Vrajlal Sapovadia

Inspirational

2.5  

Vrajlal Sapovadia

Inspirational

ખેડૂતનો પરિવાર

ખેડૂતનો પરિવાર

6 mins
909મારો જન્મ સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાં, પિતા (જન્મ 1925) ખેત મજુર (1950-1967) અને ખેડૂત (1967-2014). હું સમજણો થયો ત્યારથી ગાય, ભેંસ અને બળદ જોડે નાતો રહ્યો. 1967 સુધી બીજાના પશુ જોડે પનારો અને પછી અમારા પોતાના ભેંસ અને બળદ હતા. આ વાર્તા ખેડૂતનો પશુ પ્રત્યે અને પશુનો ખેડૂત પ્રત્યેનો પ્રેમનો વાસ્તવિક ચિતાર આપે છે. ભેંસ અને બળદ કેટલા સમજદાર અને લાગણીશીલ હોય છે તેનું આ વાર્તામાં ઉદાહરણ સહીત વર્ણન કર્યું છે. 1967 સુધી બીજાના પશુ જોડે પનારો અને પછી અમારા પોતાના ભેંસ અને બળદ હતા. આ વાર્તા ખેડૂતનો પશુ પ્રત્યે અને પશુનો ખેડૂત પ્રત્યેનો પ્રેમનો વાસ્તવિક ચિતાર આપે છે. ભેંસ અને બળદ કેટલા સમજદાર અને લાગણીશીલ હોય છે તેનું આ વાર્તામાં ઉદાહરણ સહીત વર્ણન કર્યું છે.


મારા દાદાને 7 દીકરા અને પિતા સૌથી મોટા એ ન્યાયે એમના ભાગમાં સૌથી દુબળી પાડી આવી. બીજા બધાને ભાગમાં ભેંસ આવી. મને વ્યક્તિગત ખુબ રંજ કે બીજા કાકા તો ભણેલા છે, નોકરી કરે છે છતાં એમને ભેંસ અને આપણને કેમ દુબળી પાડી ? બા-બાપુજી કહેતા પાડી જોડે આપણે જૂની લેણાદેવી હશે. એની ઉંમરની બીજી પાડી ભેંસ થઈ ગઈ પણ આ બિચારી એટલી દુબળી કે ના પૂછો વાત. બા-બાપુજીએ ભારતનું બંધારણ કે આર્ટિકલ 14 તો નહીં વાંચેલો પણ એનો મર્મ જીવનમાં બરોબર ઉતારેલો. નબળાને વધુ ધ્યાનની જરૂર હોય એટલે એને વધુ ખાવા આપે, વધુ વાર નીરણ અને પાણી આપે. 1969માં મહાત્મા ગાંધીનું શતાબ્દી વર્ષ હતું, હું 9માં ધોરણમાં ભણું અને ખાસ ગાંધી શતાબ્દી ટ્રેન રાજકોટથી સોમનાથ ચાલે. ટ્રેનના ડબ્બામાં ગાંધી જીવનની ઝાંખી કરાવતા ચિત્રો મુકેલા એટલે અમારી શાળાનો શાપુરથી સોમનાથનો પ્રવાસ ગોઠવાયો. 3 દિવસ જૂનાગઢ, ચોરવાડ અને વેરાવળ રોકાવાનું ને 5 રૂપિયા પ્રવાસ ખર્ચ. હું અને મારા મોટા ભાઈ બંને હાઈસ્કૂલમાં ભણીએ એટલે બંનેના પ્રવાસનો ખર્ચ રૂપિયા 10 થાય, બાએ બાપુજીને સમજાવીને બજેટ મંજુર કરાવ્યુ. પ્રવાસ પૂરો કરીને આવ્યા તો શાળાએ જણાવ્યું એક વિદ્યાર્થી દીઠ 40 પૈસા ખર્ચ વધુ થયું છે. બાએ છાનામાના 80 પૈસા આપી કામ પતાવ્યુ.


પણ સૌથી મોટી આફત તો ત્યારે જાણવા મળી કે અમારી પાડીને હડકવા થયો છે. બધા ઢોર અને પાડી અમે ઘરથી દૂર ડહેલામાં બાંધતા, ત્યાંથી ખીલો છોડાવીને પાડી ભાગી. ગામની શેરીમાં જે સૌ સામું મળે તેને હડફેટે લેતી કેટલાયના ઘરમાં ઘુસી આતંક મચાવી દીધેલું, કેટલાયના કબાટ તો કેટલાયના ખાટલા તોડી નાખ્યા. દોડધામ કરતી હારી થાકીને કોઈના ઘરમાં બેભાન થઇને પડી ગઈ. બાપુજીને કોઈએ ખબર આપતા, તેઓ તરત પહોંચી, પાડીને બળદ ગાડામાં લઇ વાડીએ લઇ ગયા. વાડીમાં કૂવાના પૈયાથી દૂર એક મજબૂત ખીલો ખોદી, પાડીને બરોબર બાંધી દીધી. ગામના લોકોની સલાહ હતી કે પાડી હવે આમેય જીવે નહિ ને એને મારવા દેવાય, પણ બા-બાપુજીને આ વાત ગળે ના ઉતારી. એમણે તો પાડીની ખવડાવી પીવડાવી સારવાર ચાલુ કરી ને 3-4 મહિના ખુલ્લા ખેતરમાં એકલી બાંધી રાખી.


એવું લાગવા માંડ્યું કે હવે પાણીની સ્થિતિ સામાન્ય લાગે છે, બાપુજીએ થોડી થોડી ખીલેથી છોડવા મંડી. સંપૂર્ણ વિશ્વાસ બેઠા પછી ગામમાં ડહેલામાં બીજા ઢોર જોડે લાવ્યા. બધું સામાન્ય થઇ ગયું ને 1973માં દુકાળ પડ્યો, ઢોરને ખવડાવવા પીવડાવવાના સાંસા પડવા લાગ્યા. આટલી ઉંમરે હજી એ પાડી જ હતી. દૂરના એક સગાએ કહ્યું ચિંતા કરો નહીં, અમે એને વરસાદ થાય ત્યાં સુધી એક વરસ માટે અમારા ગામ ઈશ્વરીયા લઇ જઈશું, બરડાના ડુંગર માં આવેલું ઈશ્વરીયા ઘાસના બીડોથી સમૃદ્ધ હતું. મને કમને બાપુજીએ પાડી લઇ જવાની હા પાડી, ને અમારા એ સગા પાડી અને બળદને એક વરસ માટે લઇ ગયા. બા-બાપુજી બેચેન રહે. તે સમયમાં ફોન કે મોબાઈલ તો હતા નહિ, બધો સંદેશા વ્યવહાર પોસ્ટકાર્ડથી ચાલે. લગભગ 7-8 મહિના થયા હશે અને અમે ઢોર બાંધતા તે ડહેલામાં કામ કરતા હતા ત્યાં કોઈ પરિચિત ઢોરનો અવાજ આવ્યો. બા બોલ્યા દરવાજો ખોલો આપણી પાડી જ લાગે છે. બાપુજી કહે તને શું સ્વપ્નું આવ્યું છે, ચોમાસા પહેલા અમતી (સગાનું નામ) પાડી મુકવા ના આવે. દરવાજો ખોલ્યો તો સાચે જ અમારી પાડી અને સાથે કોઈ નહીં! થોડા દિવસમાં ઈશ્વર્યાથી સગાનું પોસ્ટકાર્ડ આવ્યું કે તમારી પાડી ખોવાય ગઈ છે. અમે વળતું પોસ્ટકાર્ડ લખ્યું કે પાડી તો અહીં પહોંચી ગઈ છે, તો તેમના આશ્યર્યનો પાર ન રહ્યો!


હું બહારગામ ભણવા ગયો ને વેકેશનમાં આવું તો પાડી ખુબ ભાંભરે એટલે બા કહે તું એને પાણી પાવા લઇ જા એ તને જોઈને લાડ કરે છે. મને ત્યારે એમ થતું કે બા મારી પાસે કામ કરાવવા પોરસ ચડાવે છે. પણ સાચે જ બીજા કોઈ પાણી પાવા લઇ જાય તો એ ડબલ મહેનત કરાવે. સવારમાં 9 વાગે ગામના રબારી બધા ઢોરને ચરવા બીડમાં લઇ જાય અને બપોરે પાદરમાં આરામ કરવા પાછી લઇ આવે. 2-3 કિલોમીટર દૂરથી અમારું બળદગાડું આવે તો બા-બાપુજીને આવતા જોઈને (કે કદાચ તેમના શરીરની વાસ આવતી હશે તેને કારણે ઓળખતી હશે) બધા ઢોરની વચ્ચેથી સીધી દોટ મૂકે.


બાપુજીનો દિવસ વહેલી સવારે 4 વાગે ઢોરને નીરણ નાખવા જવાથી ને પૂરો રાતે 11 વાગે છેલ્લી નીરણ નાખવાથી પૂરો થાય. ઘરથી ડહેલો એક કિલોમીટર થાય પણ દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે 2 વખત પાણી પાવા અને ત્રણેક વખત નીરણ નાખવા ચાલતા જાય. બહારગામ જાય તો ભાગ્યે જ રાત રોકાય. ધુવારણ વીજળી બોર્ડમાં નોકરી કરતા મારા કાકા આવેલ તો બાપુજીને કહ્યું તમારે બહારગામ રાત રોકાવું હોય તો રોકાજો હું બળદ સાચવી લઈશ. બાપુજીએ કહ્યું કે 'ભાઈ પાણી ખીલે જ પાઇ દેજે એનો ભરોસો કરતો નહિ.' પણ કાકાને એમ કે બળદ શું કરી લેવાનો છે ? તેમને જેવા ખીલેથી છોડ્યા કાકાને પછાડી દીધા તે ફરી ખીલે બાંધવા 4-5 જણ ભેગા ત્યારે મંદ બંધાયા. બા બહારગામ જાય તે ભેંસને ના ગમે અને બાપુજી જાય તે બળદને જરાય ના ગમે એટલે બા-બાપુજીની હાજરીમાં કોઈ છોડે તો વાંધો નહીં પણ તેઓ ના હોય તો કોઈની મજાલ નહીં કે કોઈ છોડી શકે.


અષાઢ મહિનામાં વરસાદ થાય અને વાવણી કરવાની હોય ત્યારે બળદને શણગારે અને સાંજે ઘરના બધા સભ્યની જેમ બળદને પણ લાપસીનું ભોજન પીરસાય. તે સમયમાં લગ્નની જાન પણ બળદગાડામાં જાય અને લગ્નમાં વરરાજાની જેમ બળદને પણ શિંગડી અને ઝૂલ પહેરાવી શણગારવામાં આવે. બાપુજી ખેતરમાં સાંતી ચલાવતા હોય તો તેમની જોડે વાતો કરતા જાય અને કેટલું કામ થયું ને કેટલું બાકી તેનો હિસાબ આપતા જાય. ડેલા આસપાસ કોઈ અજાણ્યું માણસ ફરકે તો બધા કઈ અલગ રીતે ભાંભરવા માંડે.


ઢોર પણ ખાવા પીવાના શોખીન અને સમય પારખું. સારું સારું ભાવે તેવું તરત ખાય જાય ને બાકીનું બાજુમાં કાઢી નાખે, પણ 1973 અને 1987 માં દુકાળ પડ્યો ત્યારે ગમે તે સૂકું ઘાસ ને ફોતરાં જે સારા વરસમાં ના ખાય પણ દુકાળમાં આપો તો ખાય જાય. અમે વાડીએ કુતરા ના રાખતા પણ મારા દાદાને રખોલુ કરવા વાડીએ કૂતરો રાખવાનો શોખ. એક વખત વાડીના ઓરડામાંથી ચોર કોઈ ખેતી કામની વસ્તુ લઇ ગયા અને દૂર એક ખાડો બનાવી દાટી દીધું કે જેથી અનુકૂળ સમયે ત્યાંથી લઈ જઈ શકાય. દાદા જેવા વાડીએ આવ્યા તેવો કૂતરો દાદાને તેમના કપડાને મોઢામાં લઇ રોતો રોતો ખેંચવા મંડ્યો. શરૂઆતમાં તો દાદા કંઈ સમજ્યા નહીં પણ એમને કૂતરાની વફાદારી ઉપર પાક્કો ભરોસો તેથી સાથે ગયા. કૂતરો ખાડા આગળ લઇ જઈ પગથી ખાડો ખોદવા લાગ્યો અને ચોરે દાટેલી વસ્તુ બહાર કાઢી તો દાદાને આશ્રર્યનું પર ના રહ્યું. દુકાળ પડ્યો ત્યારે અને ઢોર દૂધ આપતા કે ખેતી કામમાં નકામાં થઇ જાય એટલે કોઈને કોઈ ખરીદવા માટે પૂછવા આવે કે કદાચ સસ્તામાં મળી જાય. પણ બાપુજીનો એક જ જવાબ હોય કે ઢોર તો અમારા મા-બાપ છે ને કંઈ મા-બાપ થોડા વેંચવા રાખ્યા છે? 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational