કેફીએસ્ટા જિંદગી ૨
કેફીએસ્ટા જિંદગી ૨
પુનિતની પરિસ્થિતિથી અજાણ પલાશીએ બોલવાનું ચાલુ રાખ્યું, "દોસ્ત... અરે હા હું તો તમને પૂછતાં જ ભૂલી ગઈ.. તમને વાંધો ન હોય તો દોસ્ત કહી શકુને ?"
દલાતરવાડીની જેમ સ્વમનન કરતા સ્મિત સાથે બોલી ઉઠી, "લે વળી એમાં તમને શું વાંધો હોઈ શકે ખરુંને... ભઈ આ તો પૂછી લેવું સારું. આજના જમાનામાં કોને ક્યારે શુ લાગી આવે એ ખબર નથી પડતી હો."
સામેથી પુનિતનો કોઈ પ્રત્યુત્તર ના આવતા પલાશી ને અજુગતું લાગ્યું. પુનિત સામે પોતાનો ચહેરો ફેરવતા બોલી, "લાગે છે આજે જનાબને મારી વાતમાં રસ નથી."
એવું હોય તો..... પલાશી એ પુનિત તરફ આક્રોશથી જોયું, પરંતુ ક્ષણભરમાં તો આક્રોશ સમીને આંખમાંથી આંસુ સ્વરૂપે વહેવા લાગ્યો. પુનિતને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેઠેલો જોઈ પલાશીના મનમાં હજારો વિચારો વિજળીવેગે દોડી ગયા. તેને પુનિતનો હાથ પોતાના હાથમાંથી છોડ્યો અને.... તેને સમજાઈ ગયું. વસંતની પુર બહારમાં જાણે અચાનક પતજડની મોસમનો અહેસાસ થઈ આવ્યો. પુનિત... દોસ્ત.. મજાક ના કરો પ્લીઝ.
તમે શા માટે આ રીતે શૂન્યમનસ્ક મારી સામે ટકટકી લગાવી બેસી રહ્યા છો. બોલોને કઈક... આટલું બોલતાની સાથે પલાશી એ પુનિતના ખભા પર હાથ મુક્યો... અને... કોથળાની જેમ પુનિતનો નશ્વર દેહ જમીન પર પડ્યો.
પલાશીના હદયમાંથી એક ટીસ નીકળી ગઈ.. એનો આક્રંદ દિલના એક ખૂણા માંથી બહાર આવવા મથી રહ્યો હતો. છતાં પોતાની જાતને હિંમત આપતી, આશ્વાસન આપતી એ પુનિતના દેહ પાસે જઈ બેઠી.
ક્યાંકને હમણાં પુનિત ફરી આખો ખોલે. પરંતુ એ કુદરતને મંજુર નહોતું. તેણે વેરવિખેર થયેલી હિંમત એકત્ર કરી એમ્બ્યુલન્સ ને તાબડતોડ આવવા ફોન કર્યો. પોતે જાણતી હતી કે મોડું થઈ ગયું છે છતાં...
પુનિતને ભાટિયા હોસ્પિટલમાં ખસેડવા આવ્યો. તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત થઈ. સીપીઆર તથા મસાજ આપી તેનું હદય ફરી ચાલુ થાય એવા પ્રયત્નો ડોકટરો દ્વારા કરવામાં આવ્યાં. થોડીવાર પછી ડો. શાહે આવી કહ્યું, " વી આર સોરી.. હી ઈઝ નો મોર"
પાલશીએ પોતાના ખુબજ અંગત મિત્રને ગુમાવ્યો હતો, આ પીડાથી વધુ જાણે એના જવનમાં ખાલીપણાનો અહેસાસ પલાશી ને કદાચ વધુ હતો. શા માટે આટલી બેચેની અને દુઃખ એ પલાશી માટે આ સમયે સમજવું ખૂબ જ અઘરું હતું.
કદાચ દિલના એક ખૂણામાં પુનિત માટે કુણી લાગણીના અંકુર ફૂટવા લાગ્યા હતા તેનો એહસાસ આજે પલાશી ને પુનિતના ગયા પછી થઈ રહ્યો હતો. પોતાના વિચારોમાં ડૂબેલી પલાશી ને ઊંડે ઉંડેથી કોઈક બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. પાછળ વળી જોયું તો વોર્ડ બોય હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ઉભો હતો.
"મેડમ આ વસ્તુઓ મૃતક પાસેથી મળી છે." મૃતક શબ્દથી પલાશીને મનમાં ઊંડે પીડા થઈ હોય હોય એવું લાગ્યું. પરંતુ પોતાની જાતને સંભાળવાની મહાપરાણે કોશિશ કરતી તેણે વસ્તુઓ હાથમાં લીધી અને ખૂણા માં એક બેન્ચ પર જઈ બેઠી. વોલેટ ખોલતાની સાથે તેની સામે મનમોહક, આકર્ષક ચહેરો ધરાવતી સ્ત્રીનો ફોટો આવ્યો. ચોક્કસ આ એજ હશે..
પલાશી હજી તો કેવી રીતે નામ, સરનામું મેળવેની અવઢવમાં હતી ને ફોનમાં રિંગ વાગી... તેણે હાથમાં ફોન લીધો અને જોયું તો સ્ક્રીન પર લખ્યું હતું... છાયા કોલિંગ....
ક્રમશ :

