જ્ઞાત - જાત
જ્ઞાત - જાત
ઝવેરભાઈને કાર્ડિયાક (હદય) સર્જીકલ ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવ્યાં, ઝવેરભાઈને ઓપરેશન વખતે આપેલ એનેસ્થેથિયાની અસર હજુપણ હતી, તે સંપૂર્ણપણે ભાનમાં આવેલ હતાં નહીં. તેને કાર્ડિયાક આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવેલ હતાં.
એવામાં સાક્ષી કે જે ઝવેરભાઈની પુત્રી હતી, તે હાથમાં પોતાની બેગ લઈને રડતાં - રડતાં કાર્ડિયાક આઈ.સી.યુ. તરફ આગળ વધવા લાગી, એવામાં સાક્ષીના પગ એકાએક થંભી ગયાં, અને વર્ષો પહેલા બનેલ ઘટનાં યાદ આવી ગઈ. સાક્ષીને તેના પિતા ઝવેરભાઈ બોલાવતાં ન હતાં, તેણે તો સાક્ષીને એ હદ સુધી જણાવી દીધું હતું કે પોતાને કોઈ દીકરી છે જ નહીં એવું જ માનશે. કારણ કે સાક્ષીએ આઠ વર્ષ પહેલાં એક મુસ્લિમ યુવક સાથે લવ મેરજ કરેલાં હતા, અને ઝવેરભાઈ આ બાબતના સખત વિરોધી હતાં. તેમ છતાંપણ સાક્ષી હિંમત કરીને કાર્ડિયાક આઈ.સી.યુ. તરફ આગળ વધી. થોડી કલાકો બાદ ઝવેરભાઈ ભાનમાં આવ્યાં.
સાક્ષીને જોઈને તેને ગુસ્સો આવ્યો, અને તેણે સાક્ષીને કહ્યું કે જો તે મુસ્લિમ યુવકની બદલે કોઈપણ હિન્દૂ યુવકને પસંદ કરેલ હોત તો પોતે રાજી ખુશીથી સાક્ષીના મેરેજ તેની સાથે કરાવ્યાં હોત !
"પપ્પા ! તમે ભલે મારો અને મારા પતિ અફઝલનો મુસ્લિમ હોવાને વિરોધ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ તમે એ બાબત પણ હવે ના ભૂલતા કે તમારા શરીરમાં ધબકતું હદય પણ એક મુસ્લિમ યુવકનું જ છે. કારણ કે તમારા શરીરમાં જે હદય ધબકે છે એ અફઝલના પિતરાઈ ભાઈ ઇમરાનનું છે જેનું એક્સિડન્ટ થયેલ હોવાથી ડોક્ટરે તેને બ્રેઇન ડેથ જાહેર કરેલ હતું. આથી તેમનું હદય તમારા શરીરમાં પ્રત્યારોપણ કરેલ છે.
આ સાંભળતા જ ઝવેરભાઈ સાક્ષીને વળગીને રડી પડ્યા, પોતે અત્યાર સુધી જે જ્ઞાતિના ભેદભાવને માનતા હતાં તેવું ખરેખર કઈ હોતું નથી. પોતાની ભૂલ ઝવેરભાઈને તેની લાડલી એવી દીકરી સાક્ષીએ સમજાવી દીધી.