STORYMIRROR

shital malani

Tragedy Inspirational

4  

shital malani

Tragedy Inspirational

કાળની કથની

કાળની કથની

4 mins
60

જમકુડી એના વંઠેલ છોરાને લઈ ગામની નદીએ પાણી ભરવા હાલી. છોરો એવો તોફાની કે વાત ન પુછો. બેઠેલાને જપવા ન દે ને સુતેલાને ક્ષણભર ઊંઘવા પણ ન દે. જમકુડી એ દસેક વર્ષના છોરાને આંગળીએ જ રાખે. રેઢો મુકાયો કે નવું કારસ્તાન થયું જ હોય. એનો બાપ ગામના જમીનદારને ત્યાં ડ્રાઈવર હતો. કાળા ધોળા કામકાજની બલિ એને જમકુડીના વરને બનાવી જેલ ભેગો કર્યો. નાના ગામમાં જમકુડી એકલી પડી ગઈ કોઈ એને પાણીના ટીપાં નું પણ પુછનાર ન રહ્યું.

જમીનદાર આખા ગામનો બાપ થઈને ફરતો અને નબળાને ઢોરને આપે એવા ત્રાસ ગુજારતો પણ બધા એની બીકે સહન પણ કરતા. આ બાજુ બંધિયાર ડેમના પાણી પીવા મજબુર મા-દીકરો જલ્દી જલ્દી હાલ્યા જાય છે. ત્યાં એ વંઠેલને એક રાતી મોટરગાડી દેખાણી કે એણે આંગળી છોડી મોટર પાછળ દોટ મુકી. મા એ આ વાત અવગણી હેલ ભરવાની વાટ પકડી.

એ રાતી મોટર મંદિર પાસે ઊભી રહી અને એમાંથી ત્રણ બાળકો ઊતર્યા ને એની સાથે જમીનદાર પણ ખરો. મંદિરના પુજારીએ એ બધાની આગતાસ્વાગતા કરી અને બાકી બધાને મંદિર બહાર મોકલ્યા. પેલો વંઠેલ દુરથી ઊભો ઊભો જોતો હતો. એની નજર એના જેવડા છોકરાના 'બુટ' ઊપર પડી. એ તો દોડીને પગથિયા પાસે જઈને લાંબા પગ કરી એ 'બુટ' એના પગમાં નાંખવા લાગ્યો અને દોરી સાથે રમતવેડા કરતો કરતો હસી રહ્યો હતો.

ત્યાં જ પુજારીનું ધ્યાન ગયું અને એમણે હાકોટો નાખ્યો તો એ વંઠેલ ચમકી ગયો. પણ, ડરે કોણ ? જમીનદારે જલ્દી જલ્દી એના બાળકો સાથે પગથિયા ઊતરી ને એ વંઠેલને તમાચો ચોંટાડી દીધો. પેલો વંઠેલ ગાલ પર હાથ ફેરવતો હતો કે જમીનદાર બોલ્યો "એના ખાસડે તારૂં માથું શોભે અકકલની જાત" એમ કહી લાત મારી.ટોળું ભેગું થઈ ગયું અને માખીઓના બણબણાટ જેમ ઘોંઘાટ વધ્યો. ત્યાં જમકુડી પણ છેટે રહી તમાશો જોતી હતી પણ કશું દેખાતું ન હતું. કોઈએ કહ્યું કે જા, તારો વંઠેલ ઓલા જમીનદારના હાથનો માર ખાય છે ત્યારે એ દોડી.

એ જમીનદારના પગે પડી અને પોતાની સાડીના છેડે એના 'ખાહડા' સાફ કરતા કરતા છોકરાને છોડવાની કાકલૂદી કરવા લાગી. જમીનદારે છોકરાને અને જમકુડીને ગામ બહાર કાઢયા. બધાને મનમાં ડર પેસ્યો કે આવી હાલત આપણી પણ થાય જો વિરોધ કરીએ તો.

આ બાજુ જમકુડી નગર ભણી હાલી નીકળી વિચારતી હતી કે કાળની થપાટે ધણી, વતન અને આબરૂ ગુમાવી હવે જીવવાનો શું મતલબ ? આમ, વિચારી એ એક ગોજિયો કુવો ભાળે છે ને એના જીવનનો અંત આણવા તૈયાર થાય છે. ત્યાં નસીબજોગે એક ઘોડેસવારે એ દુઃખિયારીને બચાવી અને પોતાને ત્યાં આશરો આપ્યો. એ ઘોડેસવારે પોતાના બાગ-બગીચા અને ઘોડારની સાફસફાઈ તેમ જ પોતાના ઘરની કામકાજની જવાબદારી આપી મોંઘેરો આશરો‌ આપ્યો. જમકુડી એ નિષ્ઠાથી કામ કરી એના ઘરના સભ્યોના દિલ જીત્યાં.

વંઠેલને પણ યોગ્ય ઉંમરે સારૂં શિક્ષણ મળે એ આશાથી વિધાપીઠમાં ભણતર માટે દુર મોકલ્યો. બેયનાં જીવનમાં ધરખમ પરિવર્તન જે જડમૂળથી થયું એ સરાહનીય હતું.બાર વર્ષ દુર રહ્યા પછી એ વંઠેલ એક નગરનો ઊતમ સલાહકાર બની ગયો. આજ જમકુડી એ ઘોડેસવારને નતમસ્તકે આભાર માનતી કહેતી હતી કે " કાળના ઘા એ ઘણું શિખવ્યું. સાચી સમજણ અને યોગ્ય દિશામાં આપનું માર્ગદર્શન અમારા જીવનને મુલ્યવાન બનાવી ગયું."

વંઠેલને નગરપતિએ દરેક ગામની મુલાકાત અને ગ્રામજનોની જરૂરિયાત તેમજ એના હાલચાલ જાણવા માટેની જવાબદારી સોંપી. વંઠેલે પણ એક રાતી મોટર ખરીદી અને એની મા સાથે એ પોતાના વતન ભણી જવા પ્રયાણ કરે છે. રસ્તામાં આ સલાહકારની બધી જગ્યાએ કામગીરી વખણાય છે અને પોતાને મળનારી 'વાહ વાહ' એ એની માતાના આશિર્વાદ સમજે છે.

છેલ્લે, એ પોતાના વતન પહોંચી પહેલા મંદિરે જાય છે અને ત્યાં જાય છે તો એ જ પુજારી જેણે એ વંઠેલને હાકોટો નાખ્યો હતો એ વ્યક્તિ આજ વંઠેલને છેક મંદિર સુધી આદરભાવથી લઈ જાય છે. જમકુડી જે ગામમાં આજ સુધી લાજ કાઢી ફરતી એ આજ ખુલ્લી આંખે મંદિરના ભગવાન અને પુજારી બેયને જોઈ રહે છે. પુજા આરતી બાદ એક બીજી ગાડી પણ આવે છે એમાંથી એક જુવાનિયો ઊતરે છે અને એક ડોસલાનો હાથ પકડી એ પગથિયા ચડે છે. વંઠેલ એ ડોસાને જોઈ મનમાં હસે છે પણ કાંઈ બોલતો નથી.

એ જુવાનિયો હાલનો જમીનદાર હતો એ ગામનો. એણે આ નવા સલાહકારને પ્રણામ કર્યા અને પોતાને ઘરે ભોજનનો આગ્રહ કર્યો પણ જમકુડીએ ના પાડી તો એ જુવાનિયો પોતાના કામ જલ્દી પતે એવી આશાએ પગે પડી ફરી ભોજનનો ભાવપુર્ણ આગ્રહ કર્યો. આ વખતે વંઠેલે પણ ના પાડી. ત્યાં ડોસો બોલ્યો કે " માઈ-બાપ, ભુલ હોય તો માફ કરો પણ અન્ન ને નકારો નહીં."  ત્યારે એ વંઠેલ કહે છે કે "મારી માતાના ચંપલ આપના વસ્ત્રો થી સાફ થાય તો હું તમ આંગણે જમું. "

ડોસાએ પોતાનો નવોનકોર ધોરો રૂમાલ કાઢી જમકુડીના ચંપલ લુછયા અને બોલ્યો 'લ્યો, શેઠ એમાં વળી શું શરમ ?'ત્યારે વંઠેલ બોલ્યો હવે ભોજન કે પાણીની કોઈ તમન્ના કે તરસ જ નથી. મારી માના ઘા આજે તે 'ખાહડા' લુછી સાફ કરી દીધા. પંદર વર્ષના ઘા આજ ભરાયાં.

ડોસાએ ચશ્માંની માલિપે જમકુડીને નિરખીને જોઈ ને મનોમન બોલી પડયો કે 'કાળે પડખું ફેરવી લીધું એમ‌ ને !'

વંઠેલે પણ નવા જમીનદારને પોતા પર વિતેલી કથની અક્ષરસઃ કહી અને પોતાનો બદલો અહીં પુરો કર્યો એમ કહી ગામમાં નવા ફેરફારોના સુચન કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy