કીચડમાં સુગંધ પ્રસરી
કીચડમાં સુગંધ પ્રસરી
આજે એક જાણીતા ન્યૂઝપેપરમાં રેડઝોન એરિયાની રાણી રૂપરૂપનો અંબાર અને તેજતેજનો ભંડાર. તેના શબ્દમાં કહીએ તો ફટાકો કહી શકાય. આવી રાણીગુલાબોની સાથે થયેલી વાતચીત મોટા અક્ષરે છપાઈ હતી.
કહેવાતા સભ્ય સમાજનાં લોકો જે ગુમનામ ગલીની વાતોથી નાકનું ટીચકું ચડાવતા હોય. તેઓ પણ આવા સમાચાર તો આખે આખા વાંચે જ. પુરુષોની ભ્રમરવૃત્તિ અને સ્રીને ઉપભોગનું સાધન માનનારો વર્ગ,વાસના ભૂખ્યો આદમી.
આ બધાને લીધે સદીઓથી જુદા જુદા નામે સ્રીઓ સહન કરતી આવી છે. પછી તે નગરવધુ હોય કે દેવદાસી કે કોઈ કોઠાની રાણી હોય. ક્યાંક છોકરીઓ મહત્વાકાંક્ષાથી, તો ક્યાંક સમજણ વગરનાં પ્રેમથી, વિચાર્યા વગરનાં પગલાંથી, તો વળી ક્યારેક વ્યક્તિગત મજબૂરીથી આ રસ્તે આવી ચડે છે.
આ નરકાગારમા ધકેલનારને કોસે કે નફરત કરે, કે પછી દુઃખી થયા કરે. પણ તેણે આ જિંદગી વેઢારવી જ પડે છે. એકવાર જે આ ગુમનામ ગલીમાં પ્રવેશે છે. તે ક્યારેય બહાર આવી શકતી નથી.
ગુલાબો એક અલગ જ વ્યક્તિત્વ હતું એટલે તેની દરેક વાત તેની માલકીન મૌસી પણ માને. તેણે તેને મળેલ જિંદગી માટે ફરિયાદ કે અફસોસ કર્યા વગર કે દુઃખી થયા વગર જીવતા શીખી લીધું ! તેના જ શબ્દોમાં તેણે જાહેરમાં પત્રકારની સાથે વાત કરતા કહેલું.
પુરૂષ વર્ગની હવસ અને સ્રીને માત્ર વિલાસનું સાધન માનવાવાળાને લીધે ઘણી ગુલાબો આ સમાજમા પેદા થાય છે. જો કે મે તો આ નરકાગારમાં પણ જીવતાં શીખી લીધું છે. આ એક એવી ગલી છે જેમાં આવ્યા પછી બહાર નિકળવાનો કોઈ રસ્તો જ નથી. અહી મજબૂરીમાં આવનારની દીકરીઓને અહીંથી દૂર રાખી ભણાવી ગણાવી પગભર કરવાનો મારો પ્રયત્ન રહેલો છે. સમાજમાં તમારાં બધાને જેમ કોઈને કોઈ ધંધો છે તેમ મારો પણ આ દેહવ્યાપારનો ધંધો છે.
તમે તમારો ધંધો તમારા પરિવાર માટે જેટલી લગનથી, મહેનતથી અને ઈમાનદારીથી કરો છો તેમ હું પણ ઘણી કળીઓને ગુલાબો ન બનાવવા અને આ ગલીથી દૂર રાખવા કરું છું. મને કોઈ દુઃખ નથી કે અફસોસ નથી. અનેક પુરુષોને મળવા છતાં મને કોઈ આસક્તિ નથી કે નથી મોહ.
હું આ શરીરને મારાથી અલગ સમજી તેની પાસે તેનું કર્મ કરાવું છું. શરીર તેનું કામ કરે અને મનનો તાર મેં માધવ સાથે જોડયો છે. અનાસકત ભાવે જીવવાનું અને માધવની ભક્તિ કરવાની અને ગુલાબોની સંખ્યા ન વધે તે પ્રયત્ન કરવાનો. તે જ મારું જીવન ધ્યેય મેં બનાવી લીધું છે.
ગુલાબોની વાતો સાંભળી ગણિકા શબ્દથી જે નાકનું ટીચકું ચડાવતા હતાં તે બધાં પણ આદરથી જોવા લાગ્યા. નામ જાહેર ન કરવાની શરતે બે એક યુવાનોએ કહ્યું પણ ખરું કે ગુલાબો પાસે ગયાં પછી અમારી જિંદગીમાં બહું ફરક પડ્યો છે. અમારી માનસિકતામાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઘણી વાર તો ગુલાબો પાસે જઈ સત્સંગ કરી અમે પાછાં આવ્યા છીએ. ગુલાબોની સકારાત્મકતાએ મને તેનાં માટે ગુરુ જેટલાં આદરભાવથી જોતો કર્યો છે. અમે જયારે તેને આ બધું છોડવાનું કહ્યું: તો કહે, કે મને કયાં કોઈ વળગણ છે. મારે તો બધું છૂટેલું જ છે. આ તો ફકત આજીવિકા માટે છે.
કમળ કાદવમાં ખીલે તે કહેવત મને ગુલાબોમાં સાચી પડતી લાગી છે. આ નરકની ઘણી બધી વાસ્તવિકતા, અને સાચી વાત બહાર આવી. ગુલાબો જેવી ગુણવાન રાણી કમળ બની સુવાસ અને સકારાત્મકતા સાથે પોતાનાં સંપર્કમાં આવનાર પુરુષોની મદદથી સમાજસેવા પણ કરે છે.
