જીવન ચકડોળ
જીવન ચકડોળ
“ચરર ચરર મારું ચકડોળ ચાલે.
ચક્કડચુમ ચી ચી ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે..”
સંજુ અને બબલી જોરજોરથી ગીત બરાડતાં બરાડતાં ચકડોળમાં મોજ કરી રહ્યાં હતાં. નીચેથી મનોજ અને વૈશાલી સંતાનોને મોજ કરતાં જોઈ આનંદ અનુભવી રહ્યાં હતાં.
વૈશાલીને ખૂબ રાજી જોઈને મનોજે પંદર દિવસથી મનમાં ઘોળાઈ રહેલી વાત ઉપાડી.
“વૈશુ, કેટલા દિવસે બહાર નીકળ્યાં નહીં ?”
“હા રે! હમણાં તો ક્યાં મેળ જ પડતો હતો !”
“હા હવે તું જરા ધીરજથી સાંભળ. એક વાત કહેવી છે.”
વૈશાલીના ચહેરા પરનું સ્મિત સહેજ વિલાયું.
“જો વૈશુ, વંશને ઘેર લઈ આવવાની મારી ઈચ્છા છે.”
અને વૈશાલીની આંખમાં લાલાશ પ્રસરી.“તારી બેનપણીના દીકરાને હું શું કામ રાખું ? મેં પહેલાં પણ ના પાડી છે ને !”
“અરે ! હું માત્ર માનવતાના સંબંધે કહું છું. સંજના મારી બેનપણી હતી. હવે તો એ અને એના પતિ બંને પરલોક સિધાવી ગયાં. એ કાળમુખા અકસ્માતને ભૂલાય ?”
“તો તને એના દીકરાની જવાબદારી થોડી સોંપી ગયા છે ?”
“ના મને નથી સોંપી ગયા અને મને જાણ પણ નથી કરી. પણ તને કહ્યું હતું એમ ગયા અઠવાડિયે પેલો મોહક મળ્યો, એણે કહ્યું કે સંજનાના દીકરાને એના પરિવારે આશ્રમમાં મૂકી દીધો છે. સંજનાએ વિહંગ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં એટલે બંનેના પરિવારે બંનેનો ત્યાગ કર્યો હતો. અચાનક બંનેની વિદાયથી નાનકડા વંશની જવાબદારી કોણ લે એ પ્રશ્ન થયો. દાદા નાના બંનેએ વંશને સ્વિકારવાની ના પાડી દીધી અને વંશને આશ્રમમાં મૂકી દેવામાં આવ્યો.”
“હા તો હું શું કરું એમાં ?”
“વૈશુ, તું તો સમાજસેવાનું કામ કરે છે. કેટલાયના ઘર જોડાવે છે, કેટલાયને આશરો અપાવે છે તો પછી આ નાના નિર્દોષને આપણે અપનાવી ન શકીએ ? અને સંજના મારી મિત્ર હતી એ સંબંધ થોડા સમય માટે તું એક તરફ મૂકીને માણસાઈ ખાતર માત્ર વંશનો વિચાર કર. તું ના પાડી જ શકે છે. બસ આપણાં આ બાળકોનાં સ્મિત જોઈને નિર્ણય કરજે. જો આપણે એવું સ્મિત એક વગર વાંકે દંડાયેલા ભૂલકાને આપી શકીએ તો !”
આમ ને આમ બે મહિના વિત્યા. રોજ મનોજ અને વૈશાલી વચ્ચે વંશની વાત પર ચર્ચા થતી. અંતે એક દિવસ વૈશાલી આશ્રમ જવા તૈયાર થઈ.
નાનો વંશ આયાબેનની આંગળી પકડીને આવ્યો. સમજ્યા વગર વૈશાલી સામે ઊભો રહી ગયો. એની નાનકડી હથેળી વૈશાલીના હાથ પર મૂકી. નિર્દોષ આંખોમાં કોઈ હાવભાવ નહોતા છતાં સ્પર્શમાં એક ઠંડક વૈશાલીને મહેસૂસ થઈ. પહેલીવાર વંશને એણે તેડીને આલિંગન આપ્યું.
સંધ્યાવેળાએ મંદિરના ઘંટારવમાં મનોજ વૈશાલી સંજુ બબલી અને વંશ આરતી લઈ રહ્યાં હતાં. વૈશાલી મનોમન વંશને પોતે કરેલા અન્યાય બદલ માફી માંગી રહી હતી. ઈશ્વરને પોતાને સાચા રસ્તે સમાજસેવાની પ્રેરણા આપવા બદલ નતમસ્તક ધન્યવાદ બક્ષતી રહી.
