કળયુગના ઓછાયા -૬
કળયુગના ઓછાયા -૬


રૂહી મોડું થયું હોવાથી બહારથી કોલેજની રિક્ષા કરી લે છે અને જલ્દીથી કોલેજ પહોંચી જાય છે...કોલેજ કેમ્પસ અને હોસ્પિટલ એક જ કંમ્પાઉન્ડમા હોવાથી ત્યાં લોકોની અવરજવર તો ચાલુ જ હોય... કેટકેટલાય દરદીઓ તેમના સગાવહાલા...અને ઈન્ટરશિપવાળા મેડિકલ સ્ટુડન્ટસ તો રેસિડેન્ટ ડોક્ટર... આ ચહલપહલ તો ચાલુ જ હોય...
રૂહીને આજે તો કોઈને કોઈ જગ્યા માટે પૂછવાનુ નહોતુંં એટલે તે આ બધુ નીહાળતી, મનમાં થોડા વિચારો સાથે કે હું પણ જલ્દીથી મોટી ડોક્ટર બની જાઉ અને બધાની સારવાર કરૂં...વિચારોમા ગરકાવ એ ક્યારે પોતાના ક્લાસ પાસે પહોંચી ગઈ એ પણ એને ખબર ના રહી.
ક્લાસમાં જોયું તો લગભગ ક્લાસ ભરાઈ ગયો હતો કારણ કે આજે તે લેટ હતી...તે પાછળની બેન્ચ પર બેસવા જતી હતી ત્યાં જ એક છોકરી એ તેને બુમ પાડી અને કહ્યું કે અહીં આવી જા તારી જગ્યા રાખી છે...
રૂહી જુએ છે કે કાલે જેની પાસે બેઠી હતી એ ખુશી હતી...તે તેની પાસે જઈને થેન્કયુ... કહીને બેસી ગઈ...એકપછી એક લેક્ચર પતતા ગયા..બસ હવે છેલ્લો લેક્ચર બાકી હતો...તેને યાદ આવ્યું કે અક્ષતને મળવાનું છે. પણ એ અત્યારે ક્યાં હશે ?
તેને એ તો ખબર પડી હતી તેમની બાજુમાં જ સેકન્ડ યરનો ક્લાસ છે...એટલે તે છૂટીને ત્યાં જ ઉભી રહેશે..એટલે એ મળે..અને તેની સાથે બહું બધી વાતો થાય...
***
છેલ્લો લેક્ચર પતતા જ બધા ફટાફટ ક્લાસમાંથી નીકળવા લાગ્યા.. સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ ભલે તે આઠમામાં ભણતો હોય કે એમ.બી.બી.એસ.મા સ્કુલ કે કોલેજ પતે એટલે બધાને ત્યાંથી ભાગવાની ઉતાવળ હોય... ભલે બહાર જઈને કંઈ ઉખાડી લેવાના ના હોય !
એમ જ ક્લાસમાંથી બધા સ્ટુડન્ટસ નીકળી ગયા...રૂહી સેકન્ડ યરના ક્લાસની બહાર જઈને ઉભી રહી સાઈડમાં. પાંચેક મિનિટ પછી એ બધા સ્ટુડન્ટસ પણ બહાર નીકળ્યા. કેટલાક રૂહીના કાલના બાલિશ વર્તન પર થોડા હસીને ગયા...તો કેટલાક તેનો સુંદર ચહેરો નીહાળીને તેના પર ફીદા થતાં ગયા...તો કેટલાકની ગંદી નજરોથી ધીમેથી બોલીને ગયા... માલ છે...દોસ્ત આ તો નહી ?
રૂહીને આ વાક્ય સંભળાઈ ગયું હતું તેને ગુસ્સો આવી ગયો..પણ તેને વિચાર્યું હું હજી નવી છું અત્યારે મારે આ બધા સાથે પંગો લઈને કોઈ માથાકૂટમાં પડવું નથી...કારણ કે જે ગૂંડા મવાલી ટાઈપના હોય તેના મોઢામાંથી જ આવા શબ્દો નીકળે...મારે અત્યારે અક્ષતને મળવું જરુર છે...માટે એ ત્યાં નજર દોડાવે છે.
રૂહી ફક્ત અક્ષત ને જોવા માટે તત્પર છે...લગભગ આંખો ક્લાસ ખાલી થવા આવ્યો પણ અક્ષત ન દેખાયો...તેને જોયું હવે ક્લાસમાં કે છેલ્લે બે છોકરા આવી રહ્યા છે બીજું કોઈ ક્લાસમાં નથી...એટલે તે સીડી ઉતરીને નીચે જવા જતી હતી ત્યાં પેલા બે છોકરામાથી એકે કહ્યું , અક્ષતની રાહ જુએ છે..એની તબિયત સારી નહોતી.. એટલે આજે નથી આવ્યો..કદાચ તેઓ અક્ષતના ફ્રેન્ડ જ છે...અને તેમને જોઈને તેઓ સારા પરિવારમાંથી આવતા અને વ્યવસ્થિત લાગી રહ્યા છે.
રૂહીના ચહેરા પર એક અજીબ ઉદાસી આવી ગઈ..પણ તેને એકદમ જ તેના હાવભાવ બદલી દીધા. પણ તેનાથી એ તો પૂછાઈ જ ગયું કે શું થયું છે એને ?
છોકરો : થોડું શરદી, અને તાવ જેવું હતુંં. એક દિવસ આરામ થઈ જાય તો સારૂ રહે એટલે નથી આવ્યો.
રૂહી : સારૂ....કંઈ વાધો નહી...તેને અક્ષતનો નંબર માંગવાની ઈચ્છા થઈ પણ પછી તેને મન માડી વાળ્યું વિચાર્યુ કે કાલે અક્ષત પાસે જ માગીશ...ખોટું આવી રીતે નંબર લઈને ફોન કરુ તો ખરાબ લાગે...
એટલે એ બંનેને થેન્કયુ કહીને તે હોસ્ટેલ જવા માટે નીકળી જાય છે... આમ પણ હવે કંઈ અહીં ઉભા રહેવાનો મતલબ નથી...અને પાછુ હજુ સ્વરા પાસેથી વાત સાંભળવાની છે એટલે જલ્દીથી ઓટોમા બેસીને હોસ્ટેલ પહોંચી જાય છે...
***
હોસ્ટેલમાં પહોંચતા જ તેનુ મન ફરી વિચારોમાં ડૂબી જાય છે કે, સ્વરાને સારું તો હશે ને ? મારે એને ફોન કરવો જોઈતો હતો. પણ કોલેજમાં તો લેક્ચરમાં તો હું ભૂલી જ ગઈ. મારા કારણે જ એને પણ એવું થયું. મે જ એને કહ્યું હતું કે તું મારા રૂમમાં સૂવા આવ...હું એને ઉપર જઈને સોરી કહી દઈશ....
તે કંઈક આવા વિચારોમાં અંદર જવા જતી હોય છે ત્યારે જ મેડમ તેને જોઇને કહે છે, સ્વરાના મમ્મી પપ્પા આવ્યા હતા.
રૂહી : તેને સારું છે મેડમ ??
મેડમ : હા સારું છે. અને તેના મમ્મી પપ્પા એ પણ કહ્યું કે તેને કોઈ જ મોટી બિમારી કે ખેચ કે એવી કોઈ જ હિસ્ટ્રી નથી. કોઈ એના પરિવારમાં પણ કોઈને નથી કોઈ બિમારી એટલે વાધો નહી. કદાચ બીપી લો થઈ ગયું હશે કે ચક્કર આવી ગયા હશે એવું જ કંઈ થયું હશે..
રૂહી કંઈ વધારે કહ્યા વિના હમમમ...એવું જ હશે, કહીને ઉપર પહેલાં સ્વરાના રૂમમાં જવા પગ ઉપાડે છે..
***
રૂહી ઉપર જઈને બેગ લઈને જ તેના રૂમમાં જવાને બદલે સ્વરાના રૂમમાં જાય છે...સ્વરા તેના બેડ પર જ ઊંધી ફરીને કંઈક કરી રહી છે...રૂહી તેનો રૂમનો દરવાજો ખખડવાતા તે ખોલતી નથી એટલે એ જ ધીમેથી દરવાજો ખોલી દે છે...અને ધીમેથી અંદર જાય છે પાસે જઈને છે જુએ તો તે એક ભગવાનનું પુસ્તક લઈને કંઈક મંત્રો બોલી રહી છે...તેની આંખો પણ બંધ છે.
રૂહીને તેના ખભા પર ધીમેથી હાથ મૂકે છે ત્યાં જ તે એકદમ ગભરાઈને આંખ ખોલે છે.
સ્વરા : રૂહી તું ? હું તો એકદમ ગભરાઈ ગઈ...મને તો એમ કે...
સ્વરા કંઈક કહેતા અટકી ગઈ....એટલે રૂહી તરત બોલી...તને શું લાગ્યું?
સ્વરા : તું તારા રૂમમાં ના જઈશ....
એટલું બોલતા જ તેના આખા શરીરેથી પરસેવો નીકળી જાય છે....તેનુ શરીર એકદમ ઠંડુ પડી જાય છે....તે આંખો બંધ કરી દે છે....તેનું શરીર અક્કડ કરી દે છે...
રૂહી તેને બરાબર હલાવે છે અને કહે છે...સ્વરા બોલ જે હોય તે જરા પણ ગભરાયા વિના...હું તને મદદ કરીશ.... તું મને તારી ફ્રેન્ડ માનતી હોય તો કહે....
સ્વરા : તારા રૂમમાં ભૂત છે....કોઈની આત્મા ભટકી રહી છે....!
રૂહી : શું ? આ એકવીસમી સદી છે સ્વરા ....ભૂતબુત થોડી હોતા હશે ? તું એક ભણેલી છોકરી થઈને આવી અંધશ્રદ્ધામાં માને છે ?
સ્વરા : તને ખબર છે ત્યાં એક હાથ દેખાય છે અરીસામાં... રક્તથી ખદબદ... બાથરૂમમાં....તે તુટક તુટક શબ્દો બોલી રહી છે.
રાત્રે મારી સાથે થયું હતું તો મને લાગ્યું હતું કે મને કોઈ સપનુ આવ્યું હતું...પણ તારા ગયા પછી હું ફરી ગઈ હતી...વોશરૂમ જવા...ત્યારે તો હું સંપૂર્ણ પણે જાગ્રત અવસ્થામાં હતી...એટલે મને બધી જ ખબર છે.
રૂહી : તો શું થયુ હતું તારી સાથે ? મને બધુ વિગતે જણાવ...
સ્વરા કંઈક કહેવા જાય છે એ પહેલાં જ રૂહીના ઘરેથી તેના મમ્મીનો ફોન આવી જાય છે... એટલે એ ફોનમાં વાત કરવા જાય છે....અને વાત અધૂરી રહેતા સ્વરા ફરી એ પુસ્તકમાંથી મંત્રો બોલવાનું શરૂ કરી દે છે......
સ્વરા સાથે પણ રૂહી જેવી જ ઘટના બની હશે કે તેને બીજો કંઈ પણ અનુભવ થયો હશે ? સ્વરાએ આ વાત તેના મમ્મી પપ્પાને કરી હશે ? રૂહી એક મેડિકલ સ્ટુડન્ટ આ વાતનો સ્વીકાર કરશે ? અને એ જ જો આ બાબતમાં ના માને તો અક્ષતને તે કેવી રીતે કહેશે મદદ માટે ?