STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

ખાલી પીપ

ખાલી પીપ

4 mins
0

પ્રાચીન કાળમાં એક મહાન સોદાગર હતો. તેનું વેપાર સામ્રાજ્ય સમુદ્રની અદ્કેલી ભૂમિ થી લઈને દૂર-દૂરના ટાપુઓ સુધી ફેલાયેલું હતું. તેની નૌકા રાત-દિવસ ઉત્તાળ તરંગો સાથે સંઘર્ષ કરતી, બંદર-બંદર, દ્વીપ-દ્વીપ પર વિચરતી. લાભ અપાર હતો, પણ પ્રત્યેક યાત્રા પ્રાણની બાજી પર લાગેલી હતી. નૌકા સમયની મારથી જીર્ણ-શીર્ણ થઈ ચૂકી હતી, છતાં સોદાગરની સમયની વ્યસ્તતા એવી કે તે ન તો નૌકાને નવી કરી શક્યો, ન તો નવી હોડીઓ બનાવી શક્યો.

એક દિવસ ખલાસી મિત્રો એ તેને ચેતવણી આપી: “બંધુ! તું સતત સમુદ્રની ગોદમાં જીવન વિતાવે છે. આ સમુદ્ર જેટલો શાંત છે તેટલો ભયંકર પણ છે. તોફાન આવે છે, મોજાં વિકરાળ રૂપ ધારણ કરે છે. તારી નૌકા હવે જૂની થઈ ગઈ છે. જો તોફાન આવ્યું અને નૌકા ડૂબી, તો શું તું તરીને પ્રાણ બચાવી શકીશ? નૌકા નવી ન બનાવી શકે તો તરતા શીખી જા”

अर्थस्य पुरुषो दासः दासस्त्वर्थो न कस्यचित्।

अर्थेन तु समाहूतो गच्छत्येव जडीकृतः॥(ભર્તૃહરિ – નીતિશતક)

માણસ અર્થનો દાસ છે, અર્થ કોઈનો દાસ નથી. અર્થના આહ્વાનથી માણસ જડ બનીને જ તેની પાછળ દોડે છે.

સોદાગર હસીને બોલ્યો: “મિત્રો! મારી પાસે એટલો સમય ક્યાં છે કે હું તરવું શીખું? ત્રણ દિવસ પણ જો હું વેપારથી દૂર રહીશ તો લાખો સુવર્ણમુદ્રાઓ ગુમાવી બેસીશ. ફુરસદ મળશે ત્યારે ચોક્કસ શીખી લઈશ.”

મિત્રોએ કહ્યું: “વધુ સમયની જરૂર નથી. ગામનો ગોવિંદ તરવૈયો કહે છે કે ત્રણ દિવસમાં તરવું શીખાડી દેશે. આ તો જીવન-મરણનો પ્રશ્ન છે.”

પણ સોદાગરે ફરી દલીલ કરી: “તે સાચું કહે છે, પણ મારા માટે તો દરેક ક્ષણ અમૂલ્ય છે. ત્રણ દિવસમાં હું સુવર્ણના પર્વત ઊભા કરી શકું. કોઈ એવી યુક્તિ બતાવો કે જેમાં સમય ન લાગે અને સુરક્ષા પણ થઈ જાય.”

ત્યારે મિત્રોએ સલાહ આપી: “જો સમય નથી, તો ઓછામાં ઓછા બે ખાલી પીપો સાથે રાખી લે. નૌકા ડૂબે ત્યારે તેમને પકડીને તું તરી શકીશ.”

સોદાગરને આ સૂચન સરળ અને તાત્કાલિક લાભનું લાગ્યું. તેણે બે મોટા ખાલી પીપા, જેમના મુખ બંધ કરાવી દીધા હતા, પોતાની નૌકામાં વિશ્રામસ્થાન પાસે રાખી લીધા. તેણે વિચાર્યું—આ પીપો સંકટની ઘડીએ જીવનરક્ષક સાબિત થશે.

સમય વહેતો રહ્યો. વેપાર વધતો ગયો, સુવર્ણમુદ્રાઓના ઢગલા વધતા ગયા, પણ જીવનની વાસ્તવિક સુરક્ષા માટે તે આજે પણ એટલો જ ઉદાસીન રહ્યો.

कालो हि दुर्निवार्यः (મહાભારત – વનપર્વ)

સમય અટકાવી ન શકાય તેવો છે. તેની અવગણના કરનારને તે ક્યારેય માફ કરતો નથી.

અને પછી એક દિવસ એ ભયાનક ઘડી આવી પહોંચી. સમુદ્રે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું. વિકરાળ તોફાન ઊઠ્યું. નૌકા ડગમગવા લાગી. સમુદ્રનું ગર્જન એવું હતું કે માનો સાક્ષાત યમરાજે પોતાના દૂતોને સોદાગરના મૃત્યુ નું આમંત્રણ આપી દીધું હોય.

નાવિકોએ પરિસ્થિતિ સમજીને સમુદ્રમાં એક એક કરીને કુદવા લાગ્યા. જેને જે હાથમાં આવ્યું તે લઈને કારણ કે તેઓ તરવું જાણતા હતા.

કુદતા નાવિકોને સોદાગર કિંકર્તવ્યવિમૂઢ થઈને ચીસ પાડી ઊઠ્યો—“મારા પીપ ક્યાં છે?”

નાવિકોએ જવાબ આપ્યો—“સેઠજી! તેઓ તો તમારા પલંગ પાસે જ પડ્યા છે.”

સોદાગર દોડીને વિશ્રામકક્ષમાં ગયો. ત્યાં બે પ્રકારના પીપો પડ્યા હતા—એક ખાલી, જેના આધારે તરવાની યુક્તિ સૂચવાઈ હતી, અને બીજા સુવર્ણમુદ્રાઓથી ભરેલા. તેની દૃષ્ટિ સુવર્ણમુદ્રાઓ પર અટકી ગઈ. જેના માટે તેણે આખું જીવન ખર્ચ્યું હતું. બીજી તરફ ખાલી પીપ મૃત્યુથી બચાવી શકતા હતા.

लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् ।
 तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ॥

લોભથી બુદ્ધિ ડગમગી જાય છે. લોભ તૃષ્ણાને જન્મ આપે છે અને તૃષ્ણાથી પીડાયેલો મનુષ્ય આ લોકમાં પણ દુઃખ પામે છે અને પરલોકમાં પણ દુઃખ પામે છે.

મનમાં ભીષણ દ્વંદ્વ ઊભું થયું—“શું હું આ ખાલી પીપો પકડીને કૂદી જાઉં? પણ સુવર્ણમુદ્રાઓનું શું? મારો પરિશ્રમ, મારી કમાણી, મારી પ્રતિષ્ઠાનું પ્રતીક—શું એમ જ સમુદ્રમાં સમાઈ જાય?”

એક તરફ બુદ્ધિ કહેતી—“ખાલી પીપથી પ્રાણ બચશે”, બીજી તરફ મોહ, અહંકાર અને સંગ્રહ કહેતા—“સુવર્ણ વિના જીવન વ્યર્થ છે.”

જીવન નૌકા ડૂબતી જ્યારે અરે! આયૂ ઘટે, 

મોહની જાળી ફસાઈ પ્રાણની બાજી રમે; 

ધનની માયા તજીને જે સ્વયં જીવી જાણે, 

એ જ સાચો માનવી સંસારમાં તરી જાણે!

અંતે તેણે તે જ કર્યું જે તેનો સંચિત મોહ કહેતો હતો. તેણે સુવર્ણમુદ્રાઓથી ભરેલા પીપો પકડ્યા અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ ભારે સુવર્ણનો બોજ તેના શરીરને જળસમાધિ તરફ ખેંચી ગયો. ખાલી પીપ તેને બચાવી શક્યો નહિ કારણ લોભનો ભરેલો પીપ તેણે પોતાની સાથે બાંધ્યો હતો. તોફાની સમુદ્રમાં તે છટપટાતો રહ્યો, પણ ડૂબતો ચાલ્યો ગયો. તેની નૌકા, તેનું સુવર્ણ, તેનો વેપાર—બધું સમુદ્રની ઊંડાઈમાં લુપ્ત થઈ ગયું.

अर्थानामार्जने दुःखं, अर्जितानां तु रक्षणे ।
 आये दुःखं व्यये दुःखं, अर्थः किं दुःखभाजनम् ॥

ધન કમાવવામાં દુઃખ છે અને કમાયેલા ધનની રક્ષા કરવામાં પણ દુઃખ છે. ધન આવે ત્યારે ચિંતા અને ધન જાય ત્યારે પણ ચિંતા—તો પછી એવું ધન શું દુઃખનું પાત્ર નથી?

લક્ષ્મી જો નારાયણ ની સાથે હોય તો તે શોભાયમાન છે. ધન જે નારાયણ ની સાથે આવે તો તે દુખ નથી આપતું.







સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational