રડતું હ્રદય
રડતું હ્રદય
“ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.”
એક ઘરના આંગણામાં એક નાનકડો છોકરો રમતો હોય છે. એની મા ઘરમાંથી તેને સાદ પાડે છે, “રાજુ, બહુ રમ્યો. હવે ઘરમાં આવી જા, તારા પપ્પાનો આવવાનો સમય થઈ ગયો છે. હાથ-પગ ધોઈ લે ફટાફટ. રાજુ બોલ્યો- “મા, થોડી વાર રમી લઉં. પપ્પા આવશે એટલે તેમની સાથે જ ઘરમાં આવીશ.” થોડી વાર પછી તેના પપ્પા આવે છે. રાજુ તેના પપ્પાને જોઈને પપ્પા તરફ દોડે છે. અને તેમને વહાલથી ભેટી પડે છે. તેના પપ્પા પણ તેને ઉંચકી લે છે. અને રાજુના ગાલ પર એક ચુંબન કરે છે. અને બંને સાથે ઘરમાં પ્રવેશે છે. રાજુની મમ્મી રાજુ અને તેના પિતાને જુએ છે અને પ્રેમથી રાજુના ગાલ ખેંચીને બોલે છે. “પપ્પાનો ચમચો...! મેં બોલાવ્યો તો ઘરમાં ન આવ્યો અને પપ્પાની સાથે આવી ગયો...!” અને ત્રણેય ખડખડાટ હસી પડે છે.
અને રાજુભાઈની આંખોમાંથી આંસુ સરી પડે છે. તેમની પત્નિ તેમને જગાડે છે અને ત્યાં જ રાજુભાઈનું સપનુ ટૂટે છે. તેમના પત્નિ પૂછે છે. શું થયું...! કોઈ ખરાબ સપનું જોયું...! કેમ આંખમાંથી આંસુ નિકળી ગયા...! રાજુભાઈ કહે છે- “કંઈ નહી. એ તો એમ જ...!
રાજુભાઈ...! સારી ભાષામાં કહીએ તો તેમના શહેરના મોટા માણસ. અને થોડી વધુ સારી ભાષામાં કહીએ તો તેમના શહેરના મોટા ગુંડા, મોટુ માથુ. શહેરમાં તેમની ધાક પડે. અમુક વર્ગના લોકો તેમનાથી ડરે અને અમુક લોકો તેમને પૂજે. રાજુભાઈ ઉર્ફે મલિક સાહેબ પ્રશાસન માટે એક ગુંડો પરંતું ક્યારેય તેમની વિરૂધ્ધમાં કોઈ જ ઓફિશીયલ ફરિયાદ દાખલ થયેલી નહી. એટલે તેમને કોઈ કાનૂની ધમકીઓ આપી શકે નહી. અને ગરીબો માટે તે મસિહા. ભ્રષ્ટ અને કરપ્ટ વ્યક્તિઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું અને પ્રોપર્ટીઓ ખાલી કરી કરાવી આપવાનું કામ કરે. રાજુભાઈ ઉર્ફે મલિક સાહેબની નીચે તેમના બીજા ૧૦ થી ૧૨ સાગરિતો કામ કરે. એ ઉપરાંત શહેરના નાના-મોટા ગુંડાઓ પણ તેમની ખંડણીઓની વસુલીમાંથી મલિક સાહેબને હિસ્સો પહોંચાડે. આમ, એકંદરે જોવા જઈએ તો કાનૂનના દાયરાની બહાર રહીને કાનૂનની દ્રષ્ટીએ કાયદો તોડ્યા વગર ગેરકાયદેસરનું કામ કરે.
એક દિવસ રાજૂભાઈને એવું કામ મળ્યું કે તેમની જિંદગી જ બદલાઈ ગઈ. જ્યારે પણ શાંતિથી ઘરમાં બેઠા હોય ત્યારે અચાનક જ આંખોમાંથી આંસુ સરવા લાગે. અને રાત્રે સૂતા હોય ત્યારે સપના પણ એવા આવે.
થોડાંક દિવસો પછીની વાત છે. રાજૂભાઈ સૂતા હતાં ત્યારે અચાનક જ “મમ્મી-પપ્પા, મારે મમ્મી-પપ્પા પાસે જવું છે, મને છોડો, મને જવા દો...!” એવી રીતે જોરથી બોલતા બોલતા જાગી ગયા. એમની પત્નિએ ઊઠીને લાઈટ ચાલુ કરી અને જોયું તો રાજુભાઈની આંખોમાં આંસુ હતાં, તે રડા રહ્યા હતાં. એટલે પત્નિએ તેમને પૂછ્યું- શું થયું...! ફરી કોઈ ખરાબ સપનુ જોયું...! શું વિચારો છો....! મને જણાવો...! તમારા મનમાં શું ચાલી રહ્યું છે....! ત્યારે રાજુભાઈ બોલ્યા-
થોડા દિવસો પહેલા મારી પાસે એક વ્યક્તિ આવેલો. જેનું નામ સેંટ જોસેફ હતું. આ વ્યક્તિ ફોરેનનો હતો. તેને મારી પાસે શહેરનો એક બિલ્ડર જ લઈને આવેલો. મારી દસ માળની મોટી ઓફિસના ટોપ ફ્લોર પર આવેલ ઓફિસમાં અમારી મિટીંગ થઈ. આ ફોરેનના વ્યક્તિએ તેને મારી પાસે લઈને આવનાર બિલ્ડરની એક નવી સ્કિમમાં રોકાણ કરેલું. અને બિલ્ડરે જે જગ્યા ખરીદેલી તે જગ્યા પર એક મોટી હવેલી જેવો બંગલો છે. અને મને આ બંગલો ખાલી કરાવવાનું કામ આપેલું હતું. એટલે શરૂઆતમાં તો મેં મારા માણસોને મોકલ્યા અને ત્યાં રહેતા લોકોને વિનંતીથી બંગલો ખાલી કરવાનું જણાવ્યું. પરંતુ તેઓ છતાં ત્યાંથી ન ગયા. એટલે મારા માણસોએ થોડાક દિવસો પછી ફરીથી જઈને બંગલાની અંદર તોડફોડ કરીને તેમને ધમકાવ્યા. પરંતું છતાં તેઓ ત્યાંથી ખસ્યા નહી. એટલે મારો એક ખાસ માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો- મલિક સાહેબ, અમે બંગલામાં રહેતા વ્યક્તિઓને ખુબ જ ડરાવ્યા, ધમકાવ્યા, થોડીક મારપીટો પણ કરી પરંતું તેઓ ત્યાંથી જતાં જ નથી. એક વખત તમે આવીને સમજાવી જુઓ. એટલે હું બીજા દિવસે સવારે તે બંગલા પર ગયો. બંગલાની બેલ વગાડી. અને થોડી વાર પછી દરવાજો ખુલ્યો...! દરવાજો ખોલતાની સાથે જ હું સ્તબ્ધ થઈ ગયો. મારી સામે એક બુઝુર્ગ મહિલા હાથમાં વેલણ લઈને ઉભી છે, તેમની બાજુમાં એક બુઝુર્ગ પુરૂષ (દાદા) ચશ્મા ચઢાવીને હાથમાં છાપુ પકડીને ઊભાં છે. તેમણે પૂછ્યું- ભાઈ, કોણ છો તમે, કોનું કામ છે....! કે પછી તમને પણ પેલા રાજુ ગુંડાએ મોકલ્યા છે? એને જઈને કહી દેજો અમે આ બંગલો ખાલી નહી કરીએ. મરીશું પછી જ બંગલો ખાલી થશે...! દાદાએ વાક્ય પુરૂ કર્યું ત્યાં સુધીમાં તો બંગલાના અલગ-અલગ રૂમોમાંથી બીજા બે-ત્રણ દાદા અને દાદીઓ આવ્યા. હું તો તેમને જોતો જ રહ્યો. મને તો એ દાદા-દાદીમાં મારા મમ્મી-પપ્પાનાં દર્શન થયાં. હું તેમને જોતો જ રહ્યો. અને મેં મારી ઓળખાણ તેમનાથી છૂપાવી અને ખોટા સરનામે ભૂલથી આવી ગયો છું તેવું કહી ત્યાંથી નીકળી ગયો.
બસ, ત્યારથી જ રોજ મને મારા મમ્મી-પપ્પાની યાદ આવે છે. રોજ રાત્રે સપનામાં મમ્મી અને પપ્પા આવે છે. અને તેમને યાદ કરીને હું રડી પડું છું. મને સપનામાં તેમની સાથે પસાર કરેલો સમય અને દિવસો યાદ આવે છે અને ક્યારેક હું જે દિવસે તેમનાથી વિખૂટો પડ્યો એ દિવસ સપનામાં દેખાય છે અને હું ધ્રુજી ઊઠું છું.
પત્નિએ પૂછ્યુ- મેં આજ સુધા તમને નથી પૂછ્યુ પણ હવે પૂછ્યુ છુ, મને જણાવો તમારા માતા-પિતાનું અવસાન કઈ રીતે થયેલું.
“હું મારા માતા-પિતા સાથે આજ શહેરમાં રહેતો હતો. એ ઘર હજુ પણ આપણી પાસે છે પરંતું મને ત્યાં જવાનું હવે મન નથી થતું. મારા મા-બાપ સત્યવાદી, ધર્મનિષ્ઠ અને હંમેશા સારા માર્ગે ચાલવાની જ પ્રેરણા આપતા હતાં. અને હું જે રસ્તે છું તે રસ્તો એમના માટે તો પાપનો રસ્તો હતો, એટલે હું એ ઘરમાં જઈને ઘરને અપવિત્ર કરવા નથી ઈચ્છતો. એક દિવસ અમે ત્રણેય શહેરની બાજુના ગામનો મેળો જોવા ગયા. મેળામાં ખબર નહિ શું થયું પરંતું અચાનક જ મેળામાં થોડધામ મચી ગઈ. એક હિંસક ટોળું આવ્યુ અને ટોળામાંની અમુક વ્યક્તિઓ મેળામાં ફરતા અમુક અસામાજીક લાગતા વ્યક્તિઓ સાથે માથાકૂટ અને મારપીટ કરવા લાગ્યા. હું મેળામાં જાદુગરનો જાદુ જોવામાં વ્યસ્ત હતો. મારા મા-બાપ મારાથી થોડા અંતરે એક બાકડા પર બેઠા હતાંં. આ હિસક ટોળાની હિસા જોઈ મારા પિતાએ હિંસા કરતા વ્યક્તિને સમજાવવાની કોશિશો કરી અને બોલાચાલી વધી ગઈ, મારી સાથે જાદુનો ખેલ જોતા વ્યક્તિઓની તથા મારી નજર એ તરફ પડી. એટલે મારા પિતા પાસે જવા માટે મેં દોટ મુકી. પરંતું એક અજાણી સ્ત્રએ મારી જાન બચાવવા માટે મને પકડી રાખ્યો. બીજી બાજુ મારા પિતાને હિંસક ટોળાથી છોડાવવા માટે મારી મા પણ વચ્ચે પડી. પરંતું એ ટોળુ તો હિંસક હતું. ખુલ્લી તલવારો અને છરા લઈને ફરતું હતું. એ માથાકૂટ એટલી બધી વધી ગઈ કે એ ટોળામાંના એક વ્યક્તિએ મારા પિતા અને મા ના પેટમાં તલવાર ઘોંપી દીધી. અને વચ્ચે પડતા બધા જ લોકોને તલવાર અને છરાના ઘા જીંકીને ફરાર થઈ ગયા. મેળામાં ભાગદોડ મચી ગઈ. પેલી સ્ત્રી મને છોડીને પોતાની જાન બચાવવા ભાગી ગઈ. અને હું....! હું લોહીથી તરબતર મારા પપ્પા અને મમ્મીના શરીર પાસે બેસીને રડતો રહ્યો. પોલિસ આવી, તપાસ કરી, અમુક લોકોની ધરપકડ પણ કરી. પરંતું મારા માતા-પિતાનો કાતિલ હાથમાં ન આવ્યો. માતા-પિતાના મૃત્યુ બાદ હું સાવ એકલો પડી ગયેલો. મારા મામા મને તેમની સાથે તેમના ગામડે લઈ ગયા. ત્યાં રહીને હું ભણ્યો. મેં મારૂ ભણતર સાયન્સ ગ્રેજ્યુએશન સુધી પૂરૂ કર્યું છે.- રાજુભાઈ રડતા-રડતા બોલ્યા.
ત્યાં જ પત્નિ બોલી- તો તમે આટલુ સરસ ભણ્યા છો તો આ લાઈનમાં કેવી રીતે આવી ગયા....! તેને વચમાં જ અટકાવતા રાજુભાઈ બોલ્યા- એ તને પછી કહીશ. અત્યારે મૂળ વાત સાંભળ. કહીને રાજુભાઈ આગળ બોલ્યા.
“મેં જ્યારથી તે બંગલામાં એ દાદા-દાદીને જોયા છે ત્યારથી મને પપ્પા-મમ્મીની ખુબ જ યાદ આવ્યા કરે છે. મારા મનની શાંતિ માટે મેં એ બંગલાની તપાસ કરાવી. ત્યારે મને ખબર પડી, કે એ બંગલો એ જ દાદા-દાદીનો છે. તેમને તેમના અમેરિકામાં રહેતા સંતાનોએ ત્યાંથી તગેડી મૂક્યા છે. એટલે અહીં પોતાના વતન આવીને રહે છે. અને તેમની જેવા જ નિરાશ્રીત માતા-પિતા(વૃધ્ધો)ને વૃધ્ધાશ્રમની જેમ પોતાના જ ઘરમાં આશરો આપે છે. એ બંગલામાં કુલ સાત અસહાય અને બેઘર માતા-પિતા રહે છે.” રડતા રાજૂભાઈની આંખો પોતાના સાડલાના પાલવથી લૂછતાં-લૂછતાં તેમના પત્નિ બોલ્યા- તમે જે ન સમજી શક્યા તે હવે હું તમને સમજાવું. તમારા માતા-પિતા તમને સારા સંસ્કાર આપી સારૂ ભવિષ્ય આપવા માંગતા હતાંં. તેઓ તમને આવી લાઈને ચઢેલા જોઈને દુઃખી થતાં હશે. એટલે જ તમને સુધારવા માટે આ કામ કોઈકને નિમિત બનાવીને તમને સોંપાવ્યું હશે. તમે તમારા માતા-પિતા ગુમાવ્યા છે. અને તે વડિલોને તેમના જ સંતાનોએ ત્યજી દીધા છે. એટલે એમના સ્વરૂપમાં તમને માતા-પિતા મળ્યા છે. તમે એક માતા-પિતાના વિયોગથી વિરસતા હતાં. ભગવાને તમને સાત-સાત માતા-પિતા આપ્યા. એમને સપોર્ટ કરો. એમની સાથે રહો. એ બધાના દીકરા બનીને ઊભાં રહો. એમને દીકરા તરીકેની હૂંફ આપો. તેમના આશિર્વાદથી તમને શાંતિ મળશે. તમારૂ મન સ્થિર થશે. તમને અંતઃશાંતિ મળશે.” પત્નિની વાત સાંભળીને રાજૂભાઈના મનને શાંતિ થઈ.
બીજા દિવસે રાજૂભાઈ એ બંગલા પર ગયા અને બંગલાના મલિક સાહેબ... તે વૃધ્ધ વડિલને પોતાનો સાચો પરિચય આપ્યો અને તેમનું ત્યાં જવાનું સાચુ કારણ જણાવ્યું. અને એ પણ જણાવ્યું કે રાજૂભાઈ તે વૃધ્ધમાં તેમના પિતાની છબી જુએ છે. અને હવે રાજૂભાઈ તેમની સાથે છે. એ બંગલો તેમની પાસેથી કોઈ ખાલી કરાવી નહી શકે.
રાજૂભાઈ ઉર્ફે માલિકે એ બંગલાની બહાર તેમના ચાર માણસોને બોડી ગાર્ડ તરીકે બંગલાની રખેવાળી કરવાનું કામ સોંપ્યું. બીજી બાજુ બિલ્ડર અને સેંટ જોસેફને શામ, દામ અને દંડની ભાષામાં બંગલાવાળી જમીન ભુલી જવા માટે ફરજ પાડી. અને બંગલાની બહાર એક બોર્ડ લગાવી દીધું-
“આ બંગલામાં રાજૂભાઈ ઉર્ફે મલિક સાહેબ ના માતા-પિતા રહે છે. જેથી આ બંગલામાં રહેતા વડિલો સાથે કોઈએ દુર્વવહાર કરવો નહી તથા બંગલાની જમીન પચાવી પાડવાની કોશિશો કરવી નહી. અન્યથા....!”
હવે તો દર રવિવારે રાજૂભાઈ, તેમના પરિવારના સભ્યો અને તેમના માણસો એ વૃધ્ધાશ્રમ જાય અને ત્યાં જઈને તેમની સાથે વાતો કરે. હસી-મજાક કરે. ખુબ આનંદ કરે. અને આ હસી-મજાકમાં ક્યારેક રાજૂભાઈ મનમાંને મનમાં રડી પણ પડે...! તેમના માતા-પિતાને યાદ કરીને...!
કોઈ વગદાર વ્યક્તિ હંમેશા મજબુત જ હોય એવું જરૂરી નથી હોતું. એમની હસીની પાછળ છૂપાયેલું દુઃખ એમના સિવાય કોઈ નથી જાણતું હોતું. દરેક વ્યક્તિ કોઈનેકોઈ દુઃખથી પીડાતો હોય છે. ફરક માત્ર એટલો છે કે એ દુઃખને તમે તમારા જીવનમાં કેવી રીતે ઓગાળીને પી જાઓ છો. દુઃખ યાદ કરીને દુઃખી થવા કરતાં સુખના દિવસોમાં દુઃખ ભૂલીને વર્તમાનનો આનંદ માણવો સારો...! દરેક વ્યક્તિએ એકને એક દિવસે દુનિયા છોડીને જવાનું જ હોય છે. જન્મ અને મરણ નિશ્ચિત છે. જે જન્મે છે એ મૃત્યુ પામવાનો જ છે. એટલે જેટલું પણ જીવન મળ્યું છે તે સુખેથી જીવી લેવાનું...!
