લાગણી
લાગણી
બહારથી દેખાતું એક અતિ ભવ્ય અને આલિશાન મકાન છે. કોઈને પણ જોઈને એવું જ લાગે કે આ ઘરમાં રહેનાર દરેક વ્યક્તિ આરામદાયક જીવન જીવતાં હશે..! આજ તો ખાસિયત છે લોકોની માત્ર બાહરી સ્થિતિ જોઈને અનુમાન લગાવી છે...જ્યારે વાસ્તવિકતા તો તદ્દન અલગ જ હોય છે...!
આ ઘરમાં ચાર સદસ્ય રહેતાં હતાં. ઓમ જે એક મશહૂર બિલ્ડર હતો, તેની પત્ની ભૂમિ ફેમસ ડિઝાઈનર, તેમનો પુત્ર સ્પર્શ હાર્ટ સર્જન. ચોથી વ્યક્તિ કાવેરી બેન...ઓમ ના મમ્મી. જે માત્ર નામ પૂરતાં જ આ ઘરના એક સદસ્ય હતાં.
હમેશાં ત્રીજા માળે આવેલાં એક રૂમમાં બંધ રહેતાં. લગભગ એક વર્ષ થવા આવ્યું હતું.બધાં પોતાના જીવનમાં એટલા તો વ્યસ્ત હતાં કે તેમની સંભાળ લઉંા નો કોઈ પાસે સમય ન હતો નોકરો માત્ર ત્રણ ટાઈમ જમવાનું આપી આવતાં.
સ્પર્શ પોતાનાં મમ્મી પપ્પા થી દૂર રહેતો...કારણકે મમ્મી પપ્પા પાસે તો તેની સાથે પસાર કરવા સમય ન હતો આથી તે કંટાળીને તે બીજા શહેરમાં જતો રહ્યો...તેને ફ્કત એટલી ખબર હતી કે તેના દાદીને કોઈ માનસિક બીમારી છે તેઓ પાગલ થઈ ગયાં છે તેથી કોઈને નુકશાન ન પહોંચાડે એટલે રૂમમાં બંધ રાખ્યા.
છેલ્લી વાર પોતે તેમણે ક્યારે જોયેલાં એ પણ તેને યાદ ન હતું. એક ડોક્ટર હોવાથી સ્પર્શે નક્કી કર્યું કે એકવાર તો તેના દાદીની હાલત જોવા તે ચોક્કસ જશે. આખરે એક પ્રયત્ન તો કરે પોતાનાં વ્હાલસોયા દાદી માટે.!
સ્પર્શ થોડાં દિવસ માટે ઘરે આવ્યો. હજું પણ સ્થિતિ તે જ હતી તેનાં મમ્મી પપ્પા પોતાનાં કામ પાછળ જ ભાગી રહ્યાં હતાં...સ્પર્શ ને આમ પણ તેમનાં પાસેથી કોઈ આશા ન હતી.
એક દિવસ સવારે તેણે ત્યાં કામ કરતાં કાકા ને કહ્યું...
" દાદી નો રૂમ ખોલો, મારે દાદીને મળવું છે..."
" મોટાં સાહેબે ના પાડી છે, ત્યાં કોઈને જવાની..." કાકા એ કહ્યું.
" મે કહ્યું ને ખોલો, પપ્પા સાથે હું વાત કરી લઈશ..."
કાકાએ સ્પર્શ ને ચાવી આપી..સ્પર્શ ઉપર ગયો અને તાળું ખોલ્યું... રૂમ તો ઘણો સારો હતો, બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હતી..તેનું ધ્યાન કાવેરી બેન પર ગયું, તેઓ સૂઈ રહ્યાં હતાં. જોઈને જરાં પણ લાગતું ન હતું કે તેઓ માનસિક રોગી હશે. તેમનાં ચેહરા પરની ચમક જતી રહી હતી જાણે દસ વર્ષનું ઘડપણ એક સાથે આવી ગયું હોય.!
સ્પર્શે વિચાર્યું દાદી જાગશે ત્યારે પાછો આવશે. ત્યાં તેનું ધ્યાન ટેબલ પર રહેલી નાની એવી નોટબુક પર પડ્યું. તેના દાદી પણ ભણેલાં હતાં આથી સારી રીતે લખી વાંચી શકતાં પણ આ નોટબુક અત્યારે અહી...! સ્પર્શ તે નોટબુક લઈને બહાર નીકળી ગયો. તેના પર બે દિવસ પહેલા ની તારીખ લખેલી હતી. સ્પર્શ ને વાંચવાની જીજ્ઞાશા વધી. તેણે બુક વાંચવાની શરૂ કરી.
આજે એક વર્ષ થઈ જશે..મને આ રૂમમાં જ પુરાયા રહેવાને. બધાં ને એવું જ લાગે છે કે હું એક માનસિક રોગી છું, ગાંડી છું પણ આ લોકો ને કેમ સમજાવું કે હું માનસિક રોગી નથી...! ઓમ... કેટલાં અરમાનો હતાં મારા તારી સાથે વૃદ્ધા અવસ્થા વિતાવવાં ના પણ તને તો આ ઘરમાં એક માં પણ બોજ લાગી...! એટલે જ તો આ રૂમમાં પૂરી રાખી છે તે મને. આવો વર્તાવ તો કોઈ પોતાનાં જાનવરો સાથે પણ ન કરે. અહીં આ રૂમમાં સગવડો બધી જ છે પણ આ ઉંમરે તારી જરૂરિયાત આ વસ્તુઓ પૂરી ન કરી શકે...! તારાં બધાં મોર્ડન મિત્રો સામે હું એક ગામડાંની વ્યક્તિ સારી ન લાગુ તેથી તે પાગલ ગણાવીને મને અહીંયા મૂકી રાખી છે. તને કેમ સમજાવું ઓમ કે આ ચાર દીવાલોની વચ્ચે મને ગભરામણ થાય છે, હું વધારે નહિ જીવી શકું આમાં...! બહારની દુનિયા સાથે તો જાણે મારો સબંધ કાપી જ નાખ્યો તે...કોઈ મને મળવા સુધ્ધાં પણ નથી આવતું. માત્ર પૈસાથી સારું જીવન નથી જીવાતું તે માટે પ્રેમની પણ જરૂર છે જે એકલાં રહેવાથી નથી મળતો.
ખબર નહિ તારાથી કંટાળીને સ્પર્શ પણ ક્યાં ચાલ્યો ગયો છે..? કદાચ મારું નસીબ જ રૂઠી ગયું છે મારાથી..! બસ, ભગવાનને પ્રાર્થના કરીશ કે મરતાં પહેલા એક વાર સ્પર્શ ને મળી લઉં.હવે ખબર નહિ હું કેટલાં દિવસ રહીશ અહીંયા ?
પણ હવે બહુ થઈ ગયું આ રીતે નહિ જીવાય મારાથી...આખરે રોજ રોજ આ ચાર દીવાલો વચ્ચે મારવા કરતાં તો સારું જ છે ને હું આત્મહત્યા કરી લઉં..!
સ્પર્શ આટલું વાંચીને સતત રડી રહ્યો હતો. તે તરત જ તેના દાદીના રૂમમાં ગયો.
" દાદી, ચાલો અહીંયાથી..."
" સ્પર્શ, તું ક્યારે આવ્યો દીકરા.." કાવેરી બેન રડી પડ્યા...
" દાદી મને ખબર છે તમને કોઈ બીમારી નથી...ચાલો અહીંથી.."
" ના ના સ્પર્શ, તારા પપ્પા ને ખબર પડશે તો..."
સ્પર્શ તેમનો હાથ પકડીને તેમને બહાર લાવ્યો.. .કાવેરી બેનના ચહેરા પર અલગ ચમક આવી ગઈ. આખરે તેમણે પૂરા એક વર્ષ બાદ બહારની દુનિયાંમાં પગ મૂક્યો હતો. સોફા પર જ ઓમ અને ભૂમિ બેઠાં હતાં.
" સ્પર્શ, તું મમ્મી ને કેમ બહાર લાવ્યો તને ખબર છે ને કે.."
" હા , મને ખબર છે કે તેમને કંઈ જ થયું નથી.." સ્પર્શ ઓમની વાત કાપતાં બોલ્યો
" સ્પર્શ... ."
" પપ્પા મને તો આજે ખબર પડી કે તમે પૈસા માટે તમારી મમ્મી ને પણ બંધ કરી શકો છો...?"
" સ્પર્શ, બેટા મારી વાત સમજ તેઓ રૂમમાં રહે તેમાં જ આપણી ભલાઈ છે.."
ઓમ આજીજી ના સ્વરે બોલ્યો.
" બસ પપ્પા, મને હવે સમજાઈ ગયું. હવેથી દાદી મારી સાથે રહશે અને તમે ભૂલી જજો કે તમારે કોઈ માં કે કોઈ દીકરો પણ હતો.
સ્પર્શ ત્યાંથી નીકળી ગયો અને પોતાની સાથે તેના દાદી ને પણ લઈ આવ્યો. કાવેરી બેનને તો જાણે સ્વર્ગ મળી ગયું તે હંમેશા સ્પર્શનું ધ્યાન રાખતાં. સ્પર્શ તો વધારે ખુશ હતો કારણકે તેને તેના દાદીનો પ્રેમ મળી રહ્યો હતો.
ઓમ અને ભૂમિ પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યાં હતાં પણ હવે કદાચ મોડું થઈ ગયું હતું. ઘણીવાર માત્ર નામ પૂરતાં સંબંધો રાખવા કરતાં તેનાથી અલગ થઈ જવું સારું હોય છે.
