જાતિ પરિવર્તન
જાતિ પરિવર્તન


ઉસ્તાદ સાથે બહુ મોટા પ્રોગ્રામ માટે વિદેશ જઈ રહેલા સૂરને એરપોર્ટ મુકવા જઈ રહેલો રાગ વાત છેડી રહ્યો હતા.
“સૂર, તને યાદ છે ? મા કહેતી પહેલાંના જમાનામાં કલાકારની સફળતા માટે એની યોગ્યતા અને આવડત જોવાતી. હવે ક્યાં પહેલાના જેવા કલાકાર જોવા મળે છે ! તમે બે ભાઈઓ પણ આવું નામ કમાઓ એવી મારી ઈચ્છા છે.
સૂરના કપાળ પર અણગમાો દર્શાવતી કરચલી પડી. “એવું કાંઈ નથી. પહેલાંના કલાકાર માત્ર કલાકાર હતા. ગાઈ-વગાડી જાણતા. પોતાના ભવિષ્ય વિશે જરાય જાગ્રત નહોતા. કેટલાય દાખલા છે જે જીવનના સંધ્યાકાળે દારુણ ગરીબીમાં જીવી રહ્યા હતા.”
રાગ હંમેશ મુજબ સૂરને સમજાવવાની વ્યર્થ કોશિશ કરી રહ્યો હતો પણ, સુરની દલીલો પણ તાર્કિક હતી એટલે એ થોડા સમય બાદ મૌન થઈ ગયો.
એરપોર્ટ પર મુકવા આવેલા રાગને સૂરે કહ્યું. "ભાઈ, તું સાથે હોત તો આપણે ઉસ્તાદ સાથે તબલાંની જૂગલબંદીમાં રોકીંગ પરફોર્મન્સ આપત. "
“ના ભાઈ ના. તારી મોટપ તને મુબારક. હું મારા નાના નાના પ્રોગ્રામ આપીને સંતોષથી જીવું છું.”
“ભાઈ, વિચારી જોજે. આદર્શ અને સિધ્ધાંતથી પરિવારના ચહેરા પર માત્ર સંતોષ આણી શકાય. ખુશી નહીં. આજના યુગમાં જીવવા માટે મુઠ્ઠી સંતોષ નહીં, મુઠ્ઠા ભરીને પૈસા જોઈએ છે એટલું યાદ રાખજે.”
થોડા સમય પછી એક નાના ચેરીટેબલ પ્રોગ્રામમાં ઉસ્તાદ સાથે રાગે જુગલબંદી કરી.
પ્રોગ્રામ પત્યા પછી ડ્રેસિંગરુમમાં ઉસ્તાદે રાગને કહ્યું, "અરે વાહ વાહ રાગ, તું જેટલા ઘરાના અને આરોહ-અવરોહ જાણે છે એનાથી પા ભાગનું જ્ઞાન પણ તારા ભાઈ સૂરને નથી. પણ આજે એ ક્યાં છે એ જો. એ કેટલી ઊંચાઈ પર છે એ જો. તારે પણ કેરિયર બનાવવાનું વિચારવું જોઈએ. ઝળહળતી સફળતા મેળવવા માટે આદર્શ સાથે થોડી બાંધછોડ કરવી જોઈએ. જો તારો જ ભાઈ સૂર પોતાની સૂઝથી આજે વૈભવી જિંદગી જીવે છે.”
અને રાગ વિચારે ચડ્યો, "ઉસ્તાદ સાથે મારો આ નાનોસુનો ચોથો પ્રોગ્રામ છે અને સૂરનો આ દસમો આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ થયો. પણ એનો અર્થ ખરો ? આમ નીતિ નેવે મુકીને કાંઈ ખ્યાતિ અને પૈસા થોડી મેળવાય?"
મનમાં એક ખૂણે વિદ્રોહ શરુ થયો.
"હા, કેમ ન મેળવાય?"
“પણ.. પેલા આદર્શ! પેલું કલાનું સન્માન!”
“હા પણ સૂર કહે છે એમ સિધ્ધાંતની ચપટીથી સંતાનની ખુશી ન પૂરી થાય.”
રાગની નજર સામે બાળકોની આંખમાં પોતે કોઈ વસ્તુ માટે ના પાડતાં લહેરાતો અણગમો તાદ્રશ્ય થયો. એ રાત્રે ઊંઘ ન આવી. બે દિવસ પછી સેક્રેટરી સાથે કોન્ટ્રેક્ટ સાઇન થયો.
હવે પછી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામમાં રાગને લઈ જવામાં આવશે. મોટા ગજાના કલાકાર તરીકે પ્રમોટ કરવામાં આવશે.ઉસ્તાદના એકાઉન્ટમાં પ્રોગ્રામ દીઠ ત્રીસ ટકા જમા કરાવવાના રહેશે.
બસ...
સ્ટેજ પર સરગમ ગાતાં ગાતાં રાગને સૂરની જ્ઞાતિમાં વટલાઈ ગયાનો અહેસાસ થયો.