પરિશ્રમનું મહત્વ
પરિશ્રમનું મહત્વ
એક ગામમાં એક ગરીબ કઠિયારો રહેતો હતો. રોજ જંગલમાં જઈ લાકડા કાપે તેને વેચીને તેમાંથી જે પૈસા મળે તેનાથી ઘરનું ગુજરાન ચલાવે. તેની પત્ની પણ એવી જ શાંત અને સુંદર હતી. જેટલું મળે એટલામાં સંતોષ માની બંને બાળકોનો ઉછેર પણ ખૂબ સારી રીતે કરતા હતાંં. એવામાં ધીમે ધીમે ચોમાસાની ઋતુ શરૂ થવાની હતી. કઠિયારો મુંઝાવા લાગ્યો. કેમકે રોજનું કમાઈને રોજ ખાતા એમાંય વરસાદ આવવાના લીધે કઠિયારાની રોજગારી બંધ થઈ જશે. બંને પતિ-પત્ની વિચારે છે કે જો થોડી બચત કરી લેવામાં આવે તો ચોમાસું પણ અગવડ વગર સારી રીતે પસાર થઈ જાય. કઠિયારો અને પત્ની બંને બાળકોને ઘર સાચવવા માટે મૂકી આખો દિવસ લાકડા કાપવા જતા.
એક દિવસ બંને પતિ-પત્ની બપોરના સમયે લાકડાં કાપી જમવા માટે એક ઝાડ નીચે બેસે છે. ત્યારે, ઝાડની બખોલમાં કંઈક ચળકતું દેખાય છે. તે આજુ-બાજુ જૂએ છે તો કોઈ દેખાતું નથી. તેઓ બખોલમાંથી ઝડપથી વસ્તુ બહાર કાઢી લે છે અને જુવે છે તો એ સોનામહોર ભરેલી પોટલી હતી. પોટલી લઈ બંને પતિ-પત્ની હરખાતા ઘરે જાય છે. મનોમન ઈશ્વરનો આભાર માને છે કે તેમણે તેની કટોકટીના સમયે લાજ રાખી.
હવે ચોમાસું શાંતિથી વીતી જશે. પણ કહેવાય છે ને કે 'માણસ સંપત્તિવાન થતા અભિમાની અને આળસું બની જાય છે.' કઠિયારાએ પણ એવું જ કર્યું. સંપત્તિ મળતા મહેનત કરવાનું છોડી દીધું અને પછી મન ફાવે તેમ સંપત્તિનો વ્યય કરવાનું શરૂ કર્યું. એવામાં ક્યાંકથી કોઈક ચોર કઠિયારાની ઘરે ચોરીના સામાન સાથે ઘસી આવ્યા. અહી માત્ર છૂપાવવા માટે આવ્યા હતાં. પરંતુ, કઠિયારાના ઘરમાં આટલું બધું ધન જોઈ ચોર તેના તરફ લલચાયા. ચોર બધું ધન ચોરી જંગલમાં છુપાઈ ગયા. સવાર પડી અને કઠિયારો ઉઠીને ઘરમાં જૂએ છે તો બધું ધન ગાયબ હતું. કઠિયારો અને તેની પત્ની વલોપાત કરવા લાગ્યા. પણ, હવે શું થાય? કઠિયારાને પોતાના અભિમાન અને આળસ પર આજે ખૂબ ગુસ્સો આવ્યો.
ચોમાસુ હોવા છતાં એતો પસ્તાતો જંગલ તરફ લાકડા કાપવા ચાલવા લાગ્યો. ધીમે-ધીમે વરસાદ શરૂ થયો અને જમીનમાં કાદવ-કીચડ વધવા લાગ્યા. પાણી ભરાવાને કારણે કઠિયારો એક ઘટાદાર વૃક્ષ પર ચડી ગયો અને પાણી ઓસરવાની રાહ જોવા લાગ્યો. આખા દિવસના થાકેલા કઠિયારાને ત્યાં ઝાડ પર જ ઝોકું આવી ગયું. યોગાનુયોગ પાણી ઓસરવા ને કારણે પેલા ચોર પણ એ જ ઘટાદાર ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા અને ધનના પોટલાને પાસે રાખી તેઓ પણ ત્યાં જ સૂઈ ગયા. બીજી તરફ ઊંઘને કારણે કઠિયારાની કુહાડી તેમાં બાંધેલ ખેસ સાથે નીચે પડી જાય છે.
ચોર કુહાડી પડવાને કારણે એકાએક ઊંઘમાંથી જાગી જાય છે અને ડરને લીધે બધું જ ધન ત્યાં છોડી છોડીને નાસી જાય છે કઠિયારાની પણ ઊંઘ ઊડી જાય છે વાતાવરણ સ્વસ્થ થયેલ જોઈ તે નીચે ઉતરે છે અને ફરી ચળકતું પોટલું જૂવે છે. આજુ-બાજુમાં કોઈ દેખાતું નથી. ફરી તે પહેલાં કરતા વધારે ધન લઈ ઘરે જાય છે. બંને પતિ-પત્ની ફરી ખુશ થઇ જાય છે અને ઈશ્વરનો આભાર માને છે. પરંતુ, કઠિયારો આ વખતે એને સુરક્ષિત જગ્યાએ રાખી પોતાનું રોજનું મહેનતનું કામ ચાલુ રાખે છે. તેને પરિશ્રમનું મહત્વ સમજાય જાય છે. તેના અંતરમનના વિકાર શમી જાય છે. જેના પરિણામે તેને મળેલું ધન લાંબો સમય ટકી રહે છે અને તેને જરૂરિયાતના કામમાં આવે છે.
