STORYMIRROR

Tapan Oza

Fantasy Thriller

4  

Tapan Oza

Fantasy Thriller

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૨

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૨

4 mins
289

“અરે સર, તમે બહુ આગળ નીકળી ગયા...! તમારો પરિચય તો આપ્યો જ નહી...!” પત્રકાર બોલ્યો.

જ્યારે પણ એ ચમત્કારિક રૂદ્રાક્ષ વિશે મને કોઈ પૂછે ત્યારે હું બધુ જ ભૂલી જાઉ છું. મને માફ કરશો, હું મારો પરિચય આપવાનું ભૂલી ગયો. મારૂ નામ રવિશંકર ગુપ્તા છે. હું (meteorological department) હવામાન ખાતામાં નોકરી કરતા એક વિજ્ઞાનીનો આસિસ્ટન્ટ હતો. મારૂ કામ માત્ર એ વિજ્ઞાનીની સાથે રહી તેમના ઓબ્ઝર્વેશનની નોટ્સ બનાવાવાની. હવામાન અંગેની જાણકારી માટે તેમને ડિપાર્ટમેન્ટે જુનાગઢમાં પોસ્ટીંગ આપેલી. અને તેમના આસીસ્ટન્ટ તરીકે મારી પણ પોસ્ટીંગ તેમની સાથે-સાથે જુનાગઢમાં થઈ ગઈ. હું મારા સિનિયર વિજ્ઞાની સાહેબ સાથે અલગ-અલગ જગ્યાઓએ ફરતો. તેઓ હવામાનનું અવલોકન કરતાં અને હું હવામાનને અનુભવતો. આ ફરક મને તેમનાથી અલગ કરતો. હું મારા શોખ મુજબ અલગ-અલગ ગામડાઓમાં ફરતો અને ત્યાંના લોકો સાથે મૈત્રી કેળવતો. “સર, તમે એ રૂદ્રાક્ષ જોયો છે ? તમને એ રૂદ્રાક્ષ ક્યાં મળ્યો ?” પત્રકાર બોલ્યો.

હા...! મેં એ રૂદ્રાક્ષ જોયો પણ છે અને અનુભવ્યો પણ છે. પણ મને એ મળ્યો નથી.  

  “સર, એવું કઈ રીતે બની શકે કે તમે એ રૂદ્રાક્ષ જોયો પણ હોય, અનુભવ્યો પણ હોય અને તમને મળ્યો ન હોય..!” પત્રકાર બોલ્યો.

હા...! એ દિવસ તો કેવી રીતે ભૂલાય...! તમને શરૂથી શરૂ કરીને કહુ કે વચ્ચેથી શરૂ કરૂ?    

“સાહેબ, હું આજે તમારી પાસે માત્ર આ રૂદ્રાક્ષ વિશે જ જાણવા આવ્યો છું. મારે બધુ જ જાણવું છે. મારી પાસે સમય છે. તમે શરૂથી જ શરૂ કરો.” પત્રકાર બોલ્યો. સારૂ તો સાંભળો...! ઉનાળાના દિવસો હતા. ભયંકર ગરમી પડી રહી હતી. સૂરજની ગરમીનો પ્રકોપ જાણે આખી ધરતીને બાળી રહ્યો હતો. તડકામાં બહાર જતાં જ બળબળતો તડકો શરીરની ચામડી દજાડે તેવો હતો. આકાશ એકદમ સાફ હતું ક્યાંય એક નાનકડી વાદળી પણ દેખાતી ન હતી. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી કોઈ જ વાદળ કે નાનકડી વાદળી પણ દેખાતી ન હતી. રાત્રે આખા આકાશમાં તારા જગમગતા હતાં. એકપણ તારો એવો જડતો ન હતો જે વાદળથી ઢંકાયેલો હોય. તેવા દિવસોમાં એક દિવસ અચાનક વીજળી પડવાનો અવાજ આવ્યો. અમારા હેડક્વાર્ટરની બારીની બહાર જોયું તો બધુ નોર્મલ જ લાગ્યું. ત્યાં જ અચાનક એવા વાવડ આવ્યા કે સરખાડીના દરિયાના મોજા પંદર ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. એ સાંભળતા જ અમે બંને ચોંકી ગયા. કારણ કે એ દિવસે ન તો પૂનમ હતી, ન તો અમાસ હતી., ન તો એટલો પવન ફૂંકાતો કે ન તો વંટોળ આવેલું. એ તો દિવસનો બપોરનો સમય હતો. સૂર્ય ધમધગતો હતો અને ચંદ્ર તો ક્યાંય દેખાતો પણ ન હતો. એવી કોઈ સંભાવનાઓ ન હતી કે જે વૈજ્ઞાનિક રીતે એવું સાબિત કરી શકે કે સરખાડીના દરિયા કિનારે ઉછળતા પંદર ફૂટ જેટલા ઊંચા મોજાનું કારણ જણાવી શકે. એટલે હવામાનમાં અચાનક બદલાવની જાણકારી લેવા હું અને મારા સિનિયર વૈજ્ઞાનિક સરકારી ગાડીમાં સરખાડીના દરિયા કિનારે જવા નીકળ્યા. લગભગ સાંજના ચારેક વાગ્યા હશે અને અમે સરખાડીના દરિયા કિનારાથી લગભગ એકાદ કિલોમીટર જ દૂર હોઈશું ત્યાંજ ફરીથી વીજળી પડવાનો ખુબ જ જોરથી અવાજ આવ્યો. અમો વીજળીનો અવાજ આવતાં જ ડરી ગયા, એક પ્રકાશ ફેલાયો અને અમારી ગાડીની સ્પીડ અચાનક વધી ગઈ, પ્રકાશના કારણે કંઈ જોઈ ન શક્યા અને અમારી ગાડી સાથે કોઈક ટક્કર થઈ હોય તેવો અનુભવ કર્યો અને ગાડી પલટી ખાઈ ગઈ. લગભગ ત્રીસેક મીનીટ પછી મારી આંખો ખુલી અને મેં જોયું કે અમારી ગાડીની આજુબાજુ લોકો ટોળે વળીને ઊભાં છે. અમારી ગાડી ઊંધી થઈ ગયેલ છે. અને લોકો મને ગાડીની બહાર કાઢવાની કોશિશો કરી રહ્યા છે. મને ગામના લોકોએ ગાડીની બહાર કાઢ્યો, મેં ઊભાં રહેવા પ્રયત્ન કર્યો પણ કોઈ કારણોસર હું ઊભો રહી શકતો ન હતો. એટલે ગામના લોકોએ મને રોડની એક સાઈડ બેસાડ્યો. મારા સિનિયરને ગાડામાં સુવડાવી લોકો લઈ જઈ રહ્યા હતાં. એટલે મેં મારી નજીક ઉભેલા એક વ્યક્તિને પુછ્યું. અમને શું થયું હતું ? મારા સિનિયરને ક્યાં લઈને જઈ રહ્યા છો તમે ?“સાહેબ તમારી ગાડી પલટી ખાઈ ગઈ હતી. તમારી સાથે જે સાહેબ હતાં તેઓ બેહોશ થઈ ગયા છે તેમને કંઈ વાગ્યું નથી પણ બેહોશ થઈ ગયા છે એટલે તેમને દવાખાને લઈ ગયા છે. સાહેબ શું થયું હતું ?” એ વ્યક્તિ બોલ્યો. મને ખબર નથી. મને યાદ નથી આવતું. અમે બંને ગાડીમાં જઈ રહ્યા હતાં. ત્યાં જ અચાનક એક પ્રકાશ....! એ પ્રકાશ....! શેનો હતો ? ક્યાં ગયો ? અમને શું થયેલું ?“સાહેબ, એ પ્રકાશ તો અમે પણ જોયેલો. પણ એ પ્રકાશ તો દરિયામાં હતો. અને તમારી ગાડી પલટી કેમ મારી ગઈ એ અમને નથી ખબર અમે તો પ્રકાશ જોવા દોડીને આવતા હતા ત્યારે તમારી ગાડી પલટી ખાઈ ગયેલી જોઈ. પણ અચરજની વાત એ છે કે ન તો રસ્તો ખરાબ હતો, ન તો કોઈ ભટકાયેલું હોય એવું લાગતું, ન તો તમારી ગાડી ઝાડ કે પથ્થર સાથે ભટકાઈ તો ગાડી પલટી કેવી રીતે ગઈ. અમે જ્યારે ગાડી પાસે આવ્યા ત્યારે તમારા સાહેબ બેહોશ હતાં અને તમે પણ.”

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Fantasy