કોફી ની કેફિયત
કોફી ની કેફિયત


અનુરાગ અને કેતકી બનેના લગ્નને ૧૭ વર્ષ પુરા થતા હતા. આ વાતને લઈને કેતકી ખુબ જ ખુશ હતી. અનુરાગ સાથે આટલા વર્ષો ક્યાં નીકળી ગયા અને એ પણ ખુબ જ આંનદ અને ઉત્સાહ સાથે એ ખબર જ ના પડી.
અનુરાગ માટે કઈક આવું જ હતું. ફરક ખાલી એટલો જ હતો કે પોતાના કામ અને સતત વ્યસ્ત જીવનના લીધે ઘણીવાર જીવનમાં આવેલી અમુલ્ય પળો સામે, સાથે હોવા છતાં એ પરિપક્વતાથી માણી શક્યો ન હતો.
કેતકી: “ અનુરાગ ચાલને આજે આપણે કેફે જઇએ. પહેલાંની જેમ એક એક કેફિયત થઇ જાય.”
અનુરાગ: “ ડાર્લિંગ હવે આ બધું સારું ના લાગે. આપણો દીકરો પણ ૧૩ વર્ષનો થયો. હું તારી મન:સ્થિતિ સમજુ છું. પરંતુ હવે આ બધું ના શોભે.”
કેતકી: “ અનુરાગ તું તો એવી રીતે કહી રહ્યો છે જાણે આપણે લગ્નના ૪૦ વર્ષ વિતાવ્યા હોય અને હું તો માનું છું કે સાથને માણવા માટે કોઈ ઉમર નથી હોતી. તું પરીન વિષે શા માટે વિચારે છે. એ પણ સમજુ છે. રાધર એણે જ આ આઈડિયા આપ્યો છે. આમ તો તું તારા કામમાં અને હું ઘરમાં વ્યસ્ત હોઈએ છીએ તો આજે એક દિવસ તો તું મને આપી જ શકે ને ?”
અનુરાગ: “ કેતકી... ( ફોનની રીગ વાગે છે) હેલો... યા.. ચોક્કસ.. આવું જ છું. બસ અડધો કલાક આપો”
કેતકી: “અનુરાગ.. ધીસ ઇઝ નોટ ફેર... તમે આજે ક્યાય નહી જાવ કહ્યું હતું અને હવે...”
અનુરાગ: “ કેતકી તું તો પરીનની જેવી જીદ કરે છે. તને ખબર જ હતી ને કે મારી લાઈફ આવી જ છે. લગ્ન વખતે આપણે વાત થઇ જ હતી ને. તે કહ્યું પણ હતું કે હું આ સમજુ છું અને હવે આ રીતે મને ટોર્ચર નહી કર પ્લીઝ.”
કેતકીને શું કહેવું સમજાતું ન હતું. તેની આખો નમ થઇ આવી. (સ્વગત) “ અનુરાગ એક સમય હતો જયારે તું મારી આગળ પાછળ જ રહેતો. તને મારા વગ ગમતું નહી. દિવસમાં કેટલા ફોન કરતો એનો હિસાબ નથી મારી પાસે. ગમતું એ બધું તને અને મને પણ... પરંતુ હવે કદાચ ઘર અને પરીનની વધતી જવાબદારીઓના લીધે તું આપણી ખુશીઓને નજર ચૂક કરી રહ્યો છે. હું સમજુ છું. પણ મારા મન નું શું કરું એ કે જરા. તારા વિના આ રીતે જીવવું મારા માટે ડીપ્રેસીવ છે. હા હવે મને લાગે છે કે હું ખરેખર ડિપ્રેશનમાં છું. ના તારા કોઈ ખોટા વ્યવહારના લીધે નહિ, પણ તારી સંગતતાની ઉણપના લીધે. મારે આ રીતે ક્યાં સુધી રહેવાનું ? સમય સમયનું કામ કરે છે એ માનું છું પણ આ રીતે નહી.
કદાચ તું તારી વ્યસ્તતાને કારણે ભૂલી ગયો હોઈશ પણ મને બરાબર યાદ છે આપણી એ કોફીની કેફિયત માત્ર આનંદ કે સમીપતા માણવા માટે નહોતી. એ આપણી વચ્ચે એકબીજાને ના કહેલી વાતો કહેવાનું માધ્યમ પણ હતું. જ્યાં સુધી એ કેફિયત જીવંત હતી ત્યાં સુધી આપણી વચ્ચે પ્રશ્નો પણ ઓછા હતા. તું પાસે બેઘડી બેસે તો તને આ બધું સમજવું ને... તારો હાથ પકડી ફરીએકવાર મારી અંદર ઉર્જા સંચાર કરૂને... કાશ... તું સમજે... મને તારી જરૂર છે..”
કદાચ આવી સ્થિતિ ૧૦ માંથી ૪ ઘરોમાં આપણને જોવા મળે છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ જીવનમાં બધું જ પામી લેવાની હોડ અને તેના કારણે કરવી પડતી મહેનત છે. પરુષો પત્ની અને બાળકોને સારું જીવન આપી શકે તે જીજીવિષા સાથે સતત રાત દિવસ જોયા વગર મહેનત કરતા રહે છે. પરિણામે પત્નીઓને લગ્ન પછી પહેલાં ૫ વર્ષોમાં મળતો પ્રેમ કે એટેન્શન પતી તરફથી ઓછો થવા લાગે છે અને અંતે તે ફરિયાદનું સ્વરૂપ લઇ લે છે. જેમ પત્ની ડિપ્રેસન અનુભવે છે એમ પતિઓ પણ એજ સમયે એજ લાગણીમાંથી પસાર થતા હોય છે. ફરક ખાલી એટલો જ છે કે એમને કામના બોજ ના લીધે એનો ખ્યાલ આવતો નથી. જયારે પત્નીમાં પરિસ્થિતિની સાથે સાથે શારીરિક બદલાવ ખાસ કરીને મેનોપોઝ કે અર્લી મેનોપોઝની સ્થિતિમાં આમ થવું ખુબ જ સવાભાવિક છે. અહી બનેમાંથી એકપણ વ્યક્તિ ખોટા નથી. તેઓ જેમાંથી પસાર થઇ રહ્યા છે એ પોતે જ સમજી શકે. આવા સમયે ઉપાય શું એ સ્વાભાવિક રીતે મનમાં આવે. શું આ પરિસ્થિતિને વણઉકેલે આમ જ રહેવા દેવી જોઈએ કે પછી કોઈ નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.
હા એનો ઉકેલ લાવવો ખુબ જરૂરી છે નહિતર સમય જતા માઠા પરિણામ આવી શકે છે. પહેલાં પતિ પત્નીએ પોતાની રીતે આ અંગે શાંત મને વાત કરવી જોઈએ. આમ છતાં કોઈ ઉકેલ ના મળે કે મનનું સમાધાન ના થાય તો ચોક્કસ ફેમીલી કાઉન્સિલર પાસે જવું જોઈએ. મારા મતે એમાં કોઈ નાનપ નથી. સંબધો મન મોકળું રાખી વાત કરવાથી પાંગરે છે નહી કે મુઠી બંધ રાખી અંદર અંદર શોષાવાથી નહી.