ઈમાનદાર
ઈમાનદાર




વિશ્વાસ એક બેંકનો કેશિયર. આજે બેંકમાં ભીડભાડ નહોતી. કામમાં રાહત હતી. એ વખતે એક વૃદ્ધ માણસ વિશ્વાસ કેશિયર પાસે આવ્યો.. બોલ્યો," સાહેબ તમારે કાલે રૂપિયા પાંચસો કેશમાં ખૂટ્યા હતા?"
"કેમ કાકા આવું પુછો છો?."
"બસ આમ જ ખાલી.."
" હા..કાકા કાલે કામ બહુ હતું.. રૂપિયા લેવાવાળા વધારે હતા... અને નોટો ગણવાનું મશીન બગડ્યું હતું.. સાંજે રૂપિયા પાંચસો ખૂટ્યા. એટલે મેં મારા ખિસ્સા ના જમા કરાવ્યા. પણ કાકા આટલું બધું કેમ પુછો છો?".
કાકાએ ધીમેથી ખિસ્સામાંથી રૂપિયા પાંચસોની નોટ કાઢી. બોલ્યા," લો સાહેબ આ તમારા પાંચસો. કાલે હું પેન્શનના નાણાં લેવા આવ્યો હતો.. એમાં પાંચસોની નોટ ચોંટેલી નીકળી... મેં બેંક માં તો તમારા વિશ્વાસ પર ચેક કરી નહીં...પણ ઘરે જઈને ગણ્યા તો એક નોટ વધારે હતી. મને આ કોઈના નાણાં ખપે નહીં.". વિશ્વાસે કાકા પાસેથી પાંચસોની નોટ લીધી. પછી કાકાનો આભાર માન્યો.. વિશ્વાસને એ કાકાને જોઈ ને યાદ આવ્યું.
આજથી ત્રણ મહિના પહેલા બેંકમાં ભીડ હતી ને આ કાકા રૂપિયા લેવા આવ્યા હતા. એના બે દિવસમાં કોઈ પાંચસોની બનાવટી નોટ આવી ગઈ હતી અને વિશ્વાસને ખબર પણ ના પડી. આ બનાવટી નોટ કાઢવા માટે પ્રયત્ન કરવા ઈચ્છા થતી પણ મન ના પાડતું...એ દિવસે આ કાકા પેન્શન લેવા આવ્યા. અને..એ બનાવટી નોટ.. પધરાવી દીધી... કાકા તો નોટો ગણતા જ નહોતા..મારા વિશ્વાસે !. વિશ્વાસે જોયું તો કાકા બેંકની બહાર નીકળતા જ હતા. વિશ્વાસે કાઉન્ટર બંધ કર્યું અને પાંચસોની નોટ લઈને દોડ્યો. દોડતો એ કાકા પાસે આવ્યો અને એ પાંચસોની નોટ આપી ને બોલ્યો..આ તમારી જ નોટ છે... મને માફ કરજો.. મેં તમારા વિશ્વાસનો ભંગ કર્યો હતો. એ કાકા એ પાંચસોની નોટ ના લીધી. અને બોલ્યા," વિશ્વાસ કોઈ નો તોડવો નહીં.. તેં તારા ખિસ્સાની ઈમાનદારી બતાવી...અને મેં મારી ખાનદાની ઈમાનદારી.