Arjunsinh Raulji

Inspirational Others

3  

Arjunsinh Raulji

Inspirational Others

કંકુ અને કાશી

કંકુ અને કાશી

8 mins
823


મનસુખનું મન ચકરાવે ચઢ્યું હતું. તેનું કામમાં દિલ લાગતું નહોતું, મગજ પણ ઠેકાણે નહોતું. કામમાં ભૂલો થતી હતી, બોસ ખખડાવતા હતા, ભૂલો ન કરવાની ચેતવણી આપતા હતા. પણ તે પોતે પણ શું કરે ? ખૂબ ધ્યાન રાખતો હતો તે –ભૂલ ના થાય તે માટે. પણ કાગળમાં તેને પોતાની મા કાશીનો જ ચહેરો દેખાતો હતો ગોળ ગોળ ફરતો ! દયામણી અવસ્થામાં.

મા જાણે કે તેને કહેતી હતી કે –દિકરા, મેં આટલા માટે જ તને પેટે પાટા બાંધી ઉછેર્યો ? તને ભણાવ્યો ? મોટો સાહેબ બનાવ્યો ? લોકોના ઘરનાં કચરા-વાસણ અને પોતાં મેં આ આશાએ કર્યાં હતાં ? મેં નથી ખાધું, ભૂખી રહી છું –પણ તને ભાવતાં ભોજન કરાવ્યાં છે, મેં ફાટેલાં કપડાં પહેર્યાં છે, લોકોની ઉતરેલી સાડીઓ પણ થીંગડાં મારી મારીને પહેરી છે એક જ આશાએ કે કાલે મારો મનસુખ મોટો થશે, મોટો સાહેબ થશે, ખૂબ ખૂબ કમાતો થશે અને મારા દુ:ખના દિવસો પૂરા થશે. સુખનો સૂરજ ઉગશે. હું મોટરોમાં ફરતી થઇ જઇશ, મારો મનસુખ મને હથેળીમાંને હથેળીમાં જ રાખશે, મારી બધી જ આશાઓ અને તમન્નાઓ પૂરી કરશે.

પણ બન્યું એથી ઉલ્ટું ! મનસુખનાં ધામધૂમથી લગ્ન કર્યાં, પોતાના ગજા કરતાં પણ વધારે ખર્ચ કર્યો કાશીએ..! પોતાના એકના એક દિકરા મનસુખની બધી જ માગણીઓ તેણે પૂરી કરી. તેની પોતાની ત્રેવડ હોય કે ના હોય. તે પોતે પટ્ટી તૂટેલા સ્લીપરથી ચલાવતી હતી, પરંતું મનસુખને પંદરસો રુપિયાવાળી મોજડી લેવી હતી. લગ્નમાં પહેરવા, તે પણ લઇ આપી –કોઇપણ પ્રકારની આનાકાની વિના, પોતાનું મન ખાટું કર્યા વિના. અને વાજતે ગાજતે ઘરમાં વહુ આવી.

કંકુની ઘરમાં પધરામણી થઇ. કાશીને મન તો જાણે કે ઘરમાં લક્ષ્મીજીની પધરામણી ના થઇ હોય તેવો ઉત્સાહ વર્તાતો હતો. શરુઆતમાં દસ દિવસ તો કાશી કંકુને ઘરનું કશું જ કામ કરવા દેતી નહોતી, કંકુ કામ કરવાનો પ્રયત્ન કરે તો પણ તેને બેસાડી દેતી હતી, ઉપરથી કહેતી હતી, "બેટા,તું તો મારી આંખોનું રતન છે, તું મારી વહુ નહીં દિકરી છે અને હું તારી સાસુ નહીં મા છું, કામ કરવા માટે આખી જિંદગી પડી છે, હમણાં નહીં. હજુ તો હાથની મહેંદી પણ સૂકાઇ નથી.પછી કરજોને કામ તમારે જ કરવાનું છે ને ! પણ કાશીને ખબર નહોતી કે તેણે આવું કરીને સામેથી વહુને માથે ચઢાવી દીધી છે !

કંકુને તો જાણે કે દોડવું હતું ‘ને ઢાળ મળી ગયો ! આમેય કંકુ પહેલેથી જ કોચરી હતી. તેને કામ કરવાનું ગમતું જ નહોતું અને કાશીએ આવું કહ્યું એટલે તેને તો ફાવતું મળી ગયું ! હાથની મહેંદી ઉતર્યા પછી પણ તેણે કામ કરવાનો કોઇ ઉત્સાહ દર્શાવ્યો નહીં. બધું કામ કાશી જાતે કરી લેતી, મનસુખ બધું જોયા કરતો. તેણે કંકુને એક બે વખત ટોકવાનો પણ પ્રયત્ન કર્યો પણ કંકુએ તેને સામેથી વડકચું ભર્યું કે –તમારી માને કામ કરવાનો શોખ છે તો કરવા દો ને કામ ! તમે શા માટે તેનું ઉપરાણું લો છો ? અને કાશી પણ ઘરમાં ઝગડા ના થાય તે માટે ચૂપચાપ કામ કરી લેતી.

મનોમન વિચારતી બે કામ વધારે કરવાથી શરીર કાંઇ ઘસાઇ જવાનું નથી. પણ તે ઝગડાથી દૂર રહેવાનો જ પ્રયાસ કરતી..! તો પણ કંકુને સાસુ વહાલી લાગવાની વાત તો બાજુ ઉપર રહી,પણ આંખના કણાની માફક ખુંચતી. તે સાસુનો કોઇને કોઇ વાંક કાઢીને હંમેશાં ઝગડો જ ક્રરતી. મનસુખની હાલત તો સાસુ વહુ વચ્ચે સેન્ડવીચ જેવી થઇ ગઇ હતી. તે ન તો માને કાંઇ કહી શકતો કે ના પત્નીને ! કંકુને તો કાંઇપણ કહેવા જાય એટલે તે હડકાયા કૂતરાની માફક જ બચકાં ભરવા માંડતી. તે વખતે મનસુખને ગામમાં જ નોકરી હતી એટલે સાંજે તે ઓફિસેથી થાક્યો પાક્યો આવે એટલે સાસુ વહુના તોબરા ચઢેલા જ હોય. કાશી તો વહુ વિરુધ્ધ કોઇ ફરિયાદ કરતી નહીં પણ કંકુ પાસે તો સાસુ વિરુધ્ધની ફરિયાદોનો ટોપલો હતો, ઓફિસેથી આવી હજુ તો તેણે પાણી પણ પીધું ના હોય કે કંકુનો તોપમારો ચાલુ થઇ જતો.

સાસુ વહુના ઝગડાથી તે ત્રાસી ગયો હતો, તે પણ જાણતો હતો કે વાંક કંકુનો જ છે પણ તે કંકુને કાંઇ કહી શકતો નહોતો. કંકુને કંઇપણ કહેવા જાય તો તે એક જ વાત કરતી હું મારા પિયર જતી રહીશ, ડિવોર્સ લઇ લઇશ. તેના બાપનો પણ ફોન આવી જ જાય કે હું મારી દિકરીને તેડી જઇશ. પછી તો કંકુએ હઠ પકડી કે હવે આ ઘરમાં કાં તો હું નહીં અથવા બા નહીં. હવે જો ગામમાં ને ગામમાં મનસુખ જુદો થાય તો માને ખોટું લાગે, ગામલોકો તેને જ ટૂંપી ખાય કે એકનો એક દિકરો હોવા છતાં જુદો થઇ ગયો.એટલે મનસુખે વચલો રસ્તો કાઢ્યો. તેણે બાજુના શહેરમાં પોતાની બદલી કરાવી દીધી અને એ લોકો વડોદરા રહેવા આવી ગયાં.

મનસુખને હતું કે હવે તો ઘરમાં શાંતિ થશે કંકુને એકલા જ રહેવાનું છે ને ? પણ ના.. હજુ પણ સાસુનું નામ લઇ કોઇને કોઇ કારણે કંકુ ઝગડા જ કરતી હતી. તેમાંય દર મહિનાની પહેલી તારીખે માને પૈસા મોકલવાના થાય એટલે ઝગડા જ થતા હતા. કંકુ કહેતી-તમારી મા પાસે તો હજારો રુપિયા છે કેમ તમને ફૂટી કોડી પણ આપતી નથી અને ઉપરથી તમારી પાસે મંગાવે છે ? તમે તો સાવ ભોટને ભોટ જ રહ્યા. હજુ તમારી માના હાથપગ ચાલે છે કમાઇ ખાશે તેમને જોઇએ એટલું..! જ્યારે હાથ પગ ભાગશે અને પથારીવશ થશે ત્યારે આપણે જ કરવાનું છેને ? ગામડે સાસુને પૈસા મોકલવા પડે એ તેને ખુંચતું હતું.મનસુખની તો હાલત જ ખરાબ થઇ ગઇ હતી, શું કરવું તેની તેને પોતાને ખબર પડતી નહોતી,તે સાસુ અને વહુ વચ્ચે પિલાતો જ જતો હતો. અને હમણાં હમણાં તો.... તે વધારે મૂંઝવણ અનુભવતો હતો.

બે દિવસ ઉપર જ સામેવાળાં ભીખીબાનો ફોન આવ્યો હતો કે "કાશીબા વધારે બિમાર છે,ખાટલામાંથી ઉભું પણ થવાતું નથી, અમે ડોક્ટર બોલાવ્યા હતા ઇન્જેકશન આપી ગયા છે, હું જ જઇને કાશીબાથી ખવાતું નથી તો પણ ખવડાવું છું, અમે ફળિયાવાળાં દેખરેખ તો રાખીએ જ છીએ પણ ઘરના માણસનો તો ફેર પડે ને ? એટલે તમે અને કંકુ આવી જાવ, કાં તો અહીં રહો, અથવા બાને તમારી સાથે લઇ જાવ અથવા તો કંકુને અહીં મૂકી જાવ. જો ભાઇ હવે બાનું ઘડપણ છે,એમનું ઘડપણ જાળવવાની જવાબદારી તમારી છે. બિચારાંએ આખી જિંદગી ખૂબ વૈતરાં કર્યાં. હવે ઘડપણમાં તેમની સેવા તમારે કરવાની છે, તેમની આંતરડી ઠરસે તો તમે સુખી થશો, નોકરી ધંધામાં પણ બરકત આવશે."

મનસુખ પોતે પણ સમજતો હતો કે હવે માનું ઘડપણ છે. તેની સેવા કરવી જ પડે. તે કાશીબાનો એકનો એક દિકરો છે, બીજું કોઇ છે નહીં માનું. માએ કેટલા ઉમંગ અને આશાથી તેને ઉછેર્યો છે, ભણાવ્યો છે માએ તેના માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે મા ધારત તો પિતાના મ્રુત્યુ પછી પુન:લગ્ન કરીને પોતાનો સંસાર વસાવી શકત. પણ ના, મારા મનસુખને ઓરમાયું ના થાય તે વિચારીને જ તેણે પુન:લગ્ન ના કર્યું. તેને ઉછેરવા માટે તો તેણે પોતાની જાત ઘસી નાખી. માએ તેના માટે જે બલિદાન આપ્યું છે તેના બદલામાં તે પોતાની ચામડીના ચંપલ પહેરાવી માને પહેરાવે તો પણ ઓછું છે. મનસુખને તો માની ખૂબ ખૂબ સેવા કરવી છે પણ તે બિચારો શું કરે ? ઓફિસમાં બેઠો બેઠો મનસુખ વિચારોના ચકરાવે ચઢી જાય છે..! અને એટલે જ તેના કામમાં ભૂલો થાય છે,બોસનો ઠપકો મળે છે –પણ મનસુખ મજબૂર છે.

પત્ની કંકુ પાસે તેનું કાંઇ ચાલતું નથી. તેણે કંકુને કહ્યું હતું "મા બિમાર છે અને આપણે જવું પડશે. કાં તો ત્યાં રહેવું પડશે અથવા માને અહીં લઇ આવવી પડશે." પણ કંકુ સ્થિતિની ગંભીરતા સ્વીકરવા જ તૈયાર નથી. કંકુ તો કહે છે કે તમારી મા ઢોંગ કરે છે, તેને એકલા રહેવું નથી મારી પાસે પોતાની સેવા કરાવવી છે. પણ હું એમ ગાંજી જાઉં એવી નથી. હું પણ હોંશિયાર છું. ડોસી એના મનમાં શું સમજે છે ! એ શેર હશે તો હું સવાશેર છું. મનસુખે તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે "જો માને કાંઇ થઇ જશે તો લોકો આપણને ટૂંપી ખાશે, સમાજમાં આપણું ખરાબ દેખાશે." પણ કંકુ જેનું નામ..! સમજવા જ તૈયાર નથી, તે એકની બે થતી જ નથી, ઉપરથી કહે છે કે તમારી મા છે, તમને માનું જો બહુ લાગી આવતું હોય તો જાવ અને મા સાથે રહો. હું તો મારા બાપને ત્યાં જતી રહીશ, તમે ધોજો તમારી માનાં ગુ-મૂતર..! હું આવવાની નથી."

બિચારો મનસુખ કરે તો પણ શું કરે ! આજે આ વાતને પણ બે દિવસ થઇ ગયા, ફળિયાંવાળાં પણ કહેતાં હશે કે આ તો કેવો દિકરો કહેવાય ?જેને માની કંઇ જ પડી નથી.ગમે તે થાય પણ. આજે તો મનસુખે મનોમન નક્કી કરી જ લીધું કે આજે ઓફિસેથી છૂટ્યા પછી ગામડે જવું જ છે. કંકુને આવવું હોય તો આવે નહીંતર ધરી રહે. બહુ સહન કરી તેની દાદાગીરી, હવે તો હદ થાય છે..! તેણે ઓફિસમાં રજાનો રિપોર્ટ પણ આપી દીધો બે દિવસનો. બોસને રુબરુ મળી માની બિમારીની પણ વાત કરી. તેણે ઘેર કંકુને ફોન પણ ના કર્યો કે તે ગામડે જવાનો છે. છો ના આવતી તે એકલો જશે એટલે કંકુ અને તેના બાપનું જ ખરાબ દેખાશે. મા તો છે નહીં તેની. તેનો બાપ એકલો જ છે.

આવો નિર્ણય કરવાથી જાણે કે તેનું મન હળવું થયું હોય તેવું તેને લાગ્યું. તેણે કંકુના કહેવાથી અહીં વડોદરા બદલી કરાવવાની જ નહોતી. બૈરાંને માથે ચઢાવો તો તે તમારા માથે જ છાણાં થાપે. તેણે તે સમયે જ હિંમત દાખવી કંકુને દબાવવાની જરુર હતી. તો તે સીધી દોર થઇ જાત, પણ આ તો કંકુ જેમ કહે તેમ તે કરતો ગયો એટલે જ તે ચઢી વાગી. પિયર જતાં રહેવાનું કહે તો જવા જ દેવી. એમ કાંઇ બૈરી વગર કાચું થોડા ખાવાના છે ? કેટલાય પુરુષો બૈરાં વગર જીવે જ છે ને ? મરી થોડા જ જાય છે ? મનસુખે મન મક્કમ કર્યું, જો કે તે અંદરથી તો થોડોક ફફડતો હતો, પણ જે થશે તે જોયું જશે વિચારી તેણે મન મક્કમ કર્યું –દેખી જાયેગી.

મનસુખ ઘેર પહોંચ્યો ‘તો તેને આશ્ચર્ય થયું.કંકુ બેગ બિસ્તરો ભરીને તૈયાર જ હતી, તે પહોંચ્યો એટલે કહ્યું તમારા માટે મેં ચા તૈયાર જ રાખી છે, તમે હાથ-મોં ધોઇ ચા પી લો એટલે આપણે નીકળીએ. કાશીબા પાસે જવાની આપણી ફરજ છે, જે હોય તે પણ તેમની સેવા કરીશું. મનસુખ આશ્ચર્યથી તેના મોંઢા સામે તાકી રહ્યો કે આ પરીવર્તનનું કારણ શું ? પણ એમ કાંઇ મગનું નામ મરી પાડે તો તે કંકુ નહીં. મનસુખને ખબર નહોતી પણ કંકુનો એકનો એક ભાઇ હતો અને તેણે તેના પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, રસ્તે રઝડતા કરી દીધા હતા, કંકુએ આ જાણ્યું એટલે સાસુની સેવા કરી તેના પપ્પાને પણ પાલવવાની તૈયારી હતી તેની !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational