ઈર્ષ્યાનું ફળ
ઈર્ષ્યાનું ફળ
એક ઉપવનમાં કાગડો, કબૂતર અને કોયલ એક જ વૃક્ષ પર રહેતા હતા. ત્રણેની દોસ્તીને બધા જ વખાણતા.
જયારે જંગલમાં કોઈ પ્રસંગ હોય ત્યારે કોયલ મીઠા અવાજે ગાય. કાગડો એક પગે નાચે, કયારેક એક પાંખ ઊંચી કરી કોયલને શાબાશી આપે. કબૂતર પણ પોતાના પીંછા ફેલાવી મનમોહક નૃત્ય કરતું. બધાને આ દોસ્તી પર ગર્વ હતો.
એક દિવસ અચાનક જંગલની દક્ષિણ દિશામાંથી કાબરોના ટોળાનું ઉતરણ થયું. બધા આ કથ્થઈ રંગના પંખીને જોઈ નવાઈ પામ્યા. જ્યારે એ કાબરનું ઝુંડ ઠેકડા મારીને ચાલતું હતું ત્યારે બધા તો હસી હસીને લોટપોટ થઈ ગયા. કાબરથી આ અપમાન સહન ન થયું. એણે બધાને સબક શીખવવાનું નક્કી કર્યું.
કાબરે આખા જંગલમાં બધાના મોઢે ત્રિપુટીની દોસ્તીના વખાણ સાંભળ્યાં. એ પણ એને મળવા માંગતી હતી. એક દિવસ પીપળાના ઝાડ નીચે આ ત્રિપુટી મોજીલી રમતો રમી રહી હતી ત્યારે કાબર પહોંચી અને ડોકને આડા અવળી કરતી બધાને જોતી હતી.
કાગડાએ પૂછ્યું કે "તું કોણ છે?"
કાબર બોલી, " હું કાબર કલબલડી, રંગરંગીલી છેલડી.."
કાગડો પણ ઉછળ્યો અને કહે " હું કાગડો કાણો, બુદ્ધિમાં હું બહું શાણો."
કબૂતરે પણ પોતાની વાત મૂકી કે "હું ભોળું કબૂતર..ચણ ચણુ હું ચબૂતર.."
કોયલે પણ ઊડતા ઊડતા કહ્યું,"હું કોયલ શામળી, હું ભારે ઉતાવળી."
કાબરને તો આ બધાની ઈર્ષ્યા થઈ. એણે તો આ બધાની દોસ્તી તોડવાનું નક્કી કર્યું. એને આ બધા જ સાથે હરે,ફરે અને મસ્તીમાં રહે એ બિલકુલ પસંદ ન હતું.
એક દિવસ કોયલને એકલી જાણી કાબરે એના કાન ભર્યા,"કોયલબાઈ, તું તો સાવ ભોળી..તારા દોસ્તો તારા રૂપ- રંગના મજાક કરતાં હોય છે. હકીકતમાં એ તારા મીઠા અવાજથી મળતી વાહ વાહથી ખુશ નથી..કોયલને તો આ વાત ન ગમી. એ સમસમી ગઈ ગુસ્સામાં. એણે તો કોઈ સાથે ન બોલવાનો નિર્ણય લઈ લીધો.
કાબરે તો હવે કાગડાને લપેટમાં લીધો. એ બોલી કે
" કાગડાભાઈ, આ તમારા દોસ્તો તો તમને એક આંખના દિવાન એવું કહે છે. આપના કર્કશ અવાજથી એ કંટાળી ગયા છે. એ આપની સાથે જરા પણ ખુશ નથી. આ તો તમે બહાદુર છો એટલે હિંમત ન હારો એટલે કહું છું. કાગડો તો ફૂલાઈ ગયો. એ તો બમણા અવાજે કા...કા...કા...કરી આખું જંગલ વટથી ફર્યો. એણે પણ પોતાનું ઘર પીપળાના વૃક્ષથી હટાવી દીધું.
હવે બચ્યું હતું ભોળું કબૂતર...એ બિચારું એની મસ્તીમાં જ આંટા ફેરા કરી રહ્યું હતું. ત્યાં કાબરે શબ્દોની આગ લગાડી કે "કબૂતરભાઈ, આપ તો બહુ સરસ રીતે ચાલો છો..રાજાની માફક જ...પણ આ તમારા દોસ્તો તમને તો અભિમાની કહે છે. એ લોકોને તમારી ચોખ્ખાઈ અને તમારી ચાલ બેય નથી ગમતી. કબૂતરને તો બહુ તકલીફ થઈ. એ તો બીકનું માર્યું કૂવાની બખોલમાં જઈ ઘૂ..ઘૂ..ઘૂ.. કરતું મંડ્યું રડવા.
કાબરબેને એનું કામ કરી દીધું. આ ત્રણે દોસ્તોએ અંદરોઅંદર જ લડાઈ ચાલું કરી દીધી. કાગડાના માળામાં કોયલ પોતાના ઈંડા મૂકી આવે અને કાગડાને હેરાન કરે. કાગડો દુઃખમાં જ કા...કા..કા... કરી બધાને હેરાન કરતો. બીકણ કબૂતર તો એવું ડરી ગયું કે ચોખ્ખાઈ અને એનું ચીવટપણું ભૂલી જ ગયું.
બાળકો, કયારેય આપણી બૂરાઈ સાંભળી નાસીપાસ ન થવું. બૂરાઈથી મન અને મગજને તકલીફ થાય છે. કોઈના સારા ગુણોને અપનાવવા જોઈએ. કાબરે કરેલી ભૂલનું પરિણામ આજ આ ત્રણે દોસ્તો ભોગવે છે. કોયલ, કબૂતર અને કાગડો એકબીજાથી દૂર રહે છે અને એકબીજાને દુશ્મન જ માને છે.
