Pravina Avinash

Inspirational Romance

3  

Pravina Avinash

Inspirational Romance

ઝાકળ બન્યું મોતી - ૧૩

ઝાકળ બન્યું મોતી - ૧૩

10 mins
15K


તાજમાંથી નિકળતા રાતનાબાર વાગી ગયા. બેમાંથી કોઇને પણ ઘરે ચિંતા કરનાર કે રાહ જોનાર કોઈ હતું નહી. નિકળ્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ બદલાઈ ગઈ હતી. મગનું નામ મરી પાડવાની જરૂર ન હતી. બન્ને જણા સમજુ અને ઉમરલાયક હતા. એક અનુભવી જ્યારે બીજી સાવ નવા નિશાળિયા જેવી હતી. જતીનને સમજતા વાર ન લાગી કે ખૂબ સ્નેહ પૂર્વક જલ્પાનું દિલ જીતવું પડશે. સુહાનીની બિમારીને કારણે તેના વર્તનમાં ઘણો ફરક આવી ગયો હતો. અત્યારની પરિસ્થિતિ એકદમ અલગ હતી. પણ જલ્પા એ જીવનમાં ક્યારેય પુરૂષનો સહવાસ યા મૈત્રી ભાળ્યા ન હતા. અનુભવવાની વાત સાવ બાજુ પર રહી ગઈ હતી. સમય જ ક્યાં મળ્યો હતો ?

માતા અને પિતાનું પહેલું સંતાન. ભાઈ, બહેન અને દાદીથી ઘેરાયેલી જલ્પાને કોઈ પુરૂષ યા યુવાન મિત્ર મળ્યો ન હતો. ૨૦ વર્ષની ઉમરે ઘરનો ભાર ઉપાડવામાં ક્યાંય તેની આવશ્યકતા જણાઈ ન હતી. હરી ફરીને નવીન, જતીન અને મનપસંદના બન્ને યુવાનો સાથે સંબંધ બંધાયો હતો. તે પણ માત્ર ધંધાના કામ પુરતો ! હવે જ્યારે જતીન સાથે ના સંબંધે નવો માર્ગ અપનાવ્યો ત્યારે જલ્પાને ગમ્યું.

જલ્પા અવઢવમાં હતી. તે પોતાની દિશા નક્કી કરી શકતી ન હતી. દિલ અને દિમાગ બન્ને શું ચાહતા હતાં તે કળવું મુશ્કેલ હતું. લાગણીઓ નિર્બંધ વહેવા તૈયાર હતી. જે અનુભવ ક્યારેય થયો ન હતો તેની માદકતા જલ્પાને ગમી. તે જાણતી હતી આ શરીરની જરૂરિયાત દર્શાવે છે. જલ્પા ક્યારેય નજીકના ફાયદા માટે તત્પર ન રહેતી. લાંબા ગાળે તેની કેવી અસર થશે એ વિચારવાની આદત હતી.

દિલની ધડકન કાનમાં કાંઇ કહી રહી હતી. બદનમાં વ્યાપ્ત અહેસાસ મધુરો લાગતો હતો. મીઠી નિંદરમાં જાગતા સ્વપના જોવાના ગમતા હતા. સારું હતું બન્ને ભાઈ બહેન હમણાથી ઘરમાં હતા નહી. વરના જલ્પાના હાલ ભારે ભુંડા થાત. કહી શકત નહી અને અહેસાસ માણી શકત નહી. રવીવારે આવતા મોડું થયું હતું. સવારના નવીનને ફોન કરીને જણાવ્યું હતું, ‘માને જરા સારું નથી લાગતું હું આજે સ્ટોર પર મોડી આવીશ’.

નવીન હતો એટલે એને વાંધો ન હતો. જતીન જ્યારે સ્ટોર પર આવ્યો, ત્યારે નવીને સમાચાર આપ્યા, ‘બહેનને ઠીક નથી આજે મોડા આવશે. કદાચ ન પણ આવે તો હું સ્ટોર સંભાળી લઈશ’. જતીન જલ્પાના હાલ જાણવા જ ખાસ આવ્યો હતો. પાછો પોતાના સ્ટોર પર ગયો અને જલ્પાને ફોન કર્યો.

‘હલો જલ્પા. બધું બરાબર છે ને ? તારી તપાસ કરવા સ્ટોર પર ગયો, ત્યારે નવીને કહ્યું તું કદાચ મોડી આવીશ’.

‘જી’.

‘આજે આવવાનો વિચાર છે કે નહી ? નહી તો હું સાંજે ઘરે જતા તારે ત્યાં આવીશ. કાંઈ પણ બનાવજે. સાથે જમીશું’.

જલ્પાને આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો. નવીનને કહી દીધું આજે મારો આવવાનો વિચાર નથી.

જતીને પહેલી વાર સામે ચાલીને જમવા આવવાનું કહ્યું હતું. જલ્પા ખૂબ ખુશ થઈ. હવે તો ઘરમાં એકલી હતી એટલે જે મનપસંદ હોય તે બનાવે. રાંધવાવાળા બહેનને તો વર્ષોથી વિદાય કર્યા હતા. આનંદનો અવધિ ઉછળ્યો. શું બનાવીશ તેની કલ્પનામાં સરી પડી. સાદું તો પણ ગમે તેવું બનાવવું હતું. આલુ પરાઠા, બુંદીનું રાઈતુ અને બિરિયાની બનાવવાનું નક્કી કર્યું. ગરમી હતી એટલે છેલ્લે કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રિમ . સાદુ અને મનભાવન.

જીદગીમાં પહેલીવાર ‘બે જણા’ માટે ટેબલ સજાવવાનું હતું. અવાર નવાર બહાર જમવા જતી તેથી તે બધા કામમાં હોંશિયાર હતી. બે મિણબત્તી પણ ગોઠવી. મનમાં હતું ,’જતીન ફુલોનો ગુલદસ્તો લીધા વગર નહી આવે”! બધું તૈયાર કરીને સરસ મજાના કપડાં પહેરી તૈયાર થઈ ત્યાં જતીને બારીમાંથી આવતો દેખાયો. હાથમાં ગુલાબના ફુલોનો ગુલદસ્તો લઈને આવી રહ્યો હતો. જલ્પાનું મોઢું મલકી ગયું.

જતીને આગળો ખટખટાવ્યો ત્યારે દોડીને પહોંચી ગઈ. જતીને હસીને ગુલદસ્તો આપ્યો. જલ્પાના ગાલ પર નિશાન લગાવવાની ઈચ્છા રોકી રાખી. હસીને આવકાર આપ્યો. ઘરમાં બે જ જણા હતા. પાણી આપીને ચાનું પૂછ્યું તો કહે, ‘સાંજના સાત પછી ચા નહી ફાવે.’

વાતની શરૂઆત દિવસ કેવો ગયો તેનાથી થઈ. વાતમાં ને વાતમાં બાળકો તેમજ જલ્પાના ભાઇ બહેનની વાતો પર ક્યારે ચડી ગયા ખબર પણ ન પડી.

જતીને એકદમ ધડાકો કર્યો. ‘ આપણી વાત તેમને કહીશું’?

જલ્પાએ કોઈ પણ ઉત્તર ન આપવામાં ડહાપણ માન્યું. હજી તેની શરમ ઓછી થતી ન હતી. તે મનને મનાવવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી, ‘જે બની રહ્યું છે તે સ્વપનું તો નથી ને? જલ્પાને પોતાના જીવનમાં આવો મધુરો વળાંક આવશે તેની કલ્પના પણ ન હતી. ખરેખર તો હવે તેને સાથી સાથે જીવવાના કોડ જાગ્યા હતા. જવાબદારી પૂરી થઈ ગઈ હતી. પૈસાની કોઈ ચિંતા હતી નહી.’

અચાનક જતીન બોલી ઉઠ્યો, ‘જમવા મળશે કે ભૂખ્યા જવું પડશે’.

જલ્પા તંદ્રામાંથી જાગી, બન્ને જણા ટેબલ પર ગોઠવાયા. ગુલાબના ગુલદસ્તાની બાજુમાં મિણબત્તીઓ પ્રકાશ રેલાવી રહી હતી. જલ્પાને ક્લાસિકલ સંગિતનો શોખ હતો. ધીમે ધીમે મધુરું સંગીત રેલાઈ રહ્યું હતું. જલ્પાની આગતા સ્વાગતા જતીનને સ્પર્શી ગઈ. સુહાની યાદ આવી પણ તેનું નામ ઉચ્ચારવાની જતીને ભૂલ ન કરી. જમીને ઉઠ્યા. સુંદર ગ્લાસમાં કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રિમની મઝા માણી.

નોકર કામ કરવા સવારે આવવાનો હતો. બન્ને જણા એકલા જ હતા. જતીન આવીને બાજુમાં બેઠો. જલ્પાને ખૂબ ગમ્યું. જતીને અનુભવ્યું જલ્પા હવે સંકોચ દૂર કરી શકશે. જલ્પાનો સંકોચ સંપૂર્ણ પણે દૂર કરવા વાતને બીજા પાટા પર ચડાવવાની જરૂર હતી. જલ્પાનો મનગમતો વિષય એટલે એનો ‘સ્ટોર”.

‘હેં જલ્પા વીસ વર્ષ થયા હજુ સ્ટોર પર નિયમિત જાય છે. તેં ધંધો પણ ખૂબ વિકસાવ્યો છે. બજારમાં તારી કાબિલિયતની અને તારા સ્ટોરની ગ્રાહકો માટેની સરભરા ખૂબ વખણાય છે’.

‘જતીન, મારા પપ્પાએ કહ્યું હતું, ધંધો ઈમાનદારીથી કરવો. ગ્રાહક ખુશ હશે તો બીજા બેને લઈને આવશે. હું તો કોલેજના ચાર વર્ષ દરમ્યાન બધી ઉનાળાની રજામાં પપ્પા સાથે જતી હતી. હું પપ્પાનો ‘જલારામ છું.'

‘વાહ, આ ‘જલારામ’ નામ મને બહુ ગમ્યું. હવે તારી એ ખૂબી અને કળા ઘર ચલાવવામાં વપરાય તો કેવું’?

‘જલ્પા ચમકી. વાતનો સંદર્ભ બદલાયો પણ તેને ગમ્યો. ભણતી હતી ત્યારે તેની મનની ઈચ્છા હતી, શાળામાં નોકરી કરવાની. અચાનક બોલી ઉઠી, હવે ધંધો સંભાળીને થાકી ગઈ છું. મને પાછું કોલેજમાં ભણવા જવું છે. બી.એડ. કરું તો શિક્ષિકા બની શકું. ‘

જતીન ખુશ થઈ ગયો. બોલ તું કહે ત્યારથી, આપણે કામ શરૂ કરીએ. સહુ પહેલા તું બી.એડ.નું ફોર્મ ભર. તેના માટે શેની જરૂરિયાત છે તેની તપાસ કર. તને ક્યાંય પણ મારી જરૂર જણાશે ત્યાં હું તારી પડખે છું’.

જલ્પાના જે દિલમાં હતું તે આજે કહેવાઈ ગયું. જતીન સાથેના સંબંધો વિકસી રહ્યા હતા. તેની દીકરીઓ તેમજ, જય અને જેમિનીને પણ જણાવ્યું. સંબંધમાં આવેલો સુંદર વળાંક બધાએ આવકાર્યો. જેમિનીનો હરખ માતો નહી. દીદી તેને માટે ‘મા’થી પણ અધિક હતી.

એક દિવસ બે બહેનો વાતો એ વળગી. ‘દીદી એક વાત કહું ‘?

જલ્પાએ આંખોથી હા, કહી.

‘દીદી, તેં ઘણા વર્ષો સુધી કામ કરીને અગરબત્તીની માફક જલી અમારા જીવનમાં સુગંધ ફેલાવી છે. જો, જય હવે આ ધંધો સંભાળવાનો નથી. મારે માટે તો આ સવાલ જ ઉભો થતો નથી. દીદી તું ધીમે ધીમે આ ધંધો સંકેલી લે યા વર્ષો જૂનો છે કોઈ ખરીદનાર મળે તો વેચી દે. તારું મનગમતું સપનું પૂરું કર. તને બાળકો વહાલા છે. એક વર્ષ ભણીને બી.એડ.ની ડિગ્રી લઈ શાંતિથી જીવન પસાર કર. તારા મનને ગમે તે કર.’

જલ્પા તો જેમિનીએ આપેલું ભાષણ સાંભળી રહી. તેનામાં ઘણી કાબેલિયત હતી. પણ આવું સડસડાટ બોલી ન શકે. હવે તેની સમજમાં આવ્યું જલ્પા કેમ વકિલ થઈ ? જેમિનીની વાણીમાંથી નિકળતો દરેક શબ્દ પ્રેમથી છલકાતો હતો. તેની વાણીમાં સત્ય અને નિર્ભયતા ભારોભાર જણાયા. જલ્પા તેની બહેનની વાત સાથે સહમત થઈ. જય મળ્યો ત્યારે તેને પણ જણાવ્યું.

‘અરે, દીદી બસ હવે તમે આરામ કરો. હું છું ને . તમે બધી ફિકર ચિંતા છોડી તમારી જીંદગી પ્રેમથી જીવો. ‘

જલ્પા નાના ભાઈલાને મોઢે મોટી વાત સાંભળી રહી. તેને લાગ્યું બન્ને ભાઈ બહેનને પ્રેમથી ઊછેર્યા તેઓ જીવનમાં આગળ વધી માતા અને પિતાનું નામ ઉજાળશે. તેમના આશિર્વાદથી મને પણ જીંદગીનો નાવિક મળી ગયો. પ્રભુ તારી કેટલી બધી કૃપા છે.

બીજે દિવસે જતીન મળ્યો. પેટછૂટી વાત કરી. જતીન પણ જલ્પાનો ઈરાદો જાણી ખુશ થયો.

‘જલ્પા જ્યાં પણ મારી જરૂર પડૅ તો વિના સંકોચે કહેજે, હું તારી પડખે છું ‘.

આજે જલ્પાને આખી રાત ઉંઘ ન આવી. આનંદના અવધિમાં તેને ડુબકીઓ મારવાનું ગમ્યું. ભવિષ્યના સુંદર શમણા જાગતી આંખે જોવાનું તેને ગમ્યું. જલ્પા જે પણ કામ કરતી તેમાં પ્રાણ રેડતી. ૨૦ વર્ષથી સ્ટોર ચલાવ્યો હતો. અઠવાડિયાના છ દિવસ અંહી આવતી. જગ્યા સાથે , ધંધા સાથે માયા બંધાઈ જાય એ કુદરતી છે. પણ હવે એને જીવનમાં ઠરીઠામ થવું હતું. હવેની જીંદગી જતીનના સંગમાં પસાર કરવી હતી.

જેનું કદાચ તેને સ્વપનું પણ નહોતું આવ્યું એ હકિકત માણવી હતી. જીવનમાં મેઘધનુષના રંગ પૂરવા હતા. સંજોગો અનુકૂલ આવે ત્યારે જતીન સાથે ભારતના રમણિયય સ્થળો જોવા હતા. જતીન સાથે પરિચય વધતો ગયો, તેમ પ્રેમના બીજને ખાતર પાણી મળતાં નાનો સુંદર છોડ બન્યો. જતીનને જાણતી હતી વર્ષોથી, કિંતુ આ નવી પહેચાને તેના અંગં અંગમાં સ્ફૂર્તિ ભરી અને ખુશીની ઝલક તેના મુખ પર ફેલાઈ ગઈ. જાણે પહેલાંની જલ્પા જ ન હોય !

સદા કામથી ઘેરાયેલી. મનમાં વિચારોની વણઝાર ચાલતી હોય. ચિંતાના વાદળ તેના મુખ પર સંતાકુકડી રમતા હોય. જલ્પાની જીંદગી જાણે એક કોયડો ન હોય ! જેની ભુલભુલામણીમંથી કાયમ બહાર આવવાનો માર્ગ શોધતી હોય. નાની વયથી કુટુંબની જવાબદારી નિભાવી રહેલી જલ્પાના મુખ પર હમેશા ગંભિરતા જણાતી. તેની જગ્યાએ આજકાલ ઉમંગ અને આનણ્દ લહેરાતા જણાતા. જેને કારણે જલ્પાની ઉમર હતી તેના કરતા ઓછી જણાતી. આમ પણ જ્યારે પ્રેમની લાલીમા મુખ પર તરતી જણાય ત્યારે કોઈ પણ યુવતી યા સ્ત્રી અતિ સુંદર દીસે. તેના હ્રદયના ભાવ સ્પષ્ટ રૂપે મુખ પર તરતા જણાય.

સહુ પ્રથમ, પ્રેમ કહીને થતો નથી. પૂછીને તો ન જ થાય. પ્રેમમાં પાગલની વર્તણુક અને બોલચાલ ખૂબ સૌમ્ય જણાય. તેનો આનંદ છુપ્યો છુપાય નહી. કહેવાની જરૂર ન પડે. તેનું મુખ ચાડી ખાય. પ્રેમની અસર અને ઝલક વ્યક્તિનું અંગ અંગ પ્રદર્શિત કરે.

આનંદના અતિરેકમાં ડૂબેલી જલ્પાને કોઈએ અંદરથી ધક્કો માર્યો. જલ્પાને એ ઝાટકો ચોટદાર લાગ્યો ! તેનું દિલ કશું કહેવા વ્યાકુળ થઈ ઉઠ્યું. જલ્પાએ લાંબો શ્વાસ લીધો. અંતરના અવાજને અવગણવાની આદત જલ્પાને ન હતી. શાંત થઈ અવાજ સાંભળવામાં તલ્લીન થઈ ગઈ.

‘અરે પણ શું છે”?

“તું ઘેલી થઈ છે”?

“માન્યું કે પ્રેમ જીવનમાં પહેલી વાર મળ્યો છે”.

“આટલા વર્ષોથી તારું મનમાન્યું કરતી હતી”.

“તારા નાના ભાઈ અને બહેન તારી સામે કદી બોલ્યા નથી”.

” તને પ્રેમે છાવરી છે”.

“તને લાગે છે જતીન , જે બે જુવાન દીકરીઓનો બાપ છે એ તને સમજી શકશે”?

જલ્પા ચમકી ગઈ, કોઈ પણ પુરૂષનો તેને અનુભવ ન હતો. જતીન સાથેકામ પડતું ત્યારે ખૂબાદર અને ઈજ્જતથી પેશ આવતો હતો. અંહી પરિસ્થિતિ અલગ હતી. જતીન એક બાપની ભૂમિકા પહેલી નિભાવશે !

“યાદ રાખજે, જરા પણ વિચારોમાં સમાનતા નહી હોય ત્યારે એની બાપની લાગણીઓ ઉછાળા મારશે”. મને જલ્પાને ઢંઢોળી.

‘એ હમેશા બન્ને દીકરીઓને ‘મા’ નથી કહી તેમની ઈચ્છાઓ સંતોષશે”.

“હા, આજે તને પ્યાર જતાવે છે. કારણ તેની ‘ઈંદ્રિયોની માગ’ છે” !.

“તને કોઈ પણ પુરૂષનો અનુભવ નથી “.

“અરે તું જ્યારે કોલેજમાં હતી ત્યારે કોઈ ‘દોસ્ત’ પણ બનાવ્યો ન હતો” !

‘અચાનક ઘરની ધુરા તારા હાથમાં આવી ગઈ”.

‘જો તારી આજ સુંદર છે ! આવતીકાલ આનાથી સુંદર હશે એ આશામાં આજને અવગણીશ નહી”.

અચાનક જલ્પા નિંદરમાંથી સફાળી જાગી ગઈ. ઉઠીને ફ્રિજનું ઠંડુ પાણી પીધું. થોડું મ્હોં પર છાંટ્યું, કે ઉંઘ પાછી સતાવે નહી. ઉંઘમાં ચાલતા વિચારોનો દોર જાગતા જોડી રહી. જતીન ખૂબ ગમતો હતો. તેને આવા પ્રેમનો અનુભવ કદી થયો ન હતો.

“લગ્ન” એ પણ ૪૨ વર્ષની ઉમરે, જરાક વધારે પડતું લાગ્યું. લગ્ન સાથે જવાબદારી આવે ! જતીન અને તેની બન્ને દીકરીઓ ! જલ્પાએ માથું ધુણાવ્યું. આજે સ્ટોરનું બધું કાર્ય પુરું થઈ ગયું હતું. જલ્પાને માથેથી દસ મણની શિલા ખસી ગઈ હતી. તેને જે હળવાશનો અનુભવ થયો તે આહલાદક હતો.

આજે જતીન સાથે રાતના ૬ થી ૯ ના શૉમાં સિનેમા જોવા જવાની હતી. ”નજદિક દૂરિયાં” . ફિલ્મની પટકથા ખૂબ સુંદર હતી. ફિલ્મ જ્યારે પરાકાષ્ટાએ હતી ત્યારે જે અણધાર્યો વળાંક વાર્તામાં આવે છે તે જોઈ જલ્પા ચોંકી ગઈ. હસમુખી જલ્પા સિનેમા જોઈ એકદમ ગંભિર થઈ ગઈ. તેનું મન ચગડોળે ચડ્યું. જતીન પાસ તે પ્રદર્શિત ન થાય તેનું ચીવટતા પૂર્વક ધ્યાન રાખ્યું. બહારથી તેનું વર્તન સાધારણ હતું. અંદર ઉલ્કાપાત મચ્યો હતો.

કઈ રીતે સંયમ જાળવવો તે વિચારી રહી. જતીન ગમતો હતો. જતીનનો સાથ મનપસંદ લાગતો. દિલમાં અને દિમાગમાં મસ્તી છવાઈ જતી. ક્યારેય ન અનુભવેલી લાગણીઓ તેને સુખ આપતી.

અચાનક જતીનની પત્ની સુહાની નજર સમક્ષ આવી. જલ્પાને થયું એની જગ્યા તે કદી નહી લઈ શકે. જતીન અને સુહાનીએ લગભગ ૨૫ વર્ષનો સહવાસ માણ્યો હતો. બે જુવાન દીકરીઓનો પિતા છે. દીકરીઓ માતા નથી તેનું દર્દ સહી રહી છે. આમ પણ પિતાને દીકરીઓ ખૂબ વહાલી હોય છે.

‘ભવિષ્યમાં દીકરીઓની લાગણીમાં ખેંચાઈને જતીને ને દ્વિધા અનુભવવી પડે તો’ ?

જલ્પા અને દીકરીઓને આજે ભલે ફાવતું હોય તેમની માતાની બરાબરી જલ્પા કદી ન કરી શકે ! પોતાના ભાઈ અને બહેનની વાત જુદી હતી. ક્ષણિક સુખના આવેશમાં રાહ નથી ભૂલી રહીને ?

જલ્પા અંતરાત્માને ઢંઢોળી રહી.

પ્રશ્નની ઝડી વરસી રહી ! ઉત્તર મેળવવા અસમર્થ હતી !

ત્યાં જતીન બોલ્યો, ‘જલ્પા બોલ ક્યારે લગ્ન કરીશું”?

અનાયાસે જલ્પાના મુખમાંથી સરી પડ્યું ,”જરૂરી છે “?

જીવન વિષે વિચારી રાહ મુકરર કર્યો. જતીનની સાથે સુંદર પ્રેમ ભર્યો સંબંધ જાળવ્યો. જતીનની મૈત્રીને ખૂબ દાદ આપતી. ખુલ્લા દિલે તેની સાથે ચર્ચા કરતી. બી.એડ. કરી ફેલોશિપ સ્કૂલમાં શિક્ષિકા બની જીવન ગુજારી રહી. અંતે જે કરવાની ઈચ્સછા હતી તે ફળીભૂત થઈ.

સવારના પડૅલાં ઝાકળના બિંદુ તેની સામે જોઈ મુસ્કુરાઈ રહ્યા. તડકો આવેને બાષ્પિભવન થવાને બદલે ઝગમગતા ઝુમી ઉઠ્યા. સૂરજને લાજ આવી વાદળ પાછળ મ્હોં સંતાડી ભરાઇ ગયો ! “ઝાકળનું બિંદુ ” ડાબે જમણે મસ્ત બની લહેરાઈ ઉઠ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational