ક્લાસ ફોટો
ક્લાસ ફોટો
તાળીઓના ગડગડાટ વચ્ચે, શાનદાર એવોર્ડ ફંક્શનમાં રિચા ને બેસ્ટ કોરિયોગ્રાફર નો એવોર્ડ સ્વીકાર કરતાં જોઈને દૂર ઓડિયન્સમાં બેઠેલી તનૂજાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. રિચા ને વધાવવા જોશભેર તાળીઓ પાડી રહેલી તનુજાની, આંસુથી નમ થયેલી આંખોની ઝાંખપમાં ભૂતકાળનું ધૂંધળું થઈ ગયેલું દ્રશ્ય દેખાવા માંડ્યું. એની ૧૪ વર્ષની પુત્રી રિચા સ્કૂલ યુનિફોર્મમાં ધમપછાડા કરતી ઘરમાં પ્રવેશી રહી હતી. એક બાજુમાં પોતાનું દફતર ફેકી, બન્ને આંખોના ભવર ચડાવી અને મોં મચકોડીને બોલી રહી હતી,"જોયું મમ્મી, આ વખતની પરીક્ષાના પરિણામમાં પણ,મારા ક્લાસમાં, પહેલા એકથી ત્રણમાં મારો નંબર નહીં આવ્યો. દર વખતની જેમ જ આ વખતે પણ દિયા, આરવ અને આશ્વીનો જ એકથી ત્રણમાં નંબર આવી ગયો" બોલતા બોલતા રિચાનો અવાજ ગળગળો થઈ ગયો."મમ્મી, હું કેટલી પણ મહેનત કરું પણ ક્યારેય એ લોકોને ભણવામાં પાછળ નથી કરી શકતી. તને ખબર છે, આરવ તો આખો દિવસ ઘરની બહાર રમતો જ હોય છે. અરે, પરીક્ષાના દિવસોમાં પણ રોજ સાંજ નિયમિત રમવા જાય છે છતાં પણ એના માર્કસ મારા કરતા વધુ આવે છે. હવે આજથી તો હું કથક શીખવાનું પણ બંધ કરીને માત્ર ભણવામાં મારો બધો સમય વ્યતીત કરીશ." નૃત્ય કલામાં પારંગત અને કથક નૃત્યમાં તાલીમ લઈ રહેલી રિચા વ્યથિત થયેલા સ્વરમાં બોલી ઊઠી. પોતાની તેજસ્વી અને મહત્વકાંક્ષી પુત્રીના માનસ પર હાવી થયેલી એ ક્ષણિક હતાશાને તનુજા તરત જ પામી ગઈ. એ જાણતી હતી કે જીવનમાં સફળ થવાના માપદંડ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. માત્ર કાગળ ના એક ટુકડા પર મેળવેલા ગુણોના આધાર પર જીવનની સફળતા કે નિષ્ફળતા નક્કી નથી થતી. જીવનની ખરી પરીક્ષા તો જ્યારે ભણી-ગણીને સ્કૂલની બહાર નીકળીએ અને વાસ્તવિક જીવનમાં પ્રવેશ કરીએ ત્યારે જ થાય છે. દરેક વ્યક્તિ ભિન્ન છે માટે આપણી સરખામણી બીજા સાથે કરવી વ્યર્થ છે. પરંતુ આ વાતનું તાત્પર્ય સમજવા માટે એની ૧૪ વર્ષની મહત્વકાંક્ષી પુત્રી ખૂબ જ નાની હતી. રિચાના મન પર છવાયેલા એ ક્ષણિક હતાશાના વાદળને તરત જ રોકી લેવાના હેતુથી તનુજા એ રિચાની વાત ને જાણે બિલકુલ ગંભીરતાથી ન લીધી હોય એમ પોતાનો સ્વર એકદમ હળવો કરતા બોલી,"અરે એ બધી વાત પછી કરીશું, પહેલા તું મારી વાત સાંભળ. હું ક્યારની તારી રાહ જોઈ રહી હતી."કહેતા તનુજા એ ઊભા થઈ ને પોતાના કબાટમાંથી એક ફોટો કાઢ્યો અને ઉત્સાહપૂર્વક રીમાને બતાવવા માંડી અને બોલી,"જોને બેટા આજે મારો કબાટ સાફ કરતી વખતે મને આ મારો ક્લાસ ફોટો મળ્યો. જો તને બધી મારી સ્કૂલ સમયની ફ્રેન્ડ્સ બતાવું." રિચાએ ગુસ્સો અને હતાશા એ બંને ભાવથી મિશ્રિત થયેલી આંખોને ત્રાંસી કરી ને કાંઈ પણ બોલ્યા વિના નીરસતાપૂર્વક ફોટા સામે જોયું અને પછી તરત જ પોતાની નજર બીજી દિશામાં ફેરવી દીધી.
રિચાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તનુજા એ એનું ધ્યાન ફરી ફોટા તરફ ખેંચવા પોતાની વાતને વિસ્તાર આપતા બોલી,"જો ને આ પહેલી હરોળમાં બીજા નંબર પર ચશ્માવાળી છોકરી દેખાય છે ને એનું નામ મીનાક્ષી. ભણવામાં એની તોલે કોઈ ના આવે. ક્લાસની સૌથી હોશિયાર છોકરી. હમણાં મારી જેમ એક સફળ ગૃહિણી છે અને ખૂબ જ સુખી છે. અને એની બાજુમાં અસ્તવ્યસ્ત થયેલા વાળમાં દેખાય છે ને એનું નામ રુચિકા છે. હંમેશા ચિત્રવિચિત્ર કપડાં પહેરીને અખતરા કરતી અને બીજાની નજરમાં મજાકનું સાધન બનતી. અત્યારે ખૂબ જ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર છે અને શહેરમાં ખૂબ મોટા બૂટીકની માલિક પણ છે. અને આ નીચેની હરોળમાં છેલ્લો બેઠેલો છોકરો દેખાય છે ને વિશાલ, એકદમ શાંત અને અંતર્મુખી સ્વભાવનો. ક્લાસમાં હોય કે ના હોય બધું બરાબર જ. ક્લાસમાં ક્યારે એની હાજરીની નોંધ નહોતી લેવાતી પરંતુ આજે કોઈપણ ફંકશનમાં એની હાજરી હોય તો લોકો એ પ્રખ્યાત રાઈટર વિશાલ મહેતાની ઓટોગ્રાફ માટે પડાપડી કરે."બોલતા બોલતા તનુજા એ રિચાના ચહેરા પર બદલાઈ રહેલા હાવભાવની નોંધ લીધી. તનૂજાની વાત સાંભળતા સાંભળતા અને ધીરે ધીરે એમાં રસ પડતા રિચાની તનાવથી ચડેલી આંખોના ભવર અને મચકોડેલું મોઢું ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવતા જોઈને તનુજા એ થોડો રાહતનો શ્વાસ લીધો અને પોતાની વાત આગળ વધારતા બોલી,"અને આખા ગ્રુપની વચ્ચે બેઠેલો 'બૅક બેંચર'ના હુલામણા નામથી જાણીતો આ રાહુલ એક નંબરનો તોફાની છોકરો. હંમેશા છેલ્લી બેંચ પર બેઠો હોય અને ભણવામાં ક્યારેય એનું ધ્યાન ના હોય. ના તો એ ક્યારેય પોતાનું હોમવર્ક કરતો કે ના તો પરીક્ષામાં સારા માર્કે પાસ થતો. પણ હા ભણવા સિવાયના બીજા બધા જ કામોમાં એક્કો. આખા ક્લાસનો મોનીટર અને સ્કૂલમાં ક્યારેય પણ કોઈ કાર્યક્રમ હોય તો બધો વહીવટ એના હાથમાંં જ હોય અને એ જવાબદારી એ શકુશળ નિભાવી લેતો. અત્યારે બહુ જ મોટો બિઝનેસમેન છે અને દેશ-વિદેશમાં એનો વેપાર ફેલાયેલો છે". બોલતા બોલતા તનુજા એ બારીકાઈથી રીમાની આંખો અને ચહેરાનું નિરીક્ષણ કર્યું અને પછી પોતાનો સંવાદ વિસ્તૃત કરતા, એક પછી એક, એના બધા સ્કૂલ સમયના મિત્રોનું વર્ણન કરતી રહી. દરેક વિદ્યાર્થી અલગ હતો, દરેકનો સ્વભાવ અલગ, વ્યક્તિત્વ અલગ અને રસનો વિષય પણ અલગ. એની વાતોની પકડમાં સંપૂર્ણપણે જકડાઈ ગયેલી રિચાના ચહેરા પર છવાયેલા એ હતાશાના કાળા વાદળ લગભગ હટી ગયા હતા અને એનો ચહેરો ફરી એકદમ તાજગીભર્યો અને સ્વસ્થ લાગી રહ્યો હતો.
આખરે એક બાળક માટે પોતાની મા કરતાં વધુ સારો કાઉન્સેલર કોણ હોઈ શકે ? અને તનૂજા અને રિચા વચ્ચેનો કાઉન્સેલિંગ સેશન સફળતાપૂર્વક પાર પડી ગયો હતો એની ખાતરી રિચા ના ચહેરાના બદલાયેલા હાવભાવ આપી રહ્યા હતા. વર્ષોથી ખજાનાની જેમ સાચવી રાખેલો એ ક્લાસ ફોટો આજે એને ખરા સમયે કામ આવી ગયો અને જીવનની દરેક પરીક્ષામાં એની સાથે ઊભા રહેતા એના સ્કૂલ સમયના મિત્રો આજે પણ જાણે-અજાણે એની મદદે આવીને ઊભા રહી ગયા એમ વિચારીને તનુજા ના ચહેરા પર હાસ્યનું મોજું ફરી વળ્યું. પછી ઘડિયાળ સામે જોઈને એ, એકદમ બોલી ઊઠી,"અરે વાત વાતમાં ખબર જ ના પડી અને તારો કથકના ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો. જલ્દી નાસ્તો કરીને તૈયાર થઈ જા પછી તને ક્લાસમાં મૂકી આવું." "બસ મમ્મી, ખાલી પાંચ મિનિટમાં તૈયાર થઈ જઈશ" કહેતી રિચા તરવરાટ સાથે ઉછળતી કૂદતી તૈયાર થવા ત્યાંથી ઊભી થઈ ગઈ. તનુજા એને પીઠ પાછળથી જોઈ રહી અને રિચાના એ આગળ વધેલા પગલા ફરી ક્યારે પાછા ના પડ્યા અને જીવનમાં એક પછી એક સફળતાના શિખરો પાર કરતા ગયા......! આજે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંકશનમાં એવોર્ડ સ્વીકારતા અશ્રુભરી આંખોથી રિચા એવોર્ડ લઈને દૂર ઓડિયન્સમાં બેઠેલી તનુજાની સામે જોઈ રહી હતી અને ભિન્ન લોકોથી ભરેલા સમાજના પ્રતિબિંબ રૂપે એ ક્લાસ ફોટો, બંનેની નજર સમક્ષ તરવરી રહ્યો હતો.
