Vrajlal Sapovadia

Inspirational

2.5  

Vrajlal Sapovadia

Inspirational

કક્કાની કમાલ

કક્કાની કમાલ

5 mins
2.7K


અંગ્રેજી માધ્યમમાં ભણતો મારો પૌત્ર મને કહે, હું બોલું તે ગુજરાતી શબ્દ અવળા કરી બોલી શકશો? મેં આત્મવિશ્વાસથી હા પાડી. તેણે શરૂઆતમાં સ્પિનર બિશનસિંઘ બેદીની જેમ સહેલા બોલ નાખ્યા. મને કહે તરત, મેં ઉલટું કરી કહ્યું, તરત. પછી કહે સરસ, મેં કહ્યું સરસ. મેં તમને સમજાવ્યું જે શબ્દ કે વાક્ય આગળ પાછળ વાંચતા સરખુ વંચાય તેને વિલોમપદ અથવા મુરજબન્ધ કહેવાય, પૌત્ર બોલ્યો એને અંગ્રેજીમાં પેલીન્ડ્રોમ (pellindrome) કહેવાય. આગળ વધતા બોલ્યો મરજી, મેં કહ્યું 'જીરમા' આવા 4-5 શબ્દો પછી બોલિંગ મોડ બદલી ગુગલી નાખી પૂછ્યું નળ!, મેં પ્રયત્ન તો કર્યો પણ ‘ળન’ સરખું બોલાય નહીં!! પછી તો આખી ઓવર પાણી, રણ, જળ જેવા અઘરા બોલ નાખી.  મેં ઉલટાવી બોલવા પ્રયત્ન કર્યો પણ બોલવામાં ફાવટ ના આવે. મેં એને સમજાવ્યું ભાઈ જો, ગુજરાતીમાં એટલે તો 'ળ' કે 'ણ' થી શરુ થતા એક પણ શબ્દ નથી. જયારે કક્કાના બાકીના દરેક અક્ષરથી શરુ કરી બીજો અક્ષર 'ળ' કે 'ણ' હોય એવા ઢગલાબંધ શબ્દ છે. કળ, કાળ, ખળખળ, ગળ, ગાળ, કણ, ખણખણ, ગણ થી માંડીને રળવું, રણ. આમ ગુજરાતીની આ વિશિષ્ટતા સાંભળી એને વધુ ઉત્સાહ બતાવી ગુજરાતી ભાષાની ખાસિયત જાણવા ઇંતેજારી બતાવી.


ગુજરાતી લિપિ એ ભારતની આધુનિક લિપિમાંની એક છે અને તે 16 મી સદી દરમિયાન દેવનાગરી (હિન્દી, સંસ્કૃત વગેરે) લિપિમાંથી ઉતરી છે. ગુજરાતી અને દેવનાગરી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ગુજરાતીમાં ટોચની આડી પટ્ટીનો અભાવ, જેને શીરોરેખા કહેવામાં આવે છે. દુનિયામાં લગભગ 6 કરોડ લોકો ગુજરાતી બોલે છે જેમાં ગુજરાત સિવાય, કરાંચી, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઇન્ડોનેશિયા, ફિઝી જેવા કેટલાય દેશમાં બોલાય છે. પાકિસ્તાનમાં ગુજરાત નામનું સ્થળ છે તેમ ત્યાં યુનિવર્સિટી ઓફ ગુજરાત છે. ગુજરાતી છાપા બહાર પડે છે. પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી જીણા ગુજરાતમાં જન્મ્યા કે રહ્યા નહોતા પણ તેમની માતૃભાષા ગુજરાતી હતી. તેઓ ઘરમાં ગુજરાતી બોલતા તેમ એમનો 1915માં લખેલો લેખ તો ગુજરાતી હતો પણ સહી પણ ગુજરાતીમાં કરેલી. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી નખશીખ ગુજરાતી હતા અને તેમનું મોટા ભાગનું સાહિત્ય ગુજરાતીમાં લખાયું અને તેનું અદભુત અંગ્રેજીમાં ભાષાંતર મહાદેવભાઈ દેસાઈએ કર્યું.


ગુજરાતી ભાષા ભારતના બંધારણ પ્રમાણે માન્યતા પ્રાપ્ત ભાષા છે અને ગુજરાત સિવાય દિવ, દમણ અને દાદરા નગરની પણ કાયદેસરની ભાષા છે. ગુજરાતી ઈન્ડો-આર્યન કુળની ભાષા છે. ગુજરાતી વિશાળ ઈન્ડો -યુરોપિયન ભાષા પરિવારનો એક ભાગ છે. ગુજરાતી લિપિ ‘અબુગિડા’ વર્ગની લિપિ છે જેમાં વ્યંજનની સાથે સ્વર જોડાઈને એક ખાસ અક્ષર બને છે. જેમ કે ક + આ = કા, ગ + ઉ = ગુ, ર + ઈ = રી, મ + ઓ = મોં વગેરે. અંગ્રજીમાં આમ વ્યંજન અને સ્વર જોડાતા નથી એટલે એક જ ઉચ્ચાર વાળા ઘણા શબ્દો હોય. જેમ કે it, eat બંને ઈટ વંચાય, તેમ જ સ્પેલિંગ અને ઉચ્ચાર વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોતો નથી, જેમકે knife માં k નો ઉચ્ચાર થતો નથી, C નો ઉચ્ચાર ક્યાંક કે (Cat) થાય તો ક્યાંક સી (Ceiling) થાય. ગુજરાતીમાં લખાણનો એક અને એક એમ ચોક્કસ ઉચ્ચાર થાય. વિદ્વાનોના માટે પ્રમાણે ગુજરાતી ભાષાના ત્રણ પેટા પ્રકાર છે, હિન્દૂ, મુસ્લિમ અને પારસી. ગુજરાતી જેમ પ્રાકૃત, સંસ્કૃત અને હિન્દીમાંથી ઉતરી આવી છે તેમ, ગુજરાતીમાંથી ઇન્ડોનેશિયાની 2 અને ફિલિપાઇન્સની 1 ભાષા ગુજરાતીમાંથી ઉતરી આવી છે. ગુજરાતી વાક્યનો ક્રમ 'SOV' છે, એટલે કે વિષય, પદાર્થ, અને અંતે ક્રિયાપદ દા.ત. હું રોટલી ખાઉં છું. ઇંગ્લીશમાં ક્રિયાપદ વચ્ચે આવે છે. ગુજરાતીમાં નર, નારી અને નાન્યતર એમ ત્રણ જાતી છે. ઇંગ્લીશમાં 2 જ છે. સંસ્કૃત માં ત્રણ વચન છે; એક, દ્વિ અને બહુ. ગુજરાતીમાં ફક્ત બે જ વચન છે, દ્વિ વચન નથી. બહુવચન માટે મોટા ભાગે અંતિમ અક્ષરમાં 'ઓ' ઉમેરવામાં આવે છે, જેમકે બળદ, બળદો, ગાય, ગાયો.


કક્કાની ગોઠવણ અન્ય બ્રાહ્મીક ભાષાની જેમ વૈજ્ઞાનિક રીતે કરાયેલી છે, ક થી શરુ થતો સમૂહ કંઠ્ય (ગળામાંથી), તો ચ થી શરુ થતો સમૂહ તાળવાથી, પ થી શરુ થતો સમૂહ હોઠથી બોલાય છે. કક્કાની બીજી ખાસિયત અંગ્રેજી ભાષાની ABCD જોડે સંકળાયેલ છે. ક નો K તો ક પછી ખ નો KH, ગ નો G તો ઘ નો GH. એમ એક ગુજરાતી અક્ષરમાંથી જે અંગ્રેજી અક્ષર બને તેના પછીનો અક્ષર તેમાં H જોડવાથી બને. ગુજરાતી abcd ની જેમ કેસ સેન્સિટિવ નથી એટલે કે કેપિટલ અને સ્મોલ લખાતી નથી. ગુજરાતી વ્યંજન સ્વર વગરનો હોય તો ખોડો કહેવાય અને અ કે અન્ય સ્વર વગર તે અડધો લખાય, જેમકે કક્કો, જેમાં વચ્ચેનો ક ખોડો છે. અડધો મ કે ન હોય તો અનુસ્વાર કહેવાય અને તે ઉપર ટપકું કરી લખવામાં આવે. 'મંજૂરી' માં ટપકું અડધો ન છે, ટપકા પછી કયો અક્ષર છે તેને આધારે અડધો મ છે કે ન તે ખબર પડે. અડધો ર ને અક્ષર ઉપર અર્ધ વર્તુળ કરી લખવામાં આવે, જેમ કે કંદર્પ માં પ ની ઉપર છે તેને રેપ કહેવાય જે અડધો ર દર્શાવે છે. 36 વ્યંજનમાંથી 23 વ્યંજનને ઉભી લાઈન હોય છે, ખ, ગ, ઘ, ચ, મ, ન, ય, પ, લ, વ, ક્ષ, જ્ઞ ત, થ, બ, ભ વગેરે. જયારે આવા અક્ષર અડધા હોય ત્યારે ઉભી લાઈન ગાયબ થઈ જાય, જેમકે તત્વ, તથ્ય, વચ્ચેના ત અને થમા ઉભી લાઈન નથી. જયારે આવા અક્ષર અડધા હોય ત્યારે ઉભી લાઈન ગાયબ થઈ જાય, જેમકે તત્વ, તથ્ય, વચ્ચેના ત અને થમા ઉભી લાઈન નથી. શ અને વ મળી શ્વ્ બને, પ અને ર મળી પ્ર બને તો શ અને ન મળી શ્ન બને. ટ, ઠ, ડ, ઢ દ, માં ‘ર’ ભ ળે તો તેની નીચે 2 લાઈન કરી ટ્ર, ઠ્ર, ડ્ર, ઢ્ર and દ્ર બને. બે ત (એક આખો, બીજો અડધો) હોય તો ત્ત લખાય.


આ પદ્ધતિથી માર્યાદિત વિવિધ વ્યંજન (36), સ્વર (12), અને માત્રા (18) મળી ગાણિતિક રીતે અસંખ્ય (સંયોજક, ઘાતાંકીય રીતે વિશાળ) શબ્દ સમૂહ બને છે. ગુજરાતી શબ્દકોશ બનાવવા નર્મદ સહીત ઘણા સાહિત્યકારોનો ફાળો છે. તેમાં ગોંડલ રાજ્યના ભગવતસિંહ બાપુનો ફાળો અત્યંત મહત્વનો છે. તેમને 22 વરસ સુધી 600 વિદ્વાનને દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી બોલાય છે ત્યાં મોકલી શબ્દો અને તેના અર્થ મેળવવા મોકલ્યા. અને અંતે ભગવદગૌમંડલ નામનો શબ્દકોશ બહાર પડ્યો.

ગુજરાતી ભાષામાં ત્રણ ચાર પ્રકારના શબ્દો જોવા મળે છે., (1) મૌલિક ગુજરાતીઃ (2) આયાતી (3) તત્સમ (4) તદ્દભાવ. ગુજરાતી ભાષામાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત તુર્કી, ઇંગલિશ, રોમન, ફ્રેન્ચ, ઉર્દુ, અરેબિક, સ્પેનિશ, પોર્ટુગીઝ, જર્મન ભાષાના શબ્દો જોવા મળે છે.તત્સમ શબ્દો બીજી ભાષાથી લગભગ સરખા છે જેમ કે લેખક, લખનાર, વિજેતા, જીતનાર, જયારે તદ્ભવ શબ્દો અન્ય ભાષા જેવા છે જેમ કે અર્પયતિ, આપવું અને પ્રાપ્યતિ, પામવું ગુજરાતી ભાષામાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત પર્સીયન, તુર્કી, ઇંગલિશ, રોમન, ફ્રેન્ચ, ઉર્દુ, અરેબિક, સ્પેનિશ, પોર્ટુગીઝ, જર્મન ભાષાના શબ્દો જોવા મળે છે.તત્સમ શબ્દો બીજી ભાષાથી લગભગ સરખા છે જેમ કે લેખક, લખનાર, વિજેતા, જીતનાર, જયારે તદ્ભવ શબ્દો અન્ય ભાષા જેવા છે જેમ કે અર્પયતિ, આપવું અને પ્રાપ્યતિ, પામવું.


ગુજરાતી ભાષાની વિવિધતા અને વિશાળતા તો આ વાર્તાથી ઘણી મોટી છે, પણ આટલી વાત કરી ત્યાં સુધીમાં તો મારો પૌત્ર ઊંઘી ગયો. મને લાગે છે આપ પણ આટલું વાંચી ઝોલા ખાશો, એટલે બાકીની વાત ફરી ક્યારેક!Rate this content
Log in

Similar gujarati story from Inspirational