કળયુગના ઓછાયા -૧
કળયુગના ઓછાયા -૧


ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતરનો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિથી છલકાતી અને શિક્ષણ નગરી કહી શકાય એવો આણંદ વિધાનગરનો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો, કોલેજો, હોસ્ટેલો....રેસ્ટોરન્ટ...
લગભગ કોઈ એવું ખાસ ફીલ્ડ નહી હોય કે ત્યાં તેની કોલેજ કે સ્કુલ ન હોય...દર વર્ષે જેમ જૂન જુલાઈ મહિનો આવે એટલે એડમિશનની સિઝન આવે...જુદા જુદા એરિયામાંથી જુદા જુદા છોકરા છોકરીઓ એડમિશન લે અને પોતાનું કેરિયર બનાવવા તરફનું નવું પ્રયાણ શરૂ કરે.
બસ એવો જ આ વર્ષે પણ જુલાઈ મહિનો શરૂ થવાની સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ...વેકેશન સાથે જાણે ભેંકાર થઈ ગયેલી એ નગરી ફરી ધમધમવા લાગી છે... અનેરો કોલાહલ શરુ થઈ ગયો છે.
એક દિવસ ત્યાં જ એક સુંદર છોકરી તેના પિતા સાથે એ વિધાનગરમાં પ્રવેશે છે...એ છે રૂહી...તે બારમુ ધોરણ પાસ કરીને તેણે ત્યાં નજીકમાં જ આવેલા કરમસદ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં તેને એડમિશન મળી ગયું છે. તે બહું અમીર નહી પણ થોડા આર્થિક રીતે સધ્ધર પરિવારમાંથી આવે છે...
પણ બારમા ધોરણમાં થોડાક ઓછા ટકાવારી ને કારણે તેણે એ સેલ્ફફાયનાન્સ કોલેજમાં એડમિશન લેવુ પડ્યું હતું. રૂહીનું રહેવાનું ત્યાં વિધાનગરની તેમની જ્ઞાતિની હોસ્પિટલમાં એડમિશન થયું છે એટલે કોલેજની બધી પ્રોસિજર પતાવીને તે તેના પપ્પા સાથે તેની નવી હોસ્ટેલ પર જાય છે.
હોસ્ટેલની બધી પ્રોસિજર પતાવીને તેના પપ્પા ઘરે જવા નીકળી જાય છે...એટલે તે હોસ્ટેલમાં આમતેમ નજર ફેરવે છે... તેની હોસ્ટેલ ત્રણ માળની છે..જ્ઞાતિની હોવા છતાં તે એકદમ ચોક્ખી અને સારી વ્યવસ્થાવાળી છે. રૂહી ને ઘર છોડીને આવવાનુ થોડું દુઃખ છે પણ સાથે જ જેનું તેને બાળપણથી સપનું સેવ્યું છે તે ડોક્ટર બનવાનું તેનું સપનું પૂર્ણ થઈ રહ્યું છે એટલે તે બહું ખુશ પણ છે.
એટલે તેના પપ્પાના જતા જ રેક્ટર મેડમ તેને ત્યાંનુ થોડું રૂલ્સ અને રેગ્યુલેશન સમજાવે છે અને પછી એક ત્યાં કામ કરતા માસી સાથે તેનો રૂમ બતાવવાનું કહે છે. તેનો રૂમ બીજા માળે છે. માસી તેને રૂમ નંબર બતાવે છે અને પછી જતાં રહે છે.
રૂહી ત્યાં દૂરથી જ નંબર વાંચે છે, પચ્ચીસ નંબર અને એ તેમાં પ્રવેશવા જાય છે ત્યાં જ બારણું ખોલતા તેની કુર્તી બારણામાં ફસાઈ જાય છે અને થોડી ફાટે છે...પછી તે ધીમેથી કાઢીને અંદર જાય છે તો અંદર કોઈ છે નહી...પણ ખબર નહી તેને કંઈક અજીબ ફીલિંગ આવી રહી છે. કોઈ જાણે તેને અહીંથી જતાં રહેવા કહી રહ્યું છે...પણ તેને કંઈ સમજાતુ નથી.
તે વિચારે છે કે કદાચ ઘરેથી, પરિવારથી દૂર પહેલી વાર દૂર આવી છું એટલે ગભરામણ ને કારણે આ બધુ થાય છે... આમ તો રૂહી બહું બહાદુર છે...એટલે તે નકારાત્મક વિચારો મગજમાંથી કાઢીને પહેલાં કપડાં બદલવા જવાનું વિચારે છે.
રૂમની સફાઈ અને બધી ગોઠવણ બહું સારી અને આધુનિકતાવાળી હોવાથી તેને થોડી શાંતિ થાય છે. તે બાથરૂમમાં કપડાં ચેન્જ કરવા દરવાજો ખોલે છે ત્યાં જ તેમાં લગાવેલો એક મોટો મિરર એક સાઈડથી નીચો આવી જાય છે... પહેલાં તો આ એકદમ જોતા રૂહી ગભરાઈ જાય છે પણ પછી અંદર જોઈને જૂએ છે તો તેને લાગે છે કે કદાચ તે ખીલી લગાવેલી છે ત્યાંથી અનાયાસે નીકળી ગયો છે એટલે તે સરખુ કરીને લગાવે છે..અને પછી કપડાં ચેન્જ કરતા ફટાફટ બહાર નીકળે છે. પણ આ દરમિયાન તેને કોઈ જોઈ રહ્યું હોય તેમ તેને અહેસાસ થાય છે. પણ આજુબાજુ જોતા કંઈ દેખાતુ નથી.
આ રૂમમાં બીજા બે બેડ પણ છે પણ કદાચ હજુ કોઈ આવ્યું નહોતું એટલે અત્યારે તે એકલી જ છે. એટલે તે મેડમે કહ્યા મુજબ હવે જમવાનો સમય થયેલો જ છે એટલે એ મેશમા જમવા જવા વિચારે છે.
તે મેશમા જાય છે. ત્યાં હજુ એડમિશન પ્રક્રિયા શરૂ હોય એટલે બહું વધારે છોકરીઓ નહોતી કદાચ ત્રીસેક જણા હશે. તે જૂએ છે ઘણા ગ્રુપમાં બેઠેલા છે તો કેટલાક એકલ દોકલ.
રૂહી થોડી ઓછુ બોલવાવાળી છે એટલે તે સામેથી ખાસ કોઈની સાથે વાત કરતી નથી બસ એક બે જણાએ તેની સામે જોતા તે એક સ્માઈલ આપી દે છે...પછી ડીશ લઈને પોતાનું જમવાનું શરૂ કરી દે છે એક ટેબલ પાસે બેસીને. પછી ચૂપચાપ તે જમીને ફરી તેના રૂમમાં જતી રહે છે.
રૂમમાં જઈને તે ફોન પર થોડી વાર તેની મમ્મી સાથે વાતચીત કરે છે અને કોલેજ તો આવતી કાલે જવાનું છે એટલે એ આજે ફ્રી જ છે. પણ એક અજાણ્યા શહેરમાં પહેલા દિવસે એકલી ક્યાં બહાર જાય એમ વિચારીને તે રૂમ પર જ રહેવા નક્કી કરે છે. તેને થોડો કંટાળો આવતા તે રાત્રે કપડાં ત્યાં કબાટમાં ગોઠવી દેશે એવું વિચારે છે.
રૂહી પછી સમય પસાર ન થતા ફોનમાં ઈયરફોન નાંખીને ગીતો સાંભળી રહી છે...ત્યાં જ તેને થોડું ઝોકું આવી જાય છે... અને એકદમ ફોનમાં અવાજ વધી જાય છે... તે એકદમ ચમકી જાય છે.. જાણે કોઈ આવીને આ અવાજ વધારી ગયું હોય એવો તેને અહેસાસ થાય છે પણ આંખ ખોલીને જૂએ છે તો કોઈ હોતુ નથી. એટલે તે મોબાઈલ સાઈડમાં મુકીને તે સૂઈ જાય છે.
આખા રૂમમાં નીરવ શાંતિ છવાયેલી છે. રૂહી પણ સૂતી છે. એટલામાં એકદમ પવન ચાલુ થાય છે. અત્યારે આ જુલાઈ મહિનો એટલે વરસાદની પણ સિઝન....એકદમ આંધી જેવું વાતાવરણની સાથે જ વાદળાં છવાઈ જાય છે.. અને વીજળીના કડાકા જોરજોરથી અવાજ સાથે શરૂ થઈ જાય છે.
આ અચાનક વાતાવરણનો પલટો થતાં રૂહીની આંખ ખુલી જાય છે... અને તે ઊભી થવા જાય છે પણ કોઈ તેનું ગળુ દબાવી રહ્યું હોય તેમ તેને લાગી રહ્યું છે... તે ઊભી થવાનો પ્રયત્ન કરે છે પણ ઊભી જ નથી થઈ શકતી. થોડી મથામણ બાદ અચાનક બધુ નોર્મલ થઈ જાય છે અને તે ઊભી થઈ જાય છે.
આજુબાજુ કોઈ નથી. એકબારી ખુલ્લી છે તે રૂહી ઊભી થઈને બંધ કરી દે છે. તે બહાદુર હોવા છતાં તેને ડર લાગી રહ્યો છે કે તેની સાથે શું થઈ રહ્યું છે...પણ તેને એમ થાય છે કે અહી તો હજી કોઈને ઓળખતી પણ નથી હું કોને કહું ?? તેના ઘરે કહે તો તેમને ચિંતા થાય... તેને યાદ આવે છે તેના ઓળખીતા એક દીદી એ જ હોસ્ટલમાં રહે છે પણ તે તેનાથી બે વર્ષ મોટા છે અને રૂબરૂ તો તેમને મળી પણ નથી એટલે એમને પણ ડાયરેક્ટ કેમ વાત કરે....પણ તે નક્કી કરે છે કે તેમને હું કંઈ કહીશ નહી પણ તેમની સાથે તો આજે રાત્રે શક્ય હોય તો તેમના રૂમમાં રહી શકુ ને....
એટલે એ ફોન કરીને તેમના રૂમમાં જાય છે. તેમના રૂમમાં ત્રણ જણા છે પણ એક છોકરી ઘરે ગયેલી હોવાથી કાલે આવવાની છે એવું ખબર પડતાં તે ખુશ થઈ જાય છે. અને તે સામેથી જ આજની રાતે તેમના રૂમમાં સુવાનું પૂછી લે છે.
તેમનુ નામ ઈવા છે. તે સ્વભાવે પણ બહું સારા છે એટલે હા પાડી દે છે એટલે રૂહીને એક ચિંતા જતી રહેતા તેના ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે....અને બસ હવે તે આવતી કાલે તેના એ ડોક્ટર બનવાના સપનાને પુરૂ કરવા માટે એ એની નવી કોલેજમાં જવા રાહ જોઈ રહી છે.
કેવી હશે રૂહીની એ રાત ? તેની સાથે આ શું થઈ રહ્યું છે ? શું તે તેના સપનાને અહી પુરા કરી શકશે ? તેની સાથે આગળ શું શું થશે ?એક મેડિકલ સ્ટુડન્ડ સાથે થતી આવી હરકતો તે સ્વીકારશે ?
ક્રમશઃ