
સાસુ બે પળ સ્થિર થઈ ગયાં. ગંગાને દીકરાને બદલે ત્રીજી દીકરી હોવામાં એનો અને આ માસુમ મીનુડીનો શું વાંક! એ રાતે અત્યાર સુધી ભેગી થયેલી બધી કડવાશ પસ્તાવારુપે ઓગળતી રહી.
બીજે દિવસે ગંગા અને પ્રયાગરાજે એક અનોખું દ્રશ્ય જોયું.
દાદી-પૌત્રી મસ્તીથી જુવારની લ્હાણી કરતાં હતાં. દાદીના ખોળામાં કદાચ મીનુ પહેલી વાર લાડથી બેઠી હતી.