કશીશ
કશીશ
મારા માનવામાં નથી આવતું, ‘આપણા લગ્નને ૪૫ વર્ષ થઈ ગયા?’
કેમ એવું બોલે છે, 'શું મારાથી થાકી ગઈ?'
તમને એમ લાગે છે, 'હું તમારાથી થાકી ગઈ?'
'તો પછી એવું કેમ બોલી?' આવો સંવાદ કાને પડ્યો. મને થયું હા, હજુ આવા પ્રેમીઓ જગતમાં જણાય છે. બાકી ચારે તરફ દૃષ્ટિ કરીએ તો એમ લાગે કે બસ લોકો જિંદગી વેંઢારે છે. પ્યારના નામ પર નહી લોકલાજે પતિ અને પત્ની તરીકે જીવે છે. સ્નેહની અને મારી વાત કરું ત્યારે વિલ્સન કૉલેજ યાદ આવી જાય. કૉલેજનું છેલ્લું વર્ષ હતું. અમારા સદભાગ્યે વિલ્સન કૉલેજ ૧૦૦ વર્ષ ઉજવી રહી હતી.
આખું વર્ષ ભરચક કાર્યક્રમોથી શોભી રહ્યું હતું. એક કાર્યક્રમ મારી અને સ્નેહની આંખમાં વસી ગયો. વિષય હતો ‘સુખી લગ્ન જીવન’. બંને સખીઓ વિચારમાં પડી, યાર બી.એ. થઈને પરણવાનું છે તો ચાલને મઝા કરવા જઈએ. બે આખા દિવસના લેક્ચર્સ હતાં. બપોરે જમવાનું એ લોકો આપવાના હતાં. લગ્ન વિષેની રસપ્રદ માહિતિ મેળવી. આજે પણ હું સત્ય કબૂલ કરીશ કે અમારા લગ્ન જીવનની ઈમારતના પાયામાં એ સુંદર પ્રેરણાત્મક વિચારો સિમેન્ટ રૂપે ધરબાયા હતાં. માતા અને પિતાના સુંદર સંસ્કારોએ તેમાં ખાતર પૂર્યું હતું. પતિ પ્રેમે જળ બની તેમાં સિંચન કર્યું.
જુવાનીના એ દિવસોમાં ઘણી તમન્ના હતી. સુંદર સંસાર માંડવાની પ્રબળ ઈચ્છાઓ જન્મ લઈ ચૂકી હતી. સારા નસિબે સુનિલે તેમાં મેઘધનુના રંગ પૂર્યા. સુનિલ મારાથી પાંચ વર્ષ મોટા અને તેમાંય ‘અમેરિકા રિટર્ન’. ખૂબ પ્રેમથી મને સંભાળી જીવનમાં અપનાવી. સાચું કહું તો મારા ઘડતરમાં તેનો ફાળો અમૂલ્ય રહ્યો હતો. આજે સ્નેહની ૪૫મી લગ્ન તિથિને દિવસે તેની યાદ આવે એ સ્વાભાવિક છે. આજ સુંદરતાથી ભરપૂર છે. ઈશ્વર સમક્ષ આભાર પ્રગટ કરવાની એક પણ ક્ષણ ચૂકવી પસંદ નથી.
યાદોનો થાળ સજાવી મારા ખાસ મિત્રની ૪૫મી લગ્નની વર્ષગાંઠે શુભેચ્છા આપવા આવી પહોંચી. થયું રવિવાર છે સરસ મજાનો ગરમાગરમ નાસ્તો પણ ચહાની સાથે મળશે. તેમના બાળકો એવા સંસારમાં ગુંથાયા હતાં કે આવી ‘નાની બાબત’ તેમના લક્ષ્યમાં ન હોય. મારે વિચારવાનું ન હોય. સ્નેહ અને સુષ્મા બાળપણની સખીઓ. એક મહિનાને અંતરે પરણ્યાં. નસિબદાર સ્નેહના અમર સાથેના લગ્નની આજે ૪૫મી વર્ષગાંઠ હતી. સુષ્માએ સુનિલનો સાથ જીવનની સફરમાં ગુમાવ્યો હતો.
ખેર, આજના શુભ દિવસે એ વાત કરી તમને દુઃખી નહીં કરું. સુષ્મા સુંદર મજાનો ફુલોનો ગુલદસ્તો લઈ પહોંચી ગઈ. સ્નેહ અને અમરની ખુશી આંખોમાંથી નિતરી રહી હતી. બધા સાથે સવારના નાસ્તાને ન્યાય આપી રહ્યાં. ઉપરનો સંવાદ કાને અથડાયો જવાબ સાંભળીને ખૂબ આનંદ થયો.
બંને જણા પોતાના નાના મઝાના ઘરમાં ખૂબ ખુશ હતાં. બાળકો ભણીગણીને મોટા મેન્શનમાં પોતાના પરિવાર સાથે જીવતાં હતાં. સ્નેહ અને અમરે અમેરિકા આવી મહેનત કરી બાળકોને ભણાવ્યાં. પોતે ખૂબ સાદગીથી રહેતાં, બાળકોની માંગને સમય અનુસાર પૂરી કરી. હવે નિરાંતે જીવતાં. બની શકે તેટલી ભારતમાં બાળકોને ભણવા પાછળ મદદ મોકલતાં. આજે એમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઉચ્ચ શિક્ષણને કારણે છે. તેનું સતત તેમને સ્મરણ રહેતું. સ્નેહ ખૂબ સંતોષી અને પ્રેમ સભર હતી. અમર કાયમ કહેતો, ‘આપણે સાત ભવના સાથી છીએ આ મારો તારી સાથેનો પહેલો ભવ છે!’
સ્નેહ તેને ચિડવવા કહેતી, 'મારો કેટલામો છે કહું?'
‘હા, કહે તો મને ખબર છે?'
છેલ્લો કહીને ભાગી જતી, અમર તેને પકડીને આંખોમાં અંખો પરોવી પૂછતો, સાચે?
સ્નેહ શરમાઈને તેની બાંહોમાં સમાઈ જતી.
સુષ્માને સુનિલ યાદ આવતો માત્ર તેની યાદોના સહારે જીવન જીવતી. આજે તેને આ કેવા સમાચાર મળ્યા. બસ અમેરિકાની જિંદગીને કાયમ માટે તિલાંજલી આપી બંને જણાંએ સાથે કાયમ માટે ભારત વસવાનો નિર્ણય લીધો. આજથી ૩૫ વર્ષ પહેલાં આવો નિર્ણય બાળકોના ઉજ્જવલ ભવિષ્ય કાજે અમેરિકા આવવા માટે કર્યો હતો.
સુષ્મા લગ્ન કરીને તરત સુનિલ સંગે અમેરિકા આવી હતી. સ્નેહ જ્યારે અમર સાથે આવી ત્યારે કહેતી, 'યાદ રાખજે હું મહમદ તઘલખ નથી. વારે વારે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલહી રાજધાની નહીં બદલું.' આ શબ્દોનું અક્ષરસઃ પાલન કર્યું હતું.
અહીંના લાંબા રોકાણ દરમ્યાન ગામમાં સરસ મજાનો બંગલો બંધાવ્યો હતો. હવે માતૃભૂમિનો સાદ સુણી બંને પાછાં વતન જવા તૈયાર થયા. એક પણ હરફ ઉચ્ચાર્યા વગર સ્નેહ ચાલી નીકળી. બંનેના માતા યા પિતાની હવે હયાતી નહોતી. સ્નેહ, અમરના સહજીવનની ઉષ્મા અને પ્યારની કશીશ હતી.
