કુછ દિન તો..
કુછ દિન તો..


મહાનાયક અમિતાભ જોરશોરથી કહી રહ્યા હતા,
“કુછ દિન તો ગુજારો ગુજરાતમેં.”
ભાવના ફળિયું વાળતી જોતી હતી.
“તે હેં મોટા બુન, આ આપણું ગુજરાત એવું તે ચેવું સે કે આવડો મોટો માણહ જાહેરાત કરે?”
અને..
દિયા અતીતમાં સરકી ગઈ.
પહેલેથી વિદેશમાં વસેલી મમ્મી કહેતી કે આપણે મુળ ગુજરાતી. ઈન્ટરનેટ પર ઇન્ડિયા વિશે માત્ર આતુરતાથી સર્ચ કરતાં કચ્છના રણોત્સવ વિશે વાંચ્યું અને ભારે રસ પડતાં વિઝા લઈ દિયા આવી પહોંચી.
બે દિવસ ભરપૂર ગુજરાતની સંસ્કૃતિને માણી. મનોમન પરદેશની સૂકી ઉપરછલ્લી જિંદગી સાથે રણમાંય મીઠી નદી જેવા આવકાર સાથે જીવેલી ચાર દિવસની જિંદગીની સરખામણી થવા લાગી. વીસ દિવસની રજા લઈને આવેલી દિયાને ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ જાણવાના કોડ જાગ્યા. એણે ગુજરાતને જ કર્મભૂમી બનાવી. હેરિટેજનો દરજ્જો પામેલાં ગુજરાતનાં સ્થળો વિશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવીને વિદેશમાં રહેતા ભારતીયોને એ અલભ્ય માહિતી પહોંચાડવા માંડી.
અને આજકાલ કરતાં પાંચ વર્ષ થઈ ગયાં.
મમ્મીને પણ કહી દીધું,
“તું એક વાર ગુજરાતી થઈને આવી જો મા. પરત નહીં જઈ શકે એટલી માયાળુ આ ધરતી છે.”
“બુન ચ્યોં ખોવઈ જ્યાં?”
“તારા ગુજરાતમાં. સફેદ રણ હોય કે સોમનાથનું સ્મરણ, પાટણની વાવ હોય કે અરબી સમુદ્રનો ઘુઘવાટ. આવું તો કંઈકેટલુંય.. કોઈની તાકાત નથી કે આ અમીરાત જોયા પછી ગુજરાતમાંથી બીજે વસવું ગમે.”
ભાવના બહુ સમજી નહીં પણ અહોભાવથી અમિતાભ અને બુનની વાત સાંભળી રહી.