કોણ કોનો આધાર
કોણ કોનો આધાર
હંમેશા શાંત અને મીત સ્વભાવ ધરાવતા શિક્ષિકા ભાનુબેન એ જેવું પોતાના હાથમાં હાજરીપત્રક લઈને હાજરી પુરવા નું શરુ કર્યું અને નંદિની નું નામ પડતાં જ 'ગેરહાજર 'સાંભળ્યું એમનો પારો સાતમા આસમાને ચડી ગયો."આ રીતે તો કંઈ ગેરહાજર રહેવાતું હોય ? એક દિવસ આવવું અને ફરી ચાર દિવસ ગેરહાજર. આ તે કઈ રીતે થઈ ? ઠીક છે, ભણવામાં હોશિયાર છે અને પરીક્ષા આવતા પહેલા જ બધો અભ્યાસક્રમ પૂરો કરીને ક્લાસમાં હંમેશા અવલ જ આવે છે પરંતુ શિસ્ત અને નિયમિતતા જેવી પણ કોઈ વસ્તુ હોય છે, જેના વગર તો જીવનમાં બધું જ નકામું ! કાલે આવવા દો એને ક્લાસમાં, પછી એની વાત છે" ભાનુમતિ મનોમન બબડી રહ્યાં હતા. એમના ક્લાસની સૌથી તેજસ્વી વિદ્યાર્થી નંદિની આમ તો એમને અને શાળાના બધા શિક્ષકોને ખૂબ જ પ્રિય હતી. પોતાની કુશળતા અને હોશિયારીથી એ શાળાના બધા જ કાર્યક્રમમાં હંમેશા અગ્રેસર રહેતી અને બધાનું મન મોહી લેતી અને એટલે જ શાળામાં એની અનિયમિત હાજરીને એના વર્ગ શિક્ષક ભાનુબેન આંખ આડા કાન કરી દેતા. પરંતુ હવે એમની ધીરજની કસોટી થઈ ગઈ હતી. નંદિનીને સજા આપવાના આશયથી એમણે નંદિની ખાસ બહેનપણી નલિનીને નંદિનીના ઘરના સરનામા અને ઘરમાં રહેતા અન્ય સભ્ય વિશે માહિતી મેળવવા માટે એમની પાસે બોલાવી. પરંતુ જેવું નલિની એ નંદિનીના વારંવાર ગેરહાજર રહેવાનું કારણ બતાવ્યું એવું જ ભાનુબેન નો ગુસ્સાને કારણે ચડી ગયેલો પારો તરત જ નીચે ઉતરીને સામાન્ય સ્થિતિમાં આવી ગયો. નલિની ના કહેવા પ્રમાણે નંદિનીની માતા સાવકી હતી અને એના માથે ઘરની સંપૂર્ણ જવાબદારી નાખીને એના ભણતરમાં અડચણ ઊભી કરતી હતી. ઘરમાં નંદિનીને માત્ર એક એના વૃદ્ધ થઈ ગયેલા દાદીનો જ આધાર હતો જેના પીઠબળ ના કારણે એ અહીં સુધી પહોંચી હતી. આ વાત સાંભળીને ભાનુ બેનને ખૂબ જ દુઃખ થયું. એ દ્રઢપણે માનતા હતા કે દરેકે દરેક કન્યાને શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ અને એના માટે એના પરિવારે એનો આધાર બનીને એના આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ. પોતાના આ વિચારને નંદિનીના જીવનમાં અમલ કરવા ના હેતુથી એમણે નંદિનીના દાદી ને મળવા માટે બોલાવ્યા.
બીજે દિવસે શાળામાં, ધ્રુજતા હાથે લાકડીનો આધાર લઈને ચાલતા નંદિનીના વૃદ્ધ દાદી ભાનુબેન ને મળવા માટે આવ્યા. ભાનુબેનેે એમની શાળાની સૌથી તેજસ્વી વિદ્યાર્થી નંદિનીનો આધાર બનીને તેને ભણવા માટે પ્રોત્સાહન આપવા બદલ દાદાજીનો આભાર માન્યો. અને પછી એમને વિનંતી કરી કે જે રીતે એમણે નંદિનીને આજ સુધી પોતાનું પીઠબળ આપીને ભણતર માટે પ્રોત્સાહન આપ્યું છે એ જ રીતે ઘરના અન્ય સભ્યોને સમજાવીને નંદિનીને નિયમિત શાળામાંં મોકલાવે જેથી ભવિષ્યમાં નંદિની પોતાના પગ પર ઊભી રહી શકે અને એના કોઇના આધારની જરૂર ના પડે. અનેે જ્યાર અંતમા ભાનુબેન દાદી ને કહ્યું,"તમે જ નંદિનીના આધાર છો", ત્યારે આ વાત સાંભળીને વૃદ્ધ દાદી ના આંખમાં આસું આવી ગયા અનેેેેે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને જવાબમાં માત્ર એટલું જ બોલી શક્યા,"કોણ કોનો આધાર... ?" ઘરમાં બે પુત્રો અનેે પુત્રવધૂઓથી હર્યાભર્યા પરિવારના વડીલ એવા દાદીમાં ના ધ્રૂજતા સ્વરમાં, એમનું એમના ઘરમાં કોઈ વર્ચસ્વ ના હોય એવુંં સ્પષ્ટપણે જણાઈ ગયું. ભાનુબેન ને એ વાત સમજતા વાર ન લાગી કે જે નંદિની દાદીમા પર આધારિત લાગતી હતી એ જ નંદિની હકીકતમાં માત્ર દાદીનો જ નહીં પરંતુ આખા પરિવારનો આધાર હતી. પોતાની પ્રિય વિદ્યાર્થી નંદિની માટે એમને પ્રેમ તો હતો જ પરંતુ આજે એક શિક્ષિકા થઈને પોતાની વિદ્યાર્થીથી પ્રત્ય માન થઈ ગયુંં.
જીવનભર પોતાનુંં પરિવાાર અને નોકરીની ફરજનું સંતુલન જાળવી ને પહેલા પિતાનું ઘર અને લગ્ન પછી પતિના પરિવારની પણ બધી જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડનાર ભાનુબેનથી વધારે આ વાતને કોણ સમજી શકે કે બે કુળનું નામ રોશન કરનાર અને બે પરિવારોની જવાબદારી નિભાવવામાં સકુશળ એવી એક સ્ત્રીને ક્યાંં બીજા કોઈ આધારની જરૂર ? પોતાના પિતાના ઘરે રોપેલું સ્ત્રી નામનું છોડવું જ્યારે જળ મૂળથી ઊખડી ને પોતાના પતિના ઘરમાં રોપાય છે ત્યારે ફરી પાછું પોતાની પકડ મજબૂત કરી ને પોતાના પરિવારનો આધાર બની જાય છેે.
આખો પરિવાર જ જેના પર આધારિત છે એવી સ્ત્રીને કોઇના આધારની શી જરૂર ? એને જરૂર છે તો માત્ર આત્મવિશ્વાસની...!
