કાળજાનો કટકો
કાળજાનો કટકો
જીવનમાં દરેક વખતે આપણી ઈચ્છા મુજબ પ્રસંગો ઘડાતાં નથી, કેટલીય વાર આવાં અણગમતાં પ્રસંગોને લીધે મન મૂંઝાઈ જાય છે. એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે એમાંથી નીકળવાનો રસ્તો દેખાતો નથી. ઈશ્વર પરની શ્રદ્ધા પણ ડગી જાય અને સંસાર અસાર લાગે.
મનને મક્કમ બનાવવા સકારાત્મક વિચારો અને પ્રેરક વાંચનની તેથી જ હિમાયત કરાય છે. મન શાંત રહે અને મુશ્કેલ પરિસ્થિતિમાં વિચારપૂર્વક ઉકેલ શોધે એ જરૂરી છે.
અન્ય પર દોષારોપણ કે સ્વયંને જ દોષી માની બેસી રહેવાથી પ્રશ્નો ઉકેલાતાં નથી. ઈશ્વરને સર્વસ્વ સોંપી દેવાથી મન એક આધાર પામે છે, જાણે ભરદરિયે તોફાનમાંથી કોઈ ઉંચકી લેનાર હોય.
આવી જ એક મુસીબતનો સામનો રજનીભાઈ કરી રહ્યાં હતાં. કાપડની નાની દુકાન હતી પણ બહુ ચાલતી નહોતી. વધુ માલ લાવી ઘરાકી વધારવા એમણે શાહુકાર કરોડીમલ પાસે ઉધાર રૂપિયા લીધાં. ઈમાનદારી અને સચ્ચાઈ છતાં રજનીભાઈ વધુ કમાણી ન કરી શક્યાં અને કરોડીમલ વ્યાજ પર વ્યાજ ચઢાવતો ગયો. એક વખત એવો આવ્યો કે રજનીભાઈ હારી ગયાં અને ઉધારી ચૂકવવા અસમર્થતા જાહેર કરી.
શાહુકારની જેવી શાખ હોય એવો જ કરોડીમલ હતો. માણસ પાસે અતિ પૈસો થઈ જાય ત્યારે જ બુદ્ધિ બગડવાની શરૂઆત થઈ જાય છે. એ જ રીતે કરોડીમલ દુષ્ટ રીતે લેણદારોને હેરાન કરવાની યુક્તિઓ અજમાવતો.
રજનીભાઈની લાચારીનો ફાયદો ઉઠાવવાનું એ બહુ દિવસથી વિચારી રહ્યો હતો. એવામાં એક દિવસ એની પેઢી સામેથી રજનીભાઈની દીકરી રૂપા પસાર થઈ. નામ તેવું જ રૂપ ધરાવતી હતી તે. કરોડીમલનાં શેતાન દિમાગમાં એક વિચાર ચમકી ગયો. એણે રજનીભાઈને કહેણ મોકલ્યું.
ગલ્લાંતલ્લાં કરી તેમણે સમય કાઢ્યો તેથી કરોડીમલ જ એમનાં ઘરે જઈ પહોંચ્યો.
બેડોળ શરીર અને ઉંમરનાં લીધે તે ખૂબ બદસૂરત લાગતો. રજનીભાઈ એને જોઈ થોડાં છોભીલા તો પડી ગયાં પણ ઘરે આવેલાને સત્કારવા એ તો આપણી સંસ્કૃતિ. કંઈ વાતચીત કરે એટલામાં રૂપા પાણી લઈને આવી.
કરોડીમલની આંખોમાં ચમક અને વાણીમાં વાસના છલકી. "તમારી પાસે તો આટલો મોટો બેરર ચેક છે રજનીભાઈ. એને વટાવો અને ચૂકતે કરો મારાં પૈસા. "
એની આ અભદ્ર ટિપ્પણી પર રજનીભાઈ અને રૂપા બંને ખિન્ન થયાં,પણ સંસ્કાર અને સભ્યતાએ એમને બોલતાં રોક્યાં. કરોડીમલે પણ આ ખિન્નતા અનુભવી અને ઊભાં થઈ નીકળવાનો અભિનય કર્યો. રજનીભાઈએ એમને ચા પીવા આગ્રહ કર્યો ત્યારે એમણે આંગણામાં ચાલતાં ચાલતાં રજનીભાઈ સાથે વાત ચાલુ રાખી. એ દરમ્યાન એમણે જોયું કે ત્યાં કાંકરી પથરાઈ હતી. એમાંથી કરોડીમલે બે કાંકરા લઈ થેલીમાં મૂક્યાં.
પાછળ ટ્રેમાં ચા લઈને આવતી રૂપાએ આ નોંધી લીધું હતું ,પણ રજનીભાઈ અજાણ હતાં. ચા હાથમાં લેતાં કરોડીમલની નજરને રૂપાએ માપી લીધી. કરોડીમલે રજનીભાઈને કહ્યું ,"તમને પૈસા આપી લાંબો સમય થઈ ગયો છે. વ્યાજ સુદ્ધાં તમે નથી ચૂકવ્યું તો મારે તમને જેલમાં મોકલવા સિવાય કોઈ ઈલાજ નથી. "
રજનીભાઈ ગરીબડા અવાજે કાલાવાલા કરી રહ્યાં ત્યારે રૂપા પાછી જતી રોકાઈ ગઈ. કરોડીમલે પોત પ્રકાશ્યુ અને રૂપા તરફ જોઈ કહ્યું," હું તમારું દેવું માફ કરી શકું જો એક માંગણી માન્ય હોય તો. રૂપાનાં લગ્ન મારી સાથે કરાવી દો તો આ દેવાંની વાત ફોક. "
પિતા અને દીકરી આ અણછાજતી માંગણી સાંભળી છળી ઊઠ્યાં, પણ લાચારીએ એમને રોકી રાખ્યાં. બીજો કોઈ સમય હોત તો એને એક તમાચો ચોડી દીધો હોત.
બંનેનાં મૌન સામે કરોડીમલની બેશરમી સીમા ઓળંગી રહી.
એણે પોતાની થેલી આગળ ધરતાં કહ્યું," આ થેલીમાં બે કાંકરા છે, એક સફેદ અને એક કાળો. રૂપા આમાંથી જોયા વગર એક કાંકરો કાઢશે. જો પહેલો કાંકરો કાળો નીકળશે તો મારી સાથે એનાં લગ્ન કરાવવા પડશે અને તમારૂં તમામ દેવું માફ. હા,જો સફેદ કાંકરો પહેલાં નીકળે તો તો તમારે ઘી કેળાં. . તમારૂં દેવું માફ અને રૂપાએ લગ્ન પણ નહીં કરવા પડે. પણ, જો તમે કાંકરો કાઢવાની જ મનાઈ કરી તો જેલ જવાનો પાક્કો બંદોબસ્ત કરી રાખ્યો છે મેં. બધાં દસ્તાવેજી પુરાવા છે મારી પાસે. "
જેલનું નામ સાંભળતા જ એક લખલખું પસાર થઈ ગયું રજનીભાઈનાં અંગમાંથી. એમણે દયનીય મોંઢે રૂપા સામે જોયું અને આંખો ભીની થઈ ગઈ. એક દીકરી પિતા માટે કેવી અમૂલ્ય હોય છે, ગરીબ હોય કે તાલેવાન,એ કાળજાંનો કટકો જ હોય. રૂપા એકદમ સતર્ક થઈ ગઈ.
એને થયું કે ઈશ્વર સદા સત્યની સાથે હોય છે એ પપ્પાએ શીખવ્યું છે તે આજે સાબિત થવું જ રહ્યું .
રૂપાએ કરોડીમલનાં હાથમાંથી કાંકરાવાળી થેલી લઈને એને વાતોમાં વ્યસ્ત રાખ્યો. એણે એક કાંકરો ત્વરાથી નીચે પાડી નાખ્યો જે નીચેની કાંકરીનાં પડમાંથી શોધવો કઠિન હતો. એણે નાટ્યાત્મકતાથી કહ્યું ," અરે, મારાંથી પ્રથમ કાંકરો જોયાં વિના નીચે પડી ગયો. હવે શોધવો મુશ્કેલ છે.
‘’ચાલો, જોઈએ, બીજો રહી ગયો એ ક્યો છે !"
રૂપાએ કરોડીમલને બે કાળાં કાંકરા ઊંચકતા જોઈ લીધો હતો એની ગડ હવે બેસી રહી હતી. એણે બીજો કાંકરો કાળો છે એ બતાવી જે ખોવાયો તે સફેદ હતો એમ સાબિત કરી દીધું. કરોડીમલ પોતાની દુષ્ટ બુદ્ધિથી જે હાંસલ કરવા માંગતો હતો એનાં પર પાણી વળી ગયું. બાવાના બેઉ બગડ્યાં અને દેવું માફ કરવું પડ્યું તે વધારાનું.
આ વાત આપણને કેટ કેટલું શીખવી ગઈ ! આવી પડેલાં સંયોગને વશ થઈ ઘૂંટણ ટેકવી દેવા કરતાં એમાંથી બહાર ઝડપથી નીકળી જવા વિચારપૂર્વક અમલ કરવો જરૂરી છે. રૂપાની ચાલાક નજરમાં કરોડીમલે ઊંચકેલા કાંકરા ઝડપાઈ ગયાં હતાં.
પરિસ્થિતિ સર્વેનાં જીવનમાં કોઈ ને કોઈ અવરોધ કે ઝંઝાવાત સર્જે છે જ,પણ એમાંથી નીકળી જ શકાય એ યાદ રાખી આત્મવિશ્વાસથી મથવું જરૂરી છે. પાણીમાં પડ્યાં બાદ જ સમજાય એ કેટલું ઊંડું છે અને એમાં ઝડપથી તરતાં શીખીએ એ જ ઈપ્સિત. નહીં તો પછી ડૂબવું નિશ્ચિત તળાવ હોય કે નદી,સરોવર હોય કે સમુદ્ર !
દરેક તાળું બનતી વખતે એની ચાવી બની જ હોય છે એ જ રીતે દરેક સમસ્યાનો ઉકેલ ગર્ભિત હોય છે. જરૂર છે ફક્ત એક વેગળાં દૃષ્ટિકોણથી જોવાની. ધૈર્ય, શ્રદ્ધા અને ભક્તિનાં કોડિયામાં આત્મવિશ્વાસની જ્યોત જલાવવાની.
