પ્રભુ ક્યાં?
પ્રભુ ક્યાં?
‘ભરોસો રાખ, બેટા એ છે જ... સકળ વિશ્વનો સચરાચર સ્વામી...'
'છે તો એ દેખાતો કેમ નથી?’
‘જરૂર દેખાય જો દ્રષ્ટિ કેળવાય તો.’
આટ આટલા ઉપવાસ-પૂજા-પાઠ કર્યા છતાં ન દેખાય? અરે, મહા કઠિન અનુષ્ઠાન કર્યા પછી યે નહીં?
ગુરુના ચહેરા પર પ્રેમાળ સ્મિત રમી રહ્યું: ‘છોડી દે... છોડી દે... એ બધું જ.’ શિષ્યના ચહેરાની મૂંઝવણ વધી ગઈ.
‘તો..?'
'બસ જોયા કર, માત્ર... આંખ, કાન અને મન ખુલ્લાં રાખીને જોયા કર... મન ખુલ્લુ હશે તો હઠાગ્રહ-પૂર્વગ્રહ બહાર જઇ શકશે. અને અને તો જ ઋત નો પ્રવેશ થઈ શકશે ને?'
‘પણ પ્રમાણ શું ગુરુજી?’
‘એ પ્રમાણનો નહીં, પ્રતીતિનો વિષય છે,વત્સ!’
શિષ્ય હજી ય અસમંજસમાં પડેલ છે. ‘એ દેખાશે ખરો ને?’
‘સંશયત્મા વિનશ્યતિ. શ્રદ્ધા રાખ...’
સમયચક્ર ફરતું ચાલ્યું. શિષ્ય આ સરળ દેખાતા મહા કઠિન માર્ગ પર કદમ માંડી રહ્યો છે - બસ એક જ વાત યાદ છે - મન ખુલ્લુ રાખી જોયા કર... કેટલાંક વર્ષો વીત્યા. તે ખુદ હવે દિવસ કે મહિનાની ગણતરી ભૂલી ગયો હતો. પ્રતિક્ષા કરતો રહ્યો. ક્યાંક એનો પગરવ સંભળાય છે ? ક્યાંક એની ઝાંખી થાય છે ?
તે દિવસ આખી રાત ધોધમાર વરસેલો વરસાદ વહેલી સવારે ધીરો પડ્યો. તેણે બારી બહાર હાથ ફેલાવ્યો. હથેળી વર્ષાના ફોરાં ઝીલતી રહી. ટેરવાં પર એ ભીનું, શીતળ સ્પંદન..
‘એ જ... એ જ... જાણે મનમાં એક પ્રતીતિ થઈ ગઈ... તે ઘરની બહાર આવી ગયો. આ પેલાં છોડ પર લપાઈ ગયેલ પતંગિયુ...’ આ એ જ...’ ને ભીની માટીમાંથી ઉઠતી સોડમ... 'આ એ જ...' ઊંચે દોડી જતાં વાદળ... 'આ એ જ...' ભીતરમાંથી જાણે 'ૐ'ની જેમ ’આ એ જ...’નો જાપ ઊઠયો...
દોડીને ગુરુના ચરણે પડ્યો: સાચું, ગુરુજી સાચું... એ દેખાતો નથી ને તો યે અનુભવ થાય છે ધરતીના કણ-કણમાં, જળમાં, સ્થળમાં, નભમાં, અત્ર, તત્ર,સર્વત્ર...’
