The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Abid Khanusia

Inspirational

2.0  

Abid Khanusia

Inspirational

કંજૂસ

કંજૂસ

5 mins
557


  એક સરકારી કચેરીના વહીવટી વડા હોવાના નાતે કર્મચારીઓનું હાજરી પત્રક મુકેશ પરીખના ટેબલ પર રહેતું. તમામ કર્મચારીઓ રોજ સવારે હાજરી પત્રકમાં સહી કરવા તેમના ટેબલ પર હાજર થતા અને “ગુડ મોર્નિંગ” કહી હાજરી પત્રકમાં સહી કરી પોતપોતાના ટેબલ તરફ પ્રયાણ કરતા. મુકેશ પરીખે પોતાના ટેબલ પર દરેક કર્મચારીઓની જન્મ તારીખ નોંધી રાખેલ હતી. જે દિવસે જે કર્મચારીનો જન્મ દિવસ હોય તે દિવસે તે કર્મચારીને તેમના તરફથી જન્મદિનની શુભકામનાઓ સાથે એક ગુલાબનું ફૂલ અવશ્ય આર્પણ કરવામાં આવતું. જો સંજોગોવસાત કોઈ કર્મચારી તેના જન્મ દિવસે કચેરીમાં હાજર ન હોય તો એક ગુલાબનું ફૂલ અને શુભેચ્છા સંદેશો તે કર્મચારીના ટેબલ પર મુકવામાં આવતો. 


આ મહિનાના મધ્યમાં અરવિંદ પટેલનો જન્મ દિવસ પડતો હતો. આ કચેરીના મોટાભાગના કર્મચારીઓમાં સ્ટાફ મિત્રો સાથે જન્મ દિવસ મનાવવાની પ્રથા હતી. અરવિંદ દરેક સ્ટાફ મિત્રના જન્મ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેતો અને ખુબ મોંઘી ભેટ આપતો પરંતુ સાધનસંપન હોવા છતાં તે કદી તેનો જન્મ દિવસ ન ઉજવતો તેથી બધા તેને કંજૂસ કહેતાં.


અરવિંદ ઘરનો ખુબ સુખી હતો. તેના પિતાજી પાસે ૧૫૦ વીઘા કુવેતર-પિયત જમીન હતી. તે ત્રણ ભાઈ બહેનો હતા. અરવિંદ ઘરમાં સૌથી નાનો હતો. તેઓ એક ફેકટરીના માલિક પણ હતા. તેના મોટાભાઈ ખેતી સંભાળતા હતા. તેના બે ભત્રીજા અને તેનો પુત્ર ધંધો સંભાળતા હતા. બધા સંપથી જીવન જીવતા હતા. દર વર્ષે પોતાના જન્મદિનના દિવસે અરવિંદ રજા રાખતો. સ્ટાફ મિત્રો તેને કહેતા કે જન્મદિનની પાર્ટી ન આપવી પડે તે માટે તે રજા પર રહે છે. અરવિંદ તેના મિત્રોની કોમેન્ટ્સથી કદી માઠું ન લગાડતો. તે તેના મિત્રોની કોમેન્ટસનો કદી વળતો જવાબ પણ ન આપતો. 


અરવિંદ એક વર્ષ પછી નિવૃત્ત થનાર હતો. મુકેશ પરીખે અરવિંદને મજાકમાં કહ્યું આ વર્ષે અમે સૌ સ્ટાફ મિત્રોએ તમારી સાથે તમારો જન્મદિન ઉજવવાનું નક્કી કર્યું છે. અરવિંદે તેમનું સુચન સહર્ષ સ્વિકારી લીધું અને કહ્યું કે બધાએ મારી સાથે હું કહું ત્યાં મારો જન્મદિન ઉજવવા આવવું પડશે. સૌ સંમત થયા.  


અરવિંદનો જન્મ દિવસ આવી પહોચ્યો. તેણે આગળના દિવસે સૌ મિત્રોને કહ્યું કે “ તમારે સૌએ આવતીકાલે સાંજે પાંચ વાગ્યે તૈયાર રહેવું. કોઈએ પોતાના વાહનો લેવાના નથી. આપણે અહીથી લગભગ ૩૦ કિ.મિ. દુર જવાનું છે. હું તમને લેવા આવી જઈશ.” 


સૌને અરવિંદના જન્મદિન ઉજવણીના સ્થળ બાબતે ઉત્સુકતા જાગી કારણકે ઓફીસની ૩૦ કિમી.ની ત્રિજયામાં ચારેય દિશામાં ઘણી સારી હોટલો, બેન્કવેટ હોલ્સ, મંદિરો વિગેરે આવેલા હતા. આ પૈકી કયા સ્થળે જવાનું છે તેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી દિવસભર સૌ મિત્રો વિવિધ સ્થાનોનું અનુમાન કરી ચર્ચા કરતા રહ્યા. 


સાંજે બરાબર પાંચ વાગ્યે અરવિંદ દ્વારા લાવવામાં આવેલ ચાર ગાડીઓમાં સૌ સવાર થઇ પ્રસ્થાન થયા. લગભગ ૪૫ મિનિટ પછી બધી ગાડીઓ એક સ્થળ પાસે આવી ઉભી રહી. આ રક્તપિત્તના દર્દીઓનું રિહેબિલિટેશન સેન્ટર હતું. સૌને આશ્ચર્ય થયું. સેન્ટરની બહાર લગભગ ૨૫-૩૦ ગરીબો બેઠેલા હતા. અરવિંદને જોઈ સૌ ગરીબો તેના માનમાં ઉભા થઇ ગયા સૌએ હાથ હલાવી અરવિંદનું અભિવાદન કર્યું. અરવિંદે તેમની પાસે જઈ તેમના હાલ ચાલ પૂછ્યા અને સૌ મિત્રોને લઇ રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થયો. 


સાંધ્ય પ્રાર્થના માટે સૌ પ્રાર્થના હોલમાં ગોઠવાઈ ગયા હતા. સેન્ટર સંચાલક ડૉ. અમોલ જોશી અને તેમના પત્નીએ સૌનું સ્વાગત કરી મહેમાનો માટે અનામત રાખવામાં આવેલ ખાલી જગ્યા તરફ સૌને દોરી ગયા. રક્તપિત્ત રોગમાંથી સાજી થયેલી બે કિશોરીઓએ સુંદર અવાજમાં પ્રાર્થના શરુ કરી. વાતાવરણ ભક્તિમય બની ગયું. પ્રાર્થના પછી સૌ ભોજનકક્ષમાં દાખલ થયા. ભોજનકક્ષના બ્લેકબોર્ડમાં આજના ભોજનના દાતા તરીકે “સ્વ. અમથારામ પટેલ પરિવાર”નું નામ લખેલું હતું. અમથારામ પટેલ એટલે અરવિંદના પિતા. અરવિંદનો સમગ્ર પરિવાર હાજર હતો. આ રિહેબિલિટેશન સેન્ટરમાં રહેતા તમામ માટે મિષ્ટાન્ન સાથેનું ભોજન પીરસવામાં આવ્યું. સ્વ. અમથાલાલનો પરિવાર દરેકને આગ્રહ કરીને જમાડવાની ક્રિયામાં પરોવાયો. અરવિંદ પટેલનો દીકરો જરૂરી વાનગીઓ લઇ બહાર ઉભેલા ગરીબોને પહોચાડી આવ્યો. થોડીકવાર જમણવારનું નિરિક્ષણ કરી સેન્ટરના સંચાલક ડૉ. જોશી અરવિંદના મિત્રોને મહેમાન કક્ષ તરફ દોરી ગયા. 

  

 સ્વ. અમથાલાલનો પરિવાર રક્તપિત્તના રોગીઓની ભોજન સેવામાંથી પરવારે તે દરમ્યાન ડૉ. જોશીએ અરવિંદ પટેલના સૌ મિત્રો સાથે વાર્તાલાપ કર્યો. ડૉ. જોશી મારફતે સૌને જાણવા મળ્યું કે છેલ્લા ૨૨ વર્ષથી અરવિંદ પટેલ તેમનો જન્મદિન આ સેન્ટરના રોગીઓ સાથે ઉજવે છે. વળી તેમના માતાપિતાનું શ્રાદ્ધ પણ આ સંસ્થામાં આવી કરે છે. એ બાબતની પણ સૌને જાણ થઇ કે તેમના પરિવારના દરેક સભ્યનો જન્મદિન બહેરામૂંગા શાળાનાં વિદ્યાર્થીઓને ભોજન કરાવી, માનસિક વિકલાંગ બાળકોની શાળાનાં વિદ્યાર્થીઓને ભોજન કરાવી, સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને ભોજન કે દવાઓ આપી, શહેરના રોડ પર ફરતા ગાંડાઓ અને ભીખારીઓને ભોજન કરાવી કે ધાબળા આપી, કોઈ મદિરમાં એક ટંક ભોજનનો ખર્ચ આપી ઉજવવામાં આવતો હતો. તેમની ફેકટરીનો સ્થાપના દિવસ પણ ફેકટરીમાં કામ કરતા દરેક કર્મચારીઓ, તેમના કુટુંબીજનો અને ફેકટરીની આજુબાજુ રહેતા ગરીબોને ભોજન કરાવી ઉજવતા હતા. અરવિંદ પટેલના સૌ મિત્રો આ બાબત જાણી પોતાના અરવિંદ પટેલ પ્રત્યેના પૂર્વગ્રહ બાબતે શરમ અનુભવવા લાગ્યા.


અરવિંદ પટેલે મહેમાન કક્ષમાં હાજર થઇ સૌને ઉદ્દેશીને જણાવ્યુ “ મિત્રો કદાચ તમને આ સેન્ટરમાં જમવામાં કોઈ છોછ કે સુગ ન થાય તે માટે તમારા સૌ માટે જમણવારનું આયોજન નજીકમાં હાઈવે પર આવેલ મશહુર હોટલમાં કરવામાં આવ્યું છે. આમ તો સામાન્યરીતે અમે સૌ કુટુંબીજનો મારા જન્મ દિવસે આ દર્દીઓ સાથે જ જમીએ છીએ પરંતુ આજ તમે સૌ મારો જન્મદિન ઉજવવા મારી સાથે આવ્યા છે એટલે તમારા માનમાં અમારો સમગ્ર પરિવાર અને ડૉ. જોશી તથા તેમનાં પત્ની તમારી સાથે ભોજનમાં જોડાઈ આનંદ માણીશું.“  


બધા નજીકની હોટલે આવી પહોંચ્યા. સુંદરરીતે સજાવેલ બેન્કવેટ હોલની મ્યુઝિક સિસ્ટમમાં હલકા અવાજમાં અનુપ ઝલોટાનાં ભજનો વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. સૌએ સ્થાન લીધું એટલે ભોજન પીરસાયું. વિવિધ વ્યંજનો જોતાં ખુબ મોંઘી થાળી લાગતી હતી. આજના આખા કાર્યકમમાં ક્યાંય કોઈ પણ જાતની કંજૂસાઈ નજરે પડતી ન હતી. મુકેશ પરીખે અરવિંદને આ રીતે જન્મદિન ઉજવવાની પ્રેરણા ક્યાંથી મળી તે બાબતે પૂછતાં અરવિંદે જણાવ્યુ “ તે પણ એક રસપ્રદ કિસ્સો છે.” અરવિંદે કહ્યું, “હું જયારે ધો-૯માં ભણતો હતો ત્યારે મારા જન્મદિને મારા સાથી વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચવા માટે મેં મારા પિતાજી પાસે ૫૦ રૂપિયા માગ્યા. મારા પિતાએ મને ૫૦ના બદલે ૧૦૦ રૂપિયા એ શરતે આપ્યા કે સાંજે મારે તેમની સાથે તે લઇ જાય ત્યાં જવું. મેં સંમતી આપી. સાંજે મારી બા એ લગભગ ૨૦-૨૫ માણસોને ચાલે તેટલો શીરો અને પૂરી-શાક તૈયાર કરી રાખ્યા હતા જે લઇ હું અને મારા પિતાજી ગામની ગરીબ વસ્તીમાં ગયા અને ગરીબોને ભોજન પીરસ્યું. મને ત્યારે ખબર પડી કે વર્ષમાં પાંચવાર મારા પિતાજી આવી રીતે ગરીબોને ભોજન કરાવી અમારા સૌના જન્મદિન ઉજવતા હતા. મારા પિતાજી જીવ્યા ત્યાં સુધી આ ક્રિયાક્રમ તેમણે જાળવી રાખ્યો. તેમના અવસાન બાદ અમે બંને ભાઈઓએ તેમની મિલકતના વારસા ઉપરાંત સંસ્કારોનો વારસો પણ જાળવી રાખ્યો છે.” થોડીક ક્ષણોના વિરામ પછી અરવિંદે થોડાક ભારે અવાજે કહ્યું, ”તમને સૌને હું આજે એટલી વિનંતિ કરુ છું કે તમે સૌ તમારા ઇષ્ટદેવ સમક્ષ એટલી પ્રાર્થના જરૂર કરજો કે અમારા બાળકો અમારી હયાતી વગર પણ અમારો આ સંસ્કારોનો વારસો જાળવી રાખે.”  


અરવિંદના જીવનની ઉજાગર ન થયેલી આ ઉજળી બાજુને આજે જાણી સૌને પોતાની જાત ખૂબ વામણી લાગવા માંડી. સૌના મનમાં એક વાત પડઘાતી હતી કે જેને કંજૂસ માનતા હતા તેણે સૌને ઉદારતા અને સંસ્કારોના ઉંચા પાઠો ભણાવી જીવન જીવવાની એક ઉમદા રીત શીખવાડી દીધી. સૌની નજરમાં અરવિંદનું વ્યક્તિત્વ નોખું તરી આવ્યું.


Rate this content
Log in

More gujarati story from Abid Khanusia

Similar gujarati story from Inspirational