PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

કેળવણીના કર્ણધાર : ડૉ. ધર્મેન્દ્ર પટેલ

કેળવણીના કર્ણધાર : ડૉ. ધર્મેન્દ્ર પટેલ

5 mins
340


કડીની બાજુમાં ધરમપુર નામનું ગામ છે. આ ગામની શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલના યુવા આચાર્ય ડો. ધર્મેન્દ્ર પટેલ સાચુકલા શિક્ષક અને નીવડેલા આચાર્ય છે. ગામડાં-ગામમાં બેસીને એક શિક્ષક કેટલું ઉત્તમ કામ કરી શકે તેનું ઉદાહરણ ડો. ધર્મેન્દ્ર પટેલ છે. તેઓ તંતોતંત શિક્ષક છે. વિદ્યાર્થીઓ માટે તેઓ અનેકવિધ સુંદર અને સફળ પ્રવૃતિઓ કરી રહ્યા છે. એક શિક્ષક અને આચાર્ય તરીકે તેમણે અનેકવિધ સુંદર પ્રવૃતિઓ શરૂ કરી છે. 

હમણાં તેમણે પોતાની શાળામાં ફરતા પુસ્તકાલયનો પ્રારંભ કર્યો. ગાંધીનગરમાં વસતાં, જેસંગપુરામાં પિયર અને મેઢામાં સાસરું ધરાવતાં સમાજસેવિકા શ્રીમતી દક્ષાબહેન પટેલના પરિવારે આ પુસ્તકાલય માટે એક લાખ રૂપિયા અનુદાન આપ્યું. શ્રી ધર્મેન્દ્રભાઈની પ્રતિષ્ઠા ઊંચી છે. તેમના નામે સદ્ પ્રવૃત્તિ માટે દાન મળી રહે છે. ફરતું પુસ્તકાલય અનોખું છે. એક ટ્રોલીમાં તે બનાવાયું છે. વિદ્યાર્થીઓ જાતે ધક્કા મારીને તેને એક ગામથી બીજા ગામ લઈ જશે. તેમાં સત્ત્વશીલ અને સાત્વિક પુસ્તકો રખાયાં છે. ધર્મેન્દ્રભાઈ પટેલ અને તેમના લઘુબંધુ જનકભાઈ પટેલ છગનભા ઘરાનાના શિક્ષકો છે. સમાજનો ઉત્કર્ષ જ તેમનું પરમ ધ્યેય છે. જનકભાઈ પટેલે જમિયતપુરામાં શાળાનું સર્જન કર્યું છે તે અને શિક્ષણ દ્વારા ગામનો ઉત્કર્ષ કર્યો છે તે પણ જોવા અને જાણવા જેવું છે.

લોકડાઉનમાં ધર્મેન્દ્રભાઈએ ધરમપુર ગામની શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ એવી બદલી નાખી કે વિદ્યાર્થી પોતાની શાળાને ઓળખી ના શક્યા. તેમણે જાતે પણ આકરી મહેનત કરી. સાધારણ અને વગડા જેવી શાળાને, શાળાની ઈમારતને, મેદાનોને તેમણે નંદનવનમાં ફેરવી નાખ્યાં. મેદાનના વિશાળ પરિસરમાં લોન ઉગાડી. શાળામાં દૃષ્ટિપૂર્વકનું રંગરોગાન અને ચિત્રકામ કર્યું. દીવાલોને બોલતી કરી. બાળક ઉત્સાહ અને નવી ઊર્જાથી ઊભરાઈ જાય તેવું વાતાવરણ સર્જવામાં તેઓ સફળ રહ્યા છે. (તેમણે પોતે એટલું સખત કામ કર્યું હતું કે એક વાર છાતીમાં દુઃખવા લાગ્યું. તેમના એક મિત્ર આગ્રહ કરીને હોસ્પિટલમાં લઈ ગયા. હૃદયનો મામલો હતો ને ! જોકે બધા ટેસ્ટ પછી ડોકટરે કહ્યું કે વધારે શ્રમ કર્યો છે તેના કારણે દુઃખે છે. આવા છે આ ધર્મેન્દ્રભાઈ.) 

ધર્મેન્દ્રભાઈએ કેળવણી અને સમાજસેવાનાં અનેક કાર્યો કર્યાં છે, કરતા જ રહે છે. સ્વસ્થ અને શોષણવિહીન સમાજ તેમનું સાધ્ય છે, સ્વપ્ન છે.

બાળકોમાં વિશેષ વાચનની રુચિ ખીલે તે માટે તેઓ નવ વર્ષથી ‘બાલસેતુ’ નામનું રંગીન માસિક પ્રકાશિત કરી રહ્યા છે.

કોઈ પણ સામયિક પ્રકાશિત કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આજકાલ સામયિકો ચલાવવાં અઘરાં છે અને તેમાંય બાળ સામયિકોનું પ્રકાશન કરવું અત્યંત દુષ્કર છે. એવાં સંજાગોમાં ડો ધર્મેન્દ્રભાઈ પટેલ રણમાં જહાજ ચલાવી રહ્યા છે. આ સામયિક ચલાવવામાં તેમને તેમના એક મિત્ર વિજયભાઈ સ્વામી પૂરો આર્થિક સહયોગ આપે છે. વિજયભાઈ જયદેવપુરા ગામના વતની છે.અને સ્વભાવે ઓલિયોજીવ છે. નાનીકડીમાં એકલે હાથે વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે. આફ્રિકામાં તેમનો થોડો કારોબાર છે. ત્યાં રહે અને અહીં પણ રહે. એક વખત ધર્મેન્દ્રભાઈ અને વિજયભાઈ બેઠા હતા. સમાજ માટે શું કરવું જોઈએ તેનો વિચાર કરતા હતા. તેમને થયું કે જો બાળકોનું યોગ્ય ઘડતર કરીશું તો ઉત્તમ પરિણામ આવશે. 

એક વખત એવું બન્યું કે એક વિદ્યાર્થીથી શાળાનો નળ તૂટી ગયો. ધર્મેન્દ્રભાઈએ તમામ વિદ્યાર્થીઓને કહેલું કે ગમે તે સંજોગોમાં સાચું જ બોલવાનું. છોકરો ડરતો ડરતો આચાર્ય ધર્મેન્દ્રભાઈ પાસે ગયો. તેણે કબૂલાત કરી કે સાહેબ, મારાથી આ નળ તૂટી ગયો છે. વિદ્યાર્થી સાચું બોલ્યો તેના કારણે ધર્મેન્દ્રભાઈ ખૂબ રાજી થયા. તેમણે વિદ્યાર્થીને શાબાશી આપીને કહ્યું કે તમે સાચું બોલ્યા એ ઘણી મોટી વાત છે. કાર્યાલયમાં પડેલો નળ આપીને ધર્મેન્દ્રભાઈએ તેમને કહ્યું કે જો તમને ફાવે તો તમે જાતે જ નવો નળ નાખી દો. એ વિદ્યાર્થીએ જાતે જ નળ નાખી દીધો. 

ધર્મેન્દ્રભાઈ માને છે. સંવેદના સાથેના સંસ્કાર આપવાનું કામ શિક્ષકનું છે. 

ધર્મેન્દ્રભાઈ કહે છે કે જો શર્ટનાં બટન ઉપરથી બંધ કરવાનું શરૂ કરીએ તો કદાચ દોઢ રહી જાય, પરંતુ જો બટન નીચેથી બંધ કરતાં કરતાં ઉપર તરફ આવીએ તો બધાં બટન યોગ્ય રીતે બંધ કરી શકાય. બાળકોનું ઘડતર સ્વસ્થ સમાજ માટે વધુ ઉપયોગી પૂરવાર થાય. 

એમના શિક્ષક પિતાજીના શબ્દોમાં કહે છે કે,' ક્રાન્તિ માથાં ફોડવાથી નહીં, પણ માથાં ફેરવવાથી જ આવે.' માથાં ફેરવવા માટે વિચાર વાવવો,ઉગાડવો જરૂરી છે. અને એ માટે વ્યક્તિના હાથમાં પુસ્તક મૂકવું પડે છે. માથા ફેરવવાની આ પ્રવૃત્તિનો એક ભાગ એટલે જ બાલસેતુ’.

‘બાલસેતુ’ દર મહિને ૧,૦૦૦ નકલ પ્રકાશિત થાય છે. કડી તાલુકાની મોટાભાગની હાઈસ્કૂલો અને પ્રાથમિક શાળામાં તે પહોંચાડાય છે. બાળકોને ‘બાલસેતુ’ ખૂબ ગમે છે. તેઓ ‘બાલસેતુ’ની રાહ જોઈને બેઠાં હોય છે. ધર્મેન્દ્રભાઈ એક અનુભવ કહે છેઃ હું એક વખત એક શાળામાં ગયો. અમે એ શાળામાં ચાર વર્ષથી બાલસેતુ સામયિક મોકલતા હતા. મેં શિક્ષકને પૂછ્યું કે બાળસેતુ કેવું લાગે છે ? શિક્ષકે કહ્યું કે મને તો ખબર જ નથી કે બાલસેતુ અમારા ત્યાં આવે છે ! 

આ સાંભળીને ધર્મેન્દ્રભાઈને નવાઈ લાગી અને દુઃખ પણ થયું. જોકે તેમનું દુઃખ લાંબો સમય ન ચાલ્યું. તેમની વાત સાંભળી રહેલી એક વિદ્યાર્થીની-બાળાએ તરત કહ્યું કે સાહેબ હું નિયમિત 'બાલસેતુ’ વાંચું છું. એમ કહીને એ બાળા દોડતી વર્ગમાં જઈને 'બાલસેતુ’ લઈ આવી. એ બાળાને 'બાલસેતુ’ માં આવેલી તમામ વાર્તાઓની અને બીજી સામગ્રીની પણ ખબર હતી.

ગુજરાતના કોઈ ગામડાનો આચાર્ય ગાંઠના પૈસે, પોતાની નોકરીમાં ના આવતું હોય તો પણ, બાળ સામયિક પ્રકાશિત કરે એ વાત જ ઘણી રોમાંચક છે, માનવામાં ન આવે તેવી છે અને પ્રેરણા લેવાનું મન થાય તેવી પણ છે.

ધર્મેન્દ્રભાઈના પિતા પ્રેમજીભાઈ મૂલ્યનિષ્ઠ શિક્ષક હતા.

ધર્મેન્દ્રભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. જીપીએસસી સહિત ઘણી અઘરી લાગતી પરીક્ષાઓ તેમણે રમતાં-રમતાં પાસ કરી છે. અરે, નાયબ મામલદાર તરીકે નોકરી પણ મળી ગઈ હતી. જોકે તેમના પિતા અને તેઓ પોતે શિક્ષક બનવા જ માંગતા હતા. તેમનો પરિવાર વિદ્યા-પરિવાર છે. છેવટે તેઓ શિક્ષક જ બન્યા. તેઓ સર્જક પણ છે. કાવ્યો, નવલિકા, એકાંકી, સહિત વિવિધ સ્વરૂપોમાં તેમની કલમ ચાલતી રહે છે.

‘હું હોઉં તો જાદુગર’, અને ‘મજાની ચરકલડી’ તેમના બાળકાવ્ય સંગ્રહો છે. ‘કહીં દઉં’ ! અને ‘મોરનો બગીચો’ તેમના બાળવાર્તા સંગ્રહો છે. ગુર્જર પ્રકાશને ‘ગુજરાતી વ્યાકરણ અને લેખન’ નામનું તેમનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ‘વરસી પડે જિંદગી’ નામનો તેમનો નિબંધસંગ્રહ છે. તેમણે કેળવણી વિષયક લેખો પણ લખ્યા છે. તેનું પુસ્તક ‘શિક્ષણમાં વિચારવાવેતર’ નામે થયું છે તેઓ ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક બોર્ડમાં ધો. નવ અને દસના સંસ્કૃત વિષયના પરામર્શક છે. તેમણે એમ.એ., એમ.એડ., બી.એડ., કર્યું છે. તેમણે શ્રીમદ્ ભાગવત પુરાણની વર્ણનશૈલી એ વિષય પર મહાનિબંધ લખીને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે તેઓ ઘણાં વર્ષોથી અખબારમાં કોલમ પણ લખે છે.

હજી પણ એક મહત્ત્વની વાત બાકી છે. ધર્મેન્દ્રભાઈ પોતાના ગામ વિનાયકપુરાના સરપંચ પણ હતા. સરપંચ તરીકે તેમણે ગામના ઉત્કૃર્ષ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી હતી. એક આદર્શ શિક્ષક જ્યારે ગામનો સરપંચ બને ત્યારે શું શું બને એ લખવા બેસીએ તો એક પુસ્તકનો વિષય બને.

ડો. ધર્મેન્દ્રભાઈ પટેલના લોહીમાં, શ્વાસોચ્છ્શ્વાસમાં શિક્ષણ વહે છે. તેઓ જ્યારે સાંજે શાળામાંથી ઘરે જાય ત્યારે તેમના પિતાજી પ્રેમજીભાઈ અચૂક તેમને પૂછતાઃ વિદ્યાર્થીઓને બરાબર ભણાવ્યું છે ને ? તને સંતોષ છે ને ? રાત્રે ઊંઘ આવશે ને ?

જે શિક્ષકના આવા પિતા હોય તે શિક્ષક અસાધારણ જ હોય.

ચાણક્યએ બધા શિક્ષકો માટે નહીં, પણ આવા શિક્ષકો માટે જ કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational