કુતૂહલ
કુતૂહલ


આ કહાની છે બે એવા વ્યક્તિઓની જે એકબીજાને ઘણું સમજે છે પણ કદાચ વિધિની વક્રતા સામે માથું નમાવી લેવું પડે છે. તો થઈ જાઓ તૈયાર એક અનોખી વિચારોની સફર માં ફરવા માટે.
હું એને મળ્યો ત્યારે એ મને સહેજ પણ પસંદ નહોતી. હું એને વારંવાર અવગણતો અને એ પણ મને કદાચ નફરત કરતી. ધીમે ધીમે એના માટે મારા મનમાં પ્રેમનો અંકુર ફૂટવા લાગ્યો અને ક્યારે એ વટવૃક્ષ બની ગયો એની એકેય ને ખબર ના પડી. એની વગર થોડીક સેકન્ડ પણ સદીઓ જેવી લાંબી લાગવા માંડી.
એને જે ગમતું એ બધું જ મને ગમવા લાગ્યું હતું. એના બધા શોખ પૂરા કરવાની મને ઘેલછા લાગી હતી. એની દરેક વાત સાંભળવી ગમતી. ક્યારેય કોઈ કવિને વાંચ્યો નોતો પણ એની માટે લખવા રોજ નવી નવી પંક્તિઓ મારા મનમાં સૂઝતી હતી.
તેની સાથે જ આખો દિવસ ફર્યા કરું એવી ઈચ્છાઓ થયા કરતી. એનો ચહેરો હંમેશા જોયા જ કરું એવી મન થતું. આખો દિવસ એના જ વિચારોમાં વીતતું હતું. અચાનક મારા ફોનની રીંગ વાગી. રિંગટોનમાં પણ એનું જ ગમતું ગીત રાખેલું. વિચારોની તંદ્રા તોડવી ગમતી તો નોહતી પણ કદાચ એનો જ ફોન હોય એવી આશા એ રીસિવ કરી લેવો હતો. ડિસ્પ્લે સ્ક્રીન સામે જોઉં તો એનું જ નામ આવ્યું. ખુશીઓના ફુવારા છૂટવા લાગ્યા અને તરત જ લીલું બટન દબાવી દીધું.
" હેલો , કેમ છે મારી ગઝલની નાયિકા "
ઉત્સાહથી રણકો કર્યો.
" તું દેવ જ બોલે છે ને "
કોઈક ભારે સ્વર કાનમાં અથડાયો.
આતો એનો અવાજ નોતો પણ કોઈક ભારે પૌરૂષિક આવાજ હતો જેમાં અભિમાન અને સતાવહી છલોછલ ભરેલો હતો.
" હા, હું દેવ હિરાણી જ બોલું છું પણ તમે કોણ ?!! "
હું થોડો ગભરાતો વાક્ય પૂરું કરું એ પેલા જ સામેવાળા એ રાડ પાડી.
" તારી બેનનો બાપ બોલું છું, ઈશા સાથે રખડવાનું અને મળવાનું મૂકી દેજે નહીંતર હાડકા ખોખરા કરી નાખીશ "
તરત જ ફોન કટ થઈ ગયો.
મારૂ હ્રદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું. મને ઈશાની ખુબ ચિંતા થવા લાગી. ઈશાના મન પર શું વીતી રહી હશે એની હું કલ્પના પણ કરી શકતો નહોતો. કદાચ અમારા ફોટોઝ એના પપ્પા જોઈ ગયા હોવા જોઈએ. બસ એના બાપાનું ટિપિકલ રીએકશન આવ્યું.
છ મહિના પછી ,
હું દેવ ને મળેલી ત્યારે તો બહુ ખરાબ રીતે એ મારી સાથે વર્તેલો. જેમ જેમ એને મળવાનું વધતું ગયું એમ એ મને વધુ સમજાવા લાગ્યો અને કદાચ ગમવા પણ.
એ હંમેશા મને કહેતો,
" ઈશા , હું તને ક્યારેય છોડીને જઈશ નહીં, આપણે સાથે જ રહીશું "
એ સાવ જ ખોટો નીકળ્યો. એણે મને ક્યારેય સાચી વાત કરી જ નહીં.
કોઈ દિવસ એણે તો ખબર પડવા દીધી નહી પણ એના કરતાં એની ડાયરી વધુ વફાદાર નીકળી અને એની વિશે બધું જ સાચું કહી દીધું. આ બુક નું એકેય પાનું એવું નો'તું જેમાં મારી વિશે ના લખેલું હોય. મને કહેવાની દરેક વાતો આમાં લખેલી પણ ક્યારેય મને અણસાર સુદ્ધાં આવવા દીધો નહી. કદાચ મારી કરતા એની વિશે ડાયરી વધુ જાણતી હશે.
હવે શરૂઆત કરું છું એના શબ્દોને વાંચવાનું. બસ હવે એના આ અક્ષરો જ બચ્યા હતા પણ એ ક્યાંયે દૂર મને છોડીને ચાલી ગયો હતો. શરીર તો ક્યારનુંય સળગાવી દીધું હતું બસ આત્મા સ્વરૂપે મારી સાથે રહેતો હોય.
" હું દેવ,
નામ ભલે ઈશ્ચર નું હોય પણ મારી જિંદગી માં ક્યાંય ખુશી નથી બસ જીવું છું એક યંત્રની જેમ.
મેં ક્યારેય નોતું વિચાર્યું કે મારું જીવન આટલું ટૂંકું હશે. અત્યાર સુધી જિંદગી માટે કોઈ કારણ નોહોતું પણ હવે જ્યારે કારણ છે ત્યારે જીવન જ નથી.
મને malignant ટ્યૂમર છે અને આ ઝેર હવે વધતું જ રહેવાનું છે. નવી નવી ગાંઠ ઊભી થતી જશે. મારે આ વાત ઈશા ને કરી દેવી જોઈએ.
ના ..
એને હું મારી બીમારી વિશે કંઈ પણ નહી કહું. એણે મારી થાકેલી જિંદગીમાં નવી ઊર્જા ભરી છે એમાં હું એના જીવનને વેદનાથી ભરેલું તો ક્યારેય ના કરી શકું. હું જ્યારે મરી જઈશ ત્યારે
જાણ થઈ જ જશે."
બસ હવે મારાથી કઈ પણ નહી વંચાય. હવે હું મારા આંસુઓને કાબૂમાં નહી કરી શકું.
હવે મને સમજાવા માંડ્યું છે કે એ મને કેમ ઈગનોર કરી રહ્યો હતો અને મારા મનમાં એના પ્રત્યે નફરત ઊભી થાય એવા પ્રયાસો કેમ કરી રહ્યો હતો. હવે મારી પાસે દરેક જવાબ હતા પણ એ નહી. એ સાચો હતો મારી વિશે,
હું ખોટી સાબિત થઈ એને પારખવામાં.