Rahul Makwana

Tragedy Crime

4  

Rahul Makwana

Tragedy Crime

લાંચ

લાંચ

9 mins
642


(વાત સમાજનાં એક દુષણની)


  “ નાવ, આઈ એમ રિક્વેસ્ટિંગ ટુ મી.અભિમન્યુ પ્લીજ કમ ઓન ધ સ્ટેજ એન્ડ ગીવ પ્રાઈઝ ટુ સ્ટુડન્ટ વુ એચિવ ફર્સ્ટ રેન્ક ઇન બોર્ડ એક્ઝામીનેશન”

સ્ટેજ પરથી આટલુ બોલાતા આખું ઓડિટોરિયમ તાલીઓના ગળગળાટ સાથે ગુંજી ઉઠ્યું, અને મી.અભિમન્યુએ બોર્ડની એક્ઝામાં ફર્સ્ટ રેન્ક મેળવનાર વિદ્યાર્થીને ઇનામ આપી તેનું સન્માન કર્યું અને ભવિષ્યમાં વધુ સફળતા મળે તે માટે શુભેચ્છા પાઠવી અને ઉત્તરોત્તર આવી પ્રગતિ કરે તે માટે બેસ્ટ લક વિશ કર્યું. મિ. અભિમન્યુનાં હસ્તક ઇનામ મેળવવું એ કોઈ સામાન્ય બાબત ના ગણાય,તેના હસ્તે ઇનામ મળવું એ ખુબજ ગર્વની લાગણી અનુભવવા જેવું જ હોય છે.

મિ. અભિમન્યુ એ ખૂબ જ અમીર હતાં અને પોતાના શહેરમાં આઇ.એ.એસની એક્ઝામ સફળતાપૂર્વક પાસ કરીને તેણે સિટી કલેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતાં. અભિમન્યુને શહેરમાં સૌ કોઈ માનસન્માન આપતું હતું,કારણ કે તેણે શહેરમાં ઘણાં બઘી સ્કૂલ, કોલેજ, બસ સ્ટેશન, બગીચા અને મોલનું નિર્માણ કરાવ્યું હતું.

અભિમન્યુ આ શહેરમાં પોતાનો એક બંગલો ધરાવતા હતાં, જે બંગલો કોઈ આલિશાન હોટલથી કમ ન હતો, વિશાળ જમીનમાં પથરાયેલ તેનો બંગલો જોતા એવું લાગે કે કોઈ ગંધર્વ મહેલના સાક્ષાત દર્શન થઇ ગયાં હોય તેવું, વિશાળ પ્રવેશદ્વાર તેની બાજુમાં 24 કલાક તૈનાત સિક્યુરિટી ગાર્ડ, મહેલની આગળની જ તરફ એક વિશાળ બગીચો, અને બીગીચાની શોભામાં વધારો કરતો એક પાણીનો હોજ અને તેમાં વચ્ચે તથા ફરતે આવેલ ફુવારા માનો કે કોઈ સ્વર્ગની અનુભૂતિ કરાવતું હોય તેવુ લાગી રહ્યું હતું.રાત્રિ દરમિયાન આ બંગલાને જોવો એક આહલાદક અનુભવ કરાવતું હતું, રાતનાં સમયે આ બંગલો જોતા એવું લાગે કે જાણે બંગલાની નિર્જીવ દીવાલોમાં જીવ આવી ગયો હોય તેવી રીતે રોશનીથી ઝળહળ કરતું દીપી રહ્યુ હતુ.

અભિમન્યુ પોતાનાં આ વિશાળ અને આલિશાન બંગલામાં પોતાના પરિવાર સાથે રહી રહ્યા હતાં, તેના પરિવારજનોમા પોતાની એક સુંદર ધર્મપત્ની અને એક રાજકુમાર જેવા એક પૂત્ર સાથે રહી રહ્યા હતાં.  અભિમન્યુની પત્નીનું નામ સંગીતા હતું, અને તેઓએ આજથી 10 વર્ષ અગાવ લવ મેરેજ કરેલા હતાં, બંને પોતાના કોલેજના સમયથી જ એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતાં અને ગ્રેજ્યુએશન પૂર્ણ થતાની સાથે જ બનેવનાં પરિવારજનોની સહમતીથી લગ્ન કર્યા હતાં.

સંગીતાનું વ્યક્તિત્વ એટલું બધું આકર્ષિત લાગતું હતું કે જાણે કોઈ સ્વર્ગની અપ્સરા આ પૃથ્વીપર આવી હોય એવું લાગી રહ્યું હતું, ભારતીય સંસ્કૃતિની પરંપરા અને પ્રથાને અનુરૂપ તેનો સંપૂર્ણ ભારતીય પોશાક કે જે એક ભારતીય નારીને શોભે તેવા હતાં. એકદમ શાંત સ્વભાવ અને એની વાણીમાં એક અલગ પ્રકારની મીઠાશ હતી અને અભિમન્યુની સાથે પોતાના જીવન ના દરેક ચડાવ - ઉતારમાં હરહંમેશ ખડે પગે ઉભી રહેતી હતી. જે તેનું એક આદર્શ ભારતીય પત્ની હોવાનું ચાડી ખાતું હતું.

અભિમન્યુના પુત્રનું નામ હતું રાહુલ જેનો તેનાં માતા-પિતાએ ખૂબ જ પ્રેમપૂર્વક ઉછેર કર્યો હતો અને પોતે ભણવામાંમાં પણ ખૂબ જ હોશિયાર હતો, તેના વૈભવ વિલાસમાં કોઈપણ વસ્તુની ઉણપ હતી નહીં. તે દૂધ માંગે તો ખીર હાજર થાય તેવી અમીરી તેના પરિવારમાં હતી,પરંતુ આટલા પ્રેમથી ઉછેર થવાને લીધે રાહુલ થોડોક જીદ્દી સ્વભાવનો હતો.

***

અભિમન્યુ પોતે દરરોજ સવારે 9:30 કલાકે દરરોજ લાલ લાઈટ અને સાઇરન વાળી ગાડીમાં શહેરની કલેક્ટર ઓફિસે પહોંચી જવાનું તેનું દરરોજનું શેડ્યુલ હતું અને પોતાના આખા દિવસનું કાર્ય અને વિવિધ પ્રકારની મિટિંગો,કાર્યક્રમ પતાવી સાંજના 6 વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવી જતા હતાં, આમતો અભિમન્યુ પોતાની ફરજ વ્યવસ્થિત બજાવતા હતા પરંતુ તેનામાં એક ખરાબ વસ્તુ હતી. એ હતી તેની લાંચ લેવાની ટેવ.

અભિમન્યુએ શહેરમાં ઘણાં બધાં બિલ્ડીંગ, મોલ, સ્કૂલો, કોલેજ,બસસ્ટેશન, બગીચાઓ વગેરેનું નિર્માણ કર્યુ હતું એમાં કોઈ શંકાને સ્થાન હતું જ નહીં પરંતુ આ બધાજ નિર્માણમાં અભિમન્યુ પોતાનો એક ભાગ લાંચ સ્વરૂપે લેતા હતા અને પોતાની રકમ નક્કી થાય બાદ જ પોતે વિવિધ ફાઈલમાં પરમિશન માટેની સહી કરતા હતાં પછીજ તે વિવિધ પ્રકારના નિર્માણ શક્ય બનતું હતું.

***

એકદિવસ સાંજના 6 વાગ્યા છતાં પણ અભિમન્યુ પોતાના ઘરે પાછા ફર્યા હતા નહીં આથી થોડીક ચિંતાને લીધે સંગીતાએ અભિમન્યુ ને ફોન કર્ય

“હેલો ! અભિમન્યુ”

“હા ! બોલ સંગીતા”

“આજે આવવામાં મોડું થાશે ?”

“હા ! મારે અત્યારે એક અગત્યની મિટિંગ ચાલે છે જે થોડીવારમાં પૂરી થાશે પછી હું ઘરે આવી જઈશ”

“ઓકે ! વાંધો નહીં આતો થોડું મોડું થયું એટલે મને ચિંતા થવા લાગી આથી મેં કોલ કર્યો”- થોડી ચિંતાવશ થઈને સંગીતાએ કહ્યું.

“ઓકે ! ચિંતા ના કર હું આવી જઇશ થોડીવારમાં”

“ઓકે ! બાય”

“હા ! બાય”

આટલું બોલીને અભિમન્યુએ કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો. અભિમન્યુની આજે તેના કઝીન ભાઈ ગૌરાંગ સાથે એક મિટિંગ હતી. ગૌરાંગ એ પોતાના શહેરનો એક નામાંકિત કન્સ્ટ્રકટર હતો, જે અભિમન્યુ સાથે મળીને વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન શહેરમાં કર્યો હતાં,જેમાં અભિમન્યુ નો ચોક્કસ રકમ અગાવથી જ નક્કી કરવામાં આવતી હતી.

“ભાઈ ! આ શહેરમાં મને એક ઓવરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે જે આપણા શહેરનાં સેલિબ્રેશન મોલની આસપાસ વધુ ટ્રાફિકની સમસ્યાને લીધે મંજુર કરવામાં આવ્યો છે”

“ઓકે ! તો આ કાર્ય ક્યાં અટક્યું છે ?”

“ભાઈ ! તમે પરમિશમ માટે એક સહી કરી દયો એટલે આ કાર્ય થઈ ગયું સમજો”

“ઓકે ! હું સહી તો કરી દઈશ પરંતુ મને આમાં કેટલા રૂપિયા મળશે ?”

“ભાઈ ! આમાં તમને પુરા એક કરોડ રૂપિયા મળશે”

“તો બરાબર છે ! લાવ ક્યાં મારે સહી કરવાની છે ?”

અભિમન્યુને આ ઓવરબ્રિજનાં નિર્માણમાં સારી એવી કમાણી થવાની હતી એટલે તેણે રાજીખુશી થી હસતા-હસતા સહી કરી દીધી. ગૌરાંગ અભિમન્યુની સામે કંઇક કન્ફ્યુઝન હોય તેવી રીતે જોઈ રહ્યો હતો, આથી અભિમન્યુએ પૂછ્યું…

“શું થયું ગૌરાંગ ?”

“હવે શું થયું ? શાં માટે હવે તું મૂંઝાય છે?”

“ભાઈ ! એક પ્રોબ્લેમ છે “

“ શું ?” - અભિમન્યુએ નવાઈ સાથે ગૌરાંગને પૂછ્યું..

“ભાઈ ! પ્રોબ્લેમ છે, પી.ડબ્લ્યુ.ડીના નાયબ ઈજનેર જેણે આ નિર્માણકાર્ય પર સ્ટે લેવાની ધમકી આપી છે”

“તેણે આ ઓવરબ્રિજમાં વપરવામાં આવેલ ઘટકો અને તેની મજબૂતીને લઈને અગાવ પણ ઘણાં પ્રશ્નો ઊભાં કરેલ હતાં”

“ઓકે ! હું એની સાથે વાત કરું છું” આટલું બોલી અભિમન્યુએ પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને પી.ડબ્લ્યુ.ડીના નાયબ ઈજનેરને કોલ કર્યો અને પોતાનો સ્ટે હટાવવા માટે સમજાવ્યું અને તેને આમ કરવા માટે મોટી રકમ પણ ઓફર કરી અને નાયબ ઈજનેર પણ એવુ કરવા માટે તૈયાર થઈ ગયાં.

સાત મહિનામાં તો પેલો ઓવરબ્રિજ સંપૂર્ણપણે નિર્માણ પામી ચુક્યો હતો જેની નીચેની તરફ ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે વિશાળ પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું હતું અને તેના ઉદઘાટન સમારોહ ગોઠવવામાં આવ્યો અને તે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મિ.અભિમન્યુને આમંત્રિત કરવામાં આવેલ હતાં. અગાવનાં નિયત સમય મુજબ ઓવરબ્રિજ નું લોકાર્પણ કાર્ય અભિમન્યુની હાજરીમાં સફળતા પૂર્વક સંપન્ન થયો.

આ ઓવરબ્રીજ એ આપણા દેશમાં ચાલી રહેલ લાંચ નામનાં દુષણોનું જીવતું અને જાગતું ઉદાહરણ હતું, જે ચિલ્લાય -ચિલ્લાયને આપણાં દેશમાં ચાલી રહેલ દુષણો વિશે બંડ પોકારી રહ્યું હતું પરંતુ અત્યારના સમયમાં ધ્યાનબેરા બનેલા લોકોને ધ્યાને કે કાન સુધી આ વાત પહોંચતી હતી નહિ. જે દર્શાવી રહ્યું હતું કે આ સમાજમાં કોઈને કોઈની કાંઈ પડી નથી, બસ પોતાના જ સ્વાર્થમાં બધા રચ્યા કરે છે પછી દુનિયાનું જે થવું હોય તે થાય.

***

આ બનાવના 8 મહિના બાદ દિવાળીનો તહેવાર નજીક આવ્યો, અને સામાન્ય માન્યતા મુજબ આપણે ધનતેરસના દિવસે સોનુ ખરીદતા હોઈએ છીએ. અભિમન્યુ પોતાની ફરજ પુરી કરીને ઘરે પાછા ફર્યા અને સોફા પર આરામ કરવા બેઠાં ત્યારે સંગીતા અભિમન્યુની નજીક બેઠી એટલીવારમાં નોકરાણી અભિમન્યુ માટે ચા લઈને આવી.

“અભી ! આ આવતીકાલે ધનતેરસ છે”

“હા ! મને ખબર છે તો !”

“બધાં લોકો ધનતેરસ પર સોનાની ખરીદી કરતા હોય છે”

“તો ! તારી શુ ઇચ્છા છે?”

“મારી ઈચ્છા છે કે હું પણ આ વખતે એક સોનાનો સેટની ખરીદી કરું”

“ઓય રે ! બસ આટલી બાબત કહેવા માટે આટલી બધી કેમ મૂંઝાય છે, ઓકે આપણે ચોક્કસ કાલે જઈશું. આમેય તે મારે કાલે રજા જ છે”

“ક્યાંથી લેવો છે તારે સોનાનો સેટ બોલ?”

“આપણે દરવખતે જયાંથી લઈએ છીએ ત્યાંથી જ સેલિબ્રેશન મોલની પાસે આવેલ જે.કે.જમનાદાસ જવેલર્સમાંથી”

“ઓકે ! પાક્કું કાલે આપણે ચોક્કસ જઈશું”

પછી તેઓ બધા જમીને સુઈ ગયાં પરંતુ અભિમન્યુ થોડીવાર ટીવીમાં સમાચાર જોવાનું શરૂ કરે છે અને કલાક પછી તે પણ સુઈ જાય છે.

***

બીજે દિવસે સંગીતા પોતાનું ઘરકામ પૂર્ણ કરીને તૈયાર થઈ અને રાહુલને પણ તૈયાર કરે છે. રાહુલની ખાસ ઈચ્છા હતી નહીં કારણ કે તેને આજે રજા હોવાથી આજે આખો દિવસ વિડીયોગેમ રમવાની ઈચ્છા હતી,પરંતુ પપ્પા ખિજાશે એ ડરને લીધે ઈચ્છા ના હોવો છતાં પણ રાહુલ તૈયાર થઈ ગયો પરંતુ તેણે પોતાની વિડિઓ ગેમ પોતાની સાથે જ લીધે કારણ કે રાહુલે વિચાર્યું કે પોતે રસ્તામાં મુસાફરી દરિમયાન ગેમ રમશે. કારમાં બેસતાની સાથે જ રાહુલ પોતે વિડીયોગેમ રમવાના કાર્યમાં મશગુલ થઈ ગયો.

થોડીવારમાં તેઓ સેલિબ્રેશન મોલ પાસે પહોંચી ગયા અને પેલા સોનીની દુકાન પણ તે મોલની એકદમ નજીક હતી.આથી અભિમન્યુએ નજીકમાં જ આવેલ ઓવરબ્રીજની નીચે પોતાની કાર પાર્ક કરી અને પાર્કિંગમાં રહેલ ચોકીદારે સિટી કલેક્ટર મિ.અભિમન્યુને એક સલામ ભરી.

“રાહુલ ! ચાલ બેટા આપણે હવે સોનીની દુકામમાં જવાનું છે” સંગીતા એ ખુબજ નરમાશ થી રાહુલને કહ્યું.

“મોમ ! પ્લીઝ તમે જઇ આવો ને મારુ ત્યાં શુ કામ છે?”

“સારું ! તો એવું કર પરંતુ ગાડીમાંથી નીચે ઉતરતો નહિ”

“હા ! મોમ આમેય તે હું મારી ગેમમાં લાસ્ટ સ્ટેઝમાં પહોંચી ગયો છું તમે પાછા આવશો ત્યાં સુધીમાં તો હું બધાજ લેવલ પુરા કરી દઈશ”

“ઓકે ! બેટા ટેક કેર”

“અમે થોડીવારમાં ઝડપથી પાછા આવી જઈશું”

આટલું બોલી અભિમન્યુ અને સંગીતા મોલ તરફ ચાલવા લાગ્યા અને થોડીવારમાં તેઓ સોનીની દુકાને પહોંચી ગયાં અને સંગીતાએ ઝડપથી પોતાને મનપસંદ સોનાનો સેટ ખરીદ્યો અને તેનું પેમેન્ટ કરી તેઓ પોતાની કાર તરફ ચાલવા લાગ્યા, દૂરથી તે બંનેવે રાહુલને કારમાં બેસેલો જોયો એટલે તેના જીવમાં જીવ આવ્યો. રાહુલ પોતાના માતા-પિતાને પોતાના હાથમાં રહેલ વિડીયોગેમ ઊંચી કરી કરીને કાંઈક કહેવા માંગતો હતો. સંગીતાને ખ્યાલ આવી ગયો કે કદાચ રાહુલે ગેમનાં બધાં જ લેવલ પૂર્ણ કરી નાખ્યા હશે એટલે આટલો બધો ખુશ થઈને હરખાતો હશે. પણ રાહુલને ખબર ન હતી કે તેની આ ખુશી માત્ર ક્ષણિક જ હતી. હવે જે થવાનું હતું તેનો ખ્યાલ અભિમન્યુ, સંગીતા કે રાહુલને કોઈને પણ હતો નહીં.

અભિમન્યુ અને સંગીતા રાહુલને જોઈ રહ્યાં હતાં એવામાં અચાનક જ એક પ્રચંડ ધડાકા સાથે પેલો ઓવરબ્રિજ તૂટ્યો અને સીધો જ રાહુલ જે કારમાં બેઠો હતો તે કાર પર પડ્યો, આ જોઈ અભિમન્યુ અને સંગીતા એકદમ બેબાકળા અને શૂન્યમનસ્ક થઈ ગયાં, બંનેનાં હૃદય પર કોઈ તિક્ષ્ણ હથિયાર વડે પ્રહાર કર્યો હોય તેવી વેદના થવા લાગી, સંગીતા આ બધું જોઈને ...રાહુલ….એવી એક જોરદાર બૂમ પાડીને રડવા લાગી. અભિમન્યુને શુ કરવું તેનો કાઈ ખ્યાલ આવી રહ્યો હતો નહીં, આથી તે દોડીને પેલા ઓવરબ્રિજનાં તુટેલા કાટમાળ પાસે ગયો, જેવો તે દોડતાં-દોટતાં પેલા ઓવરબ્રિજ તરફ જતો હતો ત્યાંજ તેના પગે એક ઠેસ આવી. અભિમન્યુએ જોયું તો તે ઓવરબ્રિજ પર લગાડેલ તખતી હતી જેમાં લખેલ હતું કે, આ ઓવરબ્રિજ નું લોકાર્પણ હસ્તે, માનનીય શહેર કલેક્ટર શ્રી અભિમન્યુ નાં વરદ હસ્તે કરવામાં આવેલ છે.

આ જોઈ અભિમન્યુના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું લાગી રહ્યું હતું તે પોતે જ્યાં ઉભો હતો ત્યાંજ તે પોતાના ગોઠણ પર બેસીને નાના બાળકની પેઠે રડવા લાગ્યો. તેના મનમાં વિચાર આવ્યો કે…..જો તેણે એક કરોડ રૂપિયાની લાંચ ન લીધી હોત અને ઓવરબ્રિજ પ્રામાણિકતાથી બનાવડાવ્યો હોત તો તેને પોતાના જીવથી પણ વધુ વ્હાલો પુત્ર રાહુલ આજે જીવતો હોત. પરંતુ હવે શું ? સમય તેના હાથમાંથી સરકી ગયો હતો. હવે કઈ થઈ શકે તેમ હતું નહીં.

થોડીવારમાં આ ઘટના સ્થળે આવેલ રેસ્ક્યુ ટીમે રાહુલનો નિષ્પ્રાણ દેહ બહાર કાઢ્યો અને અભિમન્યુ અને સંગીતાને સોંપ્યો. રાહુલને જોઈ સંગીતની હાલત એકદમ બેશુદ્ધ જેવી થઈ ગઈ હતી. અભિમન્યુ આ બધું થવા પાછળ પોતાની જાતને કોસી રહ્યો હતો. રાહુલનો માસૂમ ચહેરો જોઈ અભિમન્યુ પણ પોતાના આંસુને રોકીના શક્યો અને તે પણ રડવા લાગ્યો અને તેણે રાહુલના માથા પર હાથ રાખીને નિશ્ચય કર્યો કે આજ પછી હવેથી એ ક્યારેય પણ લાંચ લેશે નહીં અને લેવા દેશે પણ નહીં. ત્યારથી અભિમન્યુ એ લાંચ લેવાનું હરહંમેશ માટે બંધ કરી દીધું અને પોતાની ફરજ પૂરી પ્રામાણિકતા અને નિષ્ટાથી બજાવવા લાગ્યો.


મિત્રો આ ઘટના બાદ અભિમન્યુના હર્દયનું પરિવર્તન થઈ ગયુ હવે સુધરવાનો વારો આપણો છે, આપણે ક્યારે સુધરશું ? કે પછી જયાં સુધી તે આપણા કોઈ સ્વજનોનો ભોગ નહીં લે ત્યાં સુધી ? લાંચ એ કોઈ સંસ્થા, સરકાર કે નેતા નહીં અટકાવી શકે એના માટે આપણે આપણી જાતને પહેલા સુધારવી જરૂરી છે. જો આપણે એક જવાબદાર નાગરિક તરીકે નક્કી કરીએ કે ભલે મારું કામ થાય કે ના થાય પરંતુ હું એકપણ રૂપિયાની લાંચ નહીં આપશી. જયારે આપણે બધા મળીને આવુ નક્કી કરીશું ત્યારે અને માત્ર ત્યારે જ આ દેશમાંથી લાંચ નામનું દુષણ દૂર થશે. નહિતર અભિમન્યુની જેમ પોતાના પરિવારજનો ને ખોવાની તૈયારી રાખજો. કારણ કે બધા કર્મોનું ફળ અહીંયા જ અને આ જ જન્મમાં ભોગવવાનું છે.

મારી આ સ્ટોરી જો કોઈ એક વાંચકના હૃદયને સ્પર્શે અને તે માત્ર એટલું નક્કી કરે કે હવેથી હું કયારેય લાંચ આપીશ પણ નહીં અને લઈશ પણ નહી, ત્યારે હું એક લેખક કે સમાજ સુધારક તરીકે હું મારી જાત પર ગર્વ અનુભવીશ અને ભગવાનોનો સહૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશ.


Rate this content
Log in