ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ
મહિમા ઇન્ટરવ્યુ-ખંડ ની બહાર નીકળી. ચહેરોની ચમક ચાડી ખાતી હતી કે ઇન્ટરવ્યુ ઘણો સારો ગયો હતો. તેણે ખુશખુશાલ થઈ ને કહ્યું: ‘બોસ, હવે તમે કમ્યુટ કરવા તૈયાર થઈ જાવ. આપણી નોકરી તો પક્કી જ છે.’
‘પાક્કુ પાક્કુ’ રિતેશે પણ એટલા જ ઉત્સાહ થી જવાબ આપ્યો.
બંને નાં હાલ માં જ લગ્ન થયા હતાં. મહિમા એક કોલેજ માં લેક્ચરર હતી અને યુનિવર્સિટી માં ઇન્ટરવ્યુ આપવા આવી હતી. જો તેને આ નોકરી મળી જાય તો બંને નવી જગ્યા એ શિફ્ટ થઈ જાય. રિતેશ ૫૦ કીમી દૂર પોતાની ઓફિસ રોજ ક્મયૂટ કરવા તૈયાર હતો, જેથી મહિમા ને કોઈ તકલીફ ન પડે.
‘હા ભાઈ હોશિયાર માણસો માટે ઇન્ટરવ્યુ તો ફોર્માલિટી કહેવાય.’ રિતેશ બોલ્યો.
વાત તો તેની સાચી હતી. પૂરા અભ્યાસ કાળ દરમ્યાન અવ્વલ નંબરે રહેનારી આ છોકરી માટે ઇન્ટરવ્યુમાં સારો દેખાવ કરવો એ મુશ્કેલ વાત ન હતી.
મહિમા તો મનોમન સ્કોર પણ ગણવા માંડી હતી. આ વર્ષ થી જ યુનિવર્સિટીમાં નિમણૂક માટે નવો નિયમ આવ્યો હતો. તે મુજબ પસંદગીમાં ૭૦% ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત, અનુભવ, રિસર્ચ નાં આધારે અને ૩૦% ઇન્ટરવ્યુ નાં દેખાવ નાં આધારે ગણીને પસંદગી થવાની હતી. આ વ્યવસ્થાનાં કારણે પસંદગીમાં પારદર્શિતા આવે અને ઓળખાણ કે લાગવગનાં સ્થાને યોગ્યતા પ્રમાણે મૂલ્યાંકન થાય.
‘શું વિચાર કરે છે?’
‘જો ને આ બધા માં પીએચડી તો હું એકલી જ છું. અને એક સિવાય કોઈ નો અનુભવ મારાથી વધુ નથી. આંતરરાષ્ટ્રીય કક્ષા નાં મેગેઝીન માં સંશોધન લેખ પણ મારા જ સૌથી વધુ છે... અને ઇન્ટરવ્યુ તો ......’
અને તે ઘડી થી શરૂ થયો ઇંતજાર... રોજ સવાર પડે અને એમ થાય કે આજે તો ઓર્ડર જરૂર આવશે.
ફરી મન મનાવે-
‘બે-ચાર દિવસ તો વહીવટી કામગીરી માં જાય. એક-બે દિવસ પોસ્ટમાં આવતા થાય......’
હવે તો પંદર-વીસ દિવસ થઈ ગયાં.. રાહ જોતાં જોતાં લાં.... લો એક મહિનો નીકળી ગયો.
હવે રિતેશે તપાસ કરી. ખબર પડી કે તે પોસ્ટ પર એક જ વર્ષનાં અનુભવી એમ. એ. પાસ વ્યક્તિ પસંદગી પામી ને જોડાઈ ગઈ હતી.
મારે તમે સહુ સુજ્ઞ જનોને સમજાવવાની જરૂર ખરી કે આવું કેમ થયું?
