ઈદી
ઈદી
બેગમનો ગુસ્સો સાતમા આસમાને હતો અને તે વાજબી પણ હતો કારણકે ઈદને હવે ફક્ત એક જ અઠવાડિયું બાકી હતું અને પુરા ફેમિલીના કપડાં અને ઈદની વિવિધ જરૂરીયાતોની ખરીદી હજુ બાકી હતી. જુલાઈ મહિનાથી લાગુ થનાર જી.એસ.ટી. પહેલાં જૂનાં હિસાબો સરભર કરવા અને સ્ટોક ક્લીયર કરવાના કામમાં હું અને મારો સ્ટાફ એટલા મશગુલ હતા કે હું બેગમને સમય ફાળવી શકતો ન હતો. આમ છતાં રવિવારના દિવસે ખરીદી કરવા જવાનું વચન આપી દીધું હતું અને એ રવિવારની સવાર પણ આવી ગઈ. સમય કાઢ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આપેલ વચન મુજબ ખરીદી કરવા મોલમાં જવા હું તૈયારી કરી રહ્યો હતો. બેગમ તેના કામમાં મશગુલ હતી. બેગમના કામમાં છલકાઈ રહેલી અધીરાઈ હું સમજી શકતો હતો અને માણી પણ રહ્યો હતો. હું મારી આદત મુજબ નિરાંતે તૈયાર થઇ રહ્યો હતો.
આમારુ કુટુંબ બહુ નાનું છે. હું એટલેકે અશફાક, બેગમ એટલે સમીના અને પુત્ર અરમાન.
હું જાણે મારા ધંધાના તાણાવાણામાં કેદ થઇ ગયો છું. મારું કાર્ય ફક્ત પૈસા કમાવવા પુરતું માર્યાદિત થઇ ગયું હોય તેમ મને લાગે છે. જયારે બેગમનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. સમીનાએ મને અને મારા કુટુંબને સાચવવા ઉપરાંત સામાજિક વ્યવહારો સાચવવા, કામવાળી બાઈથી લઇ ધોબીના, દૂધવાળાના, કરિયાણાવાળાના, ન્યુજ પેપેરવાળાના હિસાબો ચકાસવાના અને તેની સમયસર ચૂકવણી કરવા ઉપરાંત ટેલીફોન, લાઈટ, ચેનલના બીલો સમયસર ભરીદેવાની સ્વયંભૂ જવાબદારી સ્વીકારી લીધી છે જેથી કોઈ કનેક્શન કપાય નહિ. તે સિવાય સમીનાએ રમઝાન મહિનામાં વિશેષ રીતે ઝકાત, સદકા અને ફીતરા જરૂરીયાતમંદોને પહોચાડવા જેવી જવાબદારીઓ પણ વિના ફરિયાદે ઉપાડી લીધી છે. સમીનાનો અભ્યાસ ભલે પ્રાથમિક શાળા સુધીનો છે પરંતુ અલ્લાહે તેને ગજબની કોઠાસુજ બક્ષી છે. ક્યાંય કોઈ હિસાબમાં ભૂલ નહિ, કોઈની સાથે કોઈ કચકચ નહિ કે ન કોઈ સામાજિક વ્યવહારમાં ચૂક. કોઈક વાર તેના હિસાબની ડાયરી હાથમાં લઉં છું તો તરતજ છીનવી લે છે અને “ ભલે તમે તમારી ઓફિસનો હિસાબ જોતા હોવ અને સમજતા હોવ પરંતુ તમને મારા હિસાબમાં સમજણ નહી પડે” એમ કહી સિફત પૂર્વક તે ડાયરી છુપાવી દે છે. આમ છતાં તેની ગેર હાજરીમાં જીજ્ઞાસાવશ મેં બે ત્રણ વાર તે ડાયરી ચકાસી છે તેના અક્ષરો સારા નથી અને હિસાબ લખવાની ઢબ પણ જુનવાણી છે પરંતુ હિસાબના જમા અને ઉધાર બંને પાસાનો મેળ અચૂક મળે છે. હિસાબ નીચે કેટલીક જરૂરી નોધો પણ કરે છે. તેનો પૂરો હિસાબ ભલે મને ન સમજાય પરતું તેણે કરેલી નોધો હું સમજી જાઉં છું.
મારો પુત્ર અરમાન નાનો હતો ત્યારે ખૂબ તોફાની હતો. તેની હરકતોથી અમે તંગ આવી જતા પરંતુ કિશોરવાસ્થાએ પહોચતાં સુધીમાં તે ખૂબ જ ગંભીર થઇ ગયો છે. હાલ ધોરણ-૯માં અભ્યાસ કરે છે. તેને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ છે. શિક્ષણ કાર્ય ખૂબ રસપૂર્વક અને ગંભીરતાથી કરે છે. કોઈ ફરિયાદ નહિ. શિસ્તબદ્ધ અને નિયમિત વિદ્યાર્થી છે. વર્ગમાં પ્રથમ તો નથી આવતો પરંતુ વર્ગમાં ટોપ ૧૦માં જરૂર સ્થાન મેળવે છે. તે ખૂબ જ જીજ્ઞાસુ છે. અભ્યાસ ઉપરાંત રોજબરોજની બનતી ઘટનાઓ વિષે ખૂબ લાગણીશીલ છે. હું તેને રોજ સાંજે થોડોક સમય ફાળવું છે કેમકે આમારા આખા કુટુંબે રોજ સાંજે એક સાથે બેસી જમવું તેવો બેગમનો આગ્રહ છે તેથી મોટા ભાગે અમે ડીનર સાથે જ લઈએ છીએ. અરમાનને કોઈ બાબત વિષે જાણવું હોય તો ડીનર ટેબલ પર મને જરૂર પૂછે છે અને જયાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી પેટા પ્રશ્નો પૂછી તે બાબત અંગેની પૂરેપૂરી જાણકારી મેળવી લે છે. હજુ ગઈ કાલે જ તેણે મને સદક-એ- ફિત્ર વિષે પૂછ્યું હતું અને શા માટે આપણે સદક-એ- ફિત્ર રમજાન માસમાં જ અદા કરવો જોઈએ તે બાબતે પૂછપરછ કરી તેની વિગતો મેળવી હતી. તેને મારા જવાબથી સંતોષ થયો હોય તેવું મને લાગ્યું હતું.
ઓછા બોલી મારી બેગમે રઘવાટ વિના તેના કર્યો પુરા કરી, કાંઈ પણ બોલ્યા વિના મારી સામે નજર નાખી. હું સમજી ગયો કે હવે તે બાથરૂમમાં જશે અને તે તૈયાર થાય ત્યાં સુધીમાં અમારે પણ તૈયાર થઇ જવાનું છે. હું મારા બેડ રૂમમાં એટેચ ટોઇલેટમાં જાઉં તે પહેલાં અરમાનના રૂમમાં ડોકિયું કરી તેને પણ તૈયાર થઇ જવાની સુચના આપવા તેના રૂમમાં ગયો. અરમાન તેના એક માત્ર જીગરજાન મિત્ર અદનાન સાથે બેઠો હતો. મને જોઈ અદનાન ઉભો થઇ ગયો અને બોલ્યો “અસ્સલામો અલયકુમ,અંકલ”. મેં તેની સલામનો જવાબ આપ્યો અને તેના માથે હાથ મૂકી તેના અભ્યાસ વિષે, તેની અમ્મીની તબિયત વિષે અને તેની નાની બહેન વિષે થોડીક જાણકારી મેળવી. અદનાનના અબ્બા દરજીકામ કરતા હતા પરંતુ બે વર્ષ પહેલાં ખૂબ ટૂંકી માંદગીમાં અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. તેની અમ્મીએ પણ દરજીકામને પોતાની આજીવિકાનું સાધન બનાવી દીધું છે. અદનાન ભણવામાં ખૂબ હોશિયાર છે. હમેશાં વર્ગમાં પ્રથમ આવે છે. તેની અમ્મી અદનાનના ઉજજવળ ભવિષ્યના સપનાં જોતાં જોતાં પોતાના બંને બાળકોને ઉછેરી રહ્યા છે. અરમાનને લગભગ તૈયાર થઇ ગયો જોઈ હું તૈયાર થવા મારા રૂમમાં પરત આવી ગયો.
સવારના દસ વાગી ગયા હતા. બેગમ ખરીદી માટે તૈયાર હતી. હું પણ તૈયાર થઇ ગયો હતો. પોર્ચમાં ઉભેલી ગાડી પાસે જઈ ગાડી ચેક કરી હું ફરીથી અરમાનના રૂમમાં દાખલ થયો. અરમાન અને અદનાન બંને બાજુ બાજુમાં ઉભા હતા જાણે એક બીજાની ઉંચાઈ માપતા હોય. લગભ બંન્ને સરખા હતા. મને અદનાન, અરમાન કરતાં એકાદ ઇંચ જેટલો ઉંચો જણાયો. મેં અરમાનને પૂછ્યું “બેટા રેડી ?” અરમાને તેની સદાની ગંભીર મુદ્રા સાથે કહ્યું “ યસ ડેડી, આઈ એમ રેડી ”. અદનાન મને ખુદા હાફીઝ કહી અને અરમાનને સ્માઈલ આપી તેના ઘરે જવા રવાના થયો.
અમે ઘરેથી રવાના થયા. રસ્તામાં અમારી વચ્ચે ખરીદી અંગે થોડોક અછડતો વાર્તાલાપ થયો. બેગમ પોતાની પાસેની ખરીદીની યાદીને આખરી રૂપ આપી રહી હતી જયારે અરમાન મને થોડોક વિચારોમાં ખોવાયેલો જણાયો. ગીચ ટ્રાફિકમાં અટવાતા અમે લોકો છેવટે શહેરના સૌથી મોઘા મોલમાં આવી પહોચ્યા. રમઝાન ઈદ નજીક હોવાથી ખરીદી કરનારાઓથી મોલ ભરચક હતો. સૌથી વધુ ભીડ બ્રાન્ડેડ ડ્રેસ વિભાગમાં હતી. મારી શરૂઆતની ૧૦ મિનીટ તો શો કેસમાં અને વોર્ડરોબમાં લટકાવેલ ડ્રેસીસ જોવામાં પસાર થઇ ગઈ. મેં આજુ બાજુ નજર નાખી તો મને બેગમ કે અરમાન નજરે ન પડ્યા. થોડેક દુર અરમાન સાદા ડ્રેસીસના કાઉન્ટર પાસે ડ્રેસ જોતો જોવા મળ્યો જયારે બેગમે તો લેડીજ ડ્રેસીસના કાઉન્ટર પરથી ખરીદી પણ શરુ કરી દીધી હતી. બેગમે મને જોયો તેના મુખારવિંદપર સંતોષભર્યો મલકાટ નિહાળતો હું અરમાન પાસે પહોચ્યો. મેં અરમાન ને કહ્યું “ બેટા, ચાલ તારા માટે તને મન ગમતો કોઈ મોઘો બ્રાન્ડેડ શૂટ ખરીદીએ”.
અરમાન મારી સાથે દોરવાયો. તે હજુ પણ કોઈ વિચારોમાં અટવાએલો જણાયો. બ્રાન્ડેડ ડ્રેસીસના કાઉન્ટરના સેલ્સમેને વિવિધ રંગના મોઘા શૂટનો ઢગલો અરમાન સામે ખડકી દીધો. અરમાનને તે શૂટ ખરીદવામાં કોઈ રસ ન પડ્યો.
મેં કહ્યું “ અરમાન બેટા, વ્હોટ્સ પ્રોબ્લેમ ? તને આ શૂટ નથી ગમતા ?”
અરમાને જવાબ આપ્યો “ડેડી, મને શૂટ ગમે છે પરંતુ આ મોઘા શૂટના બદલે બે સાદાઅને સસ્તા ડ્રેસ ખરીદીએ તો કેવું ?”
હું તેની અકળામણ કળી ન શક્યો. મને આજે તેનું વલણ સમજાતું ન હતું. મેં કહ્યું “તારે મોઘા બે શૂટ ખરીદવા હોય તો પણ વાંધો નથી.”
“ના ડેડી, મારે સાદા બે ડ્રેસ ખરીદવા છે.” અરમાને આગ્રહ કર્યો. હું તેને નારાજ કરવા નહોતો ઈચ્છતો. અમે પાછા સાદા ડ્રેસીસના કાઉન્ટર પાસે આવ્યા. તે ખુશ થઇ ગયો. તેણે બે જુદા જુદા રંગના સાદા ડ્રેસ ખરીદ્યા.
મેં પણ મારા પસંદગીના કપડાં ખરીદી લીધા. અમે બંને બેગમ પાસે આવ્યા. હજુ તેની ખરીદી ચાલુ હતી. અમોને જોઈ તેણે હળવું સ્મિત કર્યું અને થોડી વારમાં ખરીદી પૂરી થઇ જશે તેવો હાથથી ઈશારો કર્યો. અમે મોલની કેન્ટીનમાં જઈ ઇફતારી માટે કેટલીક વાનગીઓ અને આઈસ્ક્રીમનું ફેમીલી પેક ખરીદ કરી પાછા આવ્યા ત્યારે બેગમે તેની ખરીદી પતાવી દીધી હતી. અમે કેશ કાઉન્ટર તરફ આગળ વધ્યા. પેમેન્ટ ચૂકવાઈ ગયું.
બેગમ અને અરમાન પાર્કિંગ તરફ આગળ ચાલ્યા ત્યારે “હું થોડીક વારમાં આવું છું તમે ગાડી પાસે મારી રાહ જુઓ “ તેમ કહી હું મોલમાં પાછો ગયો અને પાંચ મિનિટમાં જ પાછો આવી ગયો.
બપોરનો તાપ તપતો હતો. અમે પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી ઘર તરફ પાછા વળ્યા. અરમાન બેચેનીથી અવાર નવાર બારીની આરપાર જોઈ રહ્યો હતો. મને આજે તેનું વર્તન થોડુક “કન્ફ્યુઝ્ડ” લાગ્યું. અમારા બંગલા તરફ જવાનો રસ્તો નજીક આવ્યો એટલે અરમાને કહ્યું “ ડેડી, ગાડી અદનાનના ઘર પાસેથી લઈ લેજો ને”.
મને અરમાનના આજના વર્તનનો જવાબ મળી ગયો. મેં અદનાનના ઘર પાસે ગાડી પાર્ક કરી. ખરીદ કરેલા બંને ડ્રેસ લઇ અરમાન દોડતો અદનાનના ઘરમાં ઘુસી ગયો. હું અને સમીના પણ તેની પાછળ પાછળ અદનાનના ઘરમાં દાખલ થયા. અરમાને તેણે ખરીદેલા બંને ડ્રેસ અદનાન સામે ધરી તેને જે રંગ પસંદ હોય તે ડ્રેસ રાખી લેવા કહ્યું. અદનાન ભાવ વિભોર થઇ અરમાનને ભેટી પડ્યો.
સમીનાએ એક ડ્રેસ અદનાનની અમ્મીને ભેટ આપ્યો અને એક ડ્રેસ અદનાનની નાની બહેન રેહાનાને ભેટ આપ્યો. અદનાનની અમ્મીએ અમોને ખૂબ દુઆઓ આપી. અમે ત્યાંથી રવાના થયા. અમારો બંગલો આવી ગયો પરંતુ મેં ગાડી બંગલામાં દાખલ કરવાના બદલે આગળ લીધી. સમીનાએ આશ્ચર્યથી મારી સામે જોયું.
મેં કહ્યું “ કામવાળી બાઈ, ધોબી અને દુધવાળા માટે તે ખરીદેલ ઈદી પણ પહોચાડતા આવીએ. આટલી ગરમીમાં તુ કેવી રીતે જઈશ ?”
સમીનાએ પ્રશ્નાર્થ આંખોએ મારી સામે જોયું જાણે કહેતી હોય “તમને કેવી રીતે ખબર પડી ? “.
મેં સ્પષ્ટતા કરતાં કહ્યું “મેં તારી ખરીદીનું લીસ્ટ બે દિવસ પહેલાં જોઈ લીધું હતું અને તારી ઉતાવળને સમજી ગયો હતો, તારી દૂરદર્શિતા અને તારી ઉદારતાને હું સલામ કરું છું.” સમીના કઇં બોલી નહિ પરતું તેની ખરીદીને પુરસ્કૃત કરવા બદલ મારા ખભે તેનું માથું ઢાળી દીધું.
અમે બધાને ઈદી આપી પરત આવ્યા. અરમાન સંતોષ સાથે તેના રૂમમાં દાખલ થયો. થોડીવાર પછી હું પણ અરમાનના રૂમમાં દાખલ થયો ત્યારે અરમાન તેના નવા ડ્રેસને તેના શરીર પર હાથથી લટકાવી અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળી રહ્યો હતો. મને જોઈ થોડોક શરમાયો.
મેં પૂછ્યું “બેટા અરમાન, તેં અદનાનને મોઘો શૂટ ભેટ આપવાના બદલે શા માટે સાદો ડ્રેસ ભેટ આપ્યો ?”
અરમાને જવાબ આપ્યો “ ડેડી, અદનાન સમક્ષ આપણી અમીરીનું પ્રદર્શન કરી હું તેનું અપમાન કરવા નહોતો ઈચ્છતો અને તેને “અનકમ્ફર્ટ” ફિલ થાય તેવું પણ નહોતો ઈચ્છતો”. મેં અરમાનની વિચાર સરણીની કદર કરી તેને મારા આગોશમાં લઇ લીધો. અમે બંને થોડીક પળો એક બીજામાં ઓતપ્રોત થઇ ગયા. મારો હાથ અરમાનના માથા પર ફરતો રહ્યો.
અરમાનને મારાથી અળગો કરી મેં તેનાથી છુપાવી તેના માટે ખરીદેલ એક મોંઘો બ્રાન્ડેડ શૂટ ભેટ આપી કહ્યું “અરમાનને તેના ઉચ્ચ ઇસ્લામી અખાલકો માટે તેના અબ્બુ તરફથી ઈદુલ ફિત્રની ઈદી. “ અરમાનની આંખોમાં ભીનાશ તરવરી ઊઠી.