STORYMIRROR

Tapan Oza

Inspirational

4  

Tapan Oza

Inspirational

એક હળવી સવાર

એક હળવી સવાર

5 mins
261

   આજે રવિવાર હતો. એટલે રોજના કામકાજમાં થોડા આરામનો દિવસ. એટલે મને વિચાર આવ્યો કે આજે શિયાળાની સવાર સવારમાં એક મોર્નીંગ વોક કરી આવું. આમ તો મોર્નીંગ વોક માટે સમય થોડો મોડો કહેવાય પણ છતાં સવારે ૦૭-૦૦ વાગ્યે હું ચાલવા નીકળ્યો. કોઈપણ જાતના ડેસ્ટીનેશન વગર જ બસ ચાલ્યા કરવાનું. આ પણ એક અનુભવ કરવા જેવું છે. મોટા ભાગે લોકો મોર્નીંગ વોક માટે નજીકના પબ્લીક ગાર્ડનમાં જતાં હોય છે. પરંતું આજે મેં કંઈક અલગ વિચારીને ગાર્ડનમાં નહી પરંતું રોડ પર વોકીંગ-ચાલવાનું નક્કી કર્યું.

   ચાલતા ચાલતા મેં ઘણાં લોકોને જોયા. અમુક તેમના વાહનો પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતાંં. અમુક શાક, દૂધ, ફળ વિગેરે ખરીદી કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં. ઘણાં એવા પણ હતાં કે માત્ર ચાલવા જ નીકળ્યા હોય. તેમાંથી અમુકે તો કાનમાં હેડફોન લગાવીને ચાલતા હતાંં. લોકો પોતપોતાની રીતે શિયાળાની ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા હતાંં. હું આશરે ચાર કિલોમીટર ચાલ્યો હોઈશ. અને હજારો લોકોને તેમની પ્રવૃત્તિઓ કરતા જોયા હશે. કેટકેટલાક લોકો મારી બાજુમાંથી પસાર થયા હશે. પરંતું એ બધામાંથી બે કિસ્સા મેં એવા જોયા જેનાથી મારી આજની સવાર મારા માટે યાદગાર અને પ્રેરક બની ગઈ.

   પ્રથમ કિસ્સો એ હતો કે મેં ચાલતા-ચાલતા એક ચાયની ટપરી પાસે ૧૫-૨૦ લોકોને ઊભાં જોયા. મોટા ભાગે આટલી સંખ્યામાં લોકો ઊભાં હોય તો બે જ વાતો ધ્યાનમાં આવે. કાં તો એક્સિડન્ટ થયો હશે અથવા તો કોઈ ઝઘડો થયો હશે. એટલે મેં સહજતાથી જાણવા માટે એ ૧૫-૨૦ લોકો ઊભાં હતાં ત્યાં જઈને ચર્યા જોઈ. નજીક જતાં ખ્યાલ આવ્યો કે કોઈ એક્સીડન્ટ કે ઝઘડો ન હતો. પરંતું એ લોકો ખડખડાટ હસી રહ્યા હતાંં. એટલે કુતુહલવશ હું પણ ટોળામાં જોડાયો. હું એ ૧૫-૨૦ જણાની સાથે જઈને ઊભો રહ્યો. એ ટોળામાં યુવાન, બુઝુર્ગ અને સ્કૂલ માં ભણતા અમુક વિદ્યાર્થીઓ પણ હતાંં. હું જોડાયો ત્યારે એક યુવાન કંઈક બોલતો હતો. એની વાત સાંભળીને હું અને બીજા બધા પણ હસી પડ્યા. પછી બીજા એક વ્યક્તિએ તેની વાત કહી, તે સાંભળીને પણ અમે બધા હસી પડ્યા. એમ ફરતા-ફરતા વારો મારો આવ્યો.

એટલે ટોળાના એક બુઝુર્ગે મને કહ્યું- બેટા, હવે તારો વારો. તું બોલ હવે.

મેં પૂછ્યું શું બોલું કાકા..?

બુઝુર્ગે પુછ્યું- આજે જ જોડાયો લાગે છે..!

મેં કહ્યું સમજાયું નહી કાકા કંઈ....

બુઝુર્ગે બહુ સારૂ કહ્યું જે મને યાદ રહી ગયું.

બુઝુર્ગ બોલ્યા- બેટા, આ અમારી “રીયલ લાઈફ હાસ્ય ક્લબ” છે. જેમાં કોઈપણ રાહદારી વ્યક્તિ પણ જોડાઈ શકે છે. સ્ત્રી-પુરૂષ, યુવાન, બાળક, વડિલ કોઈપણ....! અહીં બધા ભેગા થાય છે. અને રોજના આખા દિવસનાં પોતાની સાથે બનેલા અથવા રીયલ લાઈફમાં આગળના દિવસના પોતે જોયેલા, અનુભવેલા કે બનેલા રમુજી અનુભવો વર્ણવે છે અને એ સાંભળીને અમે બધા ખડખડાટ હસીએ છીએ. જોડાવા માટે માત્ર બે જ નિયમ છે. એક તો કિસ્સો અને ભાષા સારી હોવી જોઈએ અને બીજુ માત્રને માત્ર રમુજી કિસ્સો જ કહેવાનો. તું આજે આવ્યો છો તો તારો કોઈપણ રમુજી કિસ્સો કહેતો જા. મજા આવે તો કાલે પણ આવજે. કોઈ ચોક્કસ સમયની પાબંધી નથી. અમે સવારે ૦૬-૩૦ થી ૦૭-૩૦ સુધી હોઈએ છીએ. શરૂઆત મેં અને મારા બે-ત્રણ મિત્રો એ કરેલી આજે અમે ૧૫-૨૦ જણા ભેગા થઈએ છીએ. એમાં બાળકો પણ છે અને સ્ત્રીઓ પણ છે. બેટા, આ તો ઘડિક દુનિયાદારી નિભાવવામાં થોડો હાસ્યનો તડકો અને ગરમાગરમ ચાયનો ટેસડો...! પછી જો...! આખો દિવસ કેવો સરસ જાય છે...!

   આ “રીયલ લાઈફ હાસ્ય ક્લબ” એ મારી સવારની મોર્નીગ વોકનો ફાયદો અપાવ્યો. હું પણ મારો હાસ્યાસ્પદ કિસ્સો કહીને ચાલવા આગળ નીકળ્યો. આગળ જતાં થોડે દૂર મેં એક વ્યક્તિને એક દુકાનની બહાર દીવાલના ટેકે આંખ બંધ કરીને બેઠેલા જોયા. દેખાવમાં તો ખુબ ગરીબ અને ભિખારી જેવા પોષાકમાં હતાંં. પણ એ વ્યક્તિના ચહેરા પર એક અનોખુ હાસ્ય હતું. ના...ના... એ વ્યક્તિ ગાંડો ન હતો. સામાન્ય જ હતો. પરંતું એ આંખો બંધ કરી પોતાના હાથને અમુક રીતે હલાવી રહ્યો હતો. જોણે કોઈ વાજીંત્ર વગાડી રહ્યો હોય. અને બંધ આંકે થોડું મલકાઈ રહ્યો હતો. મને થોડું આશ્ચર્ય થયું. એટલે મેં બાજુની દુકાનમાં બેઠેલા દુકાનદારને પૂછ્યું- અરે..! સાંભળો છો...! આ બહાર બેઠેલા ભાઈ આ શું કરી રહ્યા છે.? ગાંડા પણ નથી, હસે પણ છે, અને હાથમાં કંઈ નથી તો કંઈક વગાડવાની એક્શન કેમ કરી રહ્યા છે...!

એટલે દુકાનદારે કહ્યું- હું રોજ સવારે દુકાને આવું ત્યારે જૂના ગુજરાતી ગીતો સાંભળું. અને એનો અવાજ એટલોક હોય કે મારી દુકાનની બહાર બેઠેલો આ માણસ પણ સાંભળી શકે. આ માણસ પહેલા “રાવણહથ્થો” વગાડતો હતો. એટલે જુના ગુજરાતી ગીતો વાગતા હોય ત્યારે આમ આંખો બંધ કરીને પોતાનો રાવણહથ્થો વગાડવાની એક્શનો કરી ખુશ થાય અને ગીતોનો આનંદ માણે.

મેં પૂછ્યું- પણ આમના હાથમાં રાવણહથ્થો તો નથી. જરા સમજાય એવું કહો.

દુકાનદાર- આ ભાઈ રાજસ્થાની છે. પરિવાર સાથે અહીં રોજગારની તલાશમાં આવેલા. મારી જ દુકાનમાં ડિલીવરી માણસ તરીકે કામ કરે છે અને બહાર છૂટક કામ પણ કરે. મારે જ્યારે કોઈના ઘરે સામાન પહોંચાડવાનો હોય ત્યારે કહું એટલે આપી આવે અને એના હું એમને છુટક મજૂરીના રૂપિયા આપી દઉં. એમને રાવણહથ્થો વગાડવાનો ખુબ શોખ હતો. પહેલા તો જ્યારે દુકાને આવતા ત્યારે લઈને આવતા. એટલે એ વગાડે અને હું સાંભળતો. પણ હમણાં થોડા દિવસથી એ વાજીંત્ર તૂટી ગયું છે અને નવું લઈ શકે તેવી તેમની આર્થિક પરિસ્થિતિ પણ નથી. મેં કોશિશ કરી એમને નવો લઈ આપવાની પણ રાજસ્થાનમાં જે બને છે તેવો અહીં નથી મળતો એટલે એમણે અહીંનો ખરીદ કરવાની ના કહી. પણ છતાં ગુજરાતી ગીતો સાંભળતા સાંભળતા અદ્રશ્ય તેમનો રાવણહથ્થો વગાડી એ ખુશ રહે છે. અને તેમની સાથે આમ ગીતો સાંભળીને ખુશ રહેવાની મને પણ મજા આવે છે.

   તો આ હતી મારી આજની હળવી સવાર. આજના દિવસે બે વાતો નવી જાણવા અને શિખવા મળી. એક તો હંમેશા સારા અને રમુજી અનુભવો જ યાદ કરીને ખુશ રહેવાનું અને લોકોને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરવાનો અને બીજું ખરાબ દિવસોમાં પણ મનથી ખુશ રહી અને દિવસનો આનંદ ઉઠાવવાનો. બાકી દુઃખ તો આજે છે અને કાલે નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational