કેસરીયો બાલમ
કેસરીયો બાલમ
"આજ તો સૂરજ માથે ચડી ગયો ને હજી સોનું નથી ઊઠી કેમ ? "
"ભલે ને સુતી મમ્મીજી, આપણે આટલા તો છીએ પછી શું કામ છે એનું . " નિરાલી બોલી.
" તમે ભોજાઈઓએ બહું માથે ચડાવી છે છોકરીને. સાસરિયે જાજો ત્યારે ભેગી." એમ કહી અનિતાબેન ચાલ્યા મંદિર તરફ.
નિરાલી અને મિતલ બેય ભણેલી ગણેલી વહુઓના હાથમાં આખા ઘરની કમાન હતી. પણ ક્યાંય ખોટી રીતે 'ચું કે ચા' આ ઘરમાં ન હતી.
બેય ભાભી સાથે ઘરમાં દાખલ થાય છે કે સોનું દાદીને ખોળે લપાઈ કાંઈક ડૂસકાં ભરતી હોય એવું લાગ્યું. દાદીએ મિતલને ઈશારાથી કારણ પૂછવા કહ્યું.
મિતલ : "શું થયું સોનું દીદી ?"
સોનુ : "કાંઈ નહીં ભાભી, એ તો આમ જ ખાલી..."
મિતલ : "તો શું સાસરે જવા સમયની વિદાયની પ્રેક્ટિસ અત્યારથી ચાલું છે એવું સમજું ?
સોનુ : "ના, હવે !"
એમ કહી સોનુ ઊભી થઈ બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે.
નાસ્તા સમયે એ કહે છે "ભાભી, હમણા લગભગ કેટલા સમયથી એક સપનું આવે છે રોજ. હું જંગલમાં ફસાઈ ગઈ છું. ખોવાઈ ગઈ છું અને સાંજવેળાએ આકરા તાપમાં જેમ પસીનાથી રેબઝેબ હોવ એવી કંઈક ડરતી હોવ છું. મારી આસપાસ બધા પ્રાણીઓ મોં ફાડીને મને ખાવા બેઠા હોય એમ ઘુરકે છે. હું ચીસો પાડું છું પણ, કોઈ સાંભળતું નથી. પણ એમાં ક્યાંય સિંહ પણ નથી હોતો. થોડીવાર પછી હું સીધી બેહોશ થઈ જાવ છું જ્યારે ભાનમાં આવું છું ને ત્યારે હું આ ઘરમાં હોવ છું.. આવું રોજ થાય તો ઊંઘ ક્યાંથી આવવાની બોલો ?"
તો મિતલ કહે છે (હસતા હસતા.). "તો એકલું જંગલમાં થોડું ફરવા જવાય ? આ તમારા બે ભત્રીજા તો છે બાહુબલિ જેવા એને પણ લઈ જવાય.."
સોનુ કહે "હવે એમ જ કરીશ.": આમ કહી બધા હસે છે..
સોનુ રોજ સંગીત શિખવા જતી હોય છે સાંજે પાંચ વાગ્યે. એક દિવસ મદમાં ડૂબેલા નબીરાઓ બદઈરાદે એનું અપહરણ કરી શહેરની બહાર લઈ જાય છે. બિલકુલ સપનામાં દીઠી હોય એવી પરિસ્થિતિનો સોનુને ભાસ થાય છે. આઠ માતેલ ખુંટની વચ્ચે એક ફૂલ સમી કળી... સોનુએ પણ મોં પરની આડશ હટાવી રાડારાડી કરી કે એક સામે હાકોટો આવ્યો..કે
" અલ્યા, કોણ છે ત્યાં. ? "
એ
જ રાતે સોનુ અડધી ઊંઘમાંથી જાગીને ચીસ પાડે છે. નિરાલીએ માથે હાથ ફેરવતા કહ્યું. "દીદી, હું તમારી સાથે જ છું અને ખરેખર સોનુ આંખ ખોલે છે તો એ એના ઘરમાં જ હોય છે."
કોઈ એ વાતને ફરી દોહરાવી સોનુને નિરાશ નથી કરતું. બધા એને ખુશ જ રાખે છે. સોનુ એટલી ડરી જાય છે કે કોઈ પર વિશ્વાસ જ નથી કરતી. એકાદ વર્ષના સમય પછી હવે એને વેવિશાળના સંબંધમાં બંધને બાંધી દેવાની વાત ઘરમાં થાય છે. મિતલ પણ સમજાવે છે "સોનુ, આપણો બોડીગાર્ડ આપણી સાથે હોય તો જંગલ પણ મંગલમય બને.." આમ કહી બેય હસે છે.
એક સાંજે છોકરાવાળા જોવા આવવાના હોય છે. સોનુ તૈયાર થાય છે. મનમાં એક જ વાત કે હું મારી સાથેની ઘટના છૂપાવીશ નહીં. પરિવારને કે મને ક્યારેય જિંદગીમાં પાછળથી તકલીફ ન પડવી જોઈએ.
એ બારીમાંથી છોકરાને જોવે છે. આવનાર યુવક અજાણ્યો ખરા પણ કાંઈક જાણીતો હોય એવો લાગ્યો. નાસ્તાને ચાની ફોર્માલિટી પછી એ એની સાથે વાતચીત માટે રૂમમાં જાય છે કે એ એની આખી ઘટના એ યુવકને કહે છે પછી એ સુનમુન બેસે છે.. ત્યાં જ...પેલા યુવકે કહ્યું , "તમે ત્યારે મને જ બોલાવવા બૂમાબૂમ કરી હશે ! હું આવ્યો એટલે એ બધા છૂ..... મંતર...તમને નુકસાન થયું એવું કાંઈ ઘટયું જ નહોતું. પણ તમે તો મારા એક અવાજ સાથે જ બેહોશ ! "
સોનુ તો જોતી જ રહી કે 'શું આજ મારો રક્ષણહાર હતો ..' એની આંખે આભારના અશ્રુ વહ્યાં.. ત્યાં ફરી મિતલ આવીને કહે છે, "જોવો સોનુ દીદી, તમે સપનામાં સિંહ નહોતો જોયો ને? એને પાછળથી એન્ટ્રી લીધી.. " તમે સપનામાં સિંહને જ શોધતા હતાં. લો આ રહ્યો તમારા સપનાનો રાજા. આ મારો મામાનો દિકરો છે.. એ જ તમને ઘરે પહોંચાડી ગયા હતા..કેમ બાકી ! રાજા ને રાણી, હું એમાં શાણી ( આમ કહી બેયના ઓવારણા લે છે) સરસ લાગો છો બેય સાથે !
સોનુ તો સપનામાં હોય એમ જ સ્તબ્ધ રહી..એને આવું થશે એ વિચાર્યું પણ ન હતું. આ સંબંધ પાકો થયો.
લગ્નના દિવસે જાનના આગમન સમયે સોનુએ એના રક્ષણહારને ઘોડે સજજ થયેલા જોઈ હરખઘેલી થતી એના માણીગરના એ મોહક દિદાર નિહાળીને પછી નાચતા નાચતા મન મૂકી ને ગાય છે કે
" કેસરીયા બાલમ આવોને પધારો મ્હારે દેશ, દેશ રે.."