કારણ
કારણ


એ જિંદગીથી કંટાળી ગયો હતો. હારી ગયો હતો. ત્રાસી ગયો હતો. દુ:ખોની વણઝારે એને હચમચાવી મૂક્યો હતો. સુખ એની સાથે સંતાકૂકડી રમતાં રમતાં કાયમ માટે સંતાઈ ગયું હતું. જીવવા માટે એની પાસે કોઈ કારણ જ ન હતું. આપઘાત કરીને જિંદગી ખતમ કરી દેવાનાં દ્રઢ નિર્ધાર સાથે એ આજે ઘરેથી નીકળ્યો હતો. સ્ટેશન સામે આવી ગયું હતું. ઘસમસતી ટ્રેન સામે ઝંપલાવવાનું એણે નક્કી કર્યું હતું.
ત્યાં જ એની નજર એક વૃદ્ધા પર ગઈ. વૃદ્ધાની પૌત્રી દાદીનો હાથ છોડીને આગળ નીકળી ગઈ હતી. વૃદ્ધા પૌત્રીને પકડવા આજુબાજુમાંથી પસાર થતાં વાહનોને અવગણીને આગળ જઈ રહી હતી. એક ટ્રક
પૂર ઝડપે આવી રહી હતી. પૌત્રી અને તેની પાસે પહોંચી ગયેલી વૃદ્ધા બંને કચડાઈ જવાની અણી પર હતાં. એને શું સૂઝયું કે હરણફાળ ભરીને એણે બંનેને પકડીને બાજુ પર કરી દીધાં. ટ્રક પસાર થઈ ગઈ અને બંને બચી ગયાં. વૃદ્ધાએ એનો આભાર માનતાં માથે હાથ મૂકીને આશિર્વાદ આપતાં કહ્યું
'સો વર્ષનો થા અને આવા સારા કામો કરતો રહે.' આ સાંભળતાં જ એ વિચારમાં પડી ગયો. મારા નસીબમાં સુખ નથી પણ હું બીજાને તો સુખી કરી જ શકું.
આ વૃદ્ધાના આશિર્વાદ ફળે તો મારા હાથે સત્કાર્યો થઈ શકે. જીવવાને માટે એને કારણ મળી ગયું. સ્ટેશને જવા ને બદલે એ ઘર તરફ પાછો વળ્યો.