જાત મહેનત
જાત મહેનત
ધનપાલ નામના એક ધનવાન શેઠ હતા. શેઠને ત્રણ દીકરા હતા. ત્રણેય દીકરાઓ ખૂબ જાહોજલાલીમાં ઉછરેલા એટલે કામની કોઈ જવાબદારી નહીં. માત્ર મોજશોખમાં જ રચ્યા પચ્યા રહે. શેઠને ત્યાં મોતી નામનો માળી કામ કરે. તે રોજ પોતાના સાત વર્ષના દીકરા સાથે ફૂલ-છોડની માવજત કરવા આવે અને બગીચાની સાર-સંભાળ રાખે. મોતી એના દીકરાને જુદા-જુદા નીતિમત્તાના પાઠ શીખવે. જીવનમાં 'કામ ત્યાં જ કર્મ' એ સિદ્ધાંતે જીવન જીવવા પ્રેરે. સવારથી સાંજ તેઓનો આજ નિત્યક્રમ રહે. આખો દિવસ બગીચામાં વીતી જાય.
એક વખતની વાત છે શેઠને બગીચા માટે નવા ફુલછોડ ઉગાડવાના હતા. એટલે, તેમણે પોતાના મોટા પુત્રને સારામાં સારા નવાં છોડ વાવવા માટે લાવવાનું કામ સોપ્યું. મોતીને જુના છોડ કાઢી ક્યારાને ચોખ્ખો કરવાનું સૂચવવામાં આવ્યું. મોતીનો દિકરો આ બધું જૂએ. મોતી તો જુના છોડને જ માવજત કર્યા કરે. શેઠની વાત પર જાણે ધ્યાન ના હોય એમ રહે. આ જોઈને તેનો દીકરો પૂછે છે "
તમે કેમ આ છોડ કાઢી, ક્યારા ચોખ્ખા નથી કરતા?"
તો મોતી કહે આજે કંઈ નવા છોડ આવવાના નથી. તો આ છે તેને દૂર કરી બગીચાની શોભા શા માટે બગાડું ? ખરેખર,એવું જ થયું મોટા દીકરાએ શેઠે સોપેલું કામ જવાબદારીપૂર્વક કર્યું જ નહીં.
બીજા દિવસે શેઠે એજ કામ બીજા દીકરાને સોંપ્યું. મોતીએ આ જોયું છતાં આજે પણ જુના છોડને જ માવજત કરી પાણી પાયું. ફરી તેના દીકરાનો પ્રશ્ન અને ફરી એ જ ઉત્તર. બીજા પુત્ર દીકરાે પણ છોડ લાવવાનું કામ ભૂલી જ ગયો.એ તો પોતાનામાં જ મશગુલ હોય. હજીપણ શેઠને આશા હતી કે આ કામ નાના દીકરાને આપશે તો જરૂર કરશે. પરંતુ, તેણે પણ બીજા ભાઈઓની જેમ કંઈ ધ્યાન જ ન આપ્યું અને જવાબદારી ભૂલી ગયાે.
શેઠ ત્રણેય દીકરા પર ગુસ્સે થયા અને જાતે જ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો. આ દિવસે સવારથી જ મોતી બગીચાના જુનાં છોડ કાઢી ક્યારા ચોખ્ખું કરવાના કામમાં લાગી ગયો. આ બધું જોઈ તેના દીકરાને નવાઈ લાગી. તેણે પૂછ્યું
"આટલા દિવસથી તમને કહેવા છતાં જે કામ કરતાં ન હતા એ આજે કહ્યા વગર કેમ કરવા લાગ્યા ? આટલા દિવસ જે છોડ ના આવ્યા શું આજે તે આવશે ?"
ત્યારે મોતીએ કહ્યું "હા, આજે તો એ જવાબદારીથી આવી જશે. "કેમકે શેઠે જાતે જવાબદારી લીધી છે. અને જે વ્યક્તિ બીજાના ઉપર આધાર રાખવાને બદલે જાતે જવાબદારી લે છે તે પૂરી થઈને જ રહે છે ખરેખર,આવું જ બને છે. નવા ફૂલ છોડ આવી જાય છે અને બગીચો નવા સુંદર મજાનાં ફૂલ છોડથી સરસ સુશોભિત થઈ જાય છે.
બોધ:- જ્યાં સુધી વ્યક્તિ પોતે જવાબદારી નથી સ્વીકારતી ત્યાં સુધી તેને પૂર્ણ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. કેમકે, સ્વયં જેટલું તટસ્થ બીજું કોઈ ન બની શકે. તો બીજી તરફ દરેક વ્યક્તિને પોતાને અપાયેલી જવાબદારીનું ભાન અને મહત્વ હોવું પણ જરૂરી છે. તો જ જીવનમાં સહકારની ભાવના રહે અને વ્યક્તિનું આત્મ-ગૌરવ પણ જળવાઈ રહે.
