Ekta Doshi

Romance

2.5  

Ekta Doshi

Romance

ક્ષિતિજને પેલે પાર

ક્ષિતિજને પેલે પાર

2 mins
7.3K


અવની અને સાગર પ્રસન્ન દાંમ્પત્યનો મીઠો મધુર દાખલો. બંનેને સાથે જોનાર દરેક વડીલનાં મોમાંથી આશીર્વાદ જ સરે અને હમઉમ્રની આંખમાં મીઠી ઈર્ષા ઝરે. એમનાં સુંદર સંસારના બગીચાનાં બે ફૂલ "આરવ અને ઇરા." દુશ્મનને ય વ્હાલા લાગે. સરવાળે એક સંપૂર્ણતાનો પરિપૂર્ણ અહેસાસ.

એવું નહોતું કે હંમેશાથી બધું પરફેક્ટ જ હતું. વડીલોની પસંદગીથી બંનેએ એક બીજા સાથે સંબંધ બાંધ્યો. અજાણ્યામાંથી એક બન્યાં. નવા ઘરે અવનીને સ્વીકારવા ઘણી આકરી પરીક્ષાઓ કરી અને સાગરએ પોતાનો ઘુઘવાતો સ્વભાવ છોડ્યો, પણ આ બધા ગાળામાં અવની અને સાગર એક બીજાનાં અવિભાજ્ય સાથી બની ગયાં.

બધું સરસ ચાલતું હતું. આરવ અને ઇરા તેમનાં સંતાનો ઓછાં અને મિત્ર વધારે. પણ, અચાનક એમાં એક કાંકરીચાળો થયો અને શાંત જીવન ડહોળાય ગયું...

સાગરને એક સવારે અચાનક હાર્ટ એટેક આવ્યો, જે ભયાનક સાબિત થયો. અવની અને બાળકોને મૂકી સાગર અનંતયાત્રાએ ચાલી નીકળ્યો. આર્થિક મુશ્કેલી નહોતી અને બંને તરફ વડીલો પણ હતા, એટલે બધાની મદદથી જીવન ઝડપથી સામાન્ય બનવા લાગ્યું.

એવામાં એક દિવસ અવનીને રસ્તામાં એનો જૂનો મિત્ર આકાશ મળ્યો. એ આકાશ જે ક્યારેક અવનીની ચાહ હતો. એ આકાશ જે ક્યારેક અવનીને જોવા તરસતો હતો. સંજોગોએ એમને કદી મોકો જ નહોતો આપ્યો એક બીજાને પોતાની વાત કહેવાનો. બંનેએ આકાશ અને અવની કદી એક થઈ જ ના શકે એ કુદરતનો નિયમ આપમેળે સ્વીકારી લીધો હતો. આજ ની મુલાકાતને એક સંભારણું બનાવવા આકાશ અને અવની એક કોફીશોપમાં બેઠાં અને જૂના મૈત્રીભાવે પોતાનાં જીવનની વાતો કરી. આકાશ લાગણીના કડવા અનુભવોમાંથી પસાર થયો હતો. એના લગ્ન નિષ્ફળ થઇ ચુક્યા હતા અને તે તેની પુત્રી આહના સાથે એકલવાયું જીવન ગાળતો હતો. બંને સમદુઃખીયા મિત્રો અવારનવાર મળતા અને ખુશ રહેતા. બિલકુલ જમીન- આસમાનની જેમ સાથે હોવા છતાં દૂર અને એકબીજાને જોઈને ખુશ.

પણ, દુનિયા તો  લોકોથી ચાલે છેને... કોઈ હિતેચ્છુએ "MBBS"માં ભણતા આરવને સમાચાર આપ્યા, "તારી મમ્મી કોઈક અંકલ સાથે હોય છે." આરવે ચૂપચાપ નજર રાખવાની શરૂ કરી. આકાશ- અવનીને સાથે જોયા. આકાશના ઘરે બંને ભાઈ-બહેન ગયા આહનાને કહેવા કે એ કઈ જાણે છે કે નહીં? આહનાને પણ કોઈએ કહેલું જ. ત્રણે જણે મળીને નક્કી કર્યું કે હવે તો તેમની સાથે વાત કરવી જ પડશે અને એ પણ બંને સાથે હોય ત્યારે જ. એક દિવસ મોકો જોઈ ત્રણેય પહોંચી ગયા એ કોફીશોપમાં અને...

બે દિવસ પછી આરવ, ઇરા અને આહના એક મંદિરમાં ઊભા હતાં. ક્ષિતિજને પેલે પાર આકાશ - અવનીના ‘’મિલન’’નાં સાક્ષી બનવા.

 


Rate this content
Log in

Similar gujarati story from Romance