Shobha Mistry

Inspirational

4  

Shobha Mistry

Inspirational

ખટમધુરાં સંભારણા

ખટમધુરાં સંભારણા

2 mins
320


"જોતજોતાંમાં આપણા લગ્નને પચાસ વર્ષ થઈ ગયાં. એકબીજાના સંગાથે આ વર્ષો ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી." સુજયે કહ્યું. 

"તમારી વાત સાચી છે." કવિતાએ સાડીના છેડાને સરખો કરતાં કહ્યું. 

"મને તો હજી એ દિવસ યાદ છે જ્યારે વડીલોની સમંતિથી આપણી સગાઈ થઈ હતી. તને અમે પહેલી વખત અમારા ઘરે તેડી લાવ્યા હતાં. તું વડીલોની આમન્યા રાખીને માથે ઓઢીને એક ખૂણામાં ગુપચુપ બેઠી હતી. તારું એ રૂપ હજી મારી આંખોમાં કેદ છે." સુજયે કવિતાના કામ કરી કરીને બરછટ થઈ ગયેલાં હાથને પોતાના હાથમાં લઈ પસવાર્યો. 

"સગાઈ વખતે નહીં પણ પછી આપણે પહેલી વખત એકલાં ફરવા ગયાં હતાં ત્યારે તમે મને પૂછ્યું હતું, "કવિ, મારી સાથે વૃદ્ધ થવું તને ગમશે ?"

"હા, અને તેં કહ્યું હતું, હું બોખી થઈ જાઉં, મારા હાથ પગ ઢીલા થઈ જાય કે પછી હું કામ ન કરી શકું તો પણ તમે મને પ્રેમ કરશો ?" 

પછી તો બંને લગ્નજીવનની શરૂઆતથી શરૂ કરી, બાળકોના જન્મ, તેમનું ભણતર, તેમના લગ્નના ખટમધુરાં સંભારણા યાદ કરવા લાગ્યાં. તને સાંભરે રે, મને કેમ વિસરે રે, ની જેમ એક પછી એક વાત કરવા લાગ્યાં. એવું નહોતું કે એમની વચ્ચે કોઈ દિવસ ખટપટ નહોતી થઈ. લગ્નના પચાસ વર્ષ દરમિયાન ઘણી વાર નાના મોટા ઝગડા તો એમની વચ્ચે પણ થયા જ હતાં. પણ એ મતભેદને એમણે ક્યારેય મનભેદ ન બનવા દીધાં. 

એમનું સહજીવન જોઈ ઘણાં એમને પૂછતાં પણ ખરાં, "તમારા પ્રેમ લગ્ન છે ?" ત્યારે બંને હસીને જવાબ આપતાં, "ના, અમારા તો લગ્ન પ્રેમ છે. પ્રેમ કરીને જ લગ્ન થાય એવું કોણે કહ્યું ? લગ્ન કરીને પ્રેમ ન કરી શકાય ?" 

બંને નોકરીના સ્થળ સિવાય જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય. બંનેને એકલાં કોઈ કલ્પી જ ન શકે. લગ્નજીવન દરમિયાન આવેલાં અનેક નાના મોટા સંકટોનો એમણે સાથે મળીને સામનો કર્યો હતો. આ બધી ખટમધુરી વાત યાદ કરવામાં બંને એટલા મશગુલ થઈ ગયાં કે વાત ન પૂછો. 

"અરે ! મમ્મી, પપ્પા, તમે લોકો હજી તૈયાર નથી થયાં ? આપણને જવાનું મોડું થશે." પુત્રવધૂ સલોનીએ આવીને કહ્યું. ત્યારે બંનેએ એકબીજા સામે પ્રેમથી જોઈ હસીને કહ્યું, "હા, બેટા ચાલો. નિરવ અને પિયુ ક્યાં ?"

"દાદાજી, હું અહીં છું." કહેતી પિયુ દાદા દાદીને વળગી પડી. 

"મમ્મી, તમે તો આ ઉંમરે પણ ખૂબ સુંદર દેખાઓ છો. અરે ! આ સાડી તમે હજી સાચવી રાખી છે ?"

"હા, બેટા, આ તો તારા પપ્પાજીએ મને આપેલી પહેલી ભેટ છે. હું મરી જાઉં ત્યારે મને છેલ્લે આ જ સાડી ઉઠાડજો."

"કવિ, આજના દિવસે આવી વાત ન કરે તો ન ચાલે ? ચાલો જલદી અનાથાશ્રમમાં બાળકો આપણી રાહ જોતાં હશે. દર વર્ષે આપણે આપણો લગ્નદિવસ તેમની સાથે જ ઉજવીએ છીએ ને !"

નિરવે સુજયનો અને સલોનીએ કવિતાનો હાથ પકડી એમને ગાડીમાં બેસાડ્યા. નાનકડી પિયુ તરત જ એ બંને વચ્ચે ગોઠવાઈ ગઈ. નિરવ અને સલોનીએ સુખી દાંપત્યજીવનનું એક ઉત્તમ જોડું પોતાની પાસે હોવાનો ગર્વ અનુભવતા ગાડીને સ્નેહલ અનાથાશ્રમ તરફ દોડાવી દીધી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational