Dr.Sarita Tank

Tragedy Inspirational Thriller

4  

Dr.Sarita Tank

Tragedy Inspirational Thriller

લાગણીનાં સેતુબંધ

લાગણીનાં સેતુબંધ

8 mins
71


ગુંજનના જીવનનાં બે મહત્વના પાત્રો એટલે વિશ્વા અને જીલ. એક ડૉક્ટર માટે તેના જીવનના કેટલાક પાત્રો એવી છાપ છોડી જાય કે જિંદગીભરનો નાતો બંધાય જાય. વિશ્વા જયારે પ્રથમવાર ગુંજનની હોસ્પિટલમાં આવી તો તેને પણ ખબર નહિ હોય કે આ સંબંધ જીવનભરનો બની રહેશે. અનિકેત તેને એક પતિ તરીકે કયારેય નકારતો નહીં. ઉલ્ટાનું જયારે જયારે પોતાને કોઈ બાળક ન હોવાનો ખાલીપો એને સતાવે ત્યારે એ પોતે બાળક બની તેના મનના ખાલીપાને ભરી દેતો,અને ગુંજન પણ આ ક્ષણને પાલવમાં ભરી મનમુકી અનિકેતના ખોળામાં માથું મૂકી રડી લેતી. . પણ ક્યાં સુધી?દરેક વખતે તો આ દુઃખ હળવું ના થઈ શકે ને. . ! વળી, ક્યારેક તો બંને પોતાના વ્યવસાય ના લીધે એકબીજાને મળી પણ ના શકતા. જોકે ,ગુંજન પોતે પોતાના આ ડૉકટરના વ્યવસાયથી ખૂબ ખુશ હતી. વળી,તેને મનગમતા બાળકોના વિભાગમાં જ રહેવાનું કામ મળ્યું હતું. રોજ નવા નવા બાળકોના દુઃખ સામે પોતે પોતાનું સઘળું દુઃખ ભૂલી જતી.

          એક દિવસ ની વાત છે. ઈમરજન્સીમાં એક પાંચ વર્ષનું બાળક વોર્ડમાં દાખલ થયું, કોઈ અનાથઆશ્રમનો ચોકીદાર તેને લાવ્યો હતો. તેનાં સ્વરમાં પીડાનો ભાવ અને આંખોમાં ફફડાટ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. તે વારંવાર બાળકીને બચાવવા આજીજી કરતો હતો. ગુંજને તેને આશ્વાસન આપી શાંત પાડ્યા અને બાળકીને વોર્ડમાં લઈ જઈ સારવાર ચાલુ કરાવી. બાળકીને લોહીની ઉલ્ટી થવા લાગેલી. ગુંજને તુરંત સારવાર શરૂ કરી દીધી,અને બાળકી ને પ્રેમાળ હાથે રમાડવા લાગી. તે સ્વસ્થ થતાં, ગુંજને પેલા ચોકીદાર સાથે કેટલીક ઔપચારિક વાત કરી તેના પરથી ખ્યાલ આવ્યો કે બાળકીનું કોઈ સગું હાજર નહોતું. હજી તો કાલે રાત્રે જ કોઈ તેને 'સ્નેહ અનાથઆશ્રમ'ના પગથિયા પર મૂકી ગયેલું. તે હાંફતી હતી ને દયામણી નજરે કોઈને શોધવા મથતી હતી. એકાએક ચોકીદારની નજર તેના પર પડી તો તેને પાસે જઈ ત્યાં હોવાનું કારણ પૂછ્યું? તો, રડતા રડતા એટલુંજ બોલી કે "પપ્પા મૂકીને ગયા હમણાં આવશે". આ વાતના કલાકો પછી પણ એને કોઈ લેવા ના આવ્યું એટલે હું તેને આશ્રમમાં લઈ ગયો,અને ત્યાં જ રહેવાનું કહ્યું . પણ આજ અચાનક તેની હાલત વધુ બગડતી જતી હતી ; અને કોઈ હાજર નહોતું. એટલે હું તેને હું અહીં લઈ આવ્યો. મેં સાંભળ્યું છે કે “અહીંનાં ડૉકટર ગુંજન ખૂબ દયાળું છે ,બધા બાળકોનો તે પોતાના બાળકોની જેમ ઉપચાર કરે છે !“. અચાનક બાળકીના રડવાનો અવાજ આવતા વાત અટકાવી, ગુંજન વોર્ડ તરફ દોડી ગઈ. એ બાળકી કે જેનું નામ વિશ્વા હતું તે જ પીડાથી રડતી હતી. ગુંજને તેને તેડી લઈ વ્હાલથી મનાવી લીધી. વિશ્વા ને વધુ પાંચેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તેમ હતું. ગુંજને ચોકીદારને ચિંતા મુક્ત થઈ નોકરી પર જવા કહ્યું. અને વિશ્વા જ્યાં સુધી હોસ્પિટલમાં છે ત્યાં સુધી તેને સાચવવાની જવાબદારી સ્વીકારીને આશ્વાસન આપ્યું. પછી તો વિશ્વાને સાચવવામાં તે પોતાની જાતને પણ ભૂલી ગઈ. રાત થવા છતાં ઘરે જવાનું પણ ભૂલી ગઈ.                                                                                                                                            

 અનિકેત ઓફિસેથી ઘરે આવ્યોને ગુંજનને ઘરમાં ન જોતા વ્યાકુળ બની આમતેમ શોધવા લાગ્યો. પહેલા કયારેય એવું બન્યું ન હતું કે, અનિકેત આવે ત્યારે ગુંજન ઘરમાં ના હોય. અનિકેતે સ્વસ્થ થઈ ગુંજન ને ફોન કર્યો. ગુંજન ફોનની રિંગ સાંભળીને ચમકી ! તેણે જોયું તો, અનિકેત નો ફોન હતો. તેને સમયનું ભાન થયું, પોતે ફોન પર ઔપચારિક વાત કરી પોતે આવે જ છે. તેમ કહ્યું. પણ, વિશ્વાનો મોહ તેને અટકાવતો હોય તેવું ઊંડે ઊંડે ભાસતું હતું. તે ઘડીભર માટે થંભી ગઈ. પરંતુ, પછી મન ને મનાવી તે ઘરે ગઈ તો ખરાં પણ તેનું ચિત્ત કોઈ કામમાં લાગતું ન હતું. અનિકેત આ બધું જોઈ રહ્યો હતો. તે તેની આ વ્યાકુળતા સાખી ન શકયો. પાસે જઈ ગુંજનનો હાથ પોતાના હાથમાં લઈ પૂછ્યું. ગુંજનની આંખોના ખૂણા ભીના થઈ ગયા પણ તે તરત સ્વસ્થ થઈ ગઈ , અને અનિકેતને બધી વાત કરી. વાત પુરી થતા જ અનિકેત ગુંજન નો હાથ ખેંચી ચાલ્યો. ચાવી લઈ ગાડી હોસ્પિટલ તરફ દોડાવી. ગાડી ઊભી રહી ત્યાં તો ગુંજને દોટ મૂકી. સીધી વિશ્વાના બેડ પાસે જઈને અટકી પણ ,તે તો અત્યારે દવાની અસરના લીધે ગાઢ નીંદરમાં સૂતી હતી. ગુંજન આખી રાત ત્યાં બેસી રહી અને અનિકેત પણ.

         આવું ગુંજનના જીવનમાં પ્રથમ વાર જ બન્યું કે કોઈ બાળક તેને આટલું વ્યાકુળ કરી ગયું. પછી તો જ્યાં સુધી વિશ્વા ત્યાં રહી ત્યાં સુધી ગુંજને તેને પોતાના બાળકની જેમ સાચવી. આ દિવસો તો સરળતાથી પસાર થઈ ગયા. પરંતુ,હવે વિશ્વાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો. ચોકીદાર વિશ્વાને લઈ આશ્રમ તરફ વળ્યો. આ તરફ ગુંજનની મનઃસ્થિતિ આમ-તેમ ફંગોળાતા સુકા પાન જેવી થઈ ગઈ. અનિકેત ગુંજનને ઘરે લઈ ગયો ને તેને ખુશ રાખવાની મથામણમા પડયો. એવામાં બારણે ટપાલીએ બૅલ મારી ;કોઈ કાગળ નીચે સરકાવ્યો. અનિકેતે જોયું તો ,તે તેના બદલી નો કાગળ હતો. થોડા સમયની વિચારણા પછી અનિકેતે ગુંજનને બદલી અંગેની વાત કરી. કેમકે તેના માટે ગુંજનને નોકરી છોડી દેવી પડશે! એક તો વિશ્વાનો વિષાદ અને ઉપરથી મનગમતી નોકરીનો. . ! માંડ માંડ દિવસ પસાર કર્યો. પણ આખી રાતના વિચાર અને જાગરણે અનિકેતને એક આશાનું કિરણ દેખાયું. સવારે અનિકેત ગુંજનને સરપ્રાઈઝ આપવા ગાડીમાં લઈ ગયો. ગાડી કોઈ સામાજિક સંસ્થા પાસે જઈને ઊભી રહી. ગુંજને દરવાજો ખોલી નીચે ઉતરી જોયું તો તેઓ 'સ્નેહ અનાથઆશ્રમ'ના દરવાજે હતા. અનિકેત તેનો હાથ પકડી અંદર ચાલ્યો પણ ગુંજન હજી આ પરિસ્થિતિની પરિચિતતાથી અજાણ હતી. તે દોરાતી હોય તેમ ચાલી જતી હતી. તેઓ ઓફિસમાં જઈ ઉભા રહ્યા . સામે ત્યાંના મુખ્ય અધિકારી સાહેબ બેઠા હતા. અનિકેતે તેમની સાથે કેટલીક ઔપચારિક વાતો કરી અને એવી રજૂઆત કરી કે તેઓ અહીંથી કોઈ બાળકને પોતાના બાળક તરીકે સ્વીકારવા ( દત્તક લેવા) ઈરછે છે. અધિકારીશ્રીએ કેટલીક શરતોવાળું ફોર્મ આપ્યું. અનિકેતે તે ફોર્મ ભરીને તરત પરત આપી દીધું. ગુંજન હજી આ શું બની રહ્યું છે તેને માનવા કે સ્વીકારવાની સુધમાં ન હતી.

અધિકારીશ્રીએ ફોર્મ જોયું તો એમાં વિશ્વાનું નામ હતું. અધિકારીએ કહ્યું "આ બાળકી હજી એક અઠવાડિયાથી જ અહીં આવી છે. તેના માતા-પિતાની શોધ ચાલુ છે. તેથી તમે તેને નહિ લઈ જઈ શકો". અચાનક ગુંજનમાં ક્યાંકથી જોમ આવ્યું ને કે તે તેજ બાળક માટે આજીજી કરવા લાગી. અનિકેત પણ તેને સાથ પૂરાવવા લાગ્યો. પણ તેમની વાત અમાન્ય જ રહી . . અનેક રકજક બાદ ગુંજન અને અનિકેત દુઃખી હૃદય લઈ ત્યાંથી નીકળી ગયા. જતાં-જતાં તેમણે જોયું, આશ્રમનાં બગીચામાં એક સાતેક વર્ષનું બાળક પતંગિયા પકડવામાં મશગુલ દોડતું હતું. તેને જોઈ ગુંજન થંભી ગઈ,અનિકેત આગળ નીકળી ગયો. પણ પછી ગુંજનને ન જોતા અટકયો. પાછળ ફરી જોયું તો ગુંજનની આંખો કંઈક બોલી રહી હતી. અનિકેત આ વાત પામી ગયો,અને પાછો અંદર તરફ ચાલવા લાગ્યો. અધિકારી પાસે જઈને ફોર્મ પાછું લઈ લીધું,અને વિશ્વાના નામ પર ચેકો મારી પેલા બગીચામાં રમતા બાળકનું નામ પૂછ્યું. અધિકારીશ્રીએ તેનું નામ જીલ કહ્યું. અનિકેતે જીલનું નામ લખી ફોર્મ આપી દીધું અને જલ્દી જ બીજી ફોર્માલિટી પૂરી કરી. બે દિવસમાં બધી તપાસ કરી જીલને અનિકેતને સોંપવાની મંજૂરી મળી ગઈ. પછી જીલને લઈને જ અનિકેત અને ગુંજને નવા શહેરમાં પ્રવેશ કર્યો. જૂની યાદો ભૂલાતી ગઈ અને નવા સંસ્મરણ ઉમેરાતા ગયા.

 ***

         આ વાતને આજે પંદર વર્ષ વીતી ગયા. અનિકેત,ગુંજન અને જીલ પોતાની આ નવી દુનિયામાં ખુશ હતા, પણ અનિકેત ને એનો વતનપ્રેમ જુના નગરમાં પાછો ખેંચી લાવ્યો. અનિકેતે બદલી માટે રજૂઆત કરેલી; અને સંજોગો સારા કે મંજૂર પણ તરત જ થઈ ગઈ. અનિકેતે બદલીનો કાગળ ગુંજનનાં હાથમાં આપ્યો. ગુંજન જેમ-જેમ શબ્દો વાંચે છે તેમ તેમ તેના બદલતા ભાવોને અનિકેત વાંચી રહ્યો. ગુંજન માટે તો આજે નવો દિવસ નવી યાદ લઈ આવ્યો. તેઓ પોતાને વતન પાછા ફર્યા ને જૂની યાદો ને ફરી જીવવામાં મશગુલ થયા. એક દિવસની વાત છે. ગુંજન અને જીલ પોતાના સ્નેહાળ સંબંધોની શરૂઆત ને યાદ કરી, એકમેકને રાજી થતા જોતા હતા. એવામાં જીલે એવી રજૂઆત કરી કે તેણે આશ્રમની મુલાકાતે જવું છે. પોતાની જીવનભરની આભારી ભૂમિને મળીને કૃતાર્થ થવું છે. ગુંજને તેને જવાની મંજૂરી તો આપી પણ પોતે ફરી શરૂ કરેલા હોસ્પિટલના મનગમતા કામ ને લીધે પોતે નહિ આવી શકવાનો ખેદ પણ વ્યક્ત કર્યો ! જીલ મંજૂરી લઈ આશ્રમ તરફ રવાના થયો. ત્યાં પહોંચતા જ પેલા પતંગિયાનો પક્ડદાવ ને બગીચાની સુગંઘથી તેનો પગ થંભી ગયો. ન જાણે કેટલાય ક્ષણ સુધી તે આમ જ ઊભો રહ્યો. તેને ત્યાં હોવાનું ભાન ત્યારે થયુ કે જયારે કોઈએ તેને મોટેથી બોલીને જગડ્યો. જોયું તો સામે એક વીસેક વરસની છોકરી પોતાના અલ્લડ અંદાજમાં પૂછી રહી હતી, કોણ છો તમે ? કોનું કામ છે ? જવાબમાં જીલે પોતાનો ટૂંકમાં પરિચય આપી. આશ્રમનાં લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને આશ્રમના બાળકો માટે પોતાના માતા-પિતા તરફથી કેટલીક સૌગાત આપવાની પણ મંજૂરી લીધી. થોડીક ક્ષણોમાં જ કલાકો જીવ્યાની અનુભૂતિ થઈ આવી ! ઘરે ગયા પછી પણ તેને ક્યાંય ચેન નહોતું ; એ જગ્યા સાથે જાણે કોઈ નાતો હોય તેમ ખેંચાતો ગયો. તે વારંવાર આશ્રમની મુલાકાતે જવા લાગ્યો. એક અદ્ભુત અનુભૂતિ તેને આશ્રમ કરતાંય વધારે પેલી પ્રથમ મુલાકાતવાળી યુવતી પ્રત્યે થવા લાગી. એકબીજાના સંવાદો ક્યારે પ્રણયમાં પરિણમી ગયા તેનું ભાન જ ન રહ્યું. પણ,જીલ પોતાના પાલક માતા-પિતા પ્રત્યે ખૂબ વફાદાર હતો. તેથી બધી હકીકત તેઓને જણાવી દીધી. માતા-પિતાએ પણ જીલની લાગણીને સસ્નેહ સ્વીકારી લીધી. ગુંજને તે યુવતીને પોતાની પુત્રવધુ બનાવવાનો નિર્ણય કર્યો. જીલને સાથે લઈ ગુંજન અને અનિકેત 'સ્નેહ અનાથ આશ્રમ' પહોંચ્યા અને અધિકારીશ્રી ને મળ્યા. જૂની યાદો અને વાતો તાજી થઈ.

એક દિવસ આવી જ રીતે તેઓ વિશ્વાને લેવા આવેલા,અને જીલને સાથે લઈ ગયેલા. આજે આવી જ કાંઈક આશા સાથે તેઓ આવ્યા હતા. બધી માંડીને વાત કરી અધિકારીએ કંઈ જ વિચાર કર્યાં વિના આ સંબંધ પર મહોર મારી દીધી. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ,અનિકેત,ગુંજન અને જીલ ત્યાંથી બહાર પેલી યુવતી પાસે  આવ્યા કે જેને તેઓ પોતાના ઘરની લક્ષ્મી તરીકે લઈ જવાના હતા. ગુંજને તો તેને ગળે લગાડી સ્નેહથી વ્હાલ કર્યું. આશ્રમનાં બધા લોકો આ દ્રશ્યને અનિમેષ નજરે જોઈ રહ્યા હતા. એવામાં ત્યાંનો ચોકીદર ત્યાં આવી પહોંચ્યો અને ગુંજનને ઓળખી ગયો. ગુંજને તેને વર્ષો પહેલા કરેલી મદદની યાદથી તેની આંખ ભીની થઈ ગઈ. તે ગુંજનનો આભાર માનવા લાગ્યો. ગુંજને તેને જીલના લગ્નની મીઠાઈ આપી. રાજી થતા એ તેને આશીર્વાદ આપવા લાગ્યા. જતાં -જતાં જીલ અને ગુંજનને તેણે કંઈક વાત કરતા સાંભળ્યા ? જીલના લગ્ન કોની સાથે થવાના તેનાથી અજાણ તેને હકીકતની જાણ થતાં તેણે ગુંજનને અટકાવી. ગુંજને તેને રોકવાનું કારણ પૂછ્યું ? તો બાદલામાં તે એટલું જ બોલ્યો" ભગવાન પણ અજબ રમત રમાડે છે, મનુષ્ય જયારે કંઈક ઈચ્છા કરે ત્યારે તેને નિરાશ કરી પોતાની મરજીનું આપે છે. કેમકે ,તે જાણે છે કે તેનાં થકી જ મનુષ્ય પોતાની મરજીનું પામી શકે". અનિકેત અને ગુંજન કાંઈ સમજ્યા નહિ ! તેમની આંખોમાં એક કોરો ખાલીપો દેખાઈ આવ્યો. એટલે ચોકીદારે કહ્યું કે એક દિવસ જે બાળકને પોતાના ઘરની પુત્રી બનવાના સપના લઈ નિરાશ થયા, તે આખરે તમારા હેતની જ હકદાર હશે ! કે, આજે તેને પુત્રવધુ બનાવી લઈ જાવ છો. ગુંજનનું હૃદય બે ઘડી ધબકારો ચૂકી ગયું. તેને વિશ્વાના નામની બુમ પાડીને તેના તરફ દોડી તેને ભેટી પડી. બધી વાત્તથી અજાણ જીલ અને વિશ્વા આ પળોને જોઈ રહ્યા. જયારે અનિકેત અને ચોકીદાર આ કુદરતી કૃપાનાં નજારાને મન ભરી માણી રહ્યા. લાગણીનાં આ સરી ગયેલા પુષ્પો ફરીથી ખીલી ગુંજનના ખોબામાં સમેટાઈ ગયા. એક તરફ સૂર્ય આકાશમાંથી વિદાય લઈ રહ્યો હતો. પણ, ગુંજન માટે તો એ ઊજાસમયી સવાર હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy