કળયુગના ઓછાયા - ૪૨
કળયુગના ઓછાયા - ૪૨


શ્યામ બધી તૈયારી શરૂ કરવા લાગે છે. અક્ષત તેને મદદ કરે છે અને બધી વાત રૂહી એ લોકોને પણ કરી દે છે. એટલામાં ફરી ગુરૂજીનો ફોન આવે છે અને કહે છે તું કોઈ તારી સાથે બીજું હોય તેમનો નંબર આપ. કદાચ વિધિ દરમિયાન કંઈ જરૂર હોય તો હું એ નંબર પર પણ વાત કરી શકું.આથી તે અક્ષતનો નંબર આપે છે.
બંને જણા તૈયાર થઈને બધી વસ્તું લેવા જવાનું નક્કી કરે છે.
અનેરીને શ્યામ કેયાને અહીં બોલાવવાની વાત કરે છે. એટલે એ પહેલાં રૂહી અને આસ્થા ને કહે છે.
આસ્થા : હું પપ્પાને ઘરે ફોન કરી જોઉં.કે કેયાદીદીને અહીં લાવી શકશે તે. કારણ કે એમની સ્થિતિ બહુ ખરાબ છે.
રૂહી : તુંં મનાવ કંઈ પણ રીતે કારણ કે આપણે કોઈ પણ હિસાબે આ વિધિ નિષ્ફળ થાય એવું હવે નથી કરવું.. બધાનું ભણવાનું પણ ખરાબ થાય છે આ બધામાં. બે દિવસથી કોલેજ ગયા નથી આપણે.આમ વધારે રહે તો થોડું ચાલશે?
અનેરી : હા.આપણા ઘરેથી આપણા પર કેટલો વિશ્વાસ હોય.. એટલે તો આટલા રૂપિયા ખર્ચીને ભણવા મુક્યા અહીંયા. હવે તો આજે એનો પુર્ણવિરામ મુકવું પડશે.
આસ્થા : હમમમ મે તો પાછું મારા મમ્મી ને પણ મારા પપ્પા મળ્યા છે એની કંઈ વાત નથી કરી કારણ કે મને એમ થાય કદાચ એ ગુસ્સે થાય ને આ બધું કરવાની ના પાડી દે તો. એટલે આ પતશે એટલે મમ્મી ને બધું જણાવી દઈશ. પહેલાં પપ્પા ને ફોન કરી દઉં.
આસ્થા તેના પપ્પા ને ફોન કરે છે.તેના પપ્પા જો કેયાની તબિયત સારી થતી હોય અને બધાને આ બધામાંથી હંમેશા માટે મુક્તિ મળતી હોય તો એ કોઈ પણ રીતે એ કેયાને અહીં લઈ આવશે.
સાંજ ના સાત વાગી ગયા છે. શ્યામ અને અક્ષત પણ હોસ્ટેલ પર આવી ગયા છે.રૂહી એમના રૂમમાં ગુરૂજી એ કહ્યા મુજબ બધી જ તૈયારી થઈ ગઈ છે.
બધા જ તૈયાર છે એમાં પણ ખાસ અનેરી.આજે તેને આ બધું શીખ્યાં નો કોઈનાં માટે ઉપયોગ થઈ રહ્યો છે એ વાતથી તે ખુશ છે.એક ચિંતા છે તેના અને શ્યામના સંબંધની. પણ હવે શ્યામ બધું સરખુ કરશે એનો તેને વિશ્વાસ છે એટલે એ અત્યારે આ બધું તે સાઈડમાં મુકીને આ કામ માટે તૈયાર થઈ જાય છે.
આસ્થા હજુ ચિંતામાં છે કે હજુ કેયા અહીં આવી નથી. તેના પપ્પા એ તો ક્યારનો ફોન કર્યો હતો કે નીકળી ગયા છે પણ હજુ સુધી કેમ આવ્યા નથી.એટલામા જ ફોન આવે છે તેના પપ્પાનો એટલે તે સ્વરાને લઈને નીચે જાય છે.
આસ્થા નીચે જઈને જુએ છે કેયા બહાર વ્હીલ ચેર માં છે. એ સમયે જ મીનાબેન અને પંકજરાય પણ ત્યાં આવે છે એ બંને કેયાને જોઈને એકબીજા સામે જોતા જ રહી જાય છે.
આસ્થા : આ કેયાદીદી. બોલતાં બોલતાં તે રડી પડે છે.
કેયાને તો જાણે કંઈ ખબર જ નથી. તે તો આમ પાગલની જેમ બધા સામે જોઈ રહી છે. તે મીનાબેનને પણ ઓળખી શકતી નથી.
મીનાબેન પણ કેયાની સ્થિતિ જોઈને ડઘાઈ જાય છે. ક્યાં એ સમયની એ સ્ટાઇલિશ, રૂપાળી,દેખાવડી અને અભિમાનથી છલોછલ એવી કેયા.અને આજે એ વ્હીલચેર માં બેઠેલી જેને એક સાદા સિમ્પલ કપડાં, વાળ પણ એક નાના છોકરાને તેલથી ચપોચપ કરીને મમ્મી એ ઓળાવી દીધેલા વાળ હોય એવો ચોટલો ગુથેલો છે.
પહેલાં ની કેયાને પોતાના સ્વાર્થ સિવાય દુનિયાની કોઈ પરવા નથી અને આજે તેનું પોતાનું જ શું અસ્તિત્વ છે એને ખબર નથી. બહુ જ દયનીય અવસ્થા છે આજે એની. દુશ્મનની આંખો પણ ભીંજાઈ જાય એવી પરવશ છે આજે.
કેયા ગમે તેમ આસ્થાની બેન તો છે જ. બંનેનું લોહી તો એક જ છે ને. ત્યાં ઉતર્યા પછી પણ કેયા ત્યાં સુનમુન બેઠી છે ફક્ત એના પપ્પા સામે જોઈ રહી છે.તેઓ તેની પાસે આવીને કહે છે ચાલ કેયા આપણે અહીં ઉપર જવાનું છે..
છતાં કોઈ જ રિસ્પોન્સ નહીં. બસ હસવા લાગી.
વોચમેન, મિહિરભાઈ અને પંકજરાય મળીને એને ત્યાં અંદર લઈ ગયા. તેઓ તેને ઉપર લઈ જાય છે.
કેયા એક નાના છોકરાની જેમ બધાના દોરવાયા જાય છે પણ અચાનક એ રૂહીના રૂમની સામે આવતા જ એકદમ બુમો પાડવા લાગી. એકદમ ઉછાળા મારવા લાગી.ત્રણ જેન્ટ્સથી પણ તેને કાબુમાં રાખવી અઘરી થઈ ગઈ છે.
પછી થોડી જ વારમાં અચાનક શાંત થઈ જાય છે અને રડવા લાગે છે. નાના બાળકની જેમ મિહિરભાઈને પકડીને બેસી જાય છે..મારે નથી જવું.મારે નથી જવું.
મિહિરભાઈ : શું થયું બેટા? તારા પપ્પા છે ને તારી સાથે છે ને .
કેયા : એ મને મારી નાખશે..મને નહી છોડે. મારે ત્યાં નથી જવું..એમ કહીને એ રૂમ તરફ ઈશારો કરે છે.
આસ્થા : દીદી કોણ મારશે તમને ?? અમે છીએ ને તમને કંઈ નહીં થાય.
કેયા : એ.એ. સમ્રાટ.લાવણ્યા. મને નહી છોડે. મને નહી છોડે.
મિહીરભાઈ : હિંમત રાખ બેટા કંઈ નહી થાય.જે આપણા નસીબમાં હશે એ જ થશે બેટા હવે.
ત્યાં હાજર બધા મુંઝાઈ જાય છે કે એને શું જવાબ આપવો. કદાચ એના કર્મોની સજા એ જીવતા જીવત મરીને ભોગવી રહી છે. આ બધું જોઈને મિહીરભાઈ પણ ભાંગી પડે છે.
આસ્થા : હા દીદી.અમે બધા છીએ ને ?? કંઈ નહીં થાય એમ કહીને કેયાને અંદર લઈ જવા પ્રયાસ કરે છે..
ગુરૂજી એ કહ્યા મુજબ વિધિ માટે નો સમય થવા આવ્યો છે. બધું જ તૈયાર છે. પણ શું કરવાનું છે એ શ્યામને પોતાને પણ ખબર નથી.
અને બીજી બે વ્યક્તિ પણ ક્યાંથી આવશે?? શ્યામ આમતેમ આંટાફેરા કરી રહ્યો છે. બે ત્રણ વાર ગુરૂજી ને ફોન કરે છે પણ કોઈ ઉપાડતું નથી.
એટલામાં અક્ષતના મોબાઈલમાં કોઈની ફોન આવતા તે જલ્દીથી નીચે જાય છે. રૂહી પુછે છે પણ તે કહે છે આવીને કહું.
વિધિ શરૂ થવાનો સમય થઈ ગયો છે. શ્યામ એકદમ બેચેન બની ગયો છે ત્યાં જ એકદમ દરવાજો ખુલે છે.
શ્યામ દરવાજા સામે જોતાં જ એકદમ ખુશ થઈ ને ઉભો થઇ જાય છે.અને ત્યાં જઈને એ વ્યક્તિ ને પગે લાગીને એમને ભેટી પડે છે.
શ્યામ : તમે અહીં ગુરૂજી ?? કેવી રીતે ??
ગુરૂજી : બસ આ તારા મિત્ર એ મને મદદ કરી એટલે. હું મારા દીકરાને આમ મળવા ઈચ્છતો હતો એટલે. બેટા પછી વાતો કરીશું. અત્યારે આ વિધિ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે અને વિધિ પાછી થોડી લાંબી પણ છે એટલે પહેલાં વિધિ શરૂ કરી દઈએ.
શ્યામ : વિધિ તો અમે બે કરશું. તમે બસ હું કહું એ મુજબ કરજો. પહેલાં પેલી દીકરીને અહીં બેસાડી દો.અને એમ કહીને એમને થોડી વિધિ અને શું કરવાનું છે એ સમજાવી દે છે.
આસ્થા : એ તો અંદર આવવા જ તૈયાર નથી..
આસ્થા કેયાના વર્તનની વાત કરે છે.
ગુરૂજી : આ લે થોડું જળ પવિત્ર છે એને એક ગ્લાસ સાદા પાણીમાં નાખીને એને પીવડાવી દે. થોડી વારમાં એ આવી જશે..
વિધિ શરૂ થઈ ગઈ છે. વચ્ચે કેયા બેસેલી છે વ્હીલચેર માં. ચાર જણા વિધિમાં શામેલ છે બાકીના બધા જ ગુરૂજી એ આપેલ મંત્ર બોલી રહ્યા છે..
એક કલાક પુરો થઈ ગયો છે..હજુ સુધી વાતાવરણ એકદમ શાંત છે. કેયા પણ શાંત બેસીને બધાને એક શુન્યમનસ્ક રીતે તાકી રહી છે. બાકીના બધા આંખો બંધ રાખીને મંત્રો ઉચ્ચારી રહ્યાં છે.
ફરી એમ જ અડધો કલાક નીકળી જાય છે. ત્યાં જ અચાનક શ્યામની નજર જાય છે કે કેયા તેની જગ્યાએથી ગાયબ છે.. ત્યાં બધા બેઠેલા હોય ત્યાં જુએ છે પણ કેયા ક્યાંય દેખાતી નથી.
ક્યાં ગઈ કેયા ?? જે પોતાની જાતને સંભાળી પણ શકતી નથી કે કોઈના સહારા વિના એ ક્યાંય જઈ પણ શકતી નથી એ કેયા અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ ?? આ વખતે તો હજુ સુધી એ આત્માનુ કંઈ નવું સ્વરૂપ હજુ સુધી દેખાયું નથી. શું સૌની અંતિમ આશા એવા આ જ્ઞાની ગુરૂજી આજે સૌની આશા પર સાચા ઉતરશે?? એક નહી પણ બે બે અતૃપ્ત આત્માને મુક્તિ આપવી શક્ય બનશે ??
ક્રમશઃ