કરિયરની કરામત
કરિયરની કરામત


'ઋતુલ, હવે બસ બહુ થઇ ગયું છે તારું. આજે આપણે સાંજે સાથે બેસીએ છે, હું, તું અને કિરણ. કોઈ કાળે મારે કઈ સાંભળવું નથી. તું ૬.૩૦ એ ઘરે જોઈએ મને. બસ.', અશ્વિનભાઈએ મોટા અવાજ સાથે વાત કરીને ફોન મૂકી દીધો.
ઋતુલ એટલે અશ્વિનભાઈ અને કિરણ બંનેના પ્રેમને ઉજાગર કરતું એક માત્ર સંતાન. ભણવામાં હોશિયાર, દેખાવે હેન્ડસમ અને સ્વભાવે થોડો જિદ્દી પરંતુ પ્રેમાળ. માતા-પિતાનું એક માત્ર સંતાન એટલે પ્રેમ સાથે ઘણી બધી છૂટછાટ પણ મળેલી. આજે ૧૮ વર્ષની ઉંમરે પણ ઋતુલ એના પેરેન્ટ્સની રિસ્પેક્ટ તો કરે જ છે સાથે એમનું માન-આદર જાળવે છે પરંતુ અમુક વાતની જીદના કારણે અશ્વિનભાઈ અને ઋતુલ વચ્ચે થોડા મન-મોટાવ આવી ગયા છે.
'મોમ, આજે ફરી ડેડનો કોલ આવ્યો હતો. જયારે હોય ત્યારે ગુસ્સામાં જ વાત કરે છે. મારી એક સહનશક્તિની લિમિટ છે. જે દિવસે એ લિમિટ ક્રોસ થઇ જશે હું મારા શબ્દો પર કાબુ નહિ રાખી શકું. પ્લીઝ તને રિક્વેસ્ટ છે કે તું એમને સમજાવજે. સાંજે મળીએ.', ગુસ્સામાં ફોન કપાયો.
કિરણ તો સૂડી વચ્ચે સોપારી જેવી જ હાલતમાં છે. ઓફિસમાં ભલે આસિસ્ટન્ટ મેનેજર હોય, ઘરમાં એણે બાપ-બેટા વચ્ચે પીસાવાનું જ હોય છે.. સાંજે ઘરે જવા ગાડીમાં નીકળે છે.
(કિરણ મનમાં)'આજે તો હું એનો ફેસલો લાવીને જ રહીશ. મારે કઈ સાંભળવું નથી આજે. આજે હું બોલીશ અને બંને જણા સાંભળશે. રોજ દિવસ ઉગે એટલે બંનેનું ચાલુ થઇ જાય છે. વિકમાં ૩ દિવસ તો એમને શાંત કરવામાં જાય છે અને બાકીના દિવસ આ ઉંમરે ઓફિસના લફડા સોલ્વ કરવામાં જતા રહે છે. મને મારા માટે તો સમય જ નથી મળતો. અશ્વિન એમની કંપનીમાં બીઝી અને ઋતુલ એની લાઈફમાં બીઝી. આ શું વળી રોજ કાંઈક ને કાંઈક વાતે બંને જણામાં ઊંચ-નીચ અને બોલવાનું ચાલ્યા જ કરે છે. બંને સમજદાર છે છતાં....',
સાંજે અશ્વિન, કિરણ અને ઋતુલ ઘરે પહોંચે છે. ત્રણે એકબીજા સામે જોઈને ફ્રેશ થવા પોતાના રૂમમાં જાય છે.
'૧૫ મિનિટમાં મળીએ છે ડ્રોઈંગ રૂમમાં.', અશ્વિનભાઈ કહીને રૂમમાં જતા રહ્યા.
અડધા કલાકમાં મિટિંગ જામી. બેઠા-બેઠા વાતો થઇ પછી જરાક વાતાવરણ ઉગ્ર બન્યું.
'જો ઋતુલ, હું તને ખૂબ પ્રેમ કરું છું અને હું પણ ઈચ્છું છું કે તું ખુશ રહે અને જીવનમાં દરેક કામમાં પ્રગતિ કરે. તારી જિંદગી તું તારી જ મરજીથી જીવે પરંતુ તું કોલેજ સાથે આ ફૂટબોલના પ્રેકટીસ અને ફૂટબોલની ગેમમાં જ રચ્યો પચ્યો રહે છે તું એમબીએ કરીને સારી કંપનીમાં સીઈઓ બને અથવા આપણી જ કંપનીને સારી રીતે હેન્ડલ કરે એવી મારી ઈચ્છા છે અને ભણવામાં તો તું હોશિયાર છે જ. તારે બસ થોડું વધારે ધ્યાન આપીને વધારે સારી રીતે એમબીએ પૂરું કરવાનું છે. કાલે જ મેં તને કલબમાં રમતો જોયો હતો અને આજે સવારે તું કોલેજના નામે કલબમાં હતો. તારું ફૂટબોલ રમવાનું મને ગમતું નથી એવું નથી પરંતુ જીવનમાં કારકીર્દી પણ બનાવવી જરૂરી છે ને ? સમજુ છું કે ગેમ્સમાં પણ કેરીઅર બને છે. પરંતુ આપણે રિસ્ક લઈને બેસી થોડી રહી શકીએ ? કોઈ સંજોગો એવા આવ્યા કે તું ગેમ્સ પ્લે ના કરી શકે તો એવા સમયે ભણતર જ કામ લાગે દીકરા. આજે મેં એટલા સમયે આટલી ઊંચી સિદ્ધિ હાંસેલ કરી છે અને હું જે પરિસ્થિતિમાંથી ગુજરી ચુક્યો છું. એ પરીસ્થિતિમાંથી તું પણ ગુજરે એ નથી ઈચ્છતો. અમારા સમયે ભણતરની એટલી વેલ્યુ ન હતી. અત્યારે ઈગ્લીશ વગર અમારા જેવા બિઝનેસમેન પણ રમતા થઇ જાય છે. તું ગમે તે પરંતુ આજે આ વાતનો ફેસલો આવવો જ જોઈએ.', અશ્વિનભાઈ બોલીને ચૂપ રહ્યા.
'પપ્પા, તમારી વાત સાચી છે. હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ મારી પણ કોઈક ઉમ્મીદ કે સપના છે અને મેં પણ તમારી જેમ સપના જોયા છે. હું મારા સપનાની કુરબાની કઈ રીતે આપું ? નાનપણથી જ હું ફૂટબોલ અને ગેમ્સનો શોખીન રહ્યો છું અને મેં એમાં ઘણી સિદ્ધિ હાંસેલ કરી છે અને હું દેશ માટે રમવા માંગુ છું અને મારા માટે ગેમ્સ એટલી જ ઈમ્પોર્ટન્ટ છે જેટલું સ્ટડી. હું એમબીએ તમારા વિશ્વાસ ખાતર કરું છું અને તમારા સપના માટે કરું છું. મારી ઈચ્છાને હું મારવા નથી માંગતો. છેલ્લા કેટલા મહિનાથી આપણે આ જ ચર્ચા કરીએ છે આજે આ વાતનું નિરાકરણ લાવીને જ રેહવું છું.', ઋતુલ બોલ્યો.
'ઋતુલ, તું સમજવા કેમ તૈયાર નથી ? હું ....', અશ્વિન બોલે છે.
(અશ્વિનને વચ્ચે અટકાવીને કિરણબેન બોલ્યા.)
'હવે હું કાંઈક કહું આજે ? તમે બંને બહુ બોલી લીધું. હું છેલ્લા કેટલાય મહિનાથી બસ આમ મિટિંગમાં તમારા બંનેના મોઢા જ જોઉં છું. સાચું જ કીધું તમે બંને એ કે આજે ફેસલો આવીને જ રહેશે. પહેલા હું ઋતુલની વાત કરું તો. બેટા, અમે બંને તને ખૂબ પ્રેમ કરીએ છે એ વાત મારે તને કહેવાની જરૂર નથી. તારા ભવિષ્યની ચિંતા અમને હોય એ વાત સ્વાભાવિક છે. હું સમજુ છું કે તે આજ દિન સુધી ભણવા બાબતે કોઈ ફરિયાદ રાખી નથી. પરંતુ કોલેજ લાઈફના શરૂઆતથી જ તારું વર્તન થોડું અજીબ છે. તું આખો આખો સમય ખાલી ફૂટબોલ ગેમ્સ પાછળ જ આપે છે. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કોલેજમાં છે સમજી શકાય છે કે તારે પણ એન્જોયમેન્ટ કરું હોય પરંતુ અમે પણ તારા સારા માટે જ તારી સાથે વાત કરીએ છે ને ? હું એમ નથી કેહતી કે તું તારું રમવાનું કે પ્રેકટીસ સાવ બંધ કરી દે અને બસ ખાલી આખો દિવસ ભણવામાં જ આપ. ના, એવું નથી દીકરા. મારે તને ખુશ જોવો હોય છે, હસતો-રમતો દીકરો ગમે તેટલો મોટો થઇ જાય છતાં 'મા'ને વહાલો જ લાગે.'
'હવે, તમે... મિ. અશ્વિનકુમાર.. તમે કેમ આવું વર્તન કરો છો સમજાતું નથી કઈ. આજ દિન સુધી હું તમારી કોઈ વાતને નકારી નથી શકી પરંતુ આજે વાત આપણા દીકરા નહિ, આપણા ત્રણ સંબંધની છે અને આપ કોઈ એવા પગલાં લઇ લો કે પછી આપણે પાછળથી પસ્તાવું પડે એના કરતા અત્યારે બોલવું મને વધારે યોગ્ય લાગ્યું. હું જાણું છું કે તમે પણ ઋતુલને ખૂબ પ્રેમ કરો છો અને એના ભવિષ્યની ચિંતા જ ગુસ્સો કરાવે છે. પરંતુ અત્યારે સમય ગુસ્સો કરવાનો નથી. તમારે અને મારે સમય અને સંજોગોને અનુસરીને એક જવાબદાર મા-બાપ સાથે એક દોસ્તની ફરજ નિભાવવાની છે. આ વાતનું એક જ તરણ નીકળી શકે. ઋતુલ તારે ભણવાને પણ એટલું જ મહત્વ આપવાનું રહેશે જેટલું તું તારા સપના પાછળ આપે છે. તારે કરિયર બનાવવામાં અમે દાખલ-અંદાજી નહિ કરીએ. તારે એમબીએ પછી શું કરવું અને કઈ રીતે તારે તારી લાઈફ સિક્યોર કરવી એ તારા પર રાખીએ છે પરંતુ તારે સારી નિયત સાથે અને સારા માર્ક્સ સાથે તારી માસ્ટર ડિગ્રી લઇ તારા ભવિષ્યના ૨ રસ્તા ખુલ્લા કરવા પડશે. તારું પૅશન છે અને તારે એણે હર-હંમેશ સાથે રહીને જ ચાલવાનું છે કારણ કે એ જ તારી જિંદગી છે, તું એમાં જ જીવે છે અને તારા અંતર-આત્મામાં ખુશીની એક અલગ જ જ્વાળા રહે છે એટલે તારે તારા પૅશનને મારવાની કે એને છોડીને આગળ ચાલવાની જરાય જરૂર નથી. એક ઉંમર પછી 'પૈસો' પણ એટલો જ અગત્યનો બની જાય છે. બધું જ ઊંડાણમાં વિચાર્યું છેલ્લે મને એક લાગે છે કે તારે બંને પાસાને સરખી રીતે વહેંચી લેવા જોઈએ. જેથી તું તારું ભણતર જેમાં ખરેખર તને બહુ રસ છે અને તું એક હોશિયાર અને કાબિલ માણસ બની શકે છે એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને તારા ફૂટબોલના કરિયરને પણ સમજવું જોઈએ. જીવનમાં બધા જ મોકા આવશે, ક્યાં મોકે તારે સિક્સ મારવી એ તારે જોવાનું છે. શું કેહેશો મિ. અશ્વિન ? તમારી આ મેનેજર ધર્મપત્નીની વાત આજે કેવી લાગી ?', કિરણબેન થોડું મઝાક કરતા બોલ્યા.
(વાતાવરણ થોડું હળવું બન્યું.)
'ઋતુલ, આજે સમજાયું કે સ્ત્રીઓને ભગવાન અને 'મા'નો દરજ્જો કેમ મળ્યો છે ! માની ગયા તમને મારા જીવનસંગીની. સંબંધોને તરોતાઝા રાખીને લાગણીઓને એક તાંતણે અને એક જ દિલમાં કેમની બેસાડવી એ તો તમારી પાસેથી શીખવા જેવી વાત છે. આજે સમજી ગયો કે એક બાળકને એની દરેક તકલીફમાં 'મા' જ કેમ યાદ આવે છે. કારણ કે 'મા' સિવાય 'પતિ અને પુત્ર' બંનેને સાંભળે કોણ ?'
'હા...હા...હા..... બેટા, જે કરવું હોય એ કરજે પરંતુ તારા ભવિષ્ય સાથે ખિલવાડ થાય એવા કોઈ કામ ના કરીશ. વધારે કઈ કેહવું નથી કેમ કે આજે મિસિસ સોની બહુ સારું રમી ગયા છે અને જીતી પણ ગયા છે. જા, તું તારે.. એક હાથે ફૂટબોલ અને અને બીજા હાથે લેપટોપથી થબળ-થબળ કરવા તૈયાર થઇ જા. હા...હા...હા... સવારે જોબને સાંજે ગેમ્સ... શું કેહવું છે તમારું મિ. ઋતુલ અશ્વિનકુમાર સોની ?', અશ્વિનભાઈ બોલ્યા.
ઋતુલ બંનેને ભેટી પડ્યો અને એક સેલ્ફી તો બને જ છે ને ! પિક્ચર પરફેક્ટ વિથ સ્માઈલ.