The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Leena Vachhrajani

Inspirational

3  

Leena Vachhrajani

Inspirational

કોડવર્ડ

કોડવર્ડ

3 mins
542


લાંબા સમય બાદ મંજૂર થયેલી રજાને માનસિક હળવાશ સાથે આરામખુરશીમાં માણતા સાગરના ગોઠણ સુધી માંડ પહોંચતા ગોલુએ કહ્યું,

“ ચાચુ, બ કલી દો.”

કાલીઘેલી ભાષામાં ચોકલેટનો ડબ્બો બંધ કરી આપવાનું કહેતા ભત્રીજાને ગાલે વ્હાલભરી થપકી મારતાં કેપ્ટન સાગરે કહ્યું,

“તોતડચંદ,બંધ કરી દો એમ કહેવાય.”

અને સાગર ગોલુની સાથે મસ્તી કરવામાં મશગુલ થઈ ગયો. પાસે જ ઓટલા પર બેઠેલી તારલીને ફરી સ્હેજ ઓછું આવી ગયું. પણ એ ગમ ખાઈ ગઈ.

મિલિટ્રીમાંથી રજા પર આવતા સાગરને હવે અઢી વર્ષના મીઠા ગોળમટોળ ગોલુનું આકર્ષણ વધુ રહેતું. એટલે જ નાનપણથી સાથે ઉછરેલી અને બચપનની માસુમ દોસ્તી પછી હવે મીઠી લાગણી ધરાવતી પડોશમાં રહેતા કરમાકાકાની તારલીને ઘણી વાર ઓછું આવી જતું. નારાજગી વ્યાપી જતી. 

જાહેરમાં કંઈ ન કહેતી તારલી એકાંતમાં સાગરનો હાથ પોતાના હાથમાં લઇને ફરિયાદના સૂર રેલાવતી,

“તું મારો પ્રથમ દોસ્ત અને પ્રથમ પ્રેમ છે. તને જેમ દેશના ભાગલા સહન ન થાય એમ મને તારી વહેંચણી હરગિઝ સહન નહીં થાય પછી એ નાનકડો ગોલુ જ કેમ ન હોય !” સાગર એના રતુંબડા ગાલ પર પ્રેમભરી ટપલી મારતાં કહેતો,

“નાનકડા બાળકની ઇર્ષ્યા કરતાં જરા તો શરમા. નાની તારુડીમાંથી તારલી બન.”

“પ્રેમમાં કોઈ ભાગ કે કુરબાની મને નહીં ફાવે. હા, કહી દઉં છું”

અને આવી કંઇકેટલીય ખાટી-મીઠી તકરારભરી વાતો ચાલતી રહેતી. અને ફરજ પર પરત ફરવાનો ઉદાસ દિવસ આવી જતો. ભાઈ-ભાભી અને તારલીના ઉદાસ ચહેરા સાગર હજુ સહન કરી જતો પણ આ વખતે ગોલુની મોટી ડબડબતી આંખોને જોઈ ક્યારેય લાગણીમાં ન વહેતો સાગર ગાડીમાં બેસીને છલકાઈ ગયો.ફરજ પર પહોંચીને કામમાં પરોવાઈ ગયેલા સાગરને તારલીનો સુંદર ચહેરો અને નાનકડા ગોલુનું નિર્દોષ વાક્ય, “ બ કલી દો” વારંવાર મનમાં ચમકી જતાં.

એક રાતે મેસમાં ડીનર દરમ્યાન બાતમીદાર દ્વારા શહેરમાં આતંકવાદી હુમલાની ખબર આવી અને યુનિટમાં ખળભળાટ મચી ગયો. સમગ્ર યુનિટ હુમલાનો સામનો કરવાની પેરવીમાં લાગી ગયું. શહેરની દરેક મુખ્ય જગ્યાઓ પર અલગ અલગ ટુકડીઓમાં વહેંચાઇને સેના તૈનાત થશે અને મોબાઇલમાં એક કોડવર્ડ દ્વારા એકબીજાના સંપર્કમાં રહીને એક સાથે વળતો હુમલો કરવો એવી યોજના બનાવવામાં આવી. કોડવર્ડ નક્કી કરવામાં બધાના મત લેવાયા. અનાયસે સાગરથી “બ કલી દો” એ વાક્યનું સૂચન થઈ ગયું.

ન જાણે કેમ હંમેશાં તંગ પરિસ્થિતિનો સામનો કરતા, રોજ જીવ સટોસટની બાજી ખેલતા બહાદૂરોને આ કોડવર્ડ બહુ હળવાશ બક્ષી ગયો. અપાર અથડામણ અને અંધાધૂંધ ગોળીબારી થઈ. નિર્દોષ નાગરિકોની સલામતી સાથે-બે જવાનોની શહીદી અને સાગર જેવા ચાર લડવૈયાની ઘાયલ થવાની કિંમત સાથે આખું આતંકવાદી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું.

મબલખ અભિનંદન અને આખા રાષ્ટ્ર તરફથી બહાદૂરોને સલામીના સંદેશા વહેતા થયા. સારવાર દરમ્યાન કમનસીબે સાગરને એક પગ ગુમાવવાનો વારો આવ્યો. સંપૂર્ણ માન-સન્માન અને નાણાકીય મદદ સાથે સાગર ઘેર પરત આવ્યો. કાયમી અપંગતા સામે માનસિક રીતે ભાંગી પડેલો સાગર બે વાર મળવા આવેલી તારલીની સમક્ષ જવાની હિંમત કેળવી ન શક્યો. 

સમયના વહેણ સાથે તારલીના સાચા અટલ પ્રેમ અને પરિવારની સમજાવટથી ગહન મનોમંથન બાદ સાગર સહમત થયો. અંગત સ્વજનોની હાજરીમાં સાગર અને તારલીના પાણિગ્રહણ સંસ્કાર સંપન્ન થયા. પ્રથમ રાતે સહેજ સંકોચમાં ઓરડે આવેલા પ્રિયતમ પતિને તારલીએ દરવાજો દેખાડીને સ્મિતસહ કહ્યું,

“પેલો દરવાજો ખુલ્લો નથી રાખવાનો હોં !  બ કલી દો...”

અને દિવાલો રોશનીમાં નહાઈ રહી, ચાર નૈન હસ્યાં, એક કમાડ બંધ થયું અને કેટલાય માર્ગ ખુલી ગયા.


Rate this content
Log in

More gujarati story from Leena Vachhrajani

Similar gujarati story from Inspirational