Hina dasa

Drama Inspirational

4  

Hina dasa

Drama Inspirational

કોઠાસૂઝ

કોઠાસૂઝ

5 mins
198


"બા ! તમને પરિસ્થિતિઓ વિશે ખબર ન હોય તમે સૂઈ જાઓને ! તમને ખબર ન પડે..."

સૃજલ બહુ વિનમ્રતાથી બોલ્યો... ને ખરેખર જયાબેનને પરિસ્થિતિ ખબર જ નહતી. જયાબેન કઈ પણ બોલ્યા વગર રૂમમાં જઈ સૂઈ ગયા. ઘરમાં હમણાં થોડું તંગ વાતાવરણ હતું. જયાબેનનો એકનો એક દીકરો સૃજલ અને એના પાર્ટનર વચ્ચે કઈક માથાકૂટ ચાલુ હતી. સૃજલ આખો દિવસ સમસ્યા ઉકેલવામાં જ પડ્યો હતો. 

ભાવેશ અને સૃજલ બહુ ગાઢ મિત્રો હતા. બંનેએ સાથે મળી નવો ધંધો ચાલુ કર્યો હતો. ઈશ્વરકૃપાથી ધંધો પણ બહુ સરસ જામ્યો હતો. ને એટલે જ બંને વચ્ચે હવે મતભેદ ઊભા થયા હતા. સૃજલ આમ સત્યવાદી ને ભાવેશ થોડો ચાલાક. ભાવેશ ધંધામાં ક્યારેક કપટ કરી લેતો. જોકે સૃજલ બધું જાણતો હોવા છતાં આંખ આડા કાન કરતો. સૃજલ સંબંધો જાળવવામાં માનતો, એટલે એ ચૂપ રહેતો. પણ હવે પાણી નાક ઉપર થઈ વહી રહ્યું હતું. ભાવેશની છેતરપીંડી વધી ગઈ હતી ને સૃજલને પોતાના મિત્ર સામે જ ઊભા રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. 

જયાબેન રૂમમાં જઈ સૂતા, એમને પરિસ્થિતિની એટલી બધી જાણ ન હતી, પણ ખબર હતી કે સૃજલ આજે વર્ષો પછી એ જગ્યાએ ઊભો છે કે જે જગ્યાએ વર્ષો પહેલા પોતે ઊભા હતા. ફરી એક ધર્મયુદ્ધ ખડું થયું છે.

આ મગજ ને હૈયું ખબર નહીં સિમિલર પરિસ્થિતિ યાદ કરાવવામાં ગૂગલ કરતાંય બે કદમ આગળ વધી જાય છે. કોણ કઈ વાત ક્યાં સંઘરે છે એ તો ઈશ્વર જાણે પરંતુ સરખી પરિસ્થિતિ રચાય એટલે જૂની યાદ ઝટ દઈને આંખ સામે ધરી દે છે. જયાબેન પણ બત્રીસ વર્ષ પહેલાના એક દિવસની યાદના ઝરૂખે જઈ બેઠા...

"વહુ બેટા ! જરા તિજોરીની ચાવી આપજો તો !"

સસરાના શબ્દો જાણે અત્યારે જ બોલાયા હોય એમ જયાબેનના પેટમાં ત્યારે ફાળ પડી હતી એવી જ અત્યારે પડી, હૃદય બમણી ગતિથી ધબકવા લાગ્યું.

અતુલભાઈ સાથે પ્રભુતામાં પગલાં માંડયા ત્યારે જયા ખુદને બહુ નસીબદાર સમજતી હતી. ને એમાં કઈ ખોટું પણ નહતું. અતુલભાઈનું વ્યક્તિત્વ જ એવું નિરાળું કે એની સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ નસીબદાર જ હોય. નજીકની શાળામાં અતુલભાઈ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ત્રણ ભાઈઓમાં અતુલભાઈ સૌથી મોટા. બંને ભાઈઓને પરણાવી ધંધે પણ ચડાવી દીધા. ભાઈ અને દીકરા તરીકેની બધી ફરજ એમણે નિભાવીને પછી પોતાના પરિવારનો વિચાર કર્યો. અલગ થયા પછી પોતાની બચતમાંથી મોટું મકાન બનાવ્યું. બે મોટા પ્લોટ વસાવ્યા. એક મિત્ર સાથે ભાગીદારીમાં ધંધો પણ વિકસાવ્યો. બુદ્ધિ પોતે લગાડતા ને મહેનત મિત્ર કરતો એટલે ધંધો પણ સારો જામ્યો હતો.

પુત્ર સૃજલ, બે દીકરીઓ, જયાબેન ને અતુલભાઈનો બહુ સરસ પરિવાર વસ્યો હતો. જયાબેન ક્યારેય અતુલભાઈના કામમાં દખલ ન આપતા. અતુલભાઈ ઘણી વખત કહેતા, 

"જો જયા ! તું મારી ધર્મપત્ની છે તો તને આપણા ઘર વિશે બધી ખબર હોવી જોઈએ, ક્યાં કેટલી મિલકત છે, ક્યાં કેટલા પૈસા છે બધું જાણવું જોઈએ. કાલ સવારે ન કરે નારાયણ ને મને કઈ થઈ ગયું તો આ બધું કોણ સંભાળશે ?"

"તમને કઈ નહીં થાય, તમે ચિંતા કરો મા..."

આમ કહી જયાબેન હંમેશા વાત ઉડાવી દેતા.. પણ ધાર્યું તો ધણી જ થાય ને ! એમ મોટો અકસ્માત થયો ને અતુલભાઈ એમાં ભરખાઈ ગયા. શવ ફળિયામાં પડ્યું હતું ને અત્યાર સુધી જેણે વડપણ નહતું યાદ આવ્યું એવા સસરા હવે વડપણનું ડહાપણ લઈને આવ્યા. જયાબેનને કહે,

"વહુ બેટા, તિજોરીની ચાવી આપજો તો..."

હજી તો પતિના મોતનો આઘાત અંદરથી ચુરેચુરા કરે છે ત્યાં આ નવું આવ્યું. જયાબેનને ખબર હતી ચાવી આપીશ એટલે બધી મિલકત ને પૈસા સસરાના હાથમાં જશે. અતુલભાઈએ એમની ફરજ પૂરી કરી હતી. હવે આ જે કઈ ભેગું કર્યું હતું એ પોતાના છોકરાઓ માટે હતું. જયાબેન ક્યારેય ઊંચા અવાજે બોલ્યા ન હતા. પતિ કહે એમ જ એણે આજીવન કર્યું હતું. હવે ઘરના મોભી હતા નહીં તો શું કરવું એ એમને સૂઝતું ન હતું. પતિના શબ ઉપર બેઠેલી એક સ્ત્રી કેટલું વિચારી શકે ? આખા ઘરમાં સોપો પડી ગયો. આંસુથી લથબથ ચહેરો, વિખરાયેલા વાળ સાથે જયાબેન કશું વિચારવા સક્ષમ ન હતા. એમને તો એ ખબર પણ ન હતી કે તિજોરીમાં કેટલા રૂપિયા છે. અતુલભાઈ જ્યારે પણ કઈ મૂકતા ત્યારે જયાબેનને ચોક્કસ કહેતા. કરોડોની મિલકતના દસ્તાવેજો પણ એમાં જ પડ્યા હતા. એક વિધવા ને ઓછી ભણેલી સ્ત્રી શું સાચવી શકે આ બધું એમ વિચારી સસરાએ ચાવી માંગી હશે.

જયાબેનનો સ્વભાવ બધાને ખબર હતી. ગરીબડી ગાયની જેમ જ એ આજીવન વર્ત્યા હતાં. ક્યારેય ન તો કોઈનો વિરોધ કર્યો હતો ન તો ના પાડી હતી. આજે પણ બધાને હતું કે જયાબેન સરળતાથી ચાવી આપી જ દેશે. ને ચાવી આપવાનો મતલબ હતો, ઘરનું આધિપત્ય બીજાને સોંપી દેવું. આજ દિન સુધી ખબર ન પૂછનાર સસરાને ઘરના માલિક ગણી લેવા... હવે આંસુ સાથે જ જયાબેન પોતાના ઢાંકેલા મોઢેથી જ બોલ્યા,

"બાપુજી ચાવી તો નહીં મળે, છોકરાઓનો બાપ ગયો છે મા નથી ગઈ, હું હજી જીવું છું....."

ઊભેલા બધાને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત. જયાબેન આમ બોલશે એવું તો કોઈએ સ્વપ્નેય વિચાર્યું ન હતું. સસરા તો વિલે મોઢે એક બાજુ બેસી ગયા. અગ્નિસંસ્કાર ને મૃતક પાછળની બધી વિધિ પૂરી કરી. અગિયાર દિવસ થયા એટલે જયાબેને બેઠેલા પરિજનોને કહ્યું,

"સૃજલના પિતાજી ઘણી મિલકત મૂકીને ગયા છે. તમારા બધાની મદદથી જ હું બધું સાચવી શકીશ. પરિવાર છો તો સાથ જરૂર આપજો પણ બિચારા સમજી નહીં પોતાના સમજીને....

જયાબેનનું આ રૂપ સૌથી અજાણ્યું હતું. સસરાને થયું અહીં માલિકી મળવી હવે અશક્ય છે એટલે એ આટલા દિવસ અહીં અડિંગો જમાવી બેઠા હતા એ પોતાના ઘર તરફ જવા લાગ્યા. સ્ત્રીને આ સમાજ ભલે ગમે એમ કહેતો હોય, પણ ક્યારેય આ સમાજે મા ને વખોડી નથી. મા પોતાના સંતાનો માટે ગાયમાંથી સિંહણ પણ થઈ શકે છે. ને જયાબેન અત્યારે ત્રણ બાળકોની મા ને બાપ બંને થઈ ઊભા હતા.

આજે સૃજલ પણ પોતાનાઓની સામે ઊભો હતો. તમને ખબર ન પડે એમ સૃજલ બોલ્યો ત્યારે જયાબેનને થયું કે દીકરાને કહું કે, "દીકરા તું હજુ ઘોડિયામાં હતો ને ત્યારે હું આવી પરિસ્થિતિમાંથી આબાદ નીકળી છું," પણ પછી જયાબેનને થયું કે એમનો દીકરો કંઈક રસ્તો કરી જ લેશે. પરિસ્થિતિ ગમે તે હોય પણ પોતાનો દીકરો માની જેમ જ મજબૂત થઈ રસ્તો કાઢી જ લેશે. જીવનમાં ધર્મયુદ્ધ તો દરેક વ્યક્તિએ પોતે જ લડવું પડે છે. ઈશ્વર દરવખતે ગાંડીવ ઉપડાવવા નથી આવતો પણ એ હિંમત જરૂર આપે છે અધર્મના પક્ષમાં ઊભેલા પોતાનાની સામે પણ લડવા માટે. દરેક વ્યક્તિને પોતાના માટે તમારે અવકાશ પણ આપવો જોઈએ, કારણ ધર્મયુદ્ધ તો વ્યક્તિએ પોતે જ લડવું પડે છે ને જીતવું પણ પડે છે.

સૃજલ થોડો ઉદાસ થઈ બેઠો હતો ત્યારે એક દૂરના કાકા આવ્યા. સૃજલને ઉદાસ જોઈ પૂછ્યું સૃજલે બધી વાત કરી ત્યારે એ કાકા બોલ્યા,

"જયાભાભીનો દીકરો થઈ તું આમ ઉદાસ થાય એ કેમ ચાલે. તને ખબર તું ઘોડિયામાં હતો ત્યારે એમણે આવી પરિસ્થિતિમાંથી એકલાએ રસ્તો કાઢ્યો હતો...."

સૃજલને કશી ખબર ન હતી. કાકાએ બધી વાત કરી. સૃજલને મા માટે માન વધી ગયું. સૃજલને હવે લાગ્યું કે હવે પોતે પણ માની જેમ કઈક રસ્તો કાઢી જ લેશે. માની કોઠાસૂઝ પોતાને પણ વારસામાં મળી જ છે જે એને હવે કામ લાગશે.

ગાંડીવ જો ઉપડાવવું હોય અર્જુન પાસે,

તો માધવે પણ સુદર્શન છોડવું પડે.


Rate this content
Log in

Similar gujarati story from Drama