લાલ પોટલી
લાલ પોટલી
આજનો મારો દિવસ ખૂબ જ મંગલકારી છે.
આજે બીજા દિવસે પણ, પપ્પાનો બીજો રૂમ સાફ કરવાનો હતો. હું ને ભાભી બંને સવારથી જ ઉપર ગયાં. બીજા રૂમમાં લોખંડના પટારા હતા. જેમાં બહુ વર્ષો પહેલાંની પપ્પાની રાષ્ટ્રીય એવોર્ડની ફાઈલો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં હતી. અમે નાનાં હતાં ત્યારે યાદ છે તે સમયે પપ્પાએ કેટલી બધી મહેનત કરી હતી ? અત્યારે એ જ કામમાં પપ્પાને રાષ્ટ્રીય એવોર્ડ મળી ગયો હોત. એ સમયે એવોર્ડ માટે ખર્ચ કરવા પડતાં ( વધારાના- જેમાં ફાઇલોનો ખર્ચ તો કરેલો જ ) નાણાં અને એવી કોઈ ઓળખાણ / લાગવગ નહોતી ! પણ એ સિવાય પપ્પા ઘણું બધું નામ તેમના કામ થકી કમાયા છે. ઘણાં એવોર્ડ પણ મેળવ્યા છે. આ બધું પપ્પા અહીં મૂકીને ગયાં ! હા, આ જ એક નવી શીખ હતી અમારા માટે.
જો આ કામ મજૂરો પાસે કરાવ્યું હોત તો ! એ લોક વિનાના કબાટમાં જેમાં પપ્પાનો જાદુનો સમાન પડી રહેતો હતો જેમાં આગળ જ બીજા બધાં બોક્ષની જેમ જ કોઈ ચોરસ બોક્ષ લાલ કપડામાં બાંધીને રાખેલું હતું. અમે કુતૂહલવશ ખોલી ને જોયું. તો અમારાં આશ્ચર્યની વચ્ચે એમાંથી દસ, વીસ, પચાસ, સો અને પાંચસો રૂપિયાની નોટોના બંડલો નીકળ્યાં. અમે ગણ્યા, આશરે પંદરેક હજાર જેવા હતાં. અમે પપ્પાનો આ ખજાનો જોઈ ખુશ ખુશ થઈ ગયા. આજે મમ્મીએ અમને બધાંને જ તે રૂપિયા વહેંચ્યા. મમ્મીએ ના રાખ્યાં. મેં કહ્યું: મારે નથી જોઈતા, મમ્મી તારા છે તું રાખ. મારી મમ્મી કહે, બેટા ! તારા બાપની જ મિલકત છે, મારાં બાપની થોડી છે ? તું રાખ બેટા ! અને મેં રાખી લીધા.
પપ્પાના મૃત્યુ પછી, જીવનમાં ઘણું બધું શિખવા મળ્યું છે.
હંમેશા વર્તમાનમાં જ જીવવું.
આનંદમાં રહેવું.
ભગવાન પ્રત્યે આસ્થા.
નામનો કોઈ મોહ ન રાખવો.
બહુ શિલ્ડ, પ્રમાણપત્રો અને સન્માનો ભેગા કરવાથી, અંતે અહીં જ આપણાં ઘરમાં જ કચરો ભેગો થાય છે. કચરો બીજા ના મતે. અંતે તે ક્યાં સુધી ઘરનાં સાચવશે ? એના કરતાં જે જનમોજનમ સાથે આવવાનું છે, તેવી મસ્તીમાં જ રહેવું. આત્માની મસ્તી !
