STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

જિંદગીમાં ઝંઝાવાત

જિંદગીમાં ઝંઝાવાત

7 mins
238

પ્રીતિ શ્રીનિવાસન 

ચેન્નઈના એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ગૃહિણી પત્નીએ ૧૯૮૦માં એક દીકરીને જન્મ આપ્યો. તે છોકરીને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખૂબ લગાવ હતો. તેને સ્વિમિંગનો પણ શોખ હતો. તેના પિતા સ્વિમિંગ ચેમ્પિયન બનવા ઈચ્છતા હતા, પરંતુ સંજોગોને કારણે તેઓ એ દિશામાં આગળ વધી શક્યા નહોતા અને તેમણે એ સપનું ભૂલી જવું પડ્યું હતું. તે છોકરી ત્રણ વર્ષની થઈ અને તેના પિતાએ એક વાર વાત વાતમાં કહ્યું કે મારે સ્વિમિંગ ચેમ્પિયન બનવું હતું, પરંતુ હું ન બની શક્યો.

એ વાત તે નાનકડી છોકરીના મનમાં યાદ રહી ગઈ અને તેણે ત્રણ જ વર્ષની ઉંમરથી સ્વિમિંગ શીખવાનું શરૂ કરી દીધું. એ પછી તે થોડી મોટી થઈ એટલે તેને ક્રિકેટ પ્રત્યે પણ આકર્ષણ થયું. તેણે પોતાના ઘરની બહાર બાળકો સાથે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તે પાંચ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવા લાગી હતી અને સાત વર્ષની થઈ પછી એક દિવસ તે તેના વિસ્તારમાં છોકરાઓ માટે આયોજિત થયેલા ક્રિકેટ કેમ્પમાં ભાગ લેવા માટે પહોંચી ગઈ. તેણે કોચને કહ્યું કે મારે પણ ક્રિકેટ રમવું છે.

તે છોકરી પિતાનું સ્વિમિંગ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું કરવા ઈચ્છતી હતી, પરંતુ તેને ક્રિકેટ પ્રત્યે વધુ લગાવ છે એ તેના પિતાએ જોયું એટલે તેમણે તેને ક્રિકેટની તાલીમ મળે એ માટે વ્યવસ્થા કરી આપી. તે છોકરી છોકરાઓની સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે જતી હતી. તે એક જ વર્ષમાં એટલી આગળ વધી ગઈ કે માત્ર આઠ જ વર્ષની ઉંમરે તેનો સમાવેશ તમિળનાડુની અન્ડર નાઈન્ટીન વુમેન ક્રિકેટ ટીમમાં થઈ ગયો ! કદાચ આખા ભારતનો એ પ્રથમ કિસ્સો હતો જેમાં એક આઠ વર્ષની ટેણકી અન્ડર નાઈન્ટીન વુમેન ક્રિકેટ ટીમની મેમ્બર બની હોય.

તે છોકરી ક્રિકેટ મેચમાં આઠ વર્ષની ઉંમરે સત્તર-અઢાર વર્ષની છોકરીઓ સામે ટક્કર લેતી. તે ઘણીવાર ચેન્નઈના દરિયાકિનારે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતી ત્યારે લોકોનાં ટોળાં એકઠાં થઈ જતાં હતાં. લોકો આશ્ર્ચર્યથી તેને બેટિંગ કરતી જોઈ રહેતા હતા. કોઈ એ વાત માનવા તૈયાર નહોતું થતું કે આ છોકરી માત્ર આઠ જ વર્ષની હશે. મોટા ભાગના લોકોને એવું લાગતું હતું કે આ છોકરીની ઉંમર વધુ હશે, પરંતુ તેનો શારીરિક વિકાસ વધુ નહીં થયો હોય. તે છોકરી માટે ક્રિકેટ શ્ર્વાસ સમાન બની ગયું હતું. તે બાર વર્ષની થઈ ત્યાં સુધીમાં તો તે ઓપનિંગ બેટ્સમેન બની ગઈ હતી.

તમિળનાડુ રાજ્યની ક્રિકેટ ટીમની મેમ્બર તરીકે તેને દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં ક્રિકેટ રમવા જવા માટે તક મળતી હતી. એ દરમિયાન તે છોકરીએ જોકે સ્વિમિંગ સાવ છોડી દીધું નહોતું. તે સ્વિમિંગની પ્રેક્ટિસ પણ કરતી રહેતી હતી અને તેના પિતાનું અધૂરું રહી ગયેલું સપનું પૂરું કરવા માટે કોશિશ કરી રહી હતી. તેણે સ્ટેટ લેવલની સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લેવાનું ચાલુ રાખ્યું. ક્રિકેટની રમત સાથે તેની સ્વિમિંગ પ્રેક્ટિસ ચાલુ જ હતી. તે સ્ટેટ લેવલની પચાસ મીટરની બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લાવી. એ પછી તેણે તેના પિતાને કહ્યું કે તમે સ્વિમિંગ ચેમ્પિયન નહોતા બની શક્યા એટલે આ ગોલ્ડ મેડલ તમને અર્પણ કરું છું.

એ પછી તે છોકરીના પિતાની બદલી અમેરિકા થઈ ગઈ એટલે તે છોકરીએ ક્રિકેટ છોડી દેવું પડ્યું અને તેના માતાપિતા સાથે અમેરિકા જવું પડ્યું. જોકે તેણે અમેરિકામાં પણ સ્વિમિંગની પ્રેક્ટિસ ચાલુ રાખી અને ત્યાં તેણે સોફ્ટબોલની રમતમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તે વિદ્યાર્થિની તરીકે પણ બહુ જ હોશિયાર હતી. એને કારણે તે જ્યારે અમેરિકામાં બારમા ધોરણમાં ભણતી હતી એ વખતે અમેરિકાના સૌથી વધુ તેજસ્વી સ્ટુડન્ટના લિસ્ટમાં તેનો સમાવેશ કરાયો હતો.

૧૯૯૭માં ૧૭ વર્ષની ઉંમરે તેણે તેનાં માતાપિતાને કહ્યું કે મારે ક્રિકેટ ક્ષેત્રે કરીઅર બનાવવી છે.  તેનાં માતાપિતાએ તેને ભારત આવવા માટે પરવાનગી આપી. તેનાં માતાપિતા અમેરિકામાં જ રહ્યાં અને તે છોકરી પાંચ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા પછી ફરી ભારત આવી અને એક જ વર્ષમાં તે ક્રિકેટ ક્ષેત્રે એટલી આગળ વધી ગઈ કે તમિળનાડુની અન્ડર નાઈન્ટીન વુમન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ગઈ અને તેણે સૌપ્રથમ વખત તમિળનાડુ રાજ્યને નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવાનું શ્રેય અપાવ્યું.

તે છોકરીને હતું કે હું ક્રિકેટ ક્ષેત્રે આગળ વધીને ભારતની નેશનલ વુમન ક્રિકેટ ટીમમાં પહોંચી જઈશ, પરંતુ એ સમયમાં જ તેના જીવનમાં એક અકલ્પ્ય અને આઘાતજનક વળાંક આવી ગયો. તે યુવતી ૭ જુલાઈ, ૧૯૯૭ના દિવસે તેની ફ્રેન્ડ્સ સાથે પિકનિક માણવા પોન્ડિચેરી ગઈ. પોન્ડિચેરીમાં પિકનિક મનાવીને તે ૧૧ જુલાઈ, ૧૯૯૭ના દિવસે પાછી આવી રહી હતી ત્યારે તેની એક ક્લાસમેટે કહ્યું કે વચ્ચે અમારો પ્રાઈવેટ બીચ આવે છે ત્યાં આપણે દરિયામાં નાહવાની મજા માણીએ.

તે યુવતી અને તેની અન્ય ફ્રેન્ડ્સને એ આઈડિયા ગમી ગયો. તે યુવતી અને તેની ફ્રેન્ડ્સ એ પ્રાઈવેટ બીચ પર ગયાં. એ દરિયાકિનારે તે યુવતી કેટલીક ફ્રેન્ડ્સ સાથે દરિયામાં નાહવા પડી. તે સ્વિમિંગ ચેમ્પિયન હતી અને દરિયામાં તરવાની કુશળતા પણ તેનામાં હતી.

પરંતુ એક પ્રચંડ મોજાના કારણે તે છોકરી પાણીમાં ખેંચાઈ ગઈ અને તેને કંઈ સમજાય એ પહેલાં તેનું શરીર એકદમ જડ જેવું બની ગયું. તેણે હાથપગ હલાવવાની કોશિશ કરી, પરંતુ તેના બધા પ્રયાસ નિષ્ફળ સાબિત થયા. જોકે તેની ફ્રેન્ડ્સે તેને બચાવી લીધી અને એ પછી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં પહોંચાડી દેવાઈ. ત્યાં ડોકટરોએ તેનું નિદાન કરીને કહ્યું કે આ છોકરીની કરોડરજ્જુમાં ગંભીર ઈજા પહોંચી છે.

તે છોકરીને એમ હતું કે કોઈ ઝેરી દરિયાઈ જીવે તેને ડંખ માર્યો હશે. ઘણી વાર દરિયાઈ સાપ ડંખ મારે તો થોડા સમય માટે શરીર શિથિલ થઈ જાય, પરંતુ ઝેર ઊતરી જશે એ પછી પોતાને સારું થઈ જશે એવું એ માનતી હતી, પરંતુ ડોક્ટરોએ તેની ઈજા ચકાસી ત્યારે ડોક્ટરોને લાગ્યું કે તેનું માથું દરિયાના તળિયે કોઈ પથ્થર સાથે ટકરાયું હશે અને એને કારણે તેની કરોડરજ્જુને ગંભીર ઈજા પહોંચી હશે. ડોક્ટરોએ કીધું કે આ છોકરીની સાજી થવાની કોઈ જ શક્યતા નથી. તેણે આખી જિંદગી વ્હીલચેરમાં જ વિતાવવી પડશે.

એ સાંભળીને તે છોકરીને એવું થયું કે  જાણે તેના પર વીજળી પડી હોય. તેનાં માતાપિતાને એ વિશે ખબર પડી એટલે તેઓ તરત ભારત દોડી આવ્યાં અને સારવાર માટે અમેરિકાના શિકાગો શહેરમાં લઈ ગયાં. ત્યાંના ડોક્ટરોએ મહિનાઓ સુધી કોશિશ કરી, પરંતુ કશું જ પરિણામ ન આવ્યું. તે યુવતીની ગરદન તૂટી ગઈ હતી એટલે તેનું માથું સીધું નહોતું રહી શકતું. ડોક્ટરોએ તેના માથાને ડોકથી સપોર્ટ મળે એ માટે તેની ખોપરીમાં ડ્રિલ કરીને બે મોટા સ્ક્રૂ ફિટ કરી આપ્યા.

તે યુવતીનાં માતાપિતાએ ખૂબ કોશિશ કરી, પરંતુ તે સાજી ન થઈ શકી. તેનાં માતાપિતા તેને લઈને પાછાં ભારત આવી ગયાં અને તિરુવન્નામલાઈ શહેરમાં સ્થિર થઈ ગયાં. તે યુવતીને કોઈ પણ પ્રકારના હલનચલન માટે તેની માતાની જરૂર પડતી. તેના પિતાએ નોકરી છોડીને તેને પૂરતો સમય આપવાનું નક્કી કર્યું.

ધીમે ધીમે તેને એ આઘાતમાંથી કળ વળી. તેણે આગળ ભણવાનું નક્કી કર્યું. તેને જ્યારે અકસ્માત નડ્યો ત્યારે તે એમબીએ કરી રહી હતી. એ પછી તેણે સાઇકોલોજી ભણવા માટે મદ્રાસ યુનિવર્સિટીના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ માટે અરજી કરી, પરંતુ મદ્રાસ યુનિવર્સિટીએ તેની શારીરિક અક્ષમતાને કારણે તેને એ કોર્સમાં પ્રવેશ ન આપ્યો.

તે યુવતીએ તેના પિતાની મદદથી મદ્રાસ યુનિવર્સિટી સામે કાનૂની લડત ચલાવી અને છેલ્લે મદ્રાસ યુનિવર્સિટીએ તેને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં પ્રવેશ આપવો પડ્યો. તે યુવતીના જીવનની કઠણાઈઓ હજી પૂરી નહોતી થઈ. આ રીતે તે એક દાયકા સુધી વ્હીલચેર પર હતી એ જોઈને તેના પિતા મનોમન રિબાતા હતા. ૨૦૦૮માં, એટલે કે તેને અકસ્માત થયો એના એક દાયકા પછી તે યુવતીના પિતાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. તે યુવતીની માતા રાતદિવસ એ જ ચિંતામાં રહેતી હતી કે હું પણ મૃત્યુ પામીશ પછી મારી દીકરીનું કોણ ધ્યાન રાખશે.

તે યુવતી આ સમય દરમિયાન ખૂબ માનસિક સંઘર્ષ કરી રહી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે યુવતીને લાગ્યું કે ઉપરવાળાએ મને આવી સ્થિતિમાં પણ જીવતી રાખી છે તો એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. તેણે ખૂબ વિચાર્યું પછી તેને લાગ્યું કે મારા જેવી શારીરિક રીતે અક્ષમ હોય એવી કેટલી બધી વ્યક્તિઓએ તકલીફ ભોગવવી પડતી હશે. તેને જીવનનો હેતુ મળી ગયો. તેણે સોલ-ફ્રી નામની એક સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થા સાથે ઘણા સ્વયંસેવકો જોડાવા લાગ્યા. તેણે પોતાની સંસ્થાના વોલન્ટિયર્સની મદદથી આખા રાજ્યમાં તમિળનાડુના જુદા જુદા વિસ્તારોમાં કરોડરજ્જુની ખામીને લીધે કે કરોડરજ્જુમાં ઈજાને કારણે વિકલાંગ બનેલી વ્યક્તિઓનો ડેટા એકઠો કર્યો.

જેમ જેમ એ ડેટા એની સામે આવતો ગયો તેમ તેમ તેને થયું કે મારા જીવનનો હેતુ આવા લોકોને જ મદદરૂપ બનવાનો હોવો જોઈએ એટલે ઈશ્ર્વરે મને જીવતી રાખી હશે. તેને ખબર પડી કે તેના જેવી શારીરિક અક્ષમતા ધરાવતી કેટલીય કમનસીબ મહિલાઓને તેમનાં કુટુંબોએ પડતી મૂકી દીધી હતી. ઘરમાંથી તગેડી મૂકી હતી અથવા તો કેટલાય કિસ્સાઓમાં મારી પણ નાખી હતી.

તે યુવતીને થયું કે મારાં માતાપિતા આટલાં સારાં હતાં કે તેમણે મારું ધ્યાન રાખ્યું, પરંતુ આવી હજારો શારીરિક રીતે અક્ષમ સ્ત્રીઓને તેમનાં કુટુંબો તરછોડી દે છે. તેમના માટે મારે કંઈક કરવું જોઈએ. તેણે એવી વિકલાંગ મહિલાઓને તબીબી સારવાર મળી રહે એ માટે કામ શરૂ કર્યું. બીજી બાજુ તેણે એવી મહિલાઓને ગૃહઉદ્યોગમાં મદદરૂપ બનવાનું શરૂ કર્યું અને તેમને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાની દિશામાં કામ હાથ ધર્યું.

આ વાત છે તમિળનાડુની એક સમયની સ્ટાર ક્રિકેટર પ્રીતિ શ્રીનિવાસનની.

જિંદગીમાં ઝંઝાવાત જેવી સ્થિતિ સામે ઝઝૂમીને ટકી રહેલી પ્રીતિ હવે લોકોને પ્રેરણાદાયી પ્રવચનો આપે છે. તેના જેવી મહિલાઓ માટે અને અન્ય મહિલાઓ માટે પણ તે રોલ મોડેલ બની ગઈ છે.

કુદરત ક્યારેક કોઈ વ્યક્તિ પર આફતોના ખડકલા કરી દે ત્યારે થાકી જવાને બદલે, હારી જવાને બદલે એવું માનવું જોઈએ કે કુદરતે કોઈ હેતુથી તેને આ દુનિયામાં મોકલી છે. કોઈ વ્યક્તિ ચેકમેટ જેવા સંજોગોમાં હિંમત ન હારી જાય તો તેને રસ્તો મળી જ રહેતો હોય છે તેનો વધુ એક પુરાવો પ્રીતિ શ્રીનિવાસન છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational